લાડકી

તરુણાવસ્થાએ નાછૂટકે અપનાવવી પડતી નાવીન્યતા

આવા તબક્કે તરુણીનાં તન ને મનની વાત પણ જાણવી જરૂરી છે..

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

તેર વર્ષની મહેક હમણાંજ સ્કૂલની મિત્રો સાથે વેકેશનમાં સમર કેમ્પની આહલાદક મોજમજા માણી ઘેર પાછી જ ફરી છે
ત્યાંજ એને માથે મુસીબતનો બોમ્બ ઝીંકાય છે. પપ્પાની અન્ય શહેરમાં નોકરી અર્થે બદલી થઈ ચૂકી છે. આ સાંભળી નાનો ભાઈ તો એકદમ ખુશખુશાલ છે ને મમ્મી પણ એકંદરે રાજી છે, પણ મહેક માટે તરુણાવસ્થાની આ કાચી ઉંમરે નવી જગ્યાઓને અપનાવવી, જૂના મિત્રો ગુમાવવા, જૂની પરિચિત શાળા, તેનો માહોલ, આસપડોશ અને એકદમ જાણીતું વાતાવરણ છોડવું એ કોઈ ગંભીર સજાથી ઓછું નથી હોતું. વળી, અહીં તો મહેકના ભાગે પોતાની વ્હાલીસોયી દાદીને પણ છોડવાનો વખત આવ્યો છે. મહેક પોતાના આવા હસતાકૂદતા આનંદથી પસાર થઈ રહેલા જીવનને છોડી બીજે ક્યાંય જવા માગતી નથી, પણ ઘરમાં એની મરજી પ્રમાણે કંઈ ચાલવાનું પણ નથી. નાનપણથી દાદી સાથે દરરોજ મંદિરે જતી મહેકને ઈશ્ર્વરમાં શ્રદ્ધા રાખતા શીખવવામાં આવ્યું છે.
માટે જ એક આખરી પ્રયાસ સ્વરૂપે મહેક ઈશ્ર્વરને દરરોજ પ્રાર્થના કરે છે કે ગમે તેમ કરી મમ્મી-પપ્પાનો આ નિર્ણય બદલી જાય. એ પ્રાર્થનામાં એ પોતાની તકલીફો, આશા-નિરાશા, ગુસ્સો અને હતાશા વિશે ઈશ્ર્વરને કહેતી રહે છે, પણ ‘ના જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું છે’ એમ ઈશ્ર્વરની કરામતોને આપણે થોડા સમજી શક્યા છીએ?

મહેકને નાછૂટકે માતા-પિતાના નિર્ણયને માનવો રહ્યો. ગમા-અણગમા જે હોય તે સાથે લઈને પણ પેરેન્ટ્સ સાથે જવું જ રહ્યું. જતાં-જતાં બોર-બોર આંસુઓ ટપકાવતી, દાદીને વળગી વ્હાલ કરતી મહેકને માથે પ્રેમથી હાથ પસવારતા દાદી સમજણ આપવાનો પ્રયાસ કરે છે કે, પરિવર્તન એ સંસારનો નિયમ છે. માણસ સફર કરવા માટે જ તો જન્મ લેતો હોય છે ને કદાચ એટલેજ જીવનભર એક જગ્યાએ રહેવું એ મોટાભાગના માણસોની ફિતરત નથી હોતી.

મહેકને નવા શહેર,નવી જગ્યા, નવી સ્કૂલ ને નવા પાડોશ વચ્ચે સૌથી પહેલા જે મળે છે એ છે નમ્યા, જે તેની ક્લાસમેટ છે અને પાડોશી પણ. સ્કૂલમાં નમ્યાનું એક નાનકડું ગ્રુપ છે , જેમાં પહેલેથી જ એના સહિત ત્રણ અન્ય છોકરી છે અને હવે ચોથી ભળી એ મહેક. જો કે, આ ગ્રુપમાં ટકી રહેવા અમુક વિચિત્ર નિયમોનું પાલન કરવું ફરજિયાત છે, જેમકે સ્કૂલે જતાં પગમાં ધરાર મોજા ના પહેરવા, એકબીજાથી કોઈ જ વાત છુપાવવી નહીં… ભલે એ એમનાં આંતર્વસ્ત્રો કે પ્રાઈવેટ અંગો વિશે કેમ ના હોય મહેક માટે આ બધું ઘણું નવું છે, તેમ છતાં મહેક તેમાં ભળી જવાની ખૂબ કોશિશ કરી રહી છે, કારણ કે આ ઉંમરે નવી વસ્તુઓ પ્રત્યે ઉત્સુકતા આપમેળે જ વધી જતી હોય . ટીનએજર્સ અવનવી રીતે પોતાની જાતને અન્ય સમક્ષ ‘પરફેક્ટ એડલ્ટ’ તરીકે સાબિત કરવાની કોશિશ કરતા રહે છે. મહેક હજુ તો માંડ નવા ગ્રુપમાં જાતને ઢાળવા પ્રયત્નશીલ છે ત્યાં તો આ ગ્રુપને હવે પિરિયડ્સ આવવાની રાહ છે અને એ બધી છોકરી એવું માને છે કે હાઈસ્કૂલમાં આવ્યા બાદ પણ જો માસિકસ્ત્રાવ જેને ના આવ્યા હોય એ હજુ પણ બાળક ગણાય…
મહેક માટે આ હવે એક અલગ ચિંતાનો વિષય થઈ પડ્યો છે. પોતે હજુ પણ નાની બાળકી જ છે એમ માની મનોમન દુ:ખી રહેતી મહેકને ખ્યાલ નથી કે આજ ઉંમર છે જ્યારે એનું બાળપણ હજુ પણ એનામાં જીવંત છે.

અન્ય બધી વાત વિશે પોતાની મમ્મી સાથે ખૂબ જ સહજતાથી રહેતી મહેક મેન્સ્ટ્રુએશન અંગે એને ખુલ્લા મને પૂછી શકતી નથી.

આ તો ભલું કરજો એ સ્કૂલ કમિટીનું કે જેણે મહેક અને એના જેવી ટીનએજર્સ માટે મેન્સ્ટ્રુએશનની સાચી સમજ આપવા એકસ્પર્ટ લેકચર ગોઠવ્યું. એના થકી મહેકને જાણવા મળ્યું કે, લગભગ નવથી સોળ વર્ષની ઉંમરમાં દરેક છોકરીના જીવનમાં મેનસ્ટ્રુએશન’ નામની એક ખાસ ઘટના બને છે. મહિનામાં એક વખત સ્ત્રી ગર્ભાશયમાંથી એક મખમલ જેવી પરત બને છે એ જો બાળક થવાનું હોય તો એને પૌષ્ટિકતા બક્ષે અને અન્ય કિસ્સામાં તે બહાર નીકળી જાય-વહી જાય જેને મેન્સ્ટ્રુએશન કહેવાય… આમાં કોઈ પાપ- પુણ્ય કે સારા-નરસા જેવું કશું હોતું નથી. આ તદ્દન સહજ અને પ્રાકૃતિક ઘટના છે. એ વહેલા-મોડાં દરેકની તાસીર પ્રમાણે અલગ- અલગ સમયે શરૂ થાય. બાળપણ છોડી તરુણાવસ્થાના દરવાજે દસ્તક દેતી
દીકરીઓના પ્રશ્ર્નો વિશે વાત કરવાની આવે એટલે હંમેશાં આ ઉંમરે આવતા શારીરિક બદલાવને જાણવાની ઉત્કંઠા, પોતાને એડલ્ટ કહેવડાવાની ઉતાવળ અને સંપૂર્ણ સ્ત્રી બનવા મેન્સ્ટ્રુએશન માટે જોવાતી રાહની મથામણ,
પુખ્તવયના ફેરફારોને લગતી ઉત્સુકતા તેમજ પોતાની જાત-કાયાને જાણવાની જીજ્ઞાસા સાથે લઈને જીવતી ટીનએજર્સની દુનિયામાં
તમને સફર કરાવવામાં આવે, પણ આ ઉંમરે ધર્મ, આસ્થા, સ્પિરિચ્યુઅલ વિચારો કે પસંદગી પર ક્યારેય કોઈ ચર્ચા, સંવાદ કે વાતો નથી કરાતી એટલે મોટાભાગની તરુણીના મગજમાં માતા-પિતા કે ઘરમાં ચાલી આવતા નિયમોનુસાર એના વિચાર ઘડાય છે.

    જોકે, પાપ-પુણ્ય જેવી વાતો અંગે સાંભળી મહેકથી થોડે દૂર બેસેલી ખુશાલીના મનમાં સવાલ સળવળ્યો :મેન્સ્ટ્રુએશન ખરાબ કે  સારું?  મેડમ કહે છે એમ સારું અને જરૂરી હોય તો પછી ઘરમાં દાદી-મમ્મી, ફોઈ મને કેમ એમ કહે છે કે એ ખરાબ ગણાય?

ભગવાનને અડાય નહીં- મંદિરે જવાય નહીં? શાસ્ત્રોમાં એને કેમ ખોટું કહેવાયું છે? ખુશાલી આ પ્રશ્નો એમ બધા વચ્ચે ઊભા થઈને પૂછી શકે એવી હિંમત તો નહોતી ધરાવતી એટલે ના એને કોઈ સવાલ પૂછ્યો ને ના આવો કોઈ ઉલ્લેખ સેમિનાર લેનારા સ્પીકર્સે કર્યો.

    શું ધર્મ અને માસિકધર્મ સાથે સંકળાયેલા નિતી-નિયમ, માન્યતા- ગેરમાન્યતાઓ અને પાપ-પુણ્ય વિશે ટીનએજર્સના મનોભાવ - મનોવ્યથા શું કહે છે તે સાંભળવાની- સમજવાની અને સાથોસાથ એમને  સત્ય સમજાવવાની નાની અમસ્તી કોશિશ કરવી જરૂરી નથી લાગતી ?

આ પ્રશ્ર્ન અવશ્ય વિચારવા જેવો ખરો.

આશર ૭૯૧ શબ્દ ..

સાથે આવેલા ૨ ફોટામાંથી એક લેવો..


દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button