લાડકી

કાં, સરકારને એડવાન્સમાં ભૂલ કરવાનો પણ અધિકાર નહીં ?!

વ્યંગ -ભરત વૈષ્ણવ

કોઇ પણ રાશિના જાતક માટે માર્ચ મહિનો ખતરનાક હોય છે. કોઇ ગ્રહ અસ્ત થાય, કોઇ ગ્રહ માર્ગી ચાલે ચાલે, કોઇ ગ્રહ વક્રી ચાલે ચાલે, કોઇ ગ્રહની ડિગ્રી શૂન્ય હોય, શુભ ગ્રહ આપણા મહાપાલિકા જેવા ખાડામાં હોય,પાંચમા સ્થાનમાં ગુરૂ ખર્ચના મૂડમાં હોય….

આ બધું વાંચવાની ઇચ્છા હોય તો આ લેખ આગળ ન વાંચવા ધમકી અમે આપીએ છીએ- રૂક શકો તો રૂક જાવ… બાકી આગે તુમ્હારી મરજી!

અમે બસ- ટ્રેન (કે ઇવન પ્લેનમાં!) ઊભા ઊભા મુસાફરી કરતા હોઈએ તો બેસવાની જગ્યા મેળવવા માટે કોઇનો હાથ તો શું ઇવન પગ પણ જોતા નથી! બેઠક માટે ટીડા જોશી કે વાંગો જ્યોતિષી બનવાની મતલબ કે શીરા માટે શ્રાવક બનવાની અમારી નજૂમીવૃત્તિ નથી.

આમેય માર્ચ મહિનો ટાર્ગેટ પૂરો કરવાનો મહિનો હોય છે. પ્રાઇવેટ જોબમાં સેલ્સનો ટાર્ગેટ એચિવ કરતા માણસ હાંફી જાય છે. ટાર્ગેટની સમીક્ષા કરવાની મિટિંગો સ્ટાફને લીંબુની જેમ નિચોડી દે છે. ટાર્ગેટ માત્ર પ્રાઇવેટ કંપની કે પેઢીને જ હેરાનપરેશાન કરે છે એવું નથી. સરકારને પણ સ્કિમના ટાર્ગેટ પૂરા કરવા માટે માત્ર કમર તો ઠીક, પણ આખી કાયા કસવી પડે છે. સરકાર જે યોજના ચલાવે છે તે યોજના પાછળ ખર્ચ કરવા માટેના પૈસા પબ્લિક પાસેથી મેળવવાના હોય છે.

એક તરફ, કેટલાક લોકો ટેકસનું ફરફરિયું આવે એટલે ટેકસ ભરવા દોડવા માંડે છે. એમની ઉતાવળ સમજી શકાય તેવી હોતી નથી. કદાચ એ પોતાની ચૂનરીમાં ડિફોલ્ટરનો દાગ પડવા દેવા માંગતા નથી. આ લોકો માને છે કે ટેકસ ભરવામાં પોતે ઉતાવળ નહીં કરે તો દેશનાં અર્થતંત્રના પૈડાં ઠપ્પ થઇ જશે!

બીજી તરફ,કેટલાક તો એવા ટાઢા માટલા જેવા હોય છે. સરકાર ટેકસ ભરવાની નોટિસ ઉપર નોટિસ ઠોકે, પરંતુ, આવા કાનુડાને મનમાં હોતું નથી! મૂળ ટેકસ પર પેનલ્ટી, પેનલ્ટી પર ઇન્ટ્રેસ્ટ, ઇન્ટ્રેસ્ટ પર ચક્રવૃદ્ધિ વ્યાજની નોટિસ આપે એમાં મૂળ રકમ ડબલ કે ટ્રિપલ થઇ જાય! નળ,ગટર કે લાઇટ કનેકશન કપાય પછી પણ આવા લોકોની શાન ઠેકાણે આવે એવું જરૂરી નથી હોતું કેમ કે, ‘હમ નહીં સુધરેંગે’ એ એમનો જીવનમંત્ર હોય છે. આવા લોકોને ટેકસ ભરવાની જવાબદારીનો લાઇવ અહેસાસ કરાવવા એના ઘર કે ધંધાના સ્થળે ઢોલ વગડાવવામાં આવે છે- ફૂલેકા કાઢવામાં આવે છે, છતાંય.

સરકારમાં પણ બખડજંતર હોય છે એમ અમારો મિત્ર રાજુ રદી કહે છે. જે નાગરિકો નોટિસ વગર જવાબદારી સમજીને ટેકસ આગોતરો કે લેણો થયેલો ટેકસ ભરી દે તેવા નાગરિકોની પીઠ થાબડીને ‘ટેકસરત્ન’ નો એવોર્ડ પણ આપે નહીં અને જે લોકો ટેકસ ભરતા નથી તેવા ડાંડ લોકો માટે ‘એમનેસ્ટી’ -માફી યોજના બહાર પાડે છે. ટેકસની મૂળ રકમ ભરવાની સરકાર પર કૃપા કરે તો દંડ, વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાની સરકાર ઉદારતા દાખવે. તેમાં સરકારે અબજો રૂપિયાનો રેવન્યુ લોસ સહન કરવો પડે.

હમણા દાહોદમાં એક હરિચંદ ભાટ નામની વ્યકિતએ પત્ની માટે ૨૦૧૯માં નવું નકોર પેટીપેક એકટીવા ખરીદેલું .ત્રણ વરસ બાદ એ એકટીવા કોઇને વેંચ્યું. ટ્રાફિક પોલીસે જન્મ પહેલાં ઝભલાની ઉક્તિ સાચી ઠરાવવા ૨૦૧૯ નવા નકોર પેટીપેક ખરીદેલ બાઇકની મેઇક તારીખ પહેલા એટલે કે ૨૦૧૪ ની સાલમાં ટ્રાફિક રુલના ભંગ બદલ રૂપિયા તેર હજાર છસોનો ચાંદલો કરવા માટે મેમો ઇસ્યુ કરીને ઇતિહાસ સર્જી દીધો છે.હવે મૂળ માલિક મેમો રદ કરાવવા આરટીઓના આંટા ફેરા મારી રહ્યો છે. એના બેત્રણ જોડી ચપલ ઘસાઈ જશે. એ કદાચ આરટીઓ ઓફિસના કંપાઉન્ડમાં પાળિયો થઇ જશે, પરંતુ, દંડનો મેમો રદ નહીં થાય એમ અમારો રાજુ રદી કહે છે.

ભાઇલોગ જે ખંડણી કે વસૂલી કઢાવી ન શકે તેવા અશક્ય કેસમાં ઇન્કમટેકસ કચેરી સફળતાપૂર્વક વસૂલી કરી બતાવે છે.

સુરતની આવી ટેકસ કચેરીએ એડવાન્સ ટેકસ ભરવા માટે લાગતાવળગતાને નોટીસો આપેલી. એમાં ઇન્કમટેકસની સુરત ઓફિસે બફાટ કરી નાખ્યો.

એડવાન્સ ટેકસ ભરવા માટે ઇન્કમટેકસની સાઇટ પર લોગઇન થવાની પણ સૂચના આપેલ.સોફટવેરની ખામી હોય કે ડિપાર્ટમેન્ટની કરામત હોય, જે લોકો લોગ ઇન કરે છે તેના એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન દેખાય છે. લોકો દિંગ્મૂઢ થઇ ગયા છે. એમને ટેકસ ભરવા માટે માત્ર ચોવીસ કલાકની મુદત પણ આપવામાં આવી છે. બોલો, સરકાર માઇબાપ દયાળુ, કૃપાળુ, માયાળુ છે કે નહીં?નહીંતર આ જમાનામાં મુદત કોણ આપે છે?

આમ છતાં , સરકાર કોઇ કામગીરી કરે તો ટીકા. કોઇ કામ ન કરે તો ટીકા. વહુ , વરસાદની જેમ સરકારને જશ જ નહીં આપવાનો?પોલીસ ઘટનાસ્થળે ન આવે તો ટીકા. પોલીસ મોડી આવે તો ટીકા.સરકાર ભૂલો કરે છે એમ વાંકા વિરોધીઓ કહે છે. આ વખતે સરકારે એડવાન્સમાં ભૂલ કરી છે તો કેમ સરકારને એડવાન્સમાં ભૂલ કરવાનો પણ અધિકાર નહીં?
શું કહો છો લહેરી સુરતી લાલાઓ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button