તરુણાવસ્થાએ આ તે કેવી સમજણની શૂન્યતા
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
જ્યાં તમારો કમ્ફર્ટ ઝોન પૂરો થાય, ત્યાંથી તમારી જિંદગીની સાચી શરૂઆત થાય છે.’ આટલું બોલી મોરલ સાયન્સના ગેસ્ટ લેકચર માટે આવેલી સુરભીએ ખીચોખીચ ભરાયેલા ક્લાસરૂમની ચારેકોર નજર દોડાવી. ટીનએજ એનર્જીથી છલોછલ એ દરેક સ્ટુડન્ટની આંખમાં કુતૂહલભરી જિજ્ઞાસા હતી.
સુરભી ક્યારેય સલાહ સ્વરૂપે કંટાળાજનક ઉપદેશો આપતી નહીં . એ વાતો કરે, રીતસર જાણે કોઈ વાર્તા સંભળાવતી હોય એમ. કોઈ સ્ટોરી ટેલિંગનો ક્લાસ ચાલી રહ્યો હોય એ રીતે કહેતાં કહેતાં ઘણી અઘરી ને કડવી વાત પણ તરુણોના ગળે શીરા માફક ઉતારી દેવામાં એની માસ્ટરી હતી, જેનો લાભ આજે વિહાના સ્કૂલ મેટ્સને પણ મળવાનો હતો.
શૂન્યને શૂન્ય વડે ભાગતા જેમ અંતે જવાબ શૂન્ય જ આવે એમ તમને ટીનએજર્સને સમજાવવા જતાં જવાબ શૂન્ય જ મળતો હોય છે, સાચી વાત ને?’ એવા હળવાશભર્યા ટોન સાથે વાતની શરૂઆત કરતી સુરભીના શબ્દો પાણીનો ગ્લાસ લઈને આવેલી આભાના કાને અથડાયા. ઘડીક માટે એના પગ ત્યાં જ થંભી ગયા. અહીં સ્કૂલમાં આયા તરીકે નોકરી કરતી આભાની દીકરી પણ લગભગ આજ ઉંમરની હતી. ભલે સરકારી શાળામાં ભણતી પણ તરુણાવસ્થાએ એની અંદર પણ પગપેસારો તો કરી જ લીધેલો.
સુરભીને થોડીવાર બરાબર સાંભળ્યા બાદ આભાને પોતાની પરેશાની વિશે સુરભીને વાત કરવી યોગ્ય
લાગી. લગભગ પોણા કલાક બાદ ક્લાસરૂમમાંથી બહાર નીકળતી સુરભી સામે આભા આશાભરી નજરે તાકી
રહી. સુરભી સહેજ અસહજતાભર્યા સ્મિત સાથે
ઊભી રહી ત્યાં તો આભાની ધીરજ ખૂટી પડી હોય એમ એકવાર પોતાની વાત સાંભળી લેવા એ રીતસર
કરગરી ઊઠી.
-તો વાત એમ હતી કે, નાનપણથી અનેક અભાવ વચ્ચે જીવેલી દીકરી અપેક્ષાને ઓછું ના આવે એ માટે આભા કંઈ પણ કરી છૂટવા તૈયાર હતી. પોતે સહન કર્યું એ અપેક્ષાએ ના કરવું પડે, પોતે જે જતું કર્યું એ બધું દીકરી મેળવે, પોતે જ્યાંથી જીવન અધૂરું મુક્યું ત્યાંથી દીકરી આગળ વધે એવા અનેક નિસ્વાર્થ ભાવ આભાના માતૃત્વભર્યા હૃદયમાં સતત ધબકતા રહેતા, પણ તરુણાવસ્થામાં ડગ માંડી રહેલી અપેક્ષાને એનાથી કોઈ ફર્ક પડતો નહીં.
માત્ર નવ ધોરણ ભણેલી આભા ભણતરનું મહત્ત્વ સુપેરે સમજે છે. દરેક માની જેમ આભાનું પણ જીવનમાં એકમાત્ર સપનું છે દીકરીનું ઉજ્જવળ ભવિષ્ય. ભણતરમાં કાચી પણ ગણતરમાં એકદમ પાક્કી એવી આભા પોતે ભલે શાળામાં આયા તરીકે નોકરી કરી બે છેડા ભેગા કરતી હોય, પરંતુ પોતાની દીકરી ભણીગણીને હોશિયાર બને, સારી નોકરી કરી ઉચ્ચ કક્ષાનું જીવન જીવે એવાં સપનાં સેવે છે.
