બારીમાંથી નીત નીત નવાં ‘ચંદ્ર’દર્શન…
થાય દર્શન ચાંદના સહેલાઈથી, સામ સામે એક બારી જોઈએ…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
આ બારી અને ચાંદને યુગ જૂનો પ્રેમાળ સંબંધ છે, પણ આ સ્થૂળ અંતર ક્યારેય દૂર થયું નથી એટલે ઘાયલ પ્રેમીઓ અને શાયરો ક્યાં આહ ભરતા રહે છે, ક્યાં ખરી-ખોટી શાયરીઓ લખી-લખીને નિષ્ફળ પ્રેમની દર્દભરી કથા શ્રોતા-વાચકોને માથે મારતા રહ્યા છે.
જો કે આજના બિલ્ડરોનો આભાર એટલે માનવો જોઈએ કે એ લોકો હવે બારીઓ ચણીચણીને યુવાનોને ઉશ્કેરવાનું પાપ કરતા નથી. એક જમાનામાં ઘાયલ વડીલો પણ હવે જેમ બને તેમ ઓછી બારીવાળા જ ઘર પસંદ કરે છે, કારણ કે પોતાની યુવાનીમાં બારી ખોલીખોલીને ચાંદ જોયા કરવામાં કેટલાય દશમા-બારમા ધોરણમાં પાંચ-છ ટ્રાયલે પણ નાપાસ થયા કરવાની હોડ બકેલી આખરે બાપાએ બાપીકા ધંધામાં બળદિયાની જેમ જોતરી દીધેલા.
કેટલાકે તો બારીમાં ડોકિયા કરી કરીને વાંકી ડોક સીધી કરાવવા ફિઝિઓના ઘર ભરેલા તો કેટલાકે બારીએ લટકતા કૂંડાને આત્મહત્યા કરવા પ્રેરેલા. અરે.. એ તો ઠીક, પણ એ કૂંડાઓની નીચેથી પસાર થતાં કેટલાક ચાંદ જેવા માથાં ઉપર ઢીમચારૂપે ફરી ઊગી જવામાં સફળ નીવડેલાં. કેટલાકે ચાંદના કાયમી દર્શન માટે ઘરમાં બારી મુકાવ્યાના દાખલા પણ છે અને કેટલાકે તો બારીએ જ બેસીને સામેવાળા ઘરની ચોકી કરવાનો મફત કોન્ટ્રાક્ટ લીધેલો હોય એવા પણ દાખલા છે.
આ તો ચાંદના ચાહકોની બારીની વાત, પણ જ્યાં રોજ ચાંદ ડોકાતો હોય એવી બારીઓનો પણ એક ઈતિહાસ છે જ છે. મુમતાઝ- નૂરજહાં કે પછી કંઈક એવી રૂપસુંદરી બારીએથી ક્યારે ડોકાશે એ માટે ચોવીસ કલાક પલકો બિછાવીને બેઠેલા ઈશ્કે મિજાજીઓની તડપ, એમની લગન, એમની ઉત્કંઠા અને કુરબાનીઓ વિશે પણ ગલીએ ગલીએ પ્રેમકથા ચર્ચાતી રહે છે.
નવા નવા ગાયક બનવાનું સપનું સાકાર કરવા રસિકભાઈ બારીએ ઊભા રહી ‘ચૌદહવી કા ચાંદ હો યા આફતાબ હો…’ ગીતની પ્રેક્ટિસ કરતા હતા અને સામેની બારીએથી એક સેન્ડલ અને સાથે સુરતી બોલી સંભળાઈ… પછી તો આજની ઘડીને કાલનો દિવસ, રસિકભાઈનું ગળું સૂરમાં આવ્યું નથી ને ઘરની એક પણ બારી ખોલવાની હિંમત કરી શક્યા નથી. વર્ષો બાદ હમણાં સહેજ ગળું ખૂલ્યું તો એમણે પ્રયત્ન કરી ગાયું, ‘કહો પૂનમના ચાંદને આજ ઊગે આથમણી ઓર…’ (બારીબારણાં બંધ કરી ગોદડાની અંદર ભરાઈને ગાયું : આવ બલા, પકડ ગલા!’ હવે મોટી ઉંમરે શું કામ જોઈએ, ખરુંને?) ‘ચંદા હૈ તૂ મેરા સૂરજ હે તૂ…’ ગાવાની ઉંમરે ‘ચૌદહવી કા ચાંદ હો યા આફતાબ…’ ગાવાનો ચસકો લાગે અને તે પણ બારી ખોલીને- ખુલ્લી રાખીને તો પછી સામેથી એવો જવાબ પણ આવે કે,
‘શુકર કરો કી પડે નહીં હૈ મેરી માં કે દંડે,
એક હાથમેં હો જાતે અરમાન તુમ્હારે ઠંડે.’
જો કે આજકાલ તો મા સુધી પણ વાત ક્યાં જાય છે? હવે તો ખુદ હસીનાને કાલિકારૂપ ધરી રણચંડી બનતાં ક્યાં વાર લાગે છે? હમણાં જ રસિકભાઈએ ઘર બદલ્યું અને શહેરને છેવાડે બારી વગરનું લોબી વગરનું ચારે તરફથી એકતરફી દેખાય (પોતે બહાર જોઈ શકે બહારવાળા અંદર ન જોઈ શકે) એવા કાચવાળું મકાન લીધું છે. કારણ માત્ર એક જ કે પોતે જે યાતનાનો ભોગ બન્યા તે યાતનાનો ભોગ એના ત્રણે દીકરા ન બને, પણ છેલ્લા સમાચાર મુજબ આ ત્રણેય દીકરા હવે નવા ઘરમાં ઓછા પણ પાનના ગલ્લે ઊભા રહીને- ‘તુમ આયે તો આયા મુઝે યાદ ગલી મેં આજ ચાંદ નીકલા, જાને કિતને દિનો કે બાદ, ગલી મેં આજ ચાંદ નીકલા…’
ગાવાની હરિફાઈમાં અંદરોઅંદર મુક્કