જરૂર આવીશ…

આજની ટૂંકી વાર્તા -ઉર્વી હરિયાણી
ન્ગ્રેચ્યુલેશન્સ! તમે એક સુંદર બેબીના પિતા બન્યા છો.’ લેડી ડૉક્ટરના આ વાક્યે પ્રશાંતનો ચહેરો ખીલાવી દીધો. પોતાના ડેડની સાથે સમાચારની રાહ જોઈ રહેલો દસ વર્ષીય વિરલ ઊછળી પડ્યો.
થોડી મિનિટો પહેલાં પૃથ્વી પર અવતરેલી એ નવજાત બાળકીને લઈ નર્સ ઓપરેશન રૂમની બહાર આવી. બંનેય બાપ-દીકરાએ પ્રફુલ્લ ચહેરે નવજાત બેબી પર નજર માંડી. એમનાં નેત્રો વિસ્ફારિત થયાં.
‘ડેડ, આ તો અદ્દલોદલ મોમ જેવી લાગે છે.’ વિરલ બોલ્યો. પ્રશાંતના ચહેરા પર સ્તબ્ધતા હતી. એના હોઠ ફફડ્યા, ‘સુરીલી… આઈ કાન્ટ બિલીવ.’ બીજી પળે એણે જાતને સંભાળતાં પ્રશ્ર્ન કર્યો, ‘સિસ્ટર, હાઉ ઈઝ માય વાઈફ?’
‘શી ઈઝ ક્વાઈટ ઓકે!’ નર્સે જવાબ વાળેલો.
વિરલ નાનીબહેન પાછળ ગાંડો થઈ ગયેલો. કોઈનેય પૂછ્યા વગર એણે નામ પાડી દીધેલું, ‘સૂર’.
સ્મિતા અને પ્રશાંત વિરલની પ્રસન્નતાથી આનંદ પામતાં. માતા-પિતા તરીકે તેઓ પણ બાળકીને પામી ખુશ હતાં. અલબત્ત, પ્રશાંતના હૈયાના ખૂણે ક્યારેક સુરીલીની યાદ ટીસરૂપે ઊઠતી તો એ પ્રયાસપૂર્વક દબાવી દેતો, પરંતુ સૂરના આગમન બાદ અવારનવાર એવી ઘટનાઓ બનતી કે પ્રશાંતને સુરીલીની યાદ બમણા જોરે ઘેરી વળતી.
* * *
વહેતા ઝરણા જેવી અલ્લડ, દોડતા અશ્ર્વ જેવી સ્ફૂર્તિલી અને પવનની લહેર જેવી ચંચળ સુરીલી પ્રશાંતની પ્રથમ પત્ની હતી. પ્રશાંત પ્રતિભાશાળી અને શાંત વ્યક્તિત્વ ધરાવતો. પરસ્પર વિરોધી સ્વભાવ ધરાવતાં પતિ-પત્ની વચ્ચે સ્નેહ અતૂટ હતો.
એક સાંજે વાત વાતમાં સુરીલીએ પ્રશાંત સામે દરખાસ્ત મૂકી. આમ તો એને દરખાસ્ત કહેવાય પણ એ એક અધિકારપૂર્ણ માગણી હતી. સુરીલીએ કહેલું, ‘આવતી કાલે વેલેન્ટાઈન્સ ડે છે. આપણે મહાબળેશ્ર્વર જઈએ.’
પ્રશાંતથી પુછાઈ ગયું, ‘કાલે? આમ અચાનક?’
‘હા, કાલે…’ સુરીલીએ આંખો પટપટાવી હતી. પછી એ પ્રશાંતને વેલની માફક વીંટળાઈ ઊઠતાં બોલી, ‘પ્લીઝ પ્રશાંત…’
‘વેલ, મારે ઓફિસે જણાવવું પડશે…’ પ્રશાંતે ઊંડો શ્ર્વાસ લીધો.
‘નથી જરૂર! મેં તારી સેક્રેટરીને મેસેજ આપી દીધો…’ રમતિયાળ સ્મિત વેરતાં સુરીલીએ પ્રશાંતને પૂર્ણપણે માત કર્યો.
મહાબળેશ્ર્વરની એ સફર જેટલી રોમાંચક બનેલી એટલી જ યાદગાર બની હતી. એ બે દિવસો દરમિયાન સુરીલીએ પ્રશાંતને મન મૂકીને પ્રેમ કરેલો. સુરીલીના પ્રેમમાં તરબોળ બની ગયેલા પ્રશાંતે કહ્યું હતું, ‘સુરીલી, તને પામ્યા પછી મને કશાની ખેવના નથી રહી. અલબત્ત, તું મારી પાસે કંઈ ઈચ્છે છે?’
પ્રશાંતની છાતીમાં મોં છુપાવી દેતાં સુરીલીએ કહેલું, ‘હા, આપણા સંસારબાગને પરિપૂર્ણ કરે એવા નવા પુષ્પના આગમનને હું ઈચ્છું છું. ઈચ્છું છું કે આપણા વિરલને એક બહેન મળે.’ પ્રશાંત હસી પડેલો. એણે એના બાહુપાશમાં સુરીલીને જોરથી ભીંસી દીધેલી. એનેય એ મંજૂર હતું.
* * *
‘ડેડ, આ સૂર તો બિલકુલ મોમની માફક મારા ગાલ ખેંચે છે.’ વિરલ પ્રશાંત પાસે મીઠી ફરિયાદ કરતો.
‘પ્રશાંત, તું જે વાયોલેટ કલરનું ફ્રોક ઉપાડી લાવ્યો છે, એ સૂર ધરાર નથી પહેરતી. એ ફરી-ફરીને પેલું જૂનું એનું એકમાત્ર યલો કલરનું ફ્રોક પહેરે છે.’ સ્મિતાએ પણ સૂરની મીઠી ફરિયાદ કરી.
‘વાઉ, સૂર અદલોદલ મમ્મી જેવી છે. રાઈટ ડેડ? મોમનેય વાયોલેટ કલર ન ગમતો. એની પાસે યલો રંગના ડ્રેસીઝની કેટલી બધી વેરાઈટીઝ હતી!’ વિરલ જેટલી નિર્દોષતાથી સહજપણે કહી રહેલો, એટલી સહજતાથી પ્રશાંત માટે આ વાત પચાવવી સહેલી ન હતી. સૂર અને સુરીલી વચ્ચે આટલી હદ સુધીનું સામ્ય શી રીતે સંભવે? એ ચકરાવે ચડી જતો.
* * *
આનંદાશ્રમના અવધૂતગીરી સ્વામીની સન્મુખ સુરીલી અને પ્રશાંત બેઠેલાં. મહાબળેશ્ર્વરની મિની પિકનિક બાદ પાછા ફરી રહેલ સુરીલીની નજર રસ્તામાં આનંદ આશ્રમ પર પડી હતી. એ પ્રશાંતને ત્યાં ખેંચી ગયેલી.
‘બાબા, અત્યાર સુધીની મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે. હવે મારી એક માત્ર ઈચ્છા છે કે મારા પુત્ર વિરલને એક નાની બહેન મળે. શું એ ઈચ્છા પરિપૂર્ણ થશે?’ સુરીલીએ જીજ્ઞાસાપૂર્વક પ્રશ્ર્ન પૂછેલો. સ્વામીજી આંખો મીંચી ગયેલા. થોડી ક્ષણો બાદ એમણે આંખો ખોલી.
‘બેટા, તારી એ ઈચ્છા જરૂર પૂર્ણ થશે. પરંતુ…’ એમના ચહેરા પર અવસાદ હતો. કહું ના કહુંની અવઢવમાં મુકાયેલા. સુરીલીનું ધ્યાન એ તરફ ન હતું. મનવાંછિત શબ્દો સાંભળી આનંદિત થતાં એણે સ્વામીજીનાં ચરણોમાં શિશ નમાવી દીધેલું. ‘મમ્મી…’ વિરલે આપેલા સાદથી એ ત્યાંથી દોડી ગયેલી. સ્વામીજીના મુખભાવ કળી ગયેલ પ્રશાંતને હૈયે સહેજ ફડકો પડ્યો. એ બોલ્યા વગર ન રહી શક્યો.
‘બાબા, તમે કંઈ કહેતાં અટકી ગયા…’ નાછૂટકે સ્વામીજીએ એમને જે ભાવિનાં એંધાણ કળાયેલાં એ પ્રશાંતને જણાવવાં પડેલાં. એ જાણી પ્રશાંત સ્તબ્ધ બની ગયેલો.
* * *
ગાયનેકોલોજિસ્ટની કેબિનમાં પ્રશાંત સાથે બેઠેલી સુરીલીનો ચહેરો અપેક્ષિત પરિણામના સમાચાર સાંભળવા આતુર થઈ ઊઠેલો. મનોમન મલકી રહેલી સુરીલીને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. ગાયનેકે અનપેક્ષિત સ્ફોટક સમાચાર સંભળાવ્યા હતા, ‘મિ. પ્રશાંત, તમને જણાવતાં મને દિલગીરી થાય છે કે આપનાં વાઈફ પ્રેગ્નન્ટ નથી, એમને અંડાશયમાં ગાંઠ થઈ છે. જે ખાસ્સી વિકસી ચૂકી છે. આપણે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે.’
ઓપરેશન બાદ બાયોપ્સી રિપોર્ટ આવ્યો ત્યારે સુરીલી અને પ્રશાંત બંનેય તૂટી પડેલાં. એ ગાંઠ કેન્સરની નીકળી હતી. સઘન સારવાર છતાં સુરીલીનાં બીજાં અંગોમાં કેન્સર ઝડપથી પ્રસરી ગયું.
પ્રશાંતને સ્વામીજીએ સુરીલીનું જે ભવિષ્ય ભાખેલું એ યાદ આવ્યું. સ્વામીજીએ વિષાદ સાથે જણાવેલું, ‘હમણાં જે તરવરાટભરી અને તંદુરસ્ત લાગતી આપની ભાર્યા અહીંથી ગઈ છે, એ ખૂબ ઓછી આયુ લઈને આવી છે. એનું મૃત્યુ ઘણું નજીક છે.’ ત્યારે પ્રશાંતને વિશ્ર્વાસ બેઠો ન હતો.
સ્મિતા સુરીલીની બાળપણની સખી હતી. કૌટુંબિક અને આર્થિક કારણોસર તે કુંવારી રહી ગયેલી. સુરીલીની માંદગી દરમિયાન એણે સુરીલીનાં ઘરને અને વિરલને સંભાળી લીધેલાં.
દુનિયા ત્યજવાનો સમય જેમ-જેમ નજીક આવતો ગયો તેમ-તેમ સુરીલીની માયા પ્રશાંત તરફ વધતી ગઈ. એ પ્રશાંતને પળભર માટેય એની આંખોથી દૂર ન થવા દેતી. પ્રશાંત પણ અંદરથી તદ્દન વિખેરાઈ ચૂકેલો. અંતિમવેળાએ પ્રશાંતના હાથમાં સુરીલીનો કૃશકાય હાથ હતો. એની આંખો વિશેષ તેજથી ચમકી રહેલી. જેમાં અજબ જીજિવિષા હતી. સુરીલીના છેલ્લા શબ્દો હતા, ‘પ્રશાંત, તને છોડીને જવાનું જરાય મન નથી. મૃત્યુ પછી મારે ક્યાં જવાનું છે, એની મને ખબર નથી. પણ તારા વગર ક્યાંય નહીં રહી શકું. હું તારી પાસે પાછી આવીશ. જરૂર આવીશ.’
સુરીલીની ચિરવિદાય પછી સગાં-સ્નેહીઓના અને ખાસ તો વિરલના આગ્રહથી પ્રશાંતે વરસ બાદ સાદાઈથી સ્મિતા સાથે લગ્ન કરેલાં. બીજી પત્ની બની સ્મિતા એના જીવનમાં પ્રવેશેલી.
* * *
સમયચક્ર ઝડપથી ફરવા માંડ્યું. સૂર યુવાનીના ઉંબરે આવી ઊભી રહી. એ આબેહૂબ સુરીલીની પ્રતિકૃતિ લાગતી. વિરલ ઓસ્ટ્રેલિયા ભણવા ગયો હતો. હવે તો પ્રશાંત પર જાણે સુરીલીનો એકાધિકાર પ્રવર્તતો. ક્યારેક સ્મિતાને કઠતું, કેમ કે સ્મિતા અને પ્રશાંત રાત્રે એમના બેડરૂમમાં ન જાય ત્યાં સુધી સૂર ક્ષણ પૂરતોય પ્રશાંતને રેઢો ન મૂકતી. સૂરના આવા વળગણથી પ્રશાંતને આશ્ર્ચર્ય થતું. એ ક્યારેક કહેતો, ‘સૂર, તું મિત્રો બનાવ. વિરલને ગર્લફ્રેન્ડઝ છે. એમ તારે કોઈ બોયફ્રેન્ડ…’
‘નો વે, મારા બોયફ્રેન્ડ તમે છો, પપ્પા!’ સૂર ચહકતી. પ્રશાંત ભોંઠય અનુભવતો.
એક રાતે હદ થઈ ગઈ. સુરીલીનો અંગત રૂમ બંધ રહેતો. સૂર નાની હતી ત્યારે વારંવાર તે રૂમમાં જતી. ત્યાંથી પાછી ન ફરતી. ત્યાંની તિજોરી ખોલવા જીદ કરતી. એથી કંટાળીને પ્રશાંત-સ્મિતાએ એ રૂમ લોક કરી દીધેલો. યુવાનીમાં પ્રવેશ્યા બાદ સૂર એ રૂમ પ્રત્યે પ્રબળ આકર્ષણ અનુભવવા લાગી. પરિણામે ખાંખાંખોળા કરી એણે એની ચાવી શોધી લીધેલી.
મધરાતે રણકી ઊઠેલા મોબાઈલથી પ્રશાંતની ઊંઘ ઊડી ગઈ. મોબાઈલમાં સૂરનો સ્વર પડઘાઈ રહેલો, ‘ફોર એ મોમેન્ટ. રૂમની બહાર આવશો, પ્લીઝ…’ શું પ્રોબ્લેમ હશે? એમ વિચારતા પ્રશાંત ઊઠીને બહાર આવ્યો. સ્મિતા તો ભર ઊંઘમાં હતી.
રૂમની બહાર પગ મૂકતાં જ પ્રશાંત ડઘાઈ ગયો. બરાબર એના રૂમની સામે સુરીલીનો રૂમ હતો જે અત્યારે ખુલ્લો હતો. અંદરથી ભરપૂર દૂધિયો પ્રકાશ રેલાઈ રહેલો. અચાનક એક ખાસ પ્રકારના પરફ્યુમની માદક સુગંધે એને ઝંકોરી મૂક્યો. એ સુરીલીના રૂમમાં પ્રવેશ્યો.
આ સુરીલી છે? ક્ષણભર માટે પ્રશાંત ચકરાઈ ગયેલો. નવોઢાનાં વસ્ત્રોમાં પૂર્ણ સજ્જ થઈ એની સામે જે ઊભી હતી એ આબેહૂબ સુરીલી હતી. એ પ્રશાંત તરફ આગળ વધી. અવશપણે એની કાયા પ્રશાંત સાથે ચંપાઈ. એ ઉન્મત્ત બની ઠેકઠેકાણે પ્રશાંતને ચૂમવા લાગી.
‘તડાક્…’ એક જોરદાર થપ્પડનો અવાજ વાતાવરણમાં ગુંજી ઊઠ્યો. એ ભોંય પર ફસડાઈ પડી. ગુસ્સાના આવેગમાં ધ્રૂજી રહેલો પ્રશાંત તત્ક્ષણ ત્યાંથી ચાલી ગયો.
સૂરને થોડી વાર પછી હોશ આવ્યા. નવોઢાનાં વસ્ત્રોમાં પોતાને જોઈ એને આશ્ર્ચર્ય થયું. અને યાદ આવ્યું કે એ સુરીલીના રૂમમાં આવી હતી. તિજોરી ખોલી હતી. તિજોરીમાં સુરીલીનું પાનેતર અને ચૂંદડી જોઈ એને ન જાણે શું થઈ ગયેલું કે એ તે પહેર્યા વગર ન રહી શકી. ત્યાર બાદ શું થયું એ એને બરાબર યાદ ન હતું. અલબત્ત પ્રશાંતની ઝન્નાટેદાર થપ્પડનો એને અહેસાસ હતો. એ ધીમા પગલે તિજોરી પાસે ગઈ. આલબમમાં સુરીલીના ફોટોગ્રાફસ જોઈ એ સ્તબ્ધ બની. એ પોતાની જાતને આયનામાં સુરીલી સાથે સરખાવી રહી. એના હાથમાં સુરીલીની રોજનીશીની ડાયરી આવી. એ અધ્ધર શ્ર્વાસે ડાયરી વાંચવા લાગી.
* * *
સ્વામી અવધૂતગીરી ધ્યાનથી પ્રશાંતને સાંભળી રહ્યા હતા. પ્રશાંત અને સ્મિતા વ્યથિત હતાં. સૂર વિશે તેઓ ભારે ચિંતિત હતાં. એ રાતે સુરીલીના રૂમમાં બનેલા બનાવ પછીની સવારથી સૂર ગાયબ હતી. એ વાતને પૂરું અઠવાડિયું વીતી ગયા બાદ પણ એના કોઈ સગડ મળ્યા ન હતા. પ્રશાંત જાણતો હતો કે સ્વામી અવધૂતગીરી પારલૌકિક શક્તિઓ ધરાવે છે. એમણે સુરીલીની આયુનું ભવિષ્ય ભાખ્યું હતું. તેઓ જરૂર એને સૂરના સગડ શોધવામાં મદદરૂપ બનશે એવી અપેક્ષાસહ તે આજે વર્ષો પછી આનંદ આશ્રમે આવેલો.
‘સૂર જ્યાં છે ત્યાં બરાબર છે. એ સલામત છે. એ આપના ઘરે ક્યારેય પાછી નહીં ફરે. એની અને આપની આ જન્મની લેણદેણ પૂરી થઈ ગઈ. હરિ ૐ!’ સ્મિતા અને પ્રશાંતની આંખોમાં અશ્રુઓ ધસી આવ્યાં. ભાંગેલા પગે પ્રશાંત સ્મિતાને લઈ આશ્રમની બહાર નીકળ્યો. એ પળે પ્રશાંતે સહજપણે પાછું વાળીને જોયું. એ આંચકો ખાઈ ગયો. સ્વામી અવધૂતગીરીની સાથે સંન્યાસિનીનાં ભગવાં વસ્ત્રોમાં સજ્જ થયેલી સૂર ઊભી હતી. પ્રશાંત દિગ્મૂઢ હતો. એના પગ યંત્રવત્ આગળ ચાલી રહેલા, જ્યારે અંતરપટ પર સુરીલીના અંતિમ શબ્દો ટકોરા દઈ રહેલા, ‘હું તારી પાસે પાછી આવીશ, જરૂર આવીશ.’ પ્રશાંતનું હૃદય ચિરાતું હતું. કદાચ સૂર એની સુરીલી હતી, પણ એ એને આ જન્મમાં ક્યારેય સુરીલી તરીકે સ્વીકારી શકે તેમ ન હતો.
* * *
એ રાતે સૂરને સુરીલીની રોજનીશી-ડાયરી વાંચતાં, પોતાની અને સુરીલી વચ્ચે રહેલી સામ્યતાનું અને વિચિત્ર વર્તણૂકનું રહસ્યમય કારણ થોડું ઘણું સમજાયેલું. એ ડાયરીમાંથી એને સ્વામી અવધૂતગીરીનું સરનામું મળેલું. પોતાના અંગે વધુ સ્પષ્ટ થવા એ સ્વામીજીને મળી હતી. સ્વામીએ ધ્યાનમાં જઈ સમજાવેલું કે પુરાણોમાં લખ્યા પ્રમાણે અતિજ્ઞાની અને મોક્ષાધિકારી ભરત ઋષિએ અંતિમ સમયે પોતે પાળેલ મૃગબાળનું સતત સ્મરણ કર્યું હોઈ એમને બંધનમાં મુકાઈ બીજો જન્મ મૃગરૂપે લેવો પડેલ. એ જ પ્રમાણે, ગયા જન્મની તારી પ્રશાંત સાથે રહેવાની પ્રબળ જીજિવિષાને કારણે તારો ફરી પ્રશાંતના જીવનમાં પ્રવેશ થયો, અલબત્ત પુત્રી સ્વરૂપે! તકલીફ ત્યાં થઈ કે તું પુત્રી હોવા છતાં ગયા જન્મમાં તેં પ્રશાંતને પતિરૂપે ચાહ્યો હોવાથી, તારું અંતરમન યુવાન થતાં જ એને એ જ રૂપમાં ઝંખવા લાગ્યું. જે આ જન્મમાં શક્ય નથી. સૂરે સ્વામીજી પાસે સંન્યસ્તની દીક્ષાની માગણી કરી. સ્વામીજીએ ધ્યાન લગાવતાં જોયું કે સૂર આ જન્મમાં અવિવાહિત રહેવા સર્જાયેલી છે. એમણે સૂરને દીક્ષા આપી હતી.
સૂર કહો કે સુરીલી, એ પ્રશાંતના જીવનમાંથી પાછી ફરી ન શકે એ રીતે હંમેશ માટે ચાલી ગયેલી. સંન્યસ્તની દીક્ષા પામ્યા પછી એને પ્રશાંતનો મોહ રહ્યો છે કે નહીં, એ નથી ખબર! પરંતુ વરસો પછી આજેય સિત્તેરની વયે પહોંચી ગયેલા પ્રશાંતના કર્ણપટ પર સુરીલીના અંતિમ શબ્દો, ‘જરૂર આવીશ…’ પડઘાયા કરે છે. સુરીલી અને સૂરની મિશ્ર યાદોથી વ્યથિત બની એ કલાકો સુધી શૂન્યમાં ખોવાઈ જાય છે.
(સમાપ્ત)