ઓટલા પરિષદના પ્રમુખ મંછીબહેને છીંકણી સૂંઘતાં સભાની શરૂઆત કરી:
મારી સહનશીલ, શક્તિમાન અને જેમ તેમ હસતાં રડતાં ટકી રહેલી બહેનો! મંડળો તો ઘણાં છે, પણ આપણું મંડળ એંસીથી ઉપરની બહેનોનું બનેલું છે માટે આજે, એક નવ્વાણું વરસે પણ અણનમ, કાચી કાકડી જેવાં અરુણાબહેનને મેં પ્રમુખપદે બેસાડ્યાં છે.
આપણે એમને તાળી તેમ જ મંજીરાની રામધૂનથી વધાવી લઈશું, કારણ કે આપણને ક્યાં ખબર છે કે, કોને ક્યારે સ્વર્ગમાં જવાનો મોકો ભગવાન આપે! માટે મેં મારા પ્રમુખપણા હેઠળ આ એક નવી નક્કોર પ્રથા શરૂ કરી છે.
જેણે જેણે જીવતાં જીવન આવું પ્રમુખપદ મેળવીને, પોતાની અંતિમ રામધૂન ગવડાવવી હોય તો એની માત્ર ટોકન પૂરતી ફી એક હજાર રાખી છે અને વયસ્ક બહેનોને એમાં ક્ધસેસન રૂપે, ફીમાં મૃત્યુ સમયની અંજલિ રૂપે, ‘હે નાથ જોડી હાથ પાયે, પ્રેમથી સહુ માંગીએ, જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો…’ વાળું મૃત્યુ ભજન, પૂરી આર્દ્રતા ને કરુણ સૂરમાં રડતાં રડતાં ગાઈને, જતી વેળાએ આત્માને જે ફીલિંગ થાય એવું એક દૃશ્ય ઊભું કરીશું.
આત્માની શાંતિ માટે તમારા ઘરવાળા ભલે લાખ પ્રકારનાં ક્રિયાકાંડ કરાવશે, પણ આપણા મંડળના આ નિ:સ્વાર્થ વિદાય ફંક્શન જેવું ફંક્શન અને તે પણ જીવતે જીવત ક્યાં જોવા મળશે? આ તમારા ઘરવાળા કે મારા ઘરવાળા… આપણને ખબર જ છે કે ખોટા ખોટા ભેંકડા તાણશે અને જ્યારે આંસુ સુકાઈ જશે ત્યારે બ્રાહ્મણ બેસાડીને ગરુડ પુરાણથી બારમું, તેરમુંથી લઈ, તેરમાને દહાડે જ વરસી વાળીને ‘ફરજ સરસ પૂરી કરી છે’ એ બતાવવા, આવનારાઓને લાડવા-પૂરીનું જમણ કરાવી, એક એક વાસણની ગિફ્ટ આપીને રવાના કરશે.
જ્યારે આ વિધિ-વિધાન ચાલતાં હશે ત્યારે ઘરની વહુઓ અને દીકરાઓ માનાં મૃત્યુના ગમના ભારને કારણે મ્હોં લટકાવીને નહીં, પણ આ ડોશી કોઈ પણ પ્રકારનાં લખાણ વગર ઊકલી ગઈ છે તો હવે આ ચાર બહેન, ને ત્રણ ભાઈના ભાગ કેવી રીતે પડશે?’ એની ઘૂસપૂસ કરતી હશે… પછી લાગ મળતાં એક તરફ બ્રાહ્મણને ગરૂડ પુરાણ વાંચતો છોડી દઈને, પાછલા રૂમમાં તાત્કાલિક મિટિંગ શરૂ થઈ જતી હોય છે. વારાફરતી ડોહીમાનાં વહાલા દીકરાઓ અને દીકરીઓ ગહન ચર્ચામાં ઊતરી પડે છે.
પહેલાં તો કોને કોને, કેટલો કેટલો અન્યાય થયો છે એની ખાતાવહીનું પઠન એક પછી એક કરવાનું શરૂ કરે. ભાઈઓથી રુદન સાથે ભાવવાહી બોલાતું નહોતું. એટલે ‘એ લોકોની વાત વજૂદ વિનાની છે ’ એવું વાતાવરણ ઊભું થવા લાગે છે. બીજી તરફ, બહેનો વચ્ચે અંદરોઅંદર કોને કેટલો અન્યાય થયો છે એની કથા રડતાં રડતાં પૂરી આર્દ્રતાથી શરૂ થાય છે
ચારે બહેન સામસામે આવીને બાંય ચડાવે એ પહેલાં મોટા સાદે ભાભીઓ મેદાનમાં આવી જાય છે અને પોતાને થયેલ દુનિયાભરનો અન્યાય અને એમને આ ઘરમાં આવ્યા પછી શું શું વેઠવું પડ્યું એની રામાયણ શરૂ કરી દે છે… અને બહેનોને આડકતરી રીતે ‘હવે બસ, બહુ થયું.
