મુગ્ધાવસ્થા- એક અસમતોલ ઉંમર
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી
છેલ્લા બે દિવસથી વિહાનો મૂડ ખરાબે ચડેલો હતો, કેમ્પમાં સહુના ધ્યાને એ વાત ચડ્યા વગર રહી નહોતી. ગોવામાં ગેલ-ગમ્મત કરવા આવેલી વિહા અચાનક જ આમ બધાથી અળગી થઈ જાય એ વાત કોઈનાય ગળે ઊતરતી નહોતી. સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર વિહાની ખાસ દોસ્ત એવી રીશા -ત્રિશા વચ્ચે વાત ચાલી.
આ વિહાને શું થયું છે? નાની-નાની વાતમાં ચિડાયા કરે છે, એવું કેમ?’ ત્રિશાએ જ્યુસનો ઘૂંટડો ગળે ઉતારતા પૂછ્યું.
અરે, આ પેલી કોઈક તારા નામની છોકરી તે દિવસે સ્કૂબા ડાઈવિંગ વખતે મળેલીને એને લીધે…’ રીશાએ મોં મચકોડતા જવાબ આપ્યો : ‘વિહા સાથે કેટલીય વાતો કરી, સેલ્ફી પડાવી, ગળે વળગીને જાણે વર્ષો થયે જાણતી હોય એમ પોતાની અંગત વાતો કરવા લાગી ને પછી અચાનક ત્યાંથી કંઈ કહ્યા વિના જતી રહી . ત્યારબાદ સ્કૂબાના આખા સેશન દરમિયાન એ વિહા સાથે કશું જ બોલી નહીં એટલે વિહાનો મૂડ બગડ્યો છે. વચ્ચે એક રાત્રે સુજાતામેડમ એને સમજાવી, પણ વિહુડીને કંઈ ખાસ ફેર પડ્યો લાગતો નથી…’
ખેર, રીશા-ત્રિશા તો આવી વાતો કરતાં કરતાં ક્યારે બીજી ગપ્પાં-ગોષ્ઠિ કરવા લાગ્યા તેનો ખ્યાલ ના રહ્યો, પણ વિહાના મનમાંથી પોતાને કોઈ નિગલેક્ટ કરે- અવગણે એ વાત જ અવગણાતી નહોતી. એ દિવસે તારા નામની અજાણી છોકરીએ પહેલા ઘડીક આત્મિયતા બતાવી ને પછી અચાનક જ કેમ ઘૃણાભાવ સાથે ભાગી છૂટી એનો કોઈ જવાબ કે તાળો મળતો નહોતો એનો સળવળાટ વિહાને મિત્રમંડળી સાથે ગોવા જેવી જગ્યાએ કેમ્પના આનંદનો આસ્વાદ ચાખવા દેતો નહોતો.
જો કે, તારાની શું પરિસ્થિતિ છે તેનો વિહાને ક્યાંથી ખ્યાલ હોય? હકીકતમાં નાનપણથીજ માતા-પિતાના ઝઘડા તારાના જીવનમાં એક વણજોઈતો ખાલીપો ભરતા ગયેલા , જેની ઉદાસી અત્યારે તરુણાવસ્થામાં પણ તારાને કોરી ખાય છે. ખાલી ઝઘડાની વાત હોય તો ઠીક, પણ અહીં તો એની મા આજ કારણોસર એને છોડી સદા માટે ચાલી ગયેલી. એનું ખરું કારણ શું છે એ તારાને ખ્યાલ નથી, પરંતુ મમ્મી પોતાને છોડીને જતી રહી તેના આઘાતમાંથી તારા બહાર આવી નહોતી શકતી. વળી, ટીનએજર તારાને એવું લાગ્યા કરે છે કે, પોતાને સાચવવાની જવાબદારીને કારણે માને એની સફળ કારકિર્દી છોડવાનો વખત આવેલો,જેને કારણે કેરિયરમાં આગળ વધી શકી નહી એ અફસોસ અંતે મા-મમ્મીને ઘર-પરિવાર, દીકરીથી દૂર તાણી ગયો. પિતા પણ તારાને સતત મેણાં-ટોણા મારે કે, તારા જ લીધે મા ક્યાંક જતી રહી છે…. આ વિચારે આ વિચારે તારા અત્યંત ગિલ્ટ અનુભવ્યા કરે. એનું નાનકડું અણસમજું મન સંબંધોના અમુક તાણાવાણાને પચાવી શકતું નહીં. એ જાતને દુ:ખ- ઉદાસીને હવાલે કરી દે છે. તારાના મનમાં એ વાત ઠસેલી છે કે જીવનમાં ફરી એક વખત માને મળી આ વાતનો ખુલાસો કરવો જ છે, પરંતુ એ જવાબ શોધવા મથતી તારાને એમ માગ્યે મા મળી નથી જતી, જેના લીધે એ સતત એક પ્રકારના અસંતુલનમાં જીવતી રહે છે. આનો પરચો એ દિવસે વિહાને મળેલો. એક ક્ષણે ખુશખુશાલ તારા બીજી ક્ષણે ઓજપાય જાય, ખૂબ વાતો કરતી તારા કોઈ કારણ વગર ચૂપ થઈ જાય, અઢળક આત્મિયતા દર્શાવતી તારા અચાનક અજાણી બની જાય. ટૂંકમાં એની કોઈ લાગણી-વિચાર કે વાત બેલેન્સમાં રહેતા નહીં.
