લાડકી

ઉત્તર ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા: પ્રીતિ સેનગુપ્તા

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

અશક્ય એટલે હિંદીમાં નામુમકિન અને નામુમકિન એટલે ગુજરાતીમાં અશક્ય…. પણ આ બે નામ ગુજરાતી સાહિત્યની એક લેખિકાના તખલ્લુસ છે. જાણો છો એ લેખિકાનું નામ? નકારમાં ઉત્તર વાળતાં પહેલાં આ સાંભળી લ્યો: એ લેખિકા પ્રવાસિની, ચિરપ્રવાસી, વિશ્વપ્રવાસી અને વટેમાર્ગુ તરીકે જાણીતી છે!

હા, વાત છે પ્રીતિ સેનગુપ્તાની… નિરંતર પ્રવાસી તો ખરી જ, પણ ઉત્તર ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા. છોગામાં પૃથ્વી પરના બધા જ ખંડોનો સફળતાથી પ્રવાસ ખેડનાર સાહસિક ગુજરાતી નારી એટલે પ્રીતિ સેનગુપ્તા! ગુજરાતી સાહિત્યને તેણે તેનાં વીસેક પ્રવાસ પુસ્તકો, કાવ્યસંગ્રહ, લલિત નિબંધો, વાર્તાઓથી રળિયાત કર્યું છે. જન્મે ગુજરાતી, લગ્નથી બંગાળી અને ધર્મથી કોલંબસ એવી પ્રીતિ સેનગુપ્તાએ શાકાહારી રહીને એકલપંડે કરેલા દેશાંતર અને પછીના અનેક ભૌગોલિક પ્રવાસોમાં, પ્રીતિ માટે કહી શકાય કે એ પ્રવાસી ગુજરાતી છે. પ્રવાસ એનો શોખ નથી, એનો ધર્મ છે!

પ્રીતિને મળો તો ચહેરો હાસ્યથી ફૂલગુલાબી હોય. હંમેશાં એમના વાળમાં ડાબી બાજુ ખોસેલું રંગીન ફૂલ હોય. પ્રીતિ એચ.કે. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપન કરાવતી ત્યારે ઉચ્ચ માર્ક્સથી પાસ થયેલી એક વિદ્યાર્થિનીએ ગુરુવંદના તરીકે સફેદ ફૂલ આપેલું. ત્યારથી પ્રીતિ હંમેશાં પોતાના વાળમાં ફૂલ પરોવે છે. આ ફૂલ એ એનો ‘ટ્રેડ-માર્ક’, એની ઓળખ.

એનું મૂળ નામ પ્રીતિ શાહ. જન્મ અમદાવાદમાં 17 મે 1944ના. માતા કાંતાગૌરી અને પિતા રમણલાલ. શિક્ષણ અમદાવાદમાં. જાણીતા શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલયમાંથી. 1967માં ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી 1961માં અંગ્રેજી વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પસાર કરી. અમદાવાદની ઉચ્ચ શિક્ષણસંસ્થા હરિવલ્લભદાસ કાળીદાસ મહાવિદ્યાલયમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે કાર્ય કર્યું. પછી અમેરિકા ન્યૂ યૉર્ક ખાતેના નિવાસ દરમિયાન ચંદન સેનગુપ્તા નામના બંગાળી યુવાન સાથે પરિચય થયો, જે લગ્નગ્રંથિમાં પરિણમ્યો. ત્યારથી કાયમી નિવાસ અમેરિકામાં. વિશ્વપ્રવાસની શરૂઆત વર્ષ 1975માં. સાથોસાથ સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓમાં અવેતન સેવાઓ આપી.

પ્રીતિએ સાહિત્ય સંસ્થાઓમાં કામ કર્યું, પણ પ્રવાસ પ્રત્યે પહેલેથી જ ખેંચાણ. એક મુલાકાતમાં પ્રીતિએ કહેલું કે, ‘એમ કહી શકાય કે પ્રવાસ એ મારી રગોમાં છે. હું જે રીતે પ્રવાસ કરું એમાં એકલાં જ જવાનું અને કોઈ પણ દેશમાં જવાનું, એવું નહીં કે યુરોપ-અમેરિકામાં ઓળખાણો હોય ત્યાં જઈ આવીએ અને કોઈ લેવા આવશે, મૂકવા આવશે એવું નહીં. દુનિયાના એકસો બાર દેશોમાં ગઈ છું એમાંથી એકસો પાંચ દેશોમાં હું મારી મેળે એકલી ગઈ છું. સૌથી પહેલાં હું અમેરિકામાં ફરી. પહેલાં છ મહિના નોકરી કરી, પછી એ છોડી દીધી. બે સુટકેસમાં સામાન હતો તે ક્યાંક મૂકી દીધો અને પછી છ મહિના હું અમેરિકામાં બસમાં ફરી. પ્રવાસને હું મારો શોખ નથી કહેતી, હવે હું એને મારો ધર્મ કહેતી થઈ છું. મારું જીવન, મારી ફિલસૂફી એ બધું પ્રવાસમાં જ છે. પ્રવાસને હું બહુ ઊંડા અર્થમાં લઉં છું. પ્રવાસ એટલે એવું નથી કે આપણે બધે ફરી આવ્યાં, બધું જોઈ આવ્યાં.’

બાળપણમાં પ્રીતિએ માર્કો પોલો, કોલંબસ, વાસ્કો દ ગામા જેવા વિશ્વપ્રવાસીઓનું વિસ્તૃત અધ્યયન કર્યું હતું; જેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી અને પ્રવાસનક્ષેત્રે સક્રિય રીતે ઝંપલાવવાનો નિર્ધાર કર્યો. વર્ષ 2005 સુધી તેણે વિશ્વના 104 દેશોનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાંથી મોટા ભાગના દેશોનો પ્રવાસ તેણે એકલાં જ કર્યો છે. તેમાં દક્ષિણ અને ઉત્તર ધ્રુવના પ્રવાસનો પણ સમાવેશ થાય છે. 1992માં ઉત્તર ધ્રુવનો પ્રવાસ ખેડનાર પ્રીતિ પ્રથમ ભારતીય મહિલા છે. સાત ખંડના પ્રવાસ પૂરા થયા, પછી પ્રીતિએ ઉત્તર ધ્રુવના પ્રવાસ વિશે ક્યાંક વાંચ્યું અને એને થયું કે એ અભિયાન કરે તો સાડા-સાતમો ખંડ થાય. એ ઉત્તર ધ્રુવનો જે સમુદ્રનો ભાગ છે તે એટલો બધો મોટો છે, ભલે એમાં જળ વધારે છે, પણ એને અડધો ખંડ તો કહેવો જ પડે. પછી થયું કે નોર્થ-પોલ જઈને હું જાણે કે પૃથ્વીને પોતાના બાહુઓમાં આલિંગન આપું. જાણે પૃથ્વીને વહાલી કરું છું એવો ભાવ મનમાં આવતો હતો. ત્યાં જઈને એવું લાગે કે તમે દુનિયાની બહાર નીકળી જાવ છો, પૃથ્વીને તમે છોડી દીધી છે. દેશો, જમીન બધું છોડીને તમારે દરિયા પર જતાં રહેવાનું. આ પ્રવાસને પ્રીતિ સહનશક્તિની સાચી કસોટી કહે છે; કારણ કે ત્યાં તાપમાન માયનસ સાઠ ડિગ્રી હોય છે.’

સારામાઠા અનુભવ વચ્ચે પ્રીતિનો પ્રવાસનો શોખ લીલોછમ ને તરોતાજા રહ્યો એનો યશ એ પતિ ચંદનને આપે છે. પ્રીતિએ કહેલું કે, પહેલેથી જ ચંદન કહે છે કે દરેક વ્યક્તિને કોઈક એવો શોખ કે એવી લગન કોઈ પણ ક્ષેત્રમાં હોવી જોઈએ, જેનાથી એનું પોતાનું જીવન સાધારણથી કંઈક વધારે થાય. એટલે મને મારા પ્રવાસમાં, મારા લેખનમાં, વાંચનમાં આટલો ઊંડો અને શાશ્વત રસ છે એનો એને પહેલેથી જ આનંદ રહ્યો છે. મારી પહેલી ચોપડી મેં ચંદનને અર્પણ કરેલી, કે એ મને જવા દે છે જેથી હું પાછી આવી શકું. એણે મને એ વિશ્વાસ આપ્યો કે પાછા આવીને ક્યાં જવુંએ હવે મારે ગભરાવાનું નથી. હું જ્યાં જાઉં ત્યાંથી પાછી આવું ત્યારે મારું ઘર અહીં છે જ.’ પ્રેમાળ પતિના ટેકાથી પ્રીતિએ પોતાનો પ્રવાસ શોખ પૂરો કર્યો. એકલ પ્રવાસ ખેડ્યો. ચિરપ્રવાસી અને વિશ્વપ્રવાસી બની. આ પ્રવાસે એને નવોપરિચય આપ્યો. પોતાની એ ઓળખ અંગે પ્રીતિ કહે છે, વતન અમદાવાદ, વસવાટ ન્યૂ યૉર્ક અને વ્યવહાર સારી દુનિયા સાથે.આચાર પોર્વાત્ય, વિચાર આધુનિક અને વર્તમાન વટેમાર્ગુ જેવું.

કર્મે લેખક, ધર્મે મુસાફર!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button