લાડકી

તરુણાવસ્થાએ ઉદ્ભવતી અનિંદ્રા

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી

જ્યારથી મધરાતે આરતીએ નિયતિને ખાંખાખોળા કરતા જોઈ હતી ત્યારથી તેણીની ઊંઘ હરામ થઈ ચૂકેલી. આરતીને એ સમજાતું નહોતું કે, સતત ઉછળકૂદ કરતી નિયતિને આટલી નાની ઉંમરે રાત્રે ઊંઘ ના આવે એવું કંઈ રીતે બને? નક્કી નિયતિ મારાથી કંઈક છુપાવી રહી છે એ વિચારે આરતી નિયતિના રૂમની લાઈટ ક્યાં સુધી ચાલુ છે, નિયતિ ફોનમાં ક્યા સુધી ઓનલાઇન છે, એના રૂમમાંથી ટીવીનો અવાજ આવે છે કે નહીં આવી બધી બાબતો પ્રત્યે અત્યાર સુધી બિલકુલ ધ્યાન નહોતી આપતી એને બદલે હવે તેણી સજાગ બની ચૂકી હતી, પણ એના પરિણામ સ્વરૂપ થયું એવું કે નિયતિના મનમાં એવી ખોટી ધારણા બંધાય ગઈ કે મમ્મી અચાનકથી મારી જાસૂસી કરવા લાગી છે. એટલે એ પણ મા સાથે પોતાની ખરી તકલીફ વહેંચવાની બદલે તેનાથી વધુને વધુ છુપાવવા લાગી. જેટલું વધારે છુપાવતી એટલી જ આરતી વધારે શંકાશીલ બનતી ચાલી. અંતે એક દિવસ ઘટસ્ફોટ થયો આરતીએ ઘરમાં બધા જ સામે એવું જાહેર કરી દીધું કે, નિયતિને અલગથી રૂમ વાંચવા કે સૂવા માટે નહીં જ મળે, કારણકે એનું રાત્રે ના સૂવાનું કારણ એ છુપાવી રહી છે. “નિયતિ તું જ્યાં સુધી સાચું નહીં બોલે ત્યાં સુધી તને આ સજામાંથી હું મુક્તિ આપીશ નહીં… આરતીના આવા તુઘલખી ફરમાને નિયતિને ડઘાવી મૂકી. એ વીલા મોં એ માત્ર એટલું જ બોલી શકી. “મમ્મી મને નથી ખબર આવું શું કરવા થાય છે!

કહેવાય છે ને રાત્રે શાંતિથી ઊંઘી શકાય એવું જીવન વિતાવવા મળે એ લોકો માટે સ્વર્ગ અહીં પૃથ્વી પર જ વસતું હોય છે. તણાવનો અભાવ હોય, મીઠી નીંદર માણી શકાતી હોય અને શરીર તંદુરસ્ત તેમજ ચુસ્ત અને સ્ફૂર્તિલું હોય એવી વ્યક્તિઓ જીવનનો અનેરો આનંદ લઇ શકવા સક્ષમ હોય છે, પરંતુ તરુણાવસ્થામાં ઈન્સોમ્નિયા જેવી અનિંદ્રાની બીમારીનો ભોગ બનતા લોકોને જીવનભર આ નિરાંતની અનુભૂતિ આવતી જ નથી. ઊંઘ વેરણ બને અને જિંદગી વેરણ છેરણ કરી નાખે એવું મોટી ઉંમરે થતું હોય એ સ્વાભાવિક છે, પરંતુ નિયતી જેટલી સાવ કાચી વયે આ તકલીફને નિવારવી અનિવાર્ય થઈ પડે છે. ટીનએઈજમાં સારી ઊંઘ લઇ આવવા માટે મોટાભાગે કોઈ દવા કે સારવારની જરૂરિયાત હોતી નથી, પરંતુ દિવસ દરમિયાનની તમારી નાની મોટી ટેવો તેમજ જીવનશૈલીમાં નોંધનીય ફેરફાર પણ પૂરતી તેમજ ગાઢ ઊંઘ લઇ આવવા માટે તમને મદદરૂપ થઈ શકે છે .

તેના માટે સૌપ્રથમ તો સવારની સરસ શરૂઆત કરવી અતિ આવશ્યક છે, સવારે વહેલા ઊઠવાની આદત પાડવી. સ્કૂલ-કોલેજ જતાં પહેલાં યોગ, પ્રાણાયામ કરવા અને શક્ય હોય તો ચાલવા માટે ચોક્કસ જવું. દરરોજ નિયમિતરૂપે કસરત કરવી અને એ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે રાત્રે સૂતા પહેલા એકાદ કલાક મગજને શાંત રાખવું અત્યંત જરૂરી છે. ઊંઘતા પહેલા ટેલિવિઝન જોવાની આદત ના રાખવી ઉપરાંત સૂતા સૂતા વાંચવું કે સૂતા પહેલા વાંચવાની આદત પણ સારી ઊંઘ લઇ આવવામાં નડતરરૂપ બને છે. સેલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સથી તો જોજનો દૂર રહેવું, કારણકે સોશ્યલ મીડિયા તેમજ મોબાઈલ ફોનની કુટેવ જ આવી બીમારીઓને નોતરતી હોય છે.

માત્ર એટલું જ નહીં, પરંતુ ઊંઘવાના ઓછામાં ઓછા બેથી ત્રણ કલાક પહેલા જમી લેવું. જમવાનો સમય અને જમવાની આદતો નિયમિત રાખવી. પૌષ્ટિક આહારમાં રહેલા અમુક પ્રકારના પોષકતત્ત્વો સારી ઊંઘ લઇ આવવામાં મદદરૂપ થાય છે. આમ પણ, તરુણાવસ્થા દરમિયાન આહારમાં દૂધ, કેળા , કેરી જેવાં ફળો, જો માંસાહારી હોય તો ઇંડાનું પ્રમાણ લેવાનું રાખવું જોઈએ. રાતના જમવામાં તીખું, તળેલું, વધુ પડતો ચરબીયુક્ત આહાર લેવાનું ટાળવું અને ઊંઘતા પહેલા ચા, કોફી જેવાં પીણાઓ બિલ્કુલ ના લેવાં.

ટીનએજર્સ પોતાની પર્સનલ હાયજીન બાબતે થોડાં બેદરકાર હોય છે. આથી, મન અને મગજને સ્ફૂર્તિમાં રાખે એ પ્રકારની વસ્તુઓ ઊંઘતા પહેલા કરવી જોઈએ. અવ્યવસ્થિત પથારી, બંધિયાર વાતાવરણ તેમજ સ્વચ્છતાનો અભાવ પણ ઊંઘ ના આવવા માટેનાં મુખ્ય કારણો છે. સૂતા પહેલા પથારી સુઘડ તેમજ સ્વચ્છ કરવી, હૂંફાળા પાણીએ નાહી લેવું, શક્ય હોય તો અંગત શારીરિક ચોખ્ખાઈના નિયમો પાળવા જોઈએ અને હળવા, કોટનના કે આરામદાયક કપડા પહેરવાનું રાખવું જોઈએ. આ સમયે અતિ પ્રકાશવાળા વિસ્તારથી દૂર રહેવું તેમજ સૂવાના ઓરડામાં પણ તીવ્ર પ્રકાશવાળા નાઈટલેમ્પનો ઉપયોગ કરવો નહિ. સુવાના ઓરડાનું તાપમાન મધ્યમસર હોવું જોઈએ, અતિ ઠંડક કે અતિશય ગરમીવાળી જગ્યાએ સારી ઊંઘ આવશે નહીં. ઉપરાંત સૂવાની પથારીમાં પાથરવાના તેમજ ઓઢવાની વસ્તુઓ સમયાંતરે બદલતી રહેવી જોઈએ અને એ પણ આરામદાયક કાપડમાંથી બનેલી હોય એ ચકાસવું અત્યંત જરૂરી છે .

ધ્યાન કે યોગ જેવી ક્રિયાઓ ઊંઘતા પહેલા કરી શકાય, ઉપરાંત આંખ બંધ કરીને ધીમા ધીમા, પરંતુ ઊંડા શ્ર્વાસ લેવા જોઈએ તેમજ શરીરના સ્નાયુઓને આરામ મળે એ રીતે પગના અંગૂઠાથી લઈને માથા સુધીના સ્નાયુઓને આવરી લેતી કસરત તેમજ સવાશન જેવા આસન કરવાની ટેવ પાડવી જોઈએ. ખભાના સ્નાયુઓ તેમજ પગના સ્નાયુઓ માટે મસાજ કરવો જોઈએ અને સૂતા વખતે આંખ બંધ કર્યા પછી મગજમાં આવતા વિચારોને શાંત પાડીને એકદમ એકચિત્તે ઊંઘ માટે એકાગ્રતા કેળવવી જોઈએ.

આ ઉપરાંત પણ ઊંઘ ના આવવી કે ઊંઘમાં ખલેલ પડ્યા રાખવાનું ચાલુ રહે તો ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, ઊંઘને લગતી કોઈ ગંભીર બીમારી છે કે નહિ એ જાણવું અત્યંત જરૂરી બની જાય છે.

ખૂબજ નાની લાગતી, નગણ્ય લાગતી આ પ્રકારની અનેક સમસ્યાઓ તરુણાવસ્થાને એવી ઘેરી લેતી હોય છે કે ટીનએજર્સ ધારે તો પણ એમાંથી છૂટી શકે નહિ, આવી જ બધી સમસ્યાઓને નાથી જિંદગીમાં આગળ વધવાનો સંકલ્પ કરવો આવશ્યક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?