લાડકી

આવા કાલ્પનિક ભયને કરો ‘કિલ’!


ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

મ્યુઝિક એ રીમીનો શોખ નહી પેશન હતું-સંગીત એનો ઉત્કટ પ્રેમ હતો. એ કલાકો એની ગિટાર લઈ બેસી રહેતી. ગિટાર પર પ્રેક્ટિસ કરવી.પોતાને મનપસંદ ગીતો ગાવાં-વગાડવા અને અવનવી ધૂનો શિખતી રહેવી એ એનું સૌથી પ્રિય કાર્ય. હાથમાં ગિટાર લઈને એ પોતે સ્ટેજ પર ઊભી રહી છે એવી કલ્પના એ અનેકવાર કરતી. એક દિવસ પોતે સ્ટેજ પર્ફોર્મન્સ આપશે એવું સપનું સેવી કલ્પનાઓમાં રાચતી રીમી ત્યારે સીધી જમીન પર પછડાય છે. જ્યારે સ્કૂલના પ્રતિષ્ઠિત ગણાતા એક કાર્યક્રમ માટે એને ઓડિશનમાં બોલાવવામાં આવે છે ને રીમી આવડત હોવા છતાં પર્ફોમ કરી શકતી નથી.

શા માટે? એક જ કારણ છે: ડર. આવી ‘સ્ટેજ ફિયર ’ને કારણે ઓડિશનની આગલી રાત્રે રીમી સૂઈ શકી નહોતી.પોતે કંઈક ગરબડ કરી બેસશે તો? શું એ સાચે આ તકને લાયક છે ખરી? જો એવું નહીં હોય તો બધા સામે પોતાનો કેવો રકાસ થશે….આવા વ્યર્થ વિચારો એના મગજમાં ઘૂમરાવા લાગેલા. જે એને જંપવા દેતાં નહોતા. એનું ચિત્ત ક્યાંય ચોટતું નહોતું. રાત આખી રીમી આવા કાલ્પનિક વિચારોના વમળમાં ઘૂમેડાતી રહી. અને સવારે સ્ટેજ પર એ કંઈજ કરી શકી નહીં.

ઓડિશન ખરાબ જવાના કારણે એ તદ્દન ભાંગી પડી. એણે હવે સંગીતનો સાથ છોડવાનું નક્કી કરી લીધું હોય એમ એ પ્રેક્ટિસ કરવાનું ટાળતી. માત્ર એ ડરે કે પોતે ફરી ફેલ થઈ જશે તો? એનું હાલતાં-ચાલતાં ગીતો ગણગણવાનું બંધ થઈ ગયું. ગિટાર તો હાથમાં લેતાં જ એ કતરાતી. સ્ટેજ પર્ફોમર બનવાના સપનાને એણે પડીકું વાળી ફેંકી દીધું જાણે. રીમીમાં આવેલો આ બદલાવ જોકે એના મિત્રો- પરિવારથી છાનો ના રહ્યો. ‘શું થયું છે આ રીમી?’એવું લોકો વારંવાર પૂછતા, પણ રીમી પોતાની મૂંઝવણને વર્ણવવા સક્ષમ નહોતી. સાવ તદ્દન કાલ્પનિક ગણાતા ભયને જાકારો આપી શકાતો હોય છે એ હકીકત-વાતથી એનું ટીનએજ મન હજુ અજાણ હતું. એક દિવસ આ વાત એના મ્યુઝિક ટીચરના ધ્યાને ચડી કે રીમી હમણાંથી ગિટારની કોઈ વાત કરતી નથી. એના માટે કોઈ પ્રશ્નો પૂછવા આવતી નથી. પ્રેક્ટિસ કરવાની પરવાનગી પણ માગતી નથી. એમણે રીમીને બોલાવી, પાસે બેસાડી પ્રેમથી પૂછ્યું. :‘શું વાંધો પડ્યો છે ગિટાર સાથે?’ પહેલા તો જવાબ દેવાનું ટાળતી રીમીએ અંતે સાચું કારણ કહ્યું : ‘ હું એટલી સારી પર્ફોમર બની શકું એમ નથી. તમે પણ મને એટલે જ સિલેક્ટ નહી કરી હોય. એટલે ગિટાર પાછળ ખોટો સમય બરબાદ કરવો હમણાથી ગમતો નથી ’

‘રીમી, મને ખ્યાલ છે કે તને તકલીફ થઈ રહી છે.’એમણે પ્રેમાળ સ્વરે કહ્યું : ‘તને જે ડર લાગી રહ્યો છે એ સાચો હશે. હું ના નથીપાડતો, પણ, એથી કોઈ દુનિયાનો અંત નથી. ઉલ્ટું કંઈક નવી વાતનો પ્રારંભ પણ હોઈ શકે છે.

