લાડકી

કર્તવ્યનો સાદ

ટૂંકી વાર્તા -મૂ.લે.: કે. સરસ્વંતી અમ્મા અનુવાદ: કાન્તા વોરા

“ડૉક્ટર! યુવકે આભારવશ સ્વરે કહ્યું, ” આપે મને…!

ડૉક્ટરે વચ્ચેથી જ મૃદુ હસતાં કહ્યું, “વારંવાર એ વાતનું રટણ ન કર, યુવાન! મેં જે કંઈ કર્યું છે એ મારું કર્તવ્ય હતું, એમાં આભારવશ થવાનો પ્રશ્ર્ન જ ક્યાં આવે છે? અને… ડૉક્ટરે પળભર અટકીને કહ્યું, “જો તને આભાર બહુ જ પ્રિય હોય તો જાણી લે કે વાસ્તવમાં મારે તારો આભાર માનવો જોઈએ.

“ડૉક્ટર…!

“હા. ડૉક્ટરે ગંભીરતાથી કહ્યું, “તારા અસ્વસ્થ શરીરે મને મારી કેટલીએ રિસર્ચની તપાસ કરવાનો અવસર પ્રદાન કર્યો. યાદ છે એ સાંજે તું મારા દરવાજા પર આવતા લથડી પડી ગયો હતો? રક્તહીન, દુર્બલ શરીર અને મૃત્યુનું આવરણ તારા પર છવાયું હતું.

યુવક થોડો ધ્રુજી ઉઠ્યો.

“પરંતુ તબીબીશાસ્ત્રની નવીનતમ શોધના આધારે મૃત્યુ સામે મેં બાથ ભીડી અને તારા રોગ વિષે કેટલીય શોધખોળ કરી. છેવટે જીવન જીતી ગયું. ડૉક્ટરના ચહેરા પર સંતોષના ભાવો રમી રહ્યા હતા.

“ડૉક્ટર! ફરી યુવકે કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડૉક્ટરે તેને રોકી લીધો.

“હવે જા, યુવાન! તારા જવાનો સમય થઈ ગયો છે, બહાર રેણુ તારી રાહ જોતી હશે. ઘરે પહોંચ્યા બાદ અમને યાદ રાખવાની કોઈ જરૂર નથી. બસ, જો બને તો એ જ મંગળ કામના કરજે કે પ્રાણીમાત્રની સેવા કરવાનું અમે જે પાવન વ્રત લીધું છે તે અમે નિભાવી શકીએ.

યુવક પોતાની ભીની આંખો લૂછતો બહાર આવ્યો. બહાર બગીચામાં રેણુ તેની પ્રતીક્ષા કરી રહી હતી.

તેના ગોરા ચહેરા પર એવી આભા પથરાય હતી કે જાણે લીલાં પાંદડાં વચ્ચે ગુલાબનું કોઈ સુંદર ફૂલ ખીલ્યું હોય. યુવક અટકી ગયો.

આ અદ્ભુત બાળાનું સામીપ્ય છોડી તે પોતાને ઘેર જશે, જ્યાં ઘરની ચાર દીવાલો સિવાય તેને પોતાનું કહેનાર કોઈ નથી.

રેણુ પાસે આવી અને મૃદુ હસતાં બોલી, “તમે બહુ મોડું કર્યું. હજુ પાંચ મિનિટ બાદ આવ્યા હોત તો હું ચાલી જાત. યુવકના હૃદયને ઠેસ પહોંચી, મારા ચાલ્યા જવાથી રેણુને જરાપણ દુ:ખ નથી થતું? પ્રાણીમાત્રની સેવાનું વ્રત એ જ બસ, એટલે જ તે મારી સારવાર કરતી હતી? તેના હૃદયમાં મારા માટે કોઈ વિશેષ સ્થાન નથી? તેની આંખોના ભાવ, કોઈ કોઈ વાર મૌન અને કોઈ વાર વિચારોમાં ખોવાય જવું, એ બધાને મેં ખોટો અર્થ કર્યો હતો શું? મારા સ્વસ્થ થયા બાદ પિતા- પુત્રી મને વિદાય કરવા કેટલી ઉતાવળ કરે છે?

