રાજ્યસભામાં નામનિયુક્ત પ્રથમ મહિલા રુક્મિણીદેવી અરુંડેલ
સાદિર અટ્ટમ નૃત્યશૈલી અંગે સાંભળ્યું છે?
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
આ સવાલનો જવાબ ભાગ્યે જ હકારમાં સાંભળવા મળશે. પણ જો એવું પૂછવામાં આવે કે ભરતનાટ્યમ વિશે જાણો છો તો નકારમાં ઉત્તર વાળનાર કો’ક જ મળશે. આ ભરતનાટ્યમનું પ્રાચીન નામ સાદિર અટ્ટમ છે. દેવદાસીઓનાં નૃત્ય તરીકે પ્રચલિત સાદિર અટ્ટમ શૈલી લગભગ મરણતોલ અવસ્થામાં પહોંચી ગયેલી. પણ એને ભરતનાટ્યમના નામે એક નારીએ નવજીવન આપ્યું. સાદિર અટ્ટમ માટે સંજીવની સાબિત થયેલાં એ મહિલા એટલે રુક્મિણીદેવી અરુંડેલ… રાજ્યસભામાં નામનિયુક્ત થયેલાં પ્રથમ સ્ત્રી !
રુક્મિણીદેવીનાં નામ સાથે અનેક વિશેષણો જોડાયાં : ૧૯૨૩માં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ યંગ થિયોસોફિસ્ટનાં અધ્યક્ષા, ૧૯૨૫માં વર્લ્ડ ફેડરેશન ઓફ થિયોસોફિસ્ટનાં અધ્યક્ષા, રાજ્યસભા સાંસદ તરીકે ૧૯૫૨ અને ૧૯૫૬માં પશુ ક્રૂરતા નિવારણ માટે એક વિધેયક રજૂ કર્યું, જે ૧૯૬૦માં કાયદો બન્યો અને ૧૯૬૨થી એનિમલ વેલફેર બોર્ડનાં અધ્યક્ષા…. કેટલાયે પુરસ્કારોનું ગૌરવ પણ એમણે વધાર્યું : પદ્મભૂષણ-૧૯૫૬, સંગીત નાટક અકાદમી પુરસ્કાર-૧૯૫૭, દેશિકોથામા પુરસ્કાર-વિશ્ર્વભારતી વિશ્ર્વવિદ્યાલય-૧૯૭૨, કાલિદાસ સન્માન-૧૯૮૪… પરંતુ વિશેષણો અને પુરસ્કારોથી ઊંચેરાં ઊઠેલાં રુક્મિણીદેવીની મુખ્ય અને મહત્ત્વની ઓળખ ભરતનાટ્યમ નૃત્યાંગના અને કલાક્ષેત્રનાં સ્થાપક તરીકેની જ છે !
આ રુક્મિણીદેવીનો જન્મ ૨૯ ફેબ્રુઆરી ૧૯૦૪ના મદુરાઈમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો. માતા શેષમલ સંગીતપ્રેમી. પિતા નીલકંઠ શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન હતા. લોકનિર્માણ વિભાગમાં એન્જિનિયર તરીકે કાર્યરત હતા. ૧૯૦૧માં નીલકંઠ શાસ્ત્રીનો થિયોસોફિકલ સોસાયટી સાથે સંપર્ક થયો. એની બેસન્ટ સાથે પરિચય થયો. સેવાનિવૃત્ત થયા પછી નીલકંઠ શાસ્ત્રીએ અડ્યારમાં થિયોસોફિકલ સોસાયટીની નજીક ઘર બનાવ્યું. પિતાને પગલે પુત્રી રુક્મિણીદેવીને પણ થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃત્તિઓમાં રસ પડ્યો. પ્રખ્યાત બ્રિટિશ થિયોસોફિસ્ટ ડો. જ્યોર્જ અરુંડેલ એનો સારો મિત્ર બની ગયો. જ્યોર્જ વારાણસીમાં સેન્ટ્રલ હિંદુ કોલેજના આચાર્ય હોવાની સાથે એની બેસન્ટના નિકટના સહયોગી પણ હતા. રુક્મિણીદેવી અને જ્યોર્જ સમાન વિચારધારાને પગલે પરસ્પરની નજીક આવ્યાં. ૧૯૨૦માં બન્ને લગ્નબંધનમાં બંધાઈ ગયાં. એ વખતે જયોર્જની ઉંમર ૪૨ વર્ષ હતી અને રુક્મિણીદેવીની ઉંમર હતી માત્ર સોળ વર્ષની. સમાજને આ લગ્નથી આશ્ર્ચર્ય થયું, આઘાત પણ લાગ્યો. પ્રત્યક્ષ ને પરોક્ષ વિરોધ પણ કર્યો, પરંતુ ઉંમરમાં છવ્વીસ વર્ષનું અંતર પણ બેયનાં દિલ વચ્ચે અંતર કે અંતરાય ન બન્યું.