હવે તમારે તમારો સંસાર સંભાળવામાં જ ધ્યાન આપવું જોઈએ. બાકી આ મહાભારતમાં પડશો, તો બાવાના બેઉ બગડશે!…’ અને ત્યાં જ ભાઈઓ વળી મેદાનમાં આવે, એ પહેલાં ગોર મહારાજ ગરૂડ પુરાણને અષ્ટમપષ્ટમ સમજાવી, કરેલાં કુકર્મની નર્કમાં કેવી કેવી સજા થશે, એનો બિહામણો… હોરર ફિલ્મ જેવો સેટ અપ ઊભો કરી, ગભરાયેલ શ્રોતાઓને ચાંદલા કરી, આરતી-ઉઘરાણી ફટાફટ પતાવીને, ભોજનક્રિયા, પોટલી બાંધવાની ક્રિયા, દક્ષિણા ક્રિયા વગેરે પતાવીને, જતાં જતાં પોતાનું ઍડ્રેસવાળું કાર્ડ યજમાનને આપતાં ત્યાંથી રવાના થશે.
નર્કમાં તો જશું, ત્યારે જશું. પણ અત્યારે જો સ્વર્ગ જોઈતું હોય, તો વિના વિલંબે હમણાં જ ભાગલા પાડી લેવા જરૂરી બને છે. જનારનું શું છે? તે તો પુષ્પક વિમાનમાં બેસીને ગયાં.
‘આવાં સીન ભજવાશે આપણા ગયા પછી. એના કરતાં એક હજાર ભરીને આપણાં વિદાય ભજન આપણે જ ગાઈને જઈએ તો એના જેવું બીજું રૂડું શું ?! , હેં..?’
ત્યાં ઝીણી માસી (ઉંમર વર્ષ અઠ્ઠાણું) જેમ તેમ ઊભાં થઈ બોલ્યાં : ‘મારી તો હજી ઘણી જિજીવિષાઓ પૂરી કરવાની બાકી છે. હું હજારની જગ્યાએ જેટલી માંગો એટલી ફી ભરવા તૈયાર છું, પણ જતાં પહેલાં ફિલ્મોમાં હીરોઈન જેવાં કપડાં પહેરે છે એવાં કપડાં પહેરીને, ભજનની જગ્યાએ ડિસ્કો ડાન્સ કરતાં કરતાં… અને એનું વીડિયો રેકોર્ડિંગ કરી, એ જોતાં જોતાં વિદાય લેવી છે. ચાલો, બધા મળીને ભજનની જગ્યાએ આવું કંઈક કરીએ. બોલો, બધાને મંજૂર છે?’
બધાએ તરત જ આંગળી ઊંચી કરી. એક બોલી, ‘છો પછી આપણા છોકરાઓ જોઈને કહેતાં કે ઘરડી ઘોડીઓ જતાં જતાં હો પૈહા ઉડાવીને ગઈ!’
તરત બીજાં માજીએ કહ્યું: ‘પ્રમુખશ્રી, હું તો કહું છું કે આ ભજન બજનવાળું માંડવાળ કરો, ને બધાને માટે આ ડિસ્કો ડાન્સ, રાસ-ગરબા જેવું જ રાખો. હવે આપણે પણ જમાના પ્રમાણે બદલાવું પડે કે નહીં?’
આટલું સાંભળતાં જ બધી જ માજીઓ રાજી રાજી થઈ ગઈ અને બોલી ઊઠી: ‘અમારા આપેલા પૈસામાંથી ભજન-બજન નહીં, પણ ડાન્સ પાર્ટીવાળું જ બરાબર છે!’
ત્યાં વળી એકે ઊભાં થઈને ભાષણ જ ઠપકારી દીધું:
Also Read – મમતા આંધળી બને ત્યારે….વૃદ્ધ માતા-પિતાની મુશ્કેલીઓનું આ પણ છે કારણ
‘સાંભળો બહેનો, આપણે બધા જ સમદુખિયાં છીએ. આપણે પણ કેટલાંક અરમાનો પૂરાં કરવાનાં બાકી છે. આપણને આ છેલ્લી તક મળી છે, તો રોજ જ ભેગાં મળીને મનગમતાં કપડાં, મનગમતા ડાન્સ ને ગરબા, મનગમતું ખાવા-પીવાનું અને હરવા-ફરવા જવાનું. જેટલી મૂડી બચેલી છે, એ વાપરીને જવાનું. આપણને હું ખબર છે કે આપણે નરકમાં જવાનાં કે સ્વર્ગમાં! એના કરતાં જેટલા આ દિવસો અહીં બોનસ રૂપે મળ્યા છે એમાં સ્વર્ગ આપણે જાતે જ ઊભું કરવાનું… તો કાલથી આપણે રોજ સાંજના પાંચ કલાક અહીં જ સાથે પસાર કરવાના. આપણા ગયાં પછી આપણી મૂડી માટે લડવાનું બાકી જ નહીં રાખવાનું. રહેવા ઘર મૂકી જઈએ છીએ એટલું શું કાફી નથી?’ અને પ્રમુખે એજન્ડા પસાર કરી દીધો કે હવે રોજ આ સ્વર્ગમાં જ ભેગાં થવું..!..