ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણાવસ્થાએ ઉકળાટનો કકળાટ
શ્વેતા જોષી-અંતાણી
શિયાળાની સાંજ રોજ માફક ઊતરી આવેલી, પણ આયેશા આજે ખુશ નહોતી. સવારે સ્કૂલમાં ગણિતની વીકલી ટેસ્ટના માર્ક્સ આપવામાં આવ્યા ત્યારથી એ ઢીલી પડી ગયેલી. એક તો આ વર્ષે એનુ પર્ફોર્મન્સ થોડું નબળું સાબિત થઈ રહેલું. એમાં ગણિતમાં ઉત્તરોતર ખરાબ ગ્રેડ્સ એનું મનોબળ તોડવા નિમિત્ત બન્યા હતા. ઘેર પાછાં ફરતાં રસ્તામાં એની સામે પોતાના પેરેન્ટ્સના ચહેરા તરવરી ઊઠ્યા, જે કહી રહ્યા હતા કે, કંઈ પણ થાય હવે પછીની એક્ઝામમાં સારા માર્ક્સ આવવા જોઈએ.
આખો દિવસ સતત ઉચાટ સાથે પોતાના રૂમમાં ભરાઈ બેસેલી એ છેક સાંજે રસોડામાં પાણી પીવા આવી. જુએ છે તો મમ્મી પોતાને અનહદ ભાવતા પુલાવ રાઈસ બનાવતી હતી. એની સોડમ નાકમાં પ્રસરી ગઈ, પણ એને જમવું નહોતું. ગણિતના માર્ક્સ જાણે એની ભૂખ ભેગી લઈ ગયેલા.
‘આયેશા, કેવો રહ્યો દિવસ, બેટા?’ મમ્મીએ કંઈક વાત કરવાની કોશિશ કરતાં પૂછ્યું. આયેશાને વાત કરવાનો સહેજ પણ મૂડ હતો નહી એટલે એ સામે તાડૂકી, ‘કેવો હોય? સાવ ભંગાર. ખુ મફુફત યિિંશિબહય. ઓકે?’ એમ કહી એણે ટેબલ પર રીતસર હાથ પછાડ્યો. મમ્મીએ એને શાંત પાડવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ આયેશાનો રોષ એક પણ સાંત્વનાને સમજવાની સીમા પાર કરી ગયેલો. અંતે દરવાજો પછાડતાં એ આવેશમાં ત્યાંથી ધમધમ કરતી ફરી પોતાના રૂમ તરફ ભાગી.
ઉપર રૂમમાં પંહોચતાંવેંત એણે પલંગ પર પડતું મૂક્યું. એક ના સમજાય એવી અજીબ બેચેનીએ એને ધેરી લીધી. પોતાના પેરેન્ટ્સ શા માટે આવા ક્રિટિકલ છે? શા માટે મને એકલી નથી મૂકતા? મારી જિંદગીમાં આટલો બધો ચંચૂપાત શા માટે કરે છે? આવા વિચારો કરતું એનું મન વળી પાછું એને મેથ્સની ટેસ્ટ યાદ કરાવી ગયું. પોતે આ વખતે તો ઘણી મહેનત કરેલી, પણ ખબર નહી કેમ માર્ક્સ ઓછા આવ્યા. એને સમજ નહોતી પડતી કે શું કરવું? ગયા વખતે મમ્મીએ કહેલું કે હવે છેલ્લી તક આપું છું. માર્ક્સ સુધરવા જોઈએ.
હવે હું શું કહીશ મમ્મીને? એવું વિચારતી આયેશા ધ્રુસકે-ધ્રુસકે રોવા લાગી. એને લાગ્યું પરિસ્થિતિ સામે પોતે અતિલાચાર છે. આખો દિવસ ભૂખ્યા-તરસ્યા રહેવાના કારણે કે પછી સતત તણાવગ્રસ્ત રહેતાં મનને લીધે પણ પલંગ પર બેઠાં થવા જતાં અચાનક એને ચક્કર આવવા લાગ્યા. આસપાસ જાણે બધુ ગોળ-ગોળ ફરતું હોય એવું લાગ્યું, પણએ વખતે જ મમ્મી અંદર આવી: ‘આયેશા, બેટા મેં તને અપસેટ કરી હોય તો આઈ એમ સોરી..’ મમ્મીએ પ્રેમાળ સ્વરે કહ્યું અને પછી ઉમેર્યું: ‘પણ તું આમ અમને સાવ દૂર કરી દે એ યોગ્ય નથી. આપણે વાત કરવી જોઈએ. જે કોઈ પ્રશ્ન હોય એ સાથે મળી સોલ્વ કરવા જોઈએ….’
Also read: આજની નવલિકા : ચીટ…ચીટ… ચિટર્સ !
