લાડકી

ટિનેજરમાં ભાગેડુવૃત્તિનો પગપેસારો

Runaway Teen

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

રાત તો જાણે બધા જ લોકોની ખરાબ પસાર થયેલી બિરવાના માતા પિતા પણ દીકરીની ચિંતામાં ઊંઘી નહોતા શક્યા તો સુરભીના ગેસ્ટરૂમમાં ખુલ્લી આંખે છતને તાકતી પડેલી બિરવાને પણ ખ્યાલ નહોતો આવતો કે આવતીકાલ સવારે ઊઠીને ઘરે પાછું જવું કે પોતાના અહીંથી ભાગી છૂટવાના નિર્ણયને વળગી રહેવું? સુરભી આંટી સાથે ગમે એવું છે પણ એના ઘરે કંઈ દરરોજ તો રહેવાય નહીને??

આ બાજુ વિહાને તો બિરવાને બચાવનાર હિરો તરીકે આખી સ્કૂલમાં છવાય જવાના સપના આવવા લાગ્યા છે. આજ રાત્રે શું શું બન્યું એ શબ્દસહ પોતાની બેસ્ટ ફ્રેન્ડસને રજેરજ કહેવું છે તો શેરલ વિશે હવે મારે વધુ વાંચવું છે, લાઇબ્રેરીમાં જઈને કંઈક શોધવું પડશે. મમ્મી સાથે તેની વાતો કરવી પડશે અને કાલ ફરીથી આવીને સુરભી પાસે ચટપટા આવા કિસ્સાઓ સાંભળવા છે અને વાતવાતમાં થોડી પંચાત પણ કરવી છે કે બિરવા હવે આગળ શું કરશે?? આવા નીતનવાન વિચારોના ઉન્માદ એકસાથે લઇ વિહાબેન તો જેવા પથારીમાં પડ્યા એ ભેગા ઘસઘસાટ ઊંઘી ગયા. આ તરફ બિરવા માફક સુરભી પણ પડખાં ઘસતી પડી હતી કે આખી વાત દરમિયાન જે રીતે બિરવાં સાવ જડ્વત્ બેસી રહેલી એ જોતાં નક્કી તેણીના ઘરમાં કંઈક વધુ જ સમસ્યા હશે એવું રહી રહીને સુરભીને લાગી રહ્યું હતું. તેના પેરેન્ટ્સ સાથે કાલે સવાર પડતાં જ વાત તો કરવી જ પડશે એ લોકોનો સાવ કંઈ વાંક જ ના હોય એવું લાગી રહ્યું નથી, પણ હવે આખરે એ ઘરની ચાર દીવાલ વચ્ચે શું રંધાઈ રહ્યું છે એ અંગે તો અંદર રહેનારા લોકો કહે તો જ ખ્યાલ આવે એમ માની માંડ બે ઘડી એની આંખ ઘેરાય ત્યાં તો બિરવાઆઆઆઆ… એમ જોરથી બૂમ સંભળાતા એકીઝાટકે ઊભી થઈ તેણીએ સીધી ગેસ્ટરૂમ તરફ દોટ લગાવી.

બિરવાઆઆઆઆઆઆ….સવારના જે તીણી ચીસ સાથે વિહાની નીંદર ઊડી એ બિરવાના મમ્મીની હતી. કારણકે બિરવા ફરીથી સુરભીના ઘરમાંથી પણ ભાગી છૂટેલી. સુરભી એ બધા કકળાટની વચ્ચે ખૂબ શાંત, સ્થિર અને મક્કમપણે ઊભેલી પરંતુ બિરવાના મા બાપથી લઈને આડપડોસના બીજા બધા જ લોકો આખી પરિસ્થિતિમાં જાણે સુરભી ગુનેગાર હોય એ રીતે વર્તન કરી રહ્યા હતા. ત્યારે તેણીને થયું કે બિરવાને રાત્રે મદદ કરી, ઘરમાં રાખીને પોતે ભૂલ કરી છે?? જોકે આ સમાજ માટે તો એ જ કામ હોય છે કોઈ સારું કામ કરે તો એને ક્યારે ખરાબ ચીતરવાનો કે નીચા બતાવવાનો મોકો મળે ને તુરંત જ ઝડપી લે.

પરંતુ આ ઉંમરે તરૂણાવસ્થામાં તમને ઘર છોડીને ભાગી છૂટવાનું મન શા માટે થાય?? તમને કેમ દુનિયાનો ડર નથી લાગતો?? કેમ એવું નથી થતું કે મારી સાથે કંઈ ખરાબ થઈ જશે અથવા તો હું આગળ જઈને શું કરીશ? કાલ સવારે હું ક્યાં ઉઠીશ? હું શું ભણીશ, મારી શું કેરિયર બનશે? આ બધા જ વિચારોને કચરામાં નાખી અમુક ટીનએજર્સ ઘરથી ભાગી છૂટવાની કોશિશ કેમ કરતા રહે છે? આપણે ત્યાં હજુ પણ આનું પ્રમાણ ઓછું છે પરંતુ પાશ્ર્ચાત્ય દેશોમાંrun away kidઅથવાrun away kid નો આખો એક ટ્રેન્ડ ચાલ્યો છે. ત્યાં જોકે માતા-પિતા પણ ઘણા પ્રેક્ટિકલ જોવા મળતા હોય છે. વાતાવરણ પણ એવું હોય કે તેઓને પોતાની મરજી મુજબનું કામ મળી રહે છે. ૧૫ વર્ષનો છોકરો રેસ્ટૉરન્ટમાં કામ કરે, વેઈટરનું કામ કરે, ઝાડુ પણ લગાવી દે, ન્યૂઝપેપર સેલ કરવાનું પણ કામ કરે અને બે પૈસા કમાઈને પોતાનું ઘર ચલાવે આપણે ત્યાં આ પરિસ્થિતિ સહજ સ્વીકાર્ય નથી કારણકે, અંહી ભયસ્થાનો પણ ઘણા બધા છે. ખાસ કરીને તરુણીઓ માટે તો બહારની દુનિયા બિલકુલ સલામત નથી, આવા સંજોગોમાં પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાતી આપણી ટીનેજર દીકરીઓને કઈ રીતે એવું સમજાવવું કે મા બાપ છે એ તમારા સારા માટે કહેતા હોય છે અને જો કદાચ એમાં એ ભૂલ પણ કરતા હોય તો તમારે કાયદાકીય મદદ લેવી, શિક્ષકોની મદદ લેવી, ઘરના કુટુંબીજનોની મદદ લેવી વધારે આવશ્યક છે.

તરૂણાવસ્થા દરમિયાન અંત:સ્ત્રાવોમાં આવતા ઉછાળાઓને કારણે તરૂણોના મનમાં હકીકતને બદલે કલ્પનાઓની દુનિયા વધારે આકાર લેતી હોય છે. તેઓને જોખમ ઉઠાવવામાં કોઈ ડર લાગતો નથી એટલા માટે જ આપણે ત્યાં એવું કહેવાય છે કે ઊગતું લોહી છે..જેનામાં ડર નથી અને ખોટી હિંમત ભરેલી છે જે અનાવશ્યક છે. જો નાની ઉંમરે સારા-નરસાંનું ભેદ પારખી શકતા હોત તો પછી અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે એવી કહેવતો બની જ ના હોત અને અનુભવનો અભાવ અન્યોની વાત સ્વીકારવાની અક્ષમતા અને પોતાના વિચારોને જુદા તારવી ન શકવાની અસમર્થતા તરૂણોને આવા સ્વ ઘાતકી નિર્ણયો લેવા તરફ પ્રેરે છે.

બિરવા ક્યાં ગઈ? તેણીએ શું કર્યું? તે પાછળ કંઈ લખીને ગઈ? મા બાપ માટે કોઈ સંદેશો છોડીને ગઈ? સુરભી માટે શું કહીને ગઈ હશે આવી જાત જાતની અટકળો વચ્ચે સોસાયટીમાં લોકોના બે-ચાર કલાક તો ચપટીમાં નીકળી ગયા, અમુકને નોકરી પર જવાનું મોડું થયું તો કોઈકની રસોઈ રખડી પડી, પણ આવી ગરમાગરમ ગોસીપ કોઈ છોડવા માગતું નહોતું ત્યાં અચાનક જ બિરવા પ્રગટ થઈ, પણ આ વખતે એકલી નહીં તે મહિલા પોલીસને સાથે લઈને આવેલી. આવી તો શું જરૂર પડે કે એક ટીનેજર દીકરી પોતાના ઘરે પોલીસને સાથે લઈને આવે? અફવાઓનું બજાર હતું એના કરતાં પણ વધારે ગરમ થઇ ગયું. વિહા તો જ્યાં સ્કૂલેથી આવી ત્યાં સોસાયટીમાં જે કલબલાટ હતો એ જોતા પોતાનાથી કંઈક મેજર ઘટના અહીં છૂટી ગઈ છે તેનું તેણીને ભાન થયા વગર રહ્યું નહીં. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button