જો હું તને મારી વાત કરું. તારા જેવડી ઉંમરે મારી સાથે પણ આવું કંઈક થયેલું….’ આટલું કહી એ માયાળુ સંગીત શિક્ષકે પોતાના સંઘર્ષની વાતો કરી. નિષ્ફળતાઓ જણાવી-ગણાવી અને સાથોસાથ એ પણ જણાવ્યું કે, ત્યારબાદ મળેલી સફળતાના ફળ કેવા મીઠા લાગ્યાં હતાં. પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવાનો આનંદ કેટલો અનેરો હતો. દરેકને જીવનના કોઈના કોઈ તબક્કે અમુક ભયનો સામનો કરવાનો આવે જ છે અને એમાંથી ઘણું શીખવા મળે છે. તરુણાવસ્થાએ જો વ્યર્થ વિચારોને ત્યાગવામાં સફળતા મેળવી લો તો પછી તમને આગળ વધતાં કોઈ રોકી શકે નહીં. .. આટલું કહી સરે પીઠ થપથપાવતા એને કહ્યું : ‘જા, તને એક તક આપી. હજુ ફાઈનલ પ્રોગ્રામને એક મહિનાની વાર છે. પૂરા ખંતથી તારું શ્રેષ્ઠ પર્ફોર્મન્સ રજૂ કરવાનો પ્રયત્ન કર !’

રીમીને દિવસોથી પોતાના ખભ્ભા પર લદાયેલો ભાર હળવો થતો લાગ્યો. એ આંખમાં આંસુ સાથે એમને વંદન કરી ત્યાંથી બહાર નીકળી ગઈ. બસ, બીજા દિવસથી રીમી મચી પડી. ‘પોતે અને ગિટાર…. બાકી બીજું કંઈ નહીં’ એવા અભિગમમાં એ ફરી પ્રવેશી. સપનાની હવેલીને લાગેલા તાળાં ફરી ખૂલી ગયાં. નકારાત્મક વિચારોમાંથી બહાર આવતાંવેત એનો આત્મવિશ્વાસ વધી ગયો. ‘હું ફેલ થઈશ’ એના બદલે ‘હું કંઈક નવું શીખીશ’ એવા વિચારો રીમીના સાથીદાર બન્યા.

અંતે કાર્યક્રમનો દિવસ આવી ઊભો રહ્યો. રીમી નર્વસ હતી પણ સાથોસાથ એકદમ મક્કમ પણ ખરી. પોતાનો વારો આવતાં ઊંડો શ્વાસ લઈ, સ્ટેજ પર પહોંચેલી રીમીએ એના પર્ફોર્મન્સમાં પ્રાણ લગાવી દીધા. ગિટારના છેલ્લા રણકાર સાથે ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટ થકી ગૂંજી ઉઠ્યું. ઓડિયન્સની ચિચિયારીઓ વચ્ચે પોતના પેરેન્ટ્સના ખીલેલા ચહેરા જોઈ રીમીએ સંતોષનો શ્વાસ લીધો. પોતે ઊભા કરેલા ડર સામે આજે એ જીતી ગયેલી. રીમીને પહેલીવારમાં આવી જે અદ્ભુત સફળતા મળી. ત્યારથી એણે પાછું વળી જોયું નથી. નાની ઉંમરે એની કારકિર્દીની ભવ્ય શરૂઆત થઈ ચૂકેલી. એનાથી વધારે એણે પોતાના કાલ્પનિક ભય સામે ભવ્ય વિજય મેળવેલો. એની અંદર એક અજબ આત્મવિશ્વાસ અને હિંમત ઉમેરી ગયો હતો. આવા રીમી જેવા તરુણોજ આપણને સાચા માઈન્ડસેટ સાથે આગળ વધી, સફળતા કેમ મેળવવીએ શીખવી જતા હોય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button