તરુણાવસ્થા: વાતચીતથી વધુ વાદ-વિવાદની વય…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી
ટીન એઈજ એ વિવાદોની ઉંમર ગણાય છે. તેઓ માટે વિવાદો છંછેડવા, વિવાદોમાં ઘેરાવું, વિવાદો ઊભા કરવા એક સર્વસામાન્ય અને એકદમ સહજ ઘટના હોય છે. સૌથી વધુ વાદ-વિવાદો પોતાના પેરેન્ટ્સ સાથે ચાલતા હોય છે એ પછી વારો આવે છે ભાઈ બહેનોનો. ક્યારેક તેઓને એકબીજા સાથે ફાવતું હોતું નથી તો ક્યારેક ફવડાવવાના વાંધા એટલે જ્યારે સુરભીએ બિરવાના માતા પિતાને મનાવી ઘેર ડિનર માટે બોલાવ્યાં ત્યારે તેઓની ફરિયાદનો સૂર એક જ હતો કે બિરવા ઘરમાં વાદવિવાદ, દલીલો કે ઉગ્ર ચર્ચાઓ કર્યાજ કરે છે. તેઓને પણ સમજ નથી પડતી કે શું કરવું? હા, એવું બને કે નાનપણથી જ અમને બન્નેને મોટા અવાજે બોલતા, બરાડા પાડતા, એકબીજાની વાતોને કાપી નાખતા ઘરમાં ઘાંટાઘાટ કરતા અને ઉગ્રતાથી પોતાની વાત રજૂઆત કરતા હોય એ જોતી બિરવાને આવું કરવું સામાન્ય લાગતું હશે. સુરભીને લાગ્યું કે બિરવા પોતે માનતી હતી એટલી પણ જીદ્દી નથી પરંતુ તે લોકો વચ્ચે જે ટ્યુનિંગનો અભાવ છે બસ એ જ કારણ છે કે જેના કારણે એ છોકરી ઘર છોડવા તરફ મજબૂર બની ગયેલી. બિરવાના પેરેન્ટ્સને ફરી મળવાનું સુરભીએ સૂચવ્યા બાદ એ ચેપ્ટરને બંધ કરી દેવાનું તેણીએ નક્કી કરી લીધેલું હતું પણ ટીનએજર્સ વાતચીત, વાદ-વિવાદ અને વ્હાલ આ બધા વચ્ચેનો ફર્ક ક્યારેય સમજી શકે એમ હોય છે ખરા?? મનમાં ઉઠેલો આ સવાલ સુરભીને દસેક વર્ષ પાછળ ખેંચી ગયો.
સત્યનો માર્ગ અઘરો છે, પરંતુ સંબંધો સાચવવાની વાત આવે ત્યારે આજ માર્ગ આપણને ભરોસા સુધી ખેંચી જાય છે. જોકે, લોહીનો સંબંધ હોય કે લાગણીનો. અસત્યનો ઓછાયો તેના પર પડ્યા વગર રહેતો નથી. અસત્યથી ભરોસો તૂટે, જિંદગીઓ વિખેરાય, સંબંધો છિન્ન-ભિન્ન થઈ જાય. એટલેજ કહેવાયું છે કે, છળ-કપટ, અસત્યના પાયા પર ઊભેલા સંબંધો લાંબા ટકતા નથી. “સત્ય શાશ્ર્વત છે, અસત્ય ક્ષણિક આજ તર્કને સાબિત કરતા પ્રસંગના સાક્ષી બનવાનું અમુક વર્ષ પહેલા તેણીના ભાગે આવેલું.
સત્ય અને મિથ્યા – સાચા અને ખોટાં વચ્ચેનો ભેદ પારખી ના શકાય એ રીતે ગૂંચવાતી જતી વાત હતી બે મુખ્ય સ્ત્રી પાત્રો યાશી અને નેહા. આબુની કુદરતી સૌંદર્યથી ભરપૂર એવી જાણીતી બોર્ડિંગ સ્કૂલના અંગ્રેજી વિભાગમાં ટીચર એવી નેહા અને સ્કૂલના ટ્રસ્ટી એવા વગદાર વ્યક્તિની એના જ ક્લાસમાં ભણતી વિદ્યાર્થિની યાશી. એક દિવસ કોઈ અસાઈનમેન્ટ બાબતે નેહા ક્લાસ વચ્ચે યાશીને ખખડાવી નાખે છે કે તેનું અસાઈમેન્ટ ઉઠાંતરી કરાયેલું છે જે બાબતે યાશીનો જવાબ છે કે તેણીએ જાતેજ કરેલું છે. હવે આમાં શું સત્ય અને શું મિથ્યા!! જોકે, નેહાએ યાશીને ધમકાવ્યા બાદ તે ટીનએઈજ માઈન્ડ સતત વિવાદનો મધપૂડો છંછેડ્યા જ કરે.