આભા દિવસ આખો તનતોડ મહેનત કરે પણ દીકરી પાક્કી ટીનએજર. જાણે પોતાની માએ જીવનભર આપેલાં અનેક નાનાં – મોટાં બલિદાન વિષે કશું જાણતી ના હોય એમ બિન્દાસ્ત રખડે, ભણવામાં તો બિલ્કુલ ધ્યાન જ નહીં એમાંય ગણિતમાં તો સાવ ઢ. ગરીબીના કારણે આભાએ ભણતર અધૂરું છોડી દેવું પડેલું એ વાત એના મનમાં જડમૂળથી ઘર કરી ગયેલી કે હું એટલી મહેનત કરીશ કે મારી દીકરીએ ક્યારેય આવું ભોગવવું ન પડે ’,પણ, અપેક્ષાની દુનિયા કંઈક અલગ જ હતી.
એક દિવસ શાળાએ જવાને બદલે ફરવા જતી રહેલી દીકરીને ઠપકો આપતા આભા વધુ પડતી ગુસ્સે થઇ જાય છે ત્યારે અપેક્ષા કહે છે : ડોક્ટરનો દીકરો ડોક્ટર અને એન્જિનિયરનો દીકરો એન્જિનિયર બને એમ કામવાળી બાઈની દીકરી બાઈ જ બનશે ને? એટલે ભણવાથી ફાયદો શું? ’ ત્યારે આભા પર જાણે આઘાતનો પહાડ તૂટી પડે છે. અપેક્ષા દસમા ધોરણ સુધી તો જેમ તેમ કરતાં પહોચી ગઈ, પરંતુ હવે જો સારા માર્ક્સ ના લાવે તો ભવિષ્ય અંધકારમય બની જાય એવું જાણતી આભા મૂંઝવણમાં મુકાય છે. ટયુશનની કમ્મરતોડ ફી પણ આભા માટે કોઈ બે મોઢાળા મોન્સ્ટરથી કમ નથી. આથી પોતે દીકરીને સમજાવી- પટાવી, ભણાવી શકે એમાં મદદ મેળવવાના આશયથી એ સુરભી પાસે દોડી આવી છે.
આભાની વાત સાંભળી સુરભીનું મન વિચલિત થઈ ઉઠ્યું. આમ બહારથી સાવ નજીવી લાગતી આભાની વાત ટીનએજ લાઈફની અનેક બાબતને સ્પર્શે છે , જેમ કે મા અને કિશોરાવસ્થામાં પહોચેલી દીકરી વચ્ચેનો સંઘર્ષ, સ્વતંત્ર રીતે એકલા હાથે સંતાનને ઉછેરતી સ્ત્રીનો સંઘર્ષ, અભાવોની વચ્ચે પણ સંતાનમાં સુખ શોધતી એક માનો સંઘર્ષ અને ભણતર પરત્વેના ભય તેમજ અણગમાને કેમ નાબૂદ કરવો એ જાણવાનો સંઘર્ષ પણ સુરભીને લાગ્યું કે, આભા એક મા તરીકે જેટલી સંવેદનશીલ છે. સ્ત્રી તરીકે એટલીજ મજબૂત છે.
જિંદગીની થપાટોથી હાર્યા-થાક્યા વગર સતત લડ્યે જતી સ્ત્રી એક ઉમર થતા જેમ દરેક દુ:ખ, અપમાન, આઘાતને સ્વીકારતા શીખી જાય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે આભા. સામા પક્ષે અપેક્ષા એટલીજ સ્વચ્છંદી છે જેટલી આજકાલના દરેક ટીનએજર્સ હોય. જો માગ્યા વગર પણ બધુ જ મળી જતું હોય તો મહેનત કરવાની શી જ રૂર એવા ખ્યાલોમાં રાચતા અપેક્ષા જેવા તરુણો ભવિષ્યમાં શું થશે એની બિલકુલ પરવાં કરતાં નથી. એ વિચારે સુરભીને આજે ક્લાસરુમમાં બોલેલું પોતાનું જ વાક્ય યાદ આવી ગયું : ‘શૂન્યને શૂન્યથી ભાગતા જવાબ શૂન્ય જ આવે’ એક હળવા નિ:સાસા સાથે એ આભાને માત્ર એટલું જ કહી શકી કે, ‘એકવાર દીકરીને અહીં લઈ આવજે, પ્રયત્ન ચોક્કસ કરીશું.’