તારાની અંદર બે તારા જીવી રહી છે. એક બંધનમુક્ત, બિન્ધાસ્ત, બોલ્ડ જીવન જીવતી તારા અને બીજી ઉદાસ, વિષાદથી ઘેરાયેલી સતત ગિલ્ટમાં જીવતી તારા.
એક તારા જે થઈ ગયું છે એ ભૂલીને આગળ વધવા દોડતી રહે છે તો બીજી એ બની ગયેલી ઘટનાઓનાં કૂંડાળામાં ફર્યા કરે છે. એકને ભાવિ જીવનની સંભાવના દેખાય છે તો બીજીને ભૂતકાળમાં માની શોધ… જો કે, તારાનું ટીનએજ દિમાગ આટલા બધા તણાવને સહી જવા તૈયાર નહોતું એટલે તારાને વારંવાર મરી જવાના વિચાર આવતા. એમાં પણ વળી, જીવન જીવવાની જડીબુટ્ટી સમજાવતા એક લોકપ્રિય મોટિવેશનલ ગુરુના લેકચરમાં ગયેલી તારાના મનમાં બરાબર ઠસી ગયેલુ કે જો સ્ટારફિશ માફક જાતને ‘વયફહ’- સાજું ના કરી શકીએ તો મૃત્યુના શરણે જવું ખોટું નથી…
સામાન્ય રીતે ઊગીને ઊભા થઈ રહેલા ટીનએજર્સ સંબંધોની પેચીદી વાતો સમજી નથી શકતા. દરેક વખતે સમાજના, સંબંધોના, નૈતિકતાના નિયમોને બાજુ પર રાખી મોટેરાઓ આવા નાસમજ, નાદાન તરુણીઓ માટે માયાજાળ રચતા હોય છે, જે એમની સામાન્ય તકલીફોને ક્ષણભરમાં વિષાદમાં ફેરવી નાખે છે. તરુણોને પોતાની અપેક્ષાઓ, ઈચ્છાઓ, સપનાઓ પૂરા ના થાય ત્યારે એના જીવનમાં અસંતુલન આવે છે માટેજ તરુણોએ પોતાની લાગણીઓને મજબૂત રાખવી અત્યંત જરૂરી છે. પોતાની અંદરની શાતા સાચવી રાખવી આવશ્યક છે, જેથી કરીને તકલીફમાંથી ઊભરી આવવાની ક્ષમતાને સાચવી જરૂર પડ્યે જાતને મુશ્કેલીમાંથી ઉગારી શકાય. એમાં પણ તારા જેવી તરુણી હકીકતથી ભાગતી જોવા મળે છે. એમને ખ્યાલ નથી હોતો કે ભાગવાનો કોઈ રસ્તો નથી. પોતાના જ વિચારોમાં ગોથે ચડીને અટવાયા કરે, જે આગળ જતાં એના માટે લાગણીઓનું વિષચક્ર બની જાય છે.
ટીનએજમાં જિંદગી તમને ક્યારેક ધીમી, ઉલઝનભરી કે ક્યારેક કંટાળો આપતી લાગે, પણ, જિંદગીની થપાટોથી તૂટ્યા પછી પણ તમારે જીવનનો સાથ ક્યારેય છોડવો જોઈએ નહીં-એવા નકારાત્મક વિચાર સુધ્ધાં કરવા ન જોઈએ પછી ભલેને ભૂત-ભાવિ ને વર્તમાન વચ્ચે ગોથા ખાવાનો વારો કેમ ના આવતો હોય. અહીં એક વાત યાદ રાખો કે ઊંચે આકાશને આંબતી પતંગ પણ શરૂઆતમાં ગોથા ખાતી જ હોય છે…