પ્લસ સાઈઝ? ડોન્ટ વરી…

ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર
સાઈઝ જયારે ડબલ એક્સલથી વધી જાય ત્યારે મનગમતા કપડાં મળવા મુશ્કેલ થઇ જાય છે. નવી પેટર્ન જોઈ જોઈને મન માનતું નથી કે,સાઈઝ હવે થોડી વધી ગઈ છે. પહેલાં પ્લસ સાઈઝ એટલે કુર્તી પહેરવાની.હવે એવું નથી. પ્લસ સાઈઝમાં ઘણી વેરાઈટી આવે છે. વેરાઈટી કરતાં પણ અમુક ગારમેન્ટ પ્લસ સાઈઝ ગર્લ્ઝ પાસે હોવા જ જોઈએ.
જીન્સ/ટ્રાઉઝર
એક વેલ ફિટેડ જીન્સ હોવું જ જોઈએ.જો તમારું પેટ વધારે હોય તો તમે હાઈ વેસ્ટ જિન્સ અથવા ટ્રાઉઝર પહેરી શકો.એનાથી આખું પેટ કવર થશે અને ખરાબ નહીં લાગે. જિન્સ અને ટ્રાઉઝર ખાસ કરીને સ્ટ્રેચેબલ ફેબ્રિકમાં લેવા જેથી કરી વજન થોડું ઓછું વધતું થાય તો પણ ફિટિંગમાં પ્રોબ્લેમ આવતો નથી. જેટલું શરીર વધારે તેટલા જ જો ફિટિંગમાં કપડાં પહેરીયે તો વધારે બ્રોડ નથી લાગતું..તેથી ખાસ કરીને નેરો બોટમ જિન્સ અથવા સ્ટ્રેટ જિન્સ કે ટ્રાઉઝર પહેરી શકાય અથવા તો બુટ કટ જિન્સ પણ પહેરી શકાય.
ટોપ્સ
અલગ અલગ પેટર્નના ટોપ્સ હોવા જ જોઈએ જેમકે, બટન અપ શર્ટ્સ, ફલોઈ બ્લાઉઝીઝ અને જુદી જુદી પ્રિન્ટ્સ અને કલર્સવાળા ફિટેડ ટી શર્ટ્સ. બટન અપ શર્ટ્સ એક બેઝિક પેટર્ન છે જે મોટા ભાગની યુવતીઓ પાસે હોય જ છે,જેને તમે ફોર્મલી કે કેઝ્યુઅલી પહેરી શકો. ફલોઈ બ્લાઉઝીઝ એટલે ફલોઈ ફેબ્રિકમાં અલગ અલગ પેટર્નના ટોપ્સ જે પ્લસ સાઈઝ ગર્લને ખૂબ જ શોભે છે. ફલોઈ ફેબ્રિક હોવાને કારણે ટોપ્સ શરીરને ચોંટતા નથી અને ફેબ્રિક પાતળું હોવાથી વધારે જાડા લાગતું નથી. ફલોઈ બ્લાઉઝીઝમાં ઝીણી પ્રિન્ટ સિલેક્ટ કરવી જેથી થોડો ડેલિકેટ લુક આવે. પ્રિન્ટેડ ટી-શર્ટમાં પણ બોલ્ડ પ્રિન્ટ સિલેક્ટ ન કરવી તેનાથી વધારે બ્રોડ લુક આવશે. જો સ્ટ્રાઈપ પ્રિન્ટ પસંદ કરો છો તો ખાસ કરીને વર્ટિકલ સ્ટ્રાઈપ પસંદ કરવી જેથી કરી લાંબા અને પાતળા હોવાનો આભાસ થાય છે. આ બેઝિક ટોપની સ્ટાઇલ છે, જે તમે ઇવેન્ટ મુજબ અને તમારા બોડી ટાઇપ પ્રમાણે સિલેક્ટ કરી પહેરી શકો. ફલોઈ ટોપ્સમાં યોકવાળા ટોપ્સ આવે છે જેને લીધે તમારી બસ્ટ લાઈન વધારે એન્હાન્સ થાય તેથી યોકવાળા ટોપ્સ ન પહેરવા. ઘણા ફલોઈ ટોપ્સમાં યોકની નીચે પ્લીટ્સ આપવામાં આવી હોય છે. જો તમારું પેટ વધારે હશે તો આવા ટોપ્સ મેટરનિટી ટોપ્સ જેવા લાગશે.
બ્લેક ડ્રેસ
બધી જ યુવતીઓના વોડ્રોબમાં એક બ્લેક ડ્રેસ તો હોવો જ જોઈએ. બ્લેક કલર તમારી બોડી લાઈન ટ્રિમ કરે છે તેથી થોડા પાતળા અથવા વધારે જાડા ન લાગવાનો આભાસ થાય છે. તમારી હાઈટ અને શરીર પ્રમાણે બ્લેક ડ્રેસની પસંદગી કરવી. બ્લેક ડ્રેસની પસંદગી કરતી વખતે નેક લાઇનનું ખાસ ધ્યાન રાખવું જેમકે, હાઈ નેક અથવા કલોસ નેક જેવી નેક લાઈન ન સિલેક્ટ કરવી. હંમેશાં વી નેકલાઇન કે સ્વીટ હાર્ટ નેક લાઈન સિલેક્ટ કરવી જેથી ઉપર બોડીનો ડેલિકેટ લુક આવે. બ્લેક ડ્રેસમાં શોર્ટ બલૂન સ્લીવ પહેરવી ટાળવી. એલ્બો સ્લીવ, થ્રી ફોર્થ અથવા ફૂલ સ્લીવ પહેરવી જેથી હાથ વધારે જાડા ન લાગે. બ્લેક ડ્રેસ સાથે હંમેશાં કોર્સેટ અથવા બોડી શેપર પહેરવું, જેથી બોડીને એક સ્લીક લુક મળે. જો બ્લેક ડ્રેસ તમને બોડી હગિંગ ન પહેરવો હોય તો એ- લાઈન ડ્રેસ પહેરી શકો. જો બ્લેક ડ્રેસમાં કોઈ ડિઝાઇન અથવા મોટિફ છે તો તે ડિઝાઈનનું પ્લેસમેન્ટ જોઈ લેવું. ડિઝાઇન ઘેરામાં હોય તેવો ડ્રેસ પસંદ કરવો. જેથી અટેંશન લોઅર બોડી પર આવે. બ્લેક કલર એ એક ક્લાસિક કલર છે જે ક્યારે પણ આઉટ ઓફ ફેશન થતો નથી. બ્લેક કલર પહેરવાથી એક કોન્ફિડન્સ આવે છે. શરત માત્ર એટલી કે બલકે ડ્રેસ કેરી કરતા આવડતો હોવો જોઈએ.
એક્સેસરીઝ
એક્સેસરીઝ સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું, જેમકે હેવી કે વધારે પડતા બ્રોડ નેકપીસ ન પહેરવા. ડેલિકેટ ડિઝાઇન પસંદ કરવી. પાતળા ચેન જેવા કે જેમાં નીચે કોઈ પેન્ડન્ટ હોય તેવા નેકપીસ પહેરવા જેને લીધે ડેલિકેટ લુક આવે. ટ્રેડિશનલ લુકમાં તૈયાર થતી વખતે પણ ખૂબ મોટી સાઈઝના ઝુમખા ન પહેરવા.જો પહેરવા જ હોય તો,ડ્રેસની નેકલાઇન વી શેપમાં રાખવી અને માત્ર ઝુમખા જ પહેરવા. એને લીધે તમારો લુક બેલેન્સ થઇ જશે. વેસ્ટર્ન લુકમાં જો ડ્રેસી ઈયર રિંગ પહેરવાનો શોખ હોય તો સ્મોલ ટુ બિગ સિમ્પલ બાલી વસાવવી . તે કોઈ પણ આઉટફિટ સાથે મિક્સ એન્ડ મેચ કરી શકાય. જો તમે મોટી સાઈઝની બાલી પહેરવાના હોવ તો હાઈ પોની તેલ લેવી જેથી કરી તમારા ફેસનો લુક વધારે બ્રોડ ન આવે. હાથમાં તમે તમારા ડ્રેસને અનુરૂપ થીન કે બ્રોડ બ્રેસલેટ પહેરી શકો. જો બેલ્ટ પહેરવાનો શોખ હોય તો થીન બેલ્ટ પહેરવો .
હવે સૌથી મહત્ત્વની વાત પ્લસ સાઈઝ ગર્લ્ઝ કે તમારે તમારા ઇનર વેર માટે કોમ્પ્રોમાઇઝ કરવો નહિ. કોર્સેટ અને બોડી શેપર હોવા જ જોઈએ, જેને લીધે તમને એક કમ્પ્લીટ લુક મળે છે.