સ્કૂલને સૌથી વધુ દાન આપી મદદરૂપ થતા યાશીના પિતા છે આવી લાડકોડ અને પૈસાની છોળો વચ્ચે ઉછરેલી યાશી નેહા દ્વારા કરાયેલા આ અપમાનને ભૂલતી નથી ઉલ્ટું બદલાની આગમાં રોજ સળગતી રહે છે અને ધીમે ધીમે નેહાની નાની એવી દુનિયાને રફેદફે કરવાના કામે લાગી જાય છે એ માટે તેના રસ્તે આવતી દરેક વસ્તુને લાત મારતા, જોખમો ઉઠાવતા, જૂઠ્ઠ બોલતા તેણી સહેજપણ ગભરાતી નથી. પણ શું આજ સત્ય છે?? કે અન્ય કોઈ મિથ્થા કારણ યાશીના આવા વર્તન પાછળ છુપાયેલું છે??
યાશીને ધનાઢ્ય પિતા મળ્યા છે પણ પ્રેમ નહીં, માતા તો છે જ નહીં એટલે પોતાની વાતોને ક્યાં અભિવ્યકત કરે એ બાબતે સતત ધૂંધવાયેલી રહે છે અને નેહાએ ક્લાસમાં તેણીની ક્ષમતા સામે ઉઠાવેલા વાંધાઓને નકારી કાઢી વાત પૂરી કરવાને બદલે એ હદે પહોંચી જાય છે કે તેણી વાતવાતમાં સ્કૂલ આખીમાં નેહા મેડમ વિશે એલફેલ બોલતાં અચકાતી નથી. એક ટીનએજર યુવતી જ્યારે સમજ્યા વિચાર્યા વગર બદલાની ભાવનામાં બળબળતા વ્યક્તિત્વ થકી કઈ હદે અન્યોને નુકસાન પહોંચાડી શકે એની કલ્પના પણ થઈ શકે નહી, પરંતુ આ ઉંમરે વિવાદોમાં વિશેષતા શોધતા ટીનએજર્સ માટે આ સામાન્ય છે. નેહાની ઈમેજ બગાડનાર, ચારિત્ર્ય પર ટિપ્પણી કરનાર, તેણીની છબી ખરડાય એ મતલબની અફવા ફેલાવનાર યાશી છે એ માલૂમ થતાં જ ગુસ્સામાં તમતમી ઉઠેલી નેહા જ્યારે શાળામાં ફરિયાદ કરે છે ત્યારે યાશી પાસેથી નેહા વિરુધ્ધ ફરિયાદનો ધોધ વહે છે.
અહીં પેલા ચાઈનીઝ પ્રોવર્બ જેવું થયું કે,your truth, my truth and the real truth. નેહાનું સત્ય, યાશીનું સત્ય અને ખરું સત્ય આ ત્રણેય અલગ અલગ છે અને બન્ને એકબીજાના સત્યને મિથ્યા સાબિત કરવા હોડ લગાવે છે. સુરભીને યાદ આવ્યું કે બિરવાનું સત્ય અને તેના માતા પિતાનું સત્ય અને ખરેખર સાચું સત્ય શું છે એ પણ કોયડો જ રહી જવાનો.
વિવાદ તો આપણા બધાની અંદર છૂપી રીતે પડેલો હોય છે. સ્ત્રીઓમાં આ વિવાદ વચ્ચે અટવાતા સત્ય અને અસત્યનું સંતુલન સાધી લેવાની ગજબ આવડત હોય છે. એ પછી યુવાનીમાં પ્રવેશી રહેલી યાશી જેવી યુવતી હોય કે મધ્યાવસ્થાએ પહોંચેલી નેહા જેવી સ્ત્રી. જોકે, યાશી-નેહા વચ્ચેનો વિવાદ હવે જગજાહેર હતો. સામસામે ચાલી રહેલા આક્ષેપોના શીતયુદ્ધ વચ્ચે વિસ્ફોટ ક્યારે થશે તેની જ રાહ જોવાય રહી હતી જાણે! (ક્રમશ:)