રેણુ એ પૂછ્યું, “શું વિચાર કરો છો?

“હું …? યુવક ચોંક્યો. જેનો હૃદયમાં ફક્ત કર્તવ્ય સિવાય બીજું કંઈ જ નથી તેની સામે પોતાના સ્નેહની વાત કરવી શું ઉચિત છે? નહીં… તે ચૂપ જ રહ્યો. તેણે હસવાનો પ્રયત્ન કરતા કહ્યું, “કંઈ નહીં.

બંને ચૂપચાપ પગથિયાં ઉતારવા લાગ્યા. તેને યાદ આવ્યું કે તે અહીં આવ્યો ત્યારે મૃત્યુ સામે લડતો તે અહીં જ પડી ગયો હતો. ત્યારે રેણુના કોમળ હાથોનાં સ્પર્શથી તેનું હૃદય ધબકતું જ હતું, પરંતુ આજે તે એક નવજાત શિશુની માફક આ સેનેટોરિયમમાંથી નવું જીવન મેળવી બહાર નીકળ્યો હતો. તેને થયું કે તે પેટ ભરીને રડી લે, પરંતુ તેણે પોતાના પર સંયમ મેળવી લીધો.

રેણુએ કહ્યું, “ચાલો થોડે સુધી તમારી સાથે આવું પણ મારી પાસે વધુ સમય નથી. તમારી સાથે વાતોમાં વ્યર્થ સમય વિતાવવાથી બીજા રોગીઓ પ્રત્યે અન્યાય નહીં થાય?

યુવક તમતમી ઊઠ્યો. પ્રયાસ કરવા છતાં પણ તે પોતાના સ્વરની કટુતા છુપાવી ન શક્યો. “મને વિદાય આપતા તમને જરા પણ દુ:ખી
થતું નથી? અને પછી પોતાના ઉદૃેશ્યમાં સફળતા મેળવવા વાત બદલી શાંત સ્વરે તે બોલ્યો, “જીવન
કેટલું સુંદર છે? એ વિષે કદી તમે વિચાર્યું છે?

સહજ ભાવથી રેણુએ માથું હલાવી સરળતાથી વાત સ્વીકારતાં કહ્યું, ” હા, એટલે તો એની સાર્થકતા માટે આ સેવાનું વ્રત લીધું છે. યુવક હતાશ થઈ ગયો.

રેણુ બોલી “થોડે દૂર સુધી હજી હું તમારી સાથે ચાલીશ, “બસ! યુવક એકાએક અટકી ગયો, ” તો ઊભા રહો! પહેલા મારા એક પ્રશ્ર્નનો જવાબ આપો. શું આ દર્દીઓ વચ્ચે જ તમારું આખું જીવન વિતાવી દેવાનો તમે નિશ્ર્ચય કર્યો છે?

“પિતાજીની આ જ ઈચ્છા છે!

યુવક ચિડાયો. “હું પુત્રીની ઈચ્છા જાણવા માગું છું, તેના પિતાની નહીં.

રેણુનો સ્વર થોડો કઠોર થયો. “અમે રોગીઓની જિજ્ઞાસા નિવારવાનું નહીં, તેમનો રોગ નિવારવાનું વ્રત લીધું છે, સમજ્યા?

યુવકે ભાવવેશમાં રેણુનો હાથ પકડી લીધો.

“રેણુ! હું આજ આ સ્થળ છોડી જાઉં છું, જતાં પહેલા એક વાત જાણવા માગું છું, સાચું કહેજે, શું તારા હૃદયમાં મારે માટે કોઈ વિશેષ લગાવ મારા પ્રતિ તારા મનમાં નથી?

“પ્રેમનો?… રેણુએ યુવાન સામે જોયું અને પોતાનો હાથ છોડાવીને તે શાંત સ્વરે બોલી, “આપ જે પ્રેમની વાત કરી રહ્યા છો તે હાથોને દુર્બળ બનાવી દેશે. કર્તવ્ય જ આ હાથોને બળ પ્રદાન કરશે અને ત્યારે જ આપણે આપણાં લક્ષ્ય સુધી પહોંચી શકશું.

રેણુ, તું એક નારી છો, શું કદી એ દૃષ્ટિકોણથી પણ તેં કંઈ વિચાર્યું છે?

“એટલે

“એક નારીનું કર્તવ્ય…

“એ તો કરી રહી છું.

યુવક પરાજિત થઈ ગયો. તેઓ એક ખેતરમાંથી પસાર થઈ રહ્યાં હતાં. સડકને કિનારે એક ઝૂંપડી તરફ સંકેત કરતા યુવાને કહ્યું, “ત્યાં જો રેણુ…! જુએ છે ને?

રેણુએ જોયું ઝૂંપડીની બહાર એક સ્ત્રી પોતાના બાળકને દૂધ પીવડાવી રહી હતી. તે જોઈ તે બોલી, “કેવળ ંસતાનને જન્મ આપનારી જ ‘મા’ નથી હોતી… તેનો અવાજ તીક્ષ્ણ બન્યો…

“એવા દૃશ્ય દેખાડી આપ મને મારા કર્તવ્યપાલન માટે નિર્બળ બનાવવા માગો છો? તો સ્પષ્ટ કહી દઉં કે તમારો આ પ્રયાસ સફળ તો નહીં થાય, પરંતુ વ્યર્થમાં જ આપ એક મોટા દોષના ભાગીદાર બનશો. યુવક ચૂપ રહ્યો.

રેણુ પણ સંયત થઈ મધુર સ્વરે બોલી, “આનાથી આગળ નહીં આવી શકું, આગળની મંજિલ સ્વયં તમારે કાપવી પડશે!

યુવકનો ચહેરો ફિક્કો પડી ગયો. રુંધાયેલા કંઠે તે બોલ્યો, “શું કોઈ વાર અહીં આવી તને મળવાની અનુમતિ આપીશ? એક બાળક
હઠ સામે જાણે રેણુએ હાર માની લીધી.

“ઠીક છે, આવતા વર્ષે આ જ દિવસે તમે અમને મળવા આવી શકો છો. તે દિવસે પિતાજી સાથે હું તમારી પ્રતીક્ષા કરીશ.રેણુ પાછી ફરી ગઈ. યુવાન મૌન ભાવે આગળ ચાલી નીકળ્યો. સમયને જતાં શું વાર લાગે છે? બરાબર એક વર્ષ બાદ પુરાણી સ્મૃતિઓનાં સ્વપ્નાં જોતો યુવાન ડૉક્ટરના મકાન પર આવી પહોંચ્યો. રેણુને મળવાની પ્રસન્નતા તેના ચહેરા પર ઝબકી રહી હતી, પરંતુ કોણ જાણે કેમ અંતરમાં એક અવ્યક્ત ઉદાસીનતાનો અનુભવ તે કરી રહ્યો હતો. જાણે કોઈ અપશુકનનો પડછાયો તેના પર પડવાનો ન હોય. મકાન આગળ પહોંચતા તે ચોંકી ઊઠ્યો દરવાજા પર કાળો પડદો ટાંગવામાં આવ્યો હતો.

વાતાવરણમાં શૉક વ્યાપ્ત હતો. અંદર ડૉક્ટર ખુરશી પર નીચું મોઢું કરી બેઠાં હતાં.