નદીની માફક જીવનસફર ખળખળ વહેતી રહી. રુક્મિણદેવી ભરતનાટ્યમથી સંપૂર્ણપણે પરિચિત નહોતી. માત્ર બાળપણનું નાનકડું સ્મરણ હતું. નવરાત્રિના ઉત્સવ દરમિયાન મહારાજા માટે આયોજિત કાર્યક્રમમાં પિતા દ્વારા રજૂ કરાયેલા ભરતનાટ્યમની ઝલક જોયાનું આછું સ્મરણ હતું. પણ હજુ સુધી રુક્મિણીદેવીના મનમાં ભરતનાટ્યમનું બીજ વવાયું નહોતું, પરંતુ પતિ જ્યોર્જ સાથે લંડન ગઈ ત્યારે ૧૯૨૪માં રશિયન બેલે ડાન્સર અન્ના પાવલોવાનું નૃત્ય જોયું અને રુક્મિણીદેવીનો જીવનપ્રવાહ ફંટાયો. મૂળ તો રુક્મિણીદેવી અન્ના પાવલોવાનો બેલે ડાન્સ જોવા માટે કોન્વેન્ટ ગાર્ડન્સ ગયેલી. અન્નાનું અદભુત નૃત્ય જોઈને રુક્મિણીદેવી જાણે જાદુ થયું હોય એમ સંમોહિત થઈ ગઈ.
રુક્મિણીદેવી અને જ્યોર્જ અરુંડેલ ત્યાર પછી ભારત પાછાં ફર્યાં. ત્રણેક વર્ષ પછી અન્ના પાવલોવા પણ પોતાના કાર્યક્રમ માટે ભારત આવી. અન્ના મુંબઈમાં હતી અને રુક્મિણીદેવી વારાણસીમાં આયોજિત થિયોસોફિકલ સોસાયટીના વાર્ષિક અધિવેશનમાં. પણ અન્ના પાવલોવા મુંબઈમાં હોવાનું જાણીને રુક્મિણીદેવી અધિવેશન છોડીને નીકળી પડી. સીધી જ મુંબઈ પહોંચી. ફરી એક વાર અન્નાનો જાદુ અનુભવ્યો. રુક્મિણીદેવી રંગમંચની પાછળ નેપથ્યમાં ગઈ. એણે અન્ના પાવલોવાને પોતાના કક્ષમાંથી બહાર નીકળતાં જોઈ. અન્ના અત્યંત હળવેથી પગલાં માંડી રહી હતી. અચાનક એનું ધ્યાન રુક્મિણીદેવી પર પડ્યું. અન્ના એની નજીક આવી. રુક્મિણીદેવીને ઘુમાવી દીધી અને એની સાડી તથા એની કાયા જોઈને બોલી, ‘તમને મળવું ખૂબ ગમ્યું…’ એમ કહીને અન્ના પાવલોવા ઝડપથી બહાર નીકળી. રુક્મિણીદેવીએ વિચાર્યું કે, ‘અન્ના મારા જીવનમાંથી બહાર નીકળી ગઈ..’
વાસ્તવિકતા તદ્દન વિપરીત હતી. હકીકતમાં અન્ના પાવલોવા રુક્મિણીદેવીના જીવનમાંથી બહાર નહોતી નીકળી, બલકે એમના જીવનમાં પ્રવેશી રહેલી. બન્યું એવું કે અન્ના અને રુક્મિણીદેવીનું મળવાનું વધતું ગયું. નિરંતર મુલાકાતોને પગલે બેયની સાથે મૈત્રી થઈ. મૈત્રી ઘરોબામાં પલટાઈ. બન્ને મોકળાશથી વાતો કરતાં થયાં. એક વાર રુક્મિણીદેવીએ કહ્યું, ‘કાશ ! હું તમારી જેમ નૃત્ય કરી શકતી હોત, પણ હું એવું નહીં કરી શકું એ હું જાણું છું.’ પાવલોવાએ ત્વરિત જવાબ આપ્યો, ના, ના… તમારે એવું ક્યારેય ન કહેવું જોઈએ. તમારે તો નૃત્ય કરવાની આવશ્યકતા જ નથી, કારણ કે જો તમે મંચ પર માત્ર લટાર મારતાં હો એ રીતે આવીને નીકળી જાઓ તો પણ એ પૂરતું થશે.’
અન્ના પાવલોવાના આ શબ્દોથી રુક્મિણીદેવીને પ્રોત્સાહન મળ્યું. અન્નાએ પોતાની એક શિષ્યા ક્લિયો નાર્ડો સાથે રુક્મિણીદેવી નૃત્યનો અભ્યાસ કરી શકે એવી વ્યવસ્થા ગોઠવી. રુક્મિણીદેવી અત્યંત ઝડપથી બેલેમાં નિપુણ થઈ ગઈ. પછી અન્નાએ રુક્મિણીદેવીને પ્રાચીન ભારતીય નૃત્યશૈલીઓમાં રસ લેવાનું કહ્યું. રુક્મિણીદેવીએ અન્નાનું સૂચન વધાવ્યું અને પોંખ્યું.