હવે આંચકો ખાવાનો વારો આયેશાનો હતો. પોતે પેરેન્ટ્સ વિશે ખોટું વિચારતી હતી એ વાતનું એને થોડું ગિલ્ટ થઈ આવ્યું. ‘આઈ એમ સોરી મોમ…’ બહુ ધીમા સ્વરે એ માત્ર આટલું જ બોલી શકી. મમ્મીએ એની પાસે બેસી કહ્યું: ‘ઈટ્સ ઓકે, સ્વિટી. આપણા દરેકના જીવનમાં અમુક ખરાબ દિવસો આવતા હોય છે, પણ આવું થાય ત્યારે આમ આકરું – ઉતાવળું થવાને બદલે એ વિશ વાત કરતાં શીખવું જોઈએ. કોઈ પ્રશ્ન એવા નથી હોતા જેનું નિરાકરણ ના થઈ શકે.’
મમ્મીની વાતોથી આયેશાને થોડું સારું લાગ્યું એટલે હકારમાં માથું ધુણાવ્યું અને પોતાના ટેસ્ટ રિઝલ્ટથી માંડીને અત્યાર સુધીની વાત કરી. એ પણ સ્વીકાર્યું કે પોતાની મરજી વિરુદ્ધ કંઈ થાય તો એ અંદરથી ઊકળી ઊઠે છે. પોતાના ટેમ્પરને કાબૂમાં રાખી શકતી નથી. આયેશાની મમ્મી એમ સમજુ હતી. ટીનએજ દીકરી સાથે બળથી નહી પણ કળથી જ કામ લેવું પડે તે વાત એ સુપેરે જાણતી હતી. એટલે એણે આયેશા પાસેથી એક પ્રોમિસ માગ્યું કે આજથી એક મહિના સુધી એ ઉકળાટ નહી કરે. જે કોઈ તકલીફ પડે એને શાંતિથી નિવારવાના પ્રયત્ન કરશે.
આયેશાને થોડા દિવસો તો આ બધા ઈમોશન્સના આઉટબ્રેક વચ્ચે શાંતિ જાળવવામાં ખૂબ મુશ્કેલી પડી. ગમે ત્યારે પોતાના મગજનું બોઈલર ફાટી જાય એનો ડર અંદર ઊકળતો રહેતો, પણ મમ્મીની મદદથી એણે યોગા-મેડિટેશન શરૂ કર્યું. પોતાને ગમતા ગિટાર ક્લાસિસમાં જોડાઈ. મેથ્સનું અલગથી ટ્યુશન ચાલુ કરી દરરોજ એક કલાક દાખલા ગણવાની ટેવ પાડી.
જેમ-જેમ દિવસો પસાર થતા ગયા. આયેશાએ પોતાની જાતમાં બદલાવ મહેસૂસ કર્યો. એને લાગ્યું કે પોતે થોડી શાંત થઈ રહી છે. પોતાનાં લક્ષ્ય તરફ એ ધ્યાન આપી રહી છે અને કોઈ પણ સ્ટ્રેસ, પ્રેશર કે અચાનક આવી પડતા ઈમોશનલ આઉટબ્રેક્સને એ સંભાળતાં શીખી રહી છે. એમાં પણ જ્યારે એને બીજા મહિને ટેસ્ટ રિઝલ્ટ મળ્યા ત્યારે એ ખુશીથી ઝૂમી ઊઠી. પોતે કરેલી મહેનતના ફળસ્વરૂપ એને ટેસ્ટમાં ‘એ પ્લસ ગ્રેડ’ મળ્યો હતો.
આયેશાની મમ્મીએ એનું રિઝલ્ટ જોયું ત્યારે દીકરીને વળગી પડી. પહેલી વાર આયેશા ખૂબ ખુશ થઈ. માને સંતોષ આપ્યાનો રાજીપો એના ચહેરા પર છલકાઈ રહ્યો હતો. અંતે આખા દિવસની થાકેલી આયેશા રાતના એકાંતમાં શાંત ચિત્તે છત તાકતી બેઠી ત્યારે એને ખ્યાલ આવ્યો કે, આ એક મહિનામાં જિંદગીનો ખૂબ મોટો પદાર્થપાઠ એને શીખવા મળ્યો હતો. તમારા સ્વભાવગત ઉદ્ભવતા ઉકળાટને સાચવતાં શીખવું અને ખરાબ સમય આવે ત્યારે શાંતિથી સ્વીકાર કરી એમાંથી બહાર નીકળવાના રસ્તાઓ શોધવા જરૂરી છે. આયેશાને હવે ખબર હતી કે જિંદગીમાં આગળ જતાં કોઈ પણ ચેલેન્જ કેમ ના આવે પોતે એનો સામનો કરવા માટે સજ્જ છે.