અણસમજનું ઈનામ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
અમી અને સારા વચ્ચે બાળપણથી ગાઢ મિત્રતા. બાલમંદિરમાં મળેલાં ત્યારથી લઈને હાઈસ્કૂલ સુધીમાં એકસરખા શોખ અને વિચારસરણીના કારણે એમની વચ્ચે એક અતૂટ બંધન રચાતું ગયેલું. વર્ષો વીતતાં ગયાં એમ એમની મિત્રતા મજબૂત થતી ગઈ. એકબીજાં ઉપર આધાર રાખવાની ટેવ પડતી ગઈ. રાત્રે મોડે સુધી વાતો કરવી, એકબીજાંની ખાનગી વાતો જાણવી અને આપેલાં પ્રોમિસ પાળવાં. દરેક જગ્યાએ એકબીજાંની સાથે રહેવું, ઓથ આપવી એ જાણે એમના જીવનમાં વણકહ્યું વણાઈ ચૂક્યું હતું, પણ તરુણાવસ્થા આવતાં જ એનો પરચો બંનેની જિંદગીમાં શરૂ થઈ ગયો હતો.
બંન્નેને પોત-પોતાની રીતે ટીનએજ ટેનટ્રમ્સ આવતા. ટીનએજ ક્રશ પણ થતા અને ટીનએજ પ્રેમના ઉભરા પણ આવતા, જેમાં અમીને પોતાની સ્કૂલનો જ કોઈ સિનિયર છોકરો જબરદસ્ત ગમવા લાગ્યો હતો. એની સિનિયોરિટી, સ્પોર્ટ્સમેન સ્પિરિટ, કૉન્ફિડન્સ અને પર્સનાલિટીએ અમીનાં હૃદય ઉપર કબજો જમાવી લીધેલો. અમીએ પોતાના મનમાં ઉદ્ભવતી આવી ફીલિંગ્સ વિશે કોઈને વાત નહોતી કરી.. પણ સારા તો જાણે એના આત્માનો બીજો ભાગ હતો એટલે એને કહ્યા વગર તો અમીથી રહેવાય એમ નહોતું. એણે આ ઊછળતી લાગણીઓની વાત માંડીને સારાને કરી. એટલું જ નહીં, રોજે રોજ પોતે જે પણ કંઈ અનુભવતી એને સારા તરફ વહાવી દેતાં અચકાતી નહીં. સારા આ બધી વાત સાંભળતી ખરી, પણ અંદરથી એને કંઈક ખૂંચ્યા કરતું. હંમેશા બંન્નેમાંથી પોતે એવી હતી કે જેની તરફ લોકોનું ધ્યાન ખેંચાતું. અમી કરતાં એ વધુ ખીલેલી ને ખૂલેલી હતી. નાનપણથી અમી લગભગ એના પડછાયામાં જીવતી હતી, પણ હવે અમી પોતાની રીતે વિચારવા ને વર્તવા સ્વતંત્ર હતી એ વાત સારાને બિલકુલ પચતી નહોતી.
અમી જ્યારે પેલા છોકરાની વાતો કરે ત્યારે એ માત્ર માથું હલાવી હકાર ભણતી. એવામાં એક દિવસ અમીનું એક્સાઈટમેન્ટ ટોચ પર પહોંચી ગયેલું. એનો પેલા સિનિયર છોકરા સાથે સ્કૂલ બાદ કાફેમાં જવાનો પ્લાન બન્યો હતો. વાત જાણી સારાએ પ્રશ્ન કર્યો: ‘તું સાચું કહે છે?’ એ બે ઘડી એવું સાંભળવા તરસી રહી કે અમી એમ કહે કે, ના હું તો મજાક કરું છું, પણ અમી મજાક નહોતી કરતી. સારાએ આખી વાત સાંભળી લીધી, પણ સામે કંઈ જ પ્રતિકાર આપ્યો નહીં. એ દિવસે એના મગજ પર ઈર્ષ્યા સવાર થઈ. એણે પોતાનો ફોન ઉપાડ્યો. એકાદ ક્ષણ માટે કદાચ અચકાઈ અને પછી અમીની મમ્મીને એક મેસેજ ટાઈપ કર્યો:
‘આંટી, હું ખરેખર બહુ ચિંતામાં છું. અમી અમારા એક સિનિયર સાથે ફરી રહી છે અને હું નથી ઇચ્છતી કે એ કોઈ મુશ્કેલીમાં મુકાઈ જાય.. એટલે હું તમને આ વાત કરું છું.’ સારા બીજો કોઈ વિચાર કરે એ પહેલાં મેસેજ સેન્ટનું બટન દબાઈ ચૂક્યું હતું. મિસાઈલ છૂટી ગયું હતું અને હવે અમીની દુનિયા ધારાશાયી થવા માટે બિલકુલ વાર ન હતી. અમીની મમ્મીએ તુરંત અમીને બોલાવીને પૂછયું: ‘આ તારા વિશે શું ચર્ચાઈ રહ્યું છે? કયા સિનિયર છોકરાની વાત છે? તું સ્કૂલમાં ભણવા જાય છે કે આવું બધું કરવા?’
અમીનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો. એણે સામે પ્રશ્ન કર્યો: ‘તને આવું કોણે કહ્યું?’ એની મમ્મીએ જવાબ ના આપ્યો, પણ એટલું કહી દીધું કે ‘આજથી તારું બહાર જવાનું બંધ અને મારે આ વિશે એક પણ શબ્દ તારી પાસેથી સાંભળવો નથી.’ અમી તો એટલી ડઘાઈ ગયેલી કે સામે કોઈ જવાબ હાલ તો આપી શકે એમ નહોતી. એ દિવસે સ્કૂલે જતાં રસ્તામાં એના મગજમાં એક જ વિચાર ઘૂમતો હતો. આ વાતની સારા સિવાય કોઈને ખબર નહોતી અને સારા મારી સાથે આવું કરી જ ના શકે. તો પછી આવું કેમ થયું? અમી રિસેસમાં સારા પર વરસી પડી. એના હાથ ગુસ્સાથી ધ્રૂજવા લાગ્યા:
‘તેં જ મારી મમ્મીને કહી દીધું ને..?!’ અમીના આવા સીધા પ્રહાર સામે સારા થોડીક ગિલ્ટ સાથે પોતે નિર્દોષ હોવાનો ડોળ કરવા લાગી. અમીની આંખોમાં આંસુ ધસી આવ્યાં. ધ્રૂસકા ભરતાં એ બોલી: ‘મેં તારા પર ભરોસો કર્યો. મેં તને બધું જ કહ્યું અને તેં મારી લાગણીઓનો વિશ્વાસઘાત કર્યો.’ સારા પાસે સ્વબચાવના કોઈ શબ્દો નહોતા. એ અમી સામે આંખ મિલાવી શકે એમ નહોતી. અમીએ ઊંડો શ્વાસ લીધો. એનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું: ‘સારા, આજથી આપણી દોસ્તી ખતમ!’ આટલું એ માંડ બોલી શકી પછી એ ત્યાંથી ચાલવા લાગી. સારાને પોતાની ભૂલ સમજાઈ, પણ હવે મોડું થઈ ચૂકેલું. એ પોતાની બેસ્ટ ફ્રેન્ડને પોતાનાથી દૂર થતાં જોઈ રહી હતી. જોકે, એને એ સમજાઈ નહોતું રહ્યું કે આજે તરુણાવસ્થાની અણસમજુ ઈર્ષ્યાનું આ કેવડું મોટું ‘ઇનામ’ એને બક્ષિસમાં મળ્યું છે.