લાડકી

ભાગલા, કાશ્મીર અને નજરકેદનો તખ્તો આઝાદીની બદલાયેલી તસવીર

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૬)
નામ: મૃદુલા સારાભાઈ
સ્થળ: ૩૧ રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-૨૧
સમય: ૧૯૭૪
ઉંમર: ૬૨ વર્ષ
હું ૧૯૭૪માં દિલ્હીમાં બેસીને જોઉં છું ત્યારે સમજાય છે કે, આઝાદીના અઢી દાયકા પછી પણ ભારતીય સ્ત્રીની સ્થિતિ કંઈ બહુ સુધરી નથી. ઘરેલુ હિંસા અને અત્યાચારમાંથી પસાર થતી ભારતીય સ્ત્રી સતત દબાયેલી અને કચડાયેલી અવસ્થામાં જીવે છે. આવી સ્ત્રીઓને જગાડવા માટે સૌથી પહેલું કામ શિક્ષણ અને આત્મનિર્ભરતા છે, એ મને સમજાયું. ’જ્યોતિસંઘ’ની સ્થાપના થઈ, પરંતુ જૂનવાણી અને રૂઢિચુસ્ત સમાજમાં કેટલીક સ્ત્રીઓએ ’જ્યોતિસંઘ’માં સક્રિય હોવાને કારણે ઘણું સહન કરવું પડ્યું. જે સ્ત્રીઓ સક્રિય નહોતી એમને માટે પણ ઘરમાંથી કાઢી મૂકે ત્યારે કે ઘરેલુ હિંસાના વિરોધમાં એમણે ઘર છોડવું પડે ત્યારે એ જ્યાં જઈ શકે એવો કોઈ આશરો નહોતો. લગ્ન કરાવી દીધા પછી માતા-પિતા મોટેભાગે પાછી ફરેલી દીકરીને રાખવાનું સ્વીકારતા નહીં. સમાજની બીકે કે પાછળ બીજી બહેનોનાં લગ્ન કરવાના બાકી હોય એવાં કારણોસર દીકરી માટે પ્રેમ હોય તો ય એને સ્વીકારવાનું માતા-પિતા માટે શક્ય નહોતું.

આવી બહેનો માટે શું કરવું એ વિચાર અમને સતત મૂંઝવતો હતો ત્યારે અમારી સાથે કામ કરતા પુષ્પાબેન મહેતાની સાથે ચર્ચા થઈ. એમણે આવી ત્રણ બહેનોને પોતાના ઘરમાં જ રાખી હતી, પરંતુ ધીરે ધીરે આવી બહેનોની સંખ્યા વધવા લાગી એટલે એલિસબ્રિજમાં સૌરાષ્ટ્ર સોસાયટીમાં મકાન ભાડે રાખીને ’વિકાસગૃહ’ના નામે બહેનો માટે આવું આશ્રયસ્થાન શરૂ કર્યું. વિધવા, ત્યક્તા, તરછોડાયેલી કે પ્રેમમાં નાસીપાસ થયેલી અને પરિવાર પાછો ન સ્વીકારે એવી અનેક બહેનો વિકાસગૃહમાં આશરો શોધતી આવી પહોંચતી. એમને રાખી તો લઈએ, પણ વિકાસગૃહનું આર્થિક માળખું કેવી રીતે ગોઠવવું એ વિશે થોડા પ્રશ્ર્નો ઊભા થવા લાગ્યા. આવી કોઈપણ સંસ્થા આર્થિક રીતે સ્વાયત્ત હોવી જોઈએ. દાતાઓના ભરોસે આવી સંસ્થા લાંબું જીવી શકે નહીં. મેં સૌથી પહેલો વિચાર એ કર્યો કે, વિકાસગૃહની સ્ત્રીઓને પણ જ્યોતિસંઘની બહેનોની જેમ આર્થિક રીતે પગભર થવાની તાલીમ આપવી જોઈએ. એ વિચાર પછી વિકાસગૃહની બહેનો શિક્ષણ અને તાલીમ માટે જ્યોતિસંઘમાં આવતી થઈ. શરૂઆતમાં એક જ ફંડમાંથી બંને સંસ્થાઓનો નિભાવ થતો અને એક જ કારોબારી સમિતિ બંનેનો વહીવટ કરતી. ૧૯૪૭માં દેશ આઝાદ થયો અને ગુજરાત પાસે મુંબઈ રાજ્યની પોતાની સરકાર આવી, એટલે બંને સંસ્થા સ્વાયત્ત બની. પુષ્પાબેન મહેતાએ વિકાસગૃહને સધ્ધર કર્યું એટલું જ નહીં, સૌરાષ્ટ્રભરમાં એનું વિસ્તરણ કર્યું. આજે પણ બંને ભગિની સંસ્થાઓના એક એક પ્રતિનિધિ એકબીજાની કારોબારી સમિતિમાં કામ કરે છે, પરંતુ આર્થિક રીતે બંને સ્વાયત્ત છે. હજી જ્યોતિસંઘમાં રાહત વિભાગમાં આવતી જે બહેનોને રાખવાની જરૂર પડે છે તેમને વિકાસગૃહમાં મૂકવામાં આવે છે. જોકે આઝાદી પછી સ્ત્રીઓને સરકારી નારી સંરક્ષણ ગૃહમાં પણ જરૂર પડે ત્યારે મૂકવામાં આવે છે.

૧૯૩૪માં સ્થપાયેલા જ્યોતિસંઘમાં એક પછી એક બહેનો જોડાવા લાગી. એમાં એક મહત્વની વ્યક્તિ અમારી સાથે જોડાઈ જેનું નામ ચારૂમતિ યોધ્ધા. હિંમતવાન અને મજબૂત મનોબળ ધરાવતા ચારૂબેન અમારે માટે એક મહત્ત્વનું
પીઠબળ બની ગયાં. ૧૯૪૯માં એ કોર્પોરેટર બન્યા, ’૫૬ સુધી કોર્પોરેટર રહ્યા, પરંતુ જ્યોતિસંઘ સાથેનું એમનું અનુસંધાન એકવાર શરૂ થયું પછી જીવનના અંતકાળ સુધી રહ્યું. એમના જીવનકાળ દરમિયાન લગભગ એમમે ૩૩ હજાર જેટલી સ્ત્રીઓનાં જીવનમાં ઊભા થયેલા પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાનું કામ કર્યું. ચારૂબેનનો એક કિસ્સો બહુ રસપ્રદ છે. મિલમાં કામ કરતો એક માણસ બહુ માથાભારે. મિલમાં કામ કરવા આવતી અનેક સ્ત્રીઓને પજવે, એમનું શારીરિક શોષણ કરે, પોતાની પત્નીને મારે-ઝૂડે, મન પડે ત્યારે કાઢી મૂકે… અંતે એની પત્નીએ ફરિયાદ કરી. ચારૂબેને જ્યોતિસંઘમાંથી મિલના શેઠને ફરિયાદ કરી. શેઠ એને કશું કહી શક્યા નહીં, ઉલ્ટાનું પત્નીએ ફરિયાદ કરી એ બદલ એ માણસે ઘરે જઈને પોતાની પત્નીનું નાક કાપી નાખ્યું. જ્યોતિસંઘની સ્ત્રીઓને ધમકી આપી. ચારૂબેન ડરે એવા નહીં. એમણે પોલીસમાં ફરિયાદ કરી, ત્યાંથી કંઈ ન વળ્યું તો મિનિસ્ટરને ફરિયાદ કરી. કચેરીમાંથી વોરંટ નીકળ્યું, પણ વોરંટ બજાવવા કોઈ જાય નહીં. ચારૂબેન જાતે ગયાં અને પોલીસની સાથે વોરંટ બજાવી એ માણસને કોર્ટમાં હાજર કર્યો. અંતે, એને સજા કરાવી ત્યારે ઝંપ્યા. જ્યોતિસંઘ સાથે જોડાયેલી અનેક સ્ત્રીઓ જેમાં પુષ્પાબેન મહેતા, વિનોદિની નિલકંઠ, ઈન્દુમતિબેન શેઠ, ચારૂમતિ યોધ્ધા અને ઈલાબેન ભટ્ટ જેવી સ્ત્રીઓએ સંસ્થાને વધુ વિકાસ અને નવા વિચાર સાથે જોડી.

૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ભયાનક હિંસા અને ચારેતરફ અરાજકતાનું વાતાવરણ ફેલાયું. હું એ વખતે બાપુ સાથે બિહારમાં હતી. મેં જવાહરલાલ નહેરૂને ફોન કરીને કહ્યું કે, મારે આવા સમયમાં પંજાબ જવું જોઈએ. પહેલાં તો જવાહર તરત સંમત ન થયા, પરંતુ ત્રણ-ચાર દિવસમાં ભડકેલી વધુ હિંસા અને બહેનોની દયનીય સ્થિતિ જોઈને મને એમણે વિમાનમાં લાહોર અને ત્યાંથી મોટર રસ્તે પંજાબ પહોંચવાની સૂચના આપી. મારે લાહોર ઉતરીને ખાન કુરબાન અલી ખાનનો સંપર્ક કરવાનો હતો, પરંતુ એમના સુધી પહોંચી જ શકાયું નહીં. અંતે લાહોરથી ભારત જઈ રહેલા એક કુટુંબ સાથે મેં લિફ્ટ લીધી અને અમૃતસર પહોંચી. ત્યાંની સ્થિતિ ભયાનક હતી. હું તરત જ કામે લાગી, રેફ્યૂજી કેમ્પ્સ, ખોવાયેલા બાળકો, છૂટા પડી ગયેલા પરિવારો અને જેની ઈસ્મત લૂંટાઈ હતી એવી બહેનો સહિત ભોજન, પાણી, ગરમ કપડાંની વ્યવસ્થા સહેલી નહોતી. ઘણો સમય ત્યાં કામ કર્યા પછી સરદાર મળવા આવ્યા. એમણે મને કહ્યું, ‘તારી જરૂર કાશ્મીરમાં છે.’ પાકિસ્તાન તરફથી ઘૂસી આવેલા લશ્કરી દળો અને બીજી તરફ મહારાજા હરિસિંહની સેના ભારતીય જવાનોને માટે જીવલેણ પૂરવાર થઈ રહી હતી.