વર્ષ ૧૯૩૩…. રુક્મિણીદેવીએ ચેન્નાઈમાં દેવદાસી શૈલીનું સાદિર અટ્ટમ નૃત્ય જોયું. નૃત્યશૈલીથી પ્રભાવિત થયાં. એ દિવસોમાં સાદિર લગભગ મૃતપાય અવસ્થાએ પહોંચી ગયેલું. રુક્મિણીદેવીએ એને પુનર્જિવિત કરવાનો સંકલ્પ કર્યો. એમણે માયલાપુર ગોવરી અમ્મા પાસે શીખવાનો આરંભ કર્યો. સાથે જ કૃષ્ણા અય્યરની મદદથી વંશગત પરંપરાનાં ગુરુ મીનાક્ષી સુન્દરમ પિલ્લઈ પાસે ખાનગીપણે દેવદાસીઓની નૃત્યકળા ‘સાદિર’ શીખવાનું શરૂ કર્યું. બે વર્ષના કઠોર અભ્યાસના ફળસ્વરૂપે નૃત્યમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. ૧૯૩૫માં આંતરરાષ્ટ્રીય
થિયોસોફિકલ સંમેલનના અવસરે એક વટવૃક્ષ હેઠળ રુક્મિણીદેવીએ સાદિર નૃત્યની પ્રસ્તુતિ કરી. સંગીતકારોને એકદમ નવી ઢબે મંચ પર એકબાજુ બેસાડવામાં આવેલા. રુક્મિણીદેવીનો પોશાક અને આભૂષણો સુરુચિપૂર્ણ હતાં. તેમ છતાં રૂઢિચુસ્તોએ નૃત્યનો વિરોધ કર્યો. પરંતુ પ્રથમ દર્શકોએ રુક્મિણદેવીનાં પ્રથમ નૃત્યની ખોબલે ખોબલે પ્રશંસા કરી. આ નૃત્યની રજૂઆત સુધી કોઈને ય ખબર નહોતી પડી કે રુક્મિણીદેવી મંદિરોમાં દેવતાઓ માટે આરક્ષિત નૃત્યકળા શીખી રહેલી.
હવે રુક્મિણીદેવીને આગળ વધતાં કોઈ રોકી શકે એમ નહોતું. પ્રથમ તો એમણે આ નૃત્યનું નવું નામકરણ કર્યું : સાદિર ભરતનાટ્યમ… આ નામથી એક પંથ ને બે નહીં, પણ ત્રણ કાજનો હેતુ પાર પડ્યો. પહેલો તો એ કે પોતે જે નૃત્ય કરે છે તે પ્રાચીન ભારતીય અભિનય કળાઓના પ્રખ્યાત ગ્રંથ નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરત મુનિનું નૃત્ય છે, બીજો એ કે આ સમ્રાટ ભરતના દેશ ભારતનું નૃત્ય છે અને ત્રીજો એ કે પોતે આપેલું નામ ભાવ, રાગ અને તાલ અર્થાત નૃત્યના ત્રણ તત્ત્વોનું પર્યાયવાચી અથવા પ્રતીક છે…. રુક્મિણીદેવીએ અથાક પરિશ્રમથી ભરતનાટ્યમને નવું જીવન આપ્યું.
ભરતનાટ્યમ રુક્મિણીદેવીની ઓળખ બની ગઈ, પણ પ્રાણીઓ પર આચરાતી ક્રૂરતા મુદ્દે પણ એ સંવેદનશીલ હતાં. ૧૯૫૨ અને પછી ૧૯૫૬માં રુક્મિણદેવીને રાજ્યસભામાં નામનિયુક્ત કરાયાં ત્યારે એમણે પશુ ક્રૂરતા નિવારણ માટે વિધેયક રજૂ કરેલું. ૧૯૬૦માં આ વિધેયક કાયદો બન્યો. ૧૯૭૭માં વડા પ્રધાન મોરારજી દેસાઈએ રુક્મિણીદેવી સમક્ષ રાષ્ટ્રપતિ પદનો પ્રસ્તાવ મૂકેલો. પણ રુક્મિણીદેવીએ સવિનય પ્રસ્તાવ સ્વીકારવાનો નનૈયો ભણેલો. ૨૪ ફેબ્રુઆરી ૧૯૮૪ના રુક્મિણીદેવીનું અવસાન થયું એ પહેલાં એમને પદ્મભૂષણ સહિત અનેક સન્માનથી પુરસ્કૃત કરાયેલાં. પુરસ્કારોથી વ્યક્તિનું ગૌરવ વધે છે, પણ એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય કે રુક્મિણીદેવીએ પુરસ્કારોનું ગૌરવ વધાર્યું હતું !