ઝેર તો પીધા છે જાણીજાણી
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
“ક્યારના છાપાં વાંચ વાંચ કરો છો, એથી કાંઈ કેસ નથી મળી જવાનો.
“તો શેનાથી મળશે? સુધીરે પૂછ્યું.“કેસ મેળવીને કેસ ચલાવવો પડે, કેસ જીતવો પડે. સમજ્યા? એક પછી એક કેસ હારતા જ જાવ, હારતા જ જાવ. તો પછી કોણ તમારે પગથિયે ચડે? એકાદ કેસ જીતીને લાવો… તો જાણું! કમ સે કમ આ કાળા કોટની સિલાઈ તો છોડો, મારા બાપ!
“સવાર સવારની કટકટ કરે છે…(કાગડી જેવી!) પોતાને વાંચતાં આવડતું હોય તો છાપું વાંચે ને?
“છાપું વાંચ્યાં વિના જ મને માસ્તરાણીની નોકરી મળી. એમ ને એમ બી.એ., બી.એડ. થઈ ગઈ!
“તને નોકરીએ લેવાવાળો પણ અભણ!
“કાળો કોટ ચડાવીને કોર્ટની બહાર ભજિયાં ને ચટણી તો મને પણ ખાતાં આવડે. પણ મારી જેમ પચાસ-સાઠ છોકરાં તો ઘેરી જોવ. ખબર પડે…!
સુધીર ખિજાયો. “મને બહુ ચેલેન્જ ના કર. એકી ધડાકે સીધા કરી દઉં…
“એમ? તો કાલે તમે એક દિવસ માટે મારી સ્કૂલે ભણાવવા આવજો. અમે કહીશું કે, નવા સર આવ્યા છે બી.એડ.નું લેસન આપવા. બોલો, છે મંજૂર? “મંજૂર, મંજૂર, મંજૂર… જો હું તારાં છોકરાં સીધાદોર કરી દઉં, તો તારે એક પણ સાડી પાંચ વર્ષ માટે માગવાની નહીં. મંજૂર?
“મંજૂર… અને જો તમે હારી જાઓ, તો હું કાળો કોર્ટ પહેરી કોર્ટમાં આવી કેસ લડીશ અને આવનારા પચાસ વર્ષ સુધી, દર વર્ષે પચાસ સાડીની ખરીદી કરતી રહીશ.
બંનેએ સામસામે ‘મંજૂર… મંજૂર’ ની મહોર લગાવી દીધી. ‘કસમ કાળા કોર્ટની ને સામે છેડે કસમ ડસ્ટર ચોકની!’
બીજે દિવસે સવારે વહેલા ઊઠી મંદિર સુધી આંટો મારી ભગવાનને વિનવણી કરી કે, “હે પ્રભુ! ભલે મારો આ કાળો કોટ કોર્ટમાં તો ન ચાલ્યો. પણ સ્કૂલમાં ચાલતો થાય, તો દરેક બેકાર કાળા કોટને માસ્તરગીરી તરફ લઈ જવાની કોશિશ કરીશ અને દરેક માસ્તરોને કાળો કોટ પહેરી કોર્ટગીરી કરવા સમજાવીશ. અને એક કાયદો એવો પણ લાવીશ, (એ માટે પહેલાં જજ બન. બંધારણની કલમ વાંચતા આવડે છે?) કે હારેલા, થાકેલા, નહીં ચાલતા, વધુ પડતાં ચાલતા શિક્ષકો જો ચાલુ નોકરીએ વકીલગીરી કરવા ચાહે, તો કરી શકશે અને ભજિયાં ખાઈ કજિયા કરતાં હારેલા, થાકેલા, પાકેલા વકીલો ચાલુ નોકરીએ માસ્તરગીરી કરી શકશે.(તુક્કો ન લગાવો.)
“ભણાવવા જતાં પહેલાં જ શેખચલ્લીની જેમ શું વિચારો છો? શ્રદ્ધાના પહાડી અવાજથી બેબાકળો બની ગયેલ સુધીર…
“ના…ના… એ તો જરાક અમસ્તો જ.
“આમ ક્લાસમાં તુ…તુ..તુ. ફ…ફ.. ફ… કરવા રહેશો, તો છોકરાંઓ માથે ચડીને તબલાં વગાડશે. સમજ્યા? ને હજી પણ કહી દઉં છું કે ટાંટિયા ધ્રૂજતા હોય, તો હાર સ્વીકારી લો અને કોર્ટ તરફ કાળું મ્હોં કરી, કાળો કોટ ચડાવી ચાલવા માંડો! ને મને તો ખાતરી જ કે રોજની જેમ આજનો આ તમારો ખુદનો કેસ પણ તમે ખુદ તમારે હાથે હારી જ જવાના છો. હું તો કહેવાની જ નથી કે આ મારા ‘એ’ છે…!
સુધીર ખાદીની કફની, પાયજામો ને મોજડી ચડાવી ડ્રોઇંગ રૂમમાં આવ્યો ને બોલ્યો, “ચાલો, શ્રદ્ધાદેવી!હમ તૈયાર હૈ! (આ તે માસ્તર છે, વકીલ છે, દેહાઈનો જમાઈ કે પછી)
શાળાના દરવાજે સુધીરને ઊભો રાખી સાહેબ સાથે બધું પાકું કરી દીધું કે એક ભાઈ બી.એડ.નું લેસન આપવા આવ્યા છે. એમને હું મારું જ ટાઇમટેબલ દઈ દઉં છું.
એટલામાં ટન… ટન… થયું. બેલ વાગ્યો. દરવાજો આખો ખૂલી ગયો. બાળકો સુધીરને ટલ્લે ચડાવી, નીચે પછાડીને વર્ગ તરફ ભાગ્યાં. બે-ચાર મોટા છોકરાઓએ સુધીરને બાવડેથી ઊંચકી ઊભો કર્યો ને એકે તો વળી સલાહ પણ આપી.
“અંકલ, જરા ખાઈ પીને તગડા થાવ ને. આ નાનકડા છોકરાં પણ તમને ગબડાવી જાય! છી.છી! (આ શ્રદ્ધાવાળીએ જ બધાને છી છી શીખવાડ્યું લાગે છે!)
બીજો બોલ્યો, “તગડા થવાનું ટ્યુશન અમારાં શ્રદ્ધા ટીચર પાસે જ લેજો. એક ફેંટ મારે તો બધાં ચૂપ! ત્યાં તો સામેથી શ્રદ્ધાને આવતી જોઈ તેઓ સુધીરને સલાહ આપવાનું માંડવાળ રાખી ભાગ્યાં.
“ભાગો જલદી… શ્રદ્ધા મેડમ ઘરનો ગુસ્સો હમણાં આપણી ઉપર ઠાલવશે!
આ ધમાચકડીમાં સુધીરનાં કપડાં પણ મેલાં થઈ ગયાં. પુસ્તકો પણ પડી ગયાં. માથાના વાળ બાબરિયા ભૂત જેવા થઈ ગયા. શ્રદ્ધા તો બીજા ગ્રહનાં પ્રાણી જેવા ગેટઅપમાં સુધીરને જોઈ ચિલ્લાઈ…
“સગો એકનો એક પતિ છે! જાવ… ચાલો હવે, ઝટ કપડાં ખંખેરો. સીધા મારા ક્લાસમાં જ લઈ જાઉં. આજે મારું જ ટાઇમટેબલ તમારે ફોલો કરવાનું છે. ને હજી પણ એક તક આપું છું. ટાંટિયા ધ્રૂજતા હોય તો રહેવા દો. મારી ઇજ્જત ખરાબ ના કરતા. ને ભૂલમાં પણ શ્રદ્ધાનો પતિ છું, એવું કહેશો નહીં. મારા નામનાં ઓઠા હેઠળ બાળકોને ગભરાવશો નહીં. છેલ્લી ઘડીની ઇમરજન્સી આવી પડે, તો જ મારું નામ વટાવજો. ખાલી ‘શ્રદ્ધા મેડમ’ બોલશો કે તરત તમારો ઉગારો થશે. એમ બોલી શ્રદ્ધાએ સુધીરને એક વર્ગખંડમાં ધક્કો મારી દીધો.
શરીરે નાનકડા, પણ મુખાકૃતિએ થોડા મોટી ઉંમરના લાગતા ખાદીધારી પ્રાણીને જોઈને છોકરાંઓ ઊભાં થઈને એકબીજાને તાલી આપવા માંડ્યાં. શ્રદ્ધા બારીની ફાંટમાંથી આ અલૌકિક દ્રશ્ય નિહાળી, બલિના બકરાંની ગંભીર હાલત જોઈ હસવા માંડી.
એક બોલ્યો, “નવો મોનિટર છે.
બીજો બોલ્યો, “પટ્ટાવાળા ભાઈ લાગે છે. પણ જરા ઉચ્ચ ખાનદાનના લાગે છે.
ત્રીજો બોલ્યો, “શ્રદ્ધા મેડમની આણે છુટ્ટી કરી દીધી કે શું?
બીજી બાજુ સુધીર ‘સાયલન્સ, સાયલન્સ…’ કહી ડસ્ટર પછાડવા માંડ્યો કે જેથી ક્લાસમાં શાંતિ જળવાય. “શું ગાંધીબાપુએ આપણને આવું તોફાન કરવાનું શીખવાડેલું?
“ઓ નવા ખાદીધારી સર…! ગાંધીજીએ બધાંને સ્વતંત્રતાનો શ્ર્વાસ લેવાનું કહેલું. તેથી જ તો આજે શ્રદ્ધા મેડમની જેલ તોડી મુક્તિના શ્ર્વાસ લઈએ છીએ…! સર, તમારી કફની ગાંધીજીએ વણેલી?
તો બીજો બોલ્યો, “ના… કસ્તુરબાએ…
“ને પાયજામો? મીરાંબહેને… કેટલામાં વેચેલો?
એક ખૂણામાંથી તીર છૂટ્યું… મોનિટરનાં માથામાં ટકરાયું. ખલાસ…! થઈ ગઈ વાત…! એ દારાસિંગ સીધો તીરવાળા છોકરા પર ત્રાટક્યો. બાથંબાથી ને મારામારી… એક તો વળી સીટી મારી મારીને રેફરીની જેમ કોમેન્ટ્રી કરવા માંડ્યો. એક નબળા છોકરાએ લાગ જોઈએ વર્તુળની અણી મોનિટરને પાછળથી મારીને વર્ષોથી મનમાં દાબી રાખેલી વેરવૃત્તિને અંતિમ સ્વરૂપ આપી દીધું. એક બાજુ તીર ને એક બાજુ વર્તુળની અણી! ખલાસ…!
“કોણે માર્યું?
“વર્ષોથી તું શ્રદ્ધા મેડમના નામે બધાને મારતો હતો. હવે આજે તારો વારો. માર એટલે શું તે આજે જાણી લે. આજે તારી શ્રદ્ધા મેડમ ઉગારવા નહીં આવે હોં!
બધા ખડખડાટ હસી પડ્યાં. મોનિટર ઓર ગુસ્સે થઈ બધાને મારવા લાગ્યો એ દારાસિંગને સમજાવવા સુધીર ગયો, તો એને પણ ધક્કો મારી સંભળાવી દીધું, “એ ખાદીધારી! ઘરે જઈને રેંટિયો કાંત…!
સુધીર ગબડ્યો, ગભરાયો ને અંતિમ સમયની સાંકળ ખેંચી બરાડ્યો.
“ચૂપ રહો. શ્રદ્ધા મેડમ આવે છે… એટલું બોલી લથડિયું ખાઈ ગયો. શ્રદ્ધા ભયંકર ઘમાસાણ યુદ્ધની પરાકાષ્ઠા પામી ગઈ. દોડતી અંદર આવી. ત્યાં જ છોકરાંઓ પોતપોતાની જગ્યાએ ચુપચાપ બેસી ગયાં. શ્રદ્ધાએ સુધીર સામે કરડાકીથી જોયું. સુધીરે હાથ જોડ્યા.
શ્રદ્ધાએ પૂછ્યું, “બીજો તાસ આનાથી મોટા છોકરાં, એટલે કે દસમાના છોકરાંઓનો છે. મિ. સુધીર શાહ, ભણાવવા જશો કે ભણવા જશો? કે પછી માસ્તરગીરી કેટલી સહેલી છે કે અઘરી છે, તે સમજાયું? બાળકો, આ નવા ખાદીધારી સર રાખવા છે?
બધા એકીસાથે બોલી ઊઠ્યાં, “ના… મેડમ, એના રાજમાં તો અમો અંદર અંદર લડીને મરી જઈશું. પાણીપતનું યુદ્ધ પણ આના કરતાં સારું હતું, એમ અમને આજે લાગ્યું.
“તો પછી તમે અમારા બેમાંથી કોને ટીચર તરીકે રાખશો?
બધા સાથે બોલ્યાં, “શ્રદ્ધા મેડમને!
ફરી શ્રદ્ધાએ ગર્વથી સુધીર તરફ જોયું. સુધીરે હાથ જોડી બાળકો તરફ ફરી કહ્યું,
“હું ડસ્ટરને હાજીર નાજીર રાખીને સત્ય બોલું છું કે પાણીપત તો શું, જીવનના દરેક સંગ્રામમાં મેં હાર સ્વીકારી લીધી છે. માટે શ્રદ્ધાબહેનને આ તોફાની ટપુડા સમર્પિત કરી હું ઘરે જવા માગું છું.
પાછળથી એક મ્હોં સંતાડી બોલ્યો, “ઘરે જઈ રાંધવામાં પણ કામ આવે તેમ નથી.
ને બીજો તાળી આપતાં બોલ્યો, “શનિવારમાં મફત પણ કોઈ ના લઈ જાય.
આનાથી હજી વધુ ખરાબ વાક્યો સાંભળવા મળે, તે પહેલાં શ્રદ્ધા હોમવર્ક આપીને સુધીરને લઈ ત્યાંથી ભાગી અને ખુલ્લા પેસેજમાં આવી. બેલ વાગ્યો, તાસ બદલાયો. સામેથી બે-પાંચ છોકરાં પસાર થયાં. તેમાં બે-એક તો સવારે ગેટ પર હતાં, જેણે સુધીરને ગુલાંટ ખવડાવેલી. સુધીરે તેમના તરફ ડોળા કાઢ્યા… (શ્રદ્ધા બાજુમાં હતી ને એટલે) તેમાંનો એક બોલતો હતો… “મેડમ બાજુમાં છે, એટલે વાઘ થાય છે. સવારે તો બકરી જેવો ઊભો’તો…!
બીજો બોલ્યો, “વધારે ડોળા કાઢશે, તો સાંજ સુધીમાં તો રામ બોલો ભાઈ રામ!
ત્રીજો “કેવી રીતે? એમ પૂછે છે.
“હમારે આદમી ચારોં ઓર ફૈલે હુએ હૈ…
“કહાં… કહાં…?
“હર એક ગલી ગલી ક્લાસ, ક્લાસ… બસ, સાતવેં તાસકા ઇંતજાર કરો…ખુદા સબકી ખૈર કરે…
એવા ડાયલોગ બોલી ટોળું પેસેજમાંથી નીકળી લાઇબ્રેરી તરફ ગયું.
સુધીર અચાનક ધ્રૂજવા માંડ્યો. શ્રદ્ધાએ કોઈ જોઈ ના જાય તેમ હાથ પકડ્યો હતો. હાથ ભઠ્ઠી જેવો ગરમ…!
શ્રદ્ધાએ પૂછ્યું, “સુધીર, હવે ક્યાં જવું છે? ક્લાસમાં કે ઘરમાં?
ત્યાં જ એક પઠ્ઠા જેવા છોકરાએ આવી કહ્યું, “મેડમ આ ભાઈને સર તરીકે રાખી લો. જિંદગીમાં પહેલીવાર મસ્તી કરવાની મજા આવી છે. મેડમ, તમે ક્યાંથી શોધી લાવ્યા એમને? એક બીજા આવા ભાઈ મળે કે નહીં?
“કેમ શું કામ છે બીજાનું? શ્રદ્ધા બોલી.
“ટીચર, મારી મમ્મી રોજ દા’ડામાં દસ વાર કહે છે કે ધણી તો ટાઢા ટબકડા જેવો જ જોઈએ. આવા ભાઈ હોય તો મારે ઘેરે પણ એક…
શ્રદ્ધાના ડોળા જોઈ બાળક ભાગ્યો ને સુધીર ડસ્ટર નાખી ઘર તરફ ભાગ્યો ને ઘેર જઈ કાળા કોટમાં લપાઈ ગયો…
બિચારો!!!