સરદારે દેશને એક તો કર્યો, પણ કાશ્મીર હજી ભારતમાં ભળવા પૂર્ણપણે તૈયાર નહોતું. ૧૯૫૩માં મને કાશ્મીરનો મુદ્દો સમજાયો. ત્યાંની પ્રજા બંને રીતે પરેશાન હતી. એક તરફથી ભારતીય સેનાના સૈનિકો ત્યાં તૈનાત હતા. જે લોકોને જાણે-અજાણે પરેશાન કરતા. બીજી તરફથી પાકિસ્તાનીઓ ઘૂસપેઠ કરતા અને કાશ્મીરી પંડિતોનું જીવન મુશ્કેલ બનાવતા. આઝાદી પછી પણ કાશ્મીર ભારત માટે માથાના દુખાવા સમાન હતું. જવાહરલાલ નહેરૂની કેટલીક જીદને કારણે એમણે સરદારની સલાહ ન સાંભળી. ગાંધીજીના મૃત્યુ પછી એક જ વર્ષમાં સરદાર પણ આ દુનિયા છોડી ગયા. નહેરુને મોઢે કહેનારું કે સત્ય સમજાવનારું કોઈ રહ્યું નહીં એમ કહીએ તો ચાલે. શેખ અબ્દુલ્લાહ કાશ્મીરના હિતચિંતક હતા. એમણે કાશ્મીરમાં વસતા સહુને એક કરવાનો અથાગ પ્રયાસ કર્યો, પરંતુ અંગ્રેજોએ પાળેલી ફૂટને કારણે કાશ્મીરી પંડિતો અને ત્યાં વસતા મુસ્લિમો વચ્ચે એક વિચિત્ર પ્રકારનું વૈમનસ્ય સર્જાયું હતું. ત્યાં વસતા મુસ્લિમો પાકિસ્તાનને સપોર્ટ કરતા હતા. શેખ અબ્દુલ્લાહ આ સપોર્ટનો વિરોધ કરતા હતા એટલું જ નહીં, એમનો પ્રયાસ એ હતો કે, મુસ્લિમ અને બિનમુસ્લિમ લોકોને ભેગા કરીને કાશ્મીરને એક બનાવવાનો પ્રયાસ કરવો. એ ભૂમિ પર વસતા બધા જ લોકોના પ્રશ્ર્નો સરખા જ હોય તો ફક્ત ધર્મના મુદ્દે ત્યાં વસતી પ્રજાને છૂટી પાડવી યોગ્ય નથી, એવી માન્યતા સાથે એમણે સૌને એકત્ર કરવાનો પ્રયાસ કર્યો.

શેખ અબ્દુલ્લાહને કાશ્મીરના પ્રધાનમંત્રી પદ પરથી હટાવીને ૧૧ વર્ષ માટે જેલમાં નાખવામાં આવ્યા. ૧૯૫૪માં ૩૫એનો કાયદો અમલમાં આવ્યો. એ સમયે મેં શેખ અબ્દુલ્લાહના સમર્થનમાં દેખાવો કર્યાં અને જે કંઈ ખોટું થઈ રહ્યું હતું એ વિશે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. કાશ્મીરમાં મારા વિરોધનું પરિણામ એ આવ્યું કે, નહેરૂએ મને કૉંગ્રેસ કમિટીમાંથી બરખાસ્ત કરી, હું જેટલા અને જે પદ ઉપર હતી તે બધા મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા. શેખ અબ્દુલ્લાહને સમર્થન આપવા બદલ મને ગુનેગાર ઠેરવી મારા ઉપર મુકદ્દમો ચલાવવામાં આવ્યો. હું ગુનેગાર પૂરવાર થઈ, પરંતુ દેશ માટે મેં કરેલા પ્રદાન અને મારી સેવાઓને નજર સામે રાખીને મને જેલમાં પૂરવાનો નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો! જવાહરલાલ નહેરૂ જાણતા હતા કે, જો મને જેલમાં પૂરશે તો વિરોધનો વાવંટોળ જાગશે. મારા સાથીઓ જે હજી સુધી કૉંગ્રેસમાં હતા એમણે નહેરૂનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નહેરૂએ કોઈની વાત કાને ધરી નહીં.

અંતે, મને દિલ્હીમાં મારા જ ઘરમાં નજરકેદ રાખવામાં આવી. હું અત્યારે અહીં જ છું. બહાર જવાની, લોકોને મળવાની પરવાનગી માગવી પડે છે. કેટલાક લોકોને મને મળવાની છૂટ મળે છે તો કેટલાક લોકોને મારા સુધી પહોંચવા દેવામાં આવતા નથી…
હું દુ:ખી નથી. મને મારા ઉછેર પર, મારા વ્યક્તિત્વ પર ગર્વ છે. મેં જે કંઈ કર્યું છે તે ન્યાય અને સત્યના પક્ષે છે એ વાતનું મને ગૌરવ છે. (સમાપ્ત)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…