લાડકીસ્પેશિયલ ફિચર્સ

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આ ‘કેટફાઈટ’ એટલે વળી શું?

શ્વેતા જોષી-અંતાણી

સોળ વર્ષની જીનલ અન્ય ટીનએજર્સ કરતાં એક વાતમાં તદ્દન નોખી હતી. સામાન્ય રીતે પેરેન્ટ્સ સાથે વાતો કરવાનું ટાળતા ટીનએજર્સની જમાત વચ્ચે જીનલ ખુલ્લા મને લગભગ દરેક નાની-મોટી વાત ઘરમાં અચૂક કરતી. સ્કૂલથી આવી રસોડાના પ્લેટફોર્મ પર બેસી મમ્મી સાથે અલકમલકના ગપાટાં મારવા એનો રોજિંદો ક્રમ હતો, પરંતુ આજે આવતાવેંત એણે પ્રશ્ર્ન કર્યો:

‘રિસેસમાં કોઈ ઝગડો કરી બેસે તો..’ હજુ જીનલ આટલું બોલી ત્યાં રોટલી બનાવતી મીરા મનથી સીધી પહોંચી ગઈ પોતાની તરુણાવસ્થામાં….

‘અમારા વખતે તો રિસેસ દરમિયાન લગભગ દરરોજ કોઈને કોઈ વચ્ચે નાની-મોટી મારામારી થઈ જતી. એયને પછી મૂક નાસ્તો પડતો ને બધાં ત્યાં ઘેરાઈને ઊભા રહી જતાં અને મફતના મનોરંજનની મજા માણતા ને પછી માંડ માંડ ક્લાસ ભેગાં થતાં. હવે એવી મજા અત્યારની હાઈફાઈ સ્કૂલમાં ક્યાં રહી છે ? જ્યાં રિસેસમાં પણ કતારબદ્ધ બેસવાનું ને ક્લાસરૂમમાં બેન્ચ પર બેસી નાસ્તો કરવા માટેનો આગ્રહ નહીં, પણ જાણે વણલખ્યો આદેશ! આમ પણ અત્યારની સ્કૂલ પાસે પહેલાં જેવાં ખુલ્લાં મેદાનો કે વિશાળ ઈમારતો પણ નથી હોતીને!…’

જીનલના અડધા વાક્ય સામે મીરા એકશ્ર્વાસે આખો ફકરો બોલી ગઈ, પણ મમ્મી મારામારી થવાની આવી ગંભીર ઘટનાને આટલી હળવાશથી કેમ લે છે એવું વિચારતી જીનલે ફરી ભારપૂર્વક પૂછ્યું :
‘અરે, એમ નહીં પણ સાંભળ એવું કરવાથી કોઈને સજા નહોતી થતી? અમારે ત્યાં આજે છે ને..’

‘ના, રે ના બિલ્કુલ નહીં, કોઈને પડી પણ ના હોય કે અમારું લશ્કર ક્યાં લડે છે….’ વળી પાછી જીનલની વાત મીરાએ અધવચ્ચે કાપી એટલે અંતે કંટાળી એણે મુદ્દાની વાત એકીઝાટકે બોલી નાખી: ‘પણ મમ્મી, અમારે ત્યાં આજે બહુ મોટી બબાલ થઈ. સિનિયર ક્લાસમાં ભણતી બે ગર્લ્સ વચ્ચે જોરદાર ઝગડો થયો. બન્ને હાથચાલાકી પર ઊતરી આવી. એવી તો મારામારી કરી સામસામે કે બન્ને લોહી નીકળી ગયું…!’

હવે મીરાના કાન ચમક્યા :

કેમ એટલું બધું કઈ રીતે વાગ્યું? શું થયું હતું? કોઈ કેમ વચ્ચે ના પડ્યું? સ્કૂલમાં સિક્યોરિટી નથી? કોનો વાંક હતો? જેવા અનેક પ્રશ્ર્ન એણે એકસાથે જીનલ પર વરસાવી દીધા.
જીનલ હજુ કંઈ જવાબ દેવા જાય એ પહેલા તો એણે ફરી ઉપાડ્યું:

‘એક મિનિટ તે શું કહ્યું, બે છોકરી વચ્ચે આવું થયું! ’

મીરાને પોતાની સ્કૂલમાં જે તે સમયે છોકરાઓ ધીંગામસ્તી કે હાથચાલાકી કરતાં એ સહજ લાગતું, પણ છોકરીઓ વચ્ચે આમ જાહેરમાં થયેલી ઝપાઝપીની વાત એના માન્યામાં નહોતી આવતી.