યુવકને જોઈ તે ફિક્કું હસ્યા. યુવક અકારણ જ ધ્રુજી ઊઠ્યો. સર્વત્ર મૌન અને નિસ્તબ્ધતા છવાયેલી હતી. ડૉક્ટરે યુવકને ખુરશી પર બેસવાનું કહ્યું. જ્યારે ચુપકીદી અસહ્ય બની ત્યારે યુવકે પોતાનું સમસ્ત સાહસ એકઠું કરી પૂછ્યું, “રેણુ ક્યાં છે?

“રેણું? ડૉક્ટર એકદમ ચોંક્યા-
“હા, રેણુ…

આ જ સવાર સુધી તેણે તમારી રાહ જોઈ. થોડા વહેલા આવ્યા હોત કદાચ તમે તેને મળી શક્યા હોત…. અને પછી… ડૉક્ટર ઉદાસપણે હસ્યા.

“તમે પણ તેને વિદાય આપી શક્યા હોત, જેવી રીતે તેણે…

યુવક વચ્ચે ચીસ પાડી- “ડૉક્ટર!

“હા, રેણુ આપણી વિદાય લઈ ચૂકી છે. તમારા અહીંથી ગયા બાદ જ તે બીમાર પડી. કોઈ ગંભીર રોગ તેને લાગી પડ્યો હતો. ઘણો જ પ્રયત્ન કરવા છતાં મૃત્યુ અને જીવનના આ સંઘર્ષમાં વિજય આ વખતે મૃત્યુને મળ્યો. જીવન અને મૃત્યુ પર અધિકાર મેળવવાની મારી મહત્ત્વાકાંક્ષાનો આ મોટો પરાજય હતો. જાણે કે કુદરતે મારા પર બદલો લીધો.

ડૉક્ટર પળભર ચૂપ રહ્યા, ફરી બોલ્યા. રેણુ તમને હંમેશાં યાદ કરતી રહી. મૃત્યુની આખરી ક્ષણો સુધી તેની ઉત્સુક આંખો રહી રહીને દરવાજા તરફ જતી હતી. મેં જોયું કે આંખોમાં તમારી પ્રતીક્ષા હતી.

યુવકની આંખોમાંથી બે ટીપાં જમીન પર પડ્યા. ભારે હૈયે તે બોલ્યો, “શું હું રેણુનો મૃતદેહ જોઈ શકું? ડૉક્ટરે માથું ધુણાવ્યું.

“ના, રેણુની ઈચ્છા હતી કે કોઈ તેનો મૃતદેહ ન જુએ અને તેની જરૂર પણ શું છે? હું જાણું છું કે મારી પુત્રી હજારો દિલો પર રાજ્ય કરે છે. એ બધા શું પોતાની જીવનદાત્રીને ભૂલી શકશે? ડૉક્ટરેનું ગળું રુંધાઈ
ગયું.

ડૉક્ટર ઊભા થયા. તેઓ પોતાનો વિષાદ છુપાવી પરાણે હસવાનો પ્રયત્ન કરતા હતા. તે બોલ્યા, “જો હું મારા જ દુ:ખને લીધે સંતપ્ત રહ્યા કરું તો હું બીજાનું દુ:ખ કઈ રીતે નિવારી શકીશ? કર્તવ્ય મને સાદ પાડી રહ્યું છે, તમે ક્યારે પાછા ફરવા
માગા છો?

“હું રેણુની અંતિમયાત્રામાં ભાગ લેવા માગું છુંયુવકે કહ્યું.

“તમે પણ હશો ને?

“ના, ડૉક્ટરે દૃઢતાપૂર્વક કહ્યું.

“એક દર્દીની હાલત બહુ ગંભીર છે. હું તેની સારવાર છોડી રેણુની અંતિમયાત્રામાં જાઉં તો તેના આત્માને દુ:ખ થશે.

રેણુએ મને આમ સ્પષ્ટ કહ્યું
હતું. યુવકે પોતાનો અશ્રુપ્રવાહ માંડ રોક્યો અને ઓરડાની બહાર નીકળી ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button