છોકરાઓ મારામારી કરી બેસે, સમજ્યા પણ છોકરીઓ આવું કરે!? એ તો શાંત, સમજુ અને ઠરેલ જ હોવી જોઈએ ને. ભલેને એની કોઈપણ ઉંમર કેમ ના હોય? પરંતુ તરુણાવસ્થામાં ઉદભવતા આ પ્રકારના આવેશપૂર્ણ વર્તન વખતે કુદરતી રીતે ઉત્પન્ન થતાં હોર્મોન્સ સામે છોકરો છે કે છોકરી એવા કોઈ ભેદભાવ રાખતું નથી. અલબત્ત, બન્નેમાં હોર્મોન્સ અને તેના પ્રમાણમાં ફર્ક હોવાને કારણે બન્ને દ્વારા કોઈ પણ પરિસ્થિતિમાં અપાતા રિએકશન્સ અલગ-અલગ હોય શકે છે, પરંતુ એનો મતલબ એવો બિલ્કુલ નથી કે ટીનએજ ગર્લ આક્રમક ના બની શકે.

આ પણ વાંચો :માત્ર મેકઅપ કરવો જ નહીં, પરંતુ રિમૂવ કરવો પણ અગત્યનું છે

હજુ જીનલ – મીરા વચ્ચે વાતો ચાલુ જ હતી ત્યાં જીનલના ફોનમાં મેસેન્જર ટોન સતત વાગવા લાગ્યા. પોતાની વાત અધૂરી રહે તો ભલે, પણ પારકી પંચાત કરવાથી જાતને જીનલ રોકી શકી નહીં અને ફટાક્ દેતાં ફોન હાથમાં લઈ જોવા લાગી.

‘ઓહ! મમ્મી આ જો….’ કહી એણે ડાઈનિંગ ચેર પર પડતું મૂક્યું. મા-દીકરી વચ્ચે જે ઘટનાની વાત ચાલતી હતી એના વીડિયો સોશ્યલ મીડિયામાં ધડાધડ વાઈરલ થઈ રહ્યા હતા. કોઈએ મારામારીની આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધેલી.

‘હવે આ તો લાંબું થવાનું… તું જમવા બેસ.’ મીરાએ ફોનમાં અછડતી નજર નાખી જીનલની થાળી પીરસતાં કહ્યું. મીરાની ભવિષ્યવાણી એક કલાકમાં સાચી પણ પડી ગઈ. લોકલ ન્યુઝ ચેનલ્સ માટે બે ટીનએજર જાહેરમાં બથંબથ્થાં આવી ગઈ એ વાત ‘કેટફાઈટ’ના મથાળા સાથે બ્રેકિંગ ન્યુઝ બનતા વાર ન લાગી.

બે યુવતી વચ્ચે છૂટ્ટા હાથે થતી મારામારી કે હાથાપાઈને ‘કેટફાઈટ’ તરીકે ઓળખવામાં આવે છે. આજકાલ તરુણીઓની અંદર આવી મિની કેટફાઈટ્સ થાય એ સાવ સામાન્ય ઘટના બની રહી છે. ખાસ કરીને તરુણાવસ્થાનાં છેલ્લાં વર્ષો કે જે પછી આપણે એડલ્ટ ગણાવા લાગીએ તે દરમિયાન આવું વર્તન ક્યારેક કરાતું હોય છે. યુવતીઓની આવી આવેશમય, આક્રમક વિચારસરણીને વેગ ભલે આપણા ટેલિવિઝન, સિનેમા કે અન્ય માધ્યમો દ્વારા મળતો હોય, પરંતુ તરુણાવસ્થા પૂર્ણ થવાના આરે હોય એ દરમિયાન ટીનએજર્સની અંદર થતા અંત:સ્રાવોના ફેરફારો ક્યારેક સામાન્ય એવી વાતમાં પણ આવેશાક પ્રતિક્રિયા પેદા કરી દે છે.

ખાસ કરીને એવા તરુણ કે જે નાનપણમાં આક્રમક વલણ ધરાવતા હોય એમનામાં તરુણાવસ્થા દરમિયાન અકારણ આવેગો વધારે ઉદભવતા હોય છે. ક્ષણિક આવેગ બાદ આખી જિંદગી અમુક ઘટનાઓના પડઘાં તમારો પીછો ના છોડે એવું પણ બને માટે કાચી ઉંમરે જાત સાથે ઘટતી આવી ઘટનાને રોકવી જેટલી જરૂરી છે. એટલું જ અંત: સ્રોવો થકી ઉદભવતી આક્રમકતાને કાબૂમાં રાખતા શીખી જવી આવશ્યક છે.

Back to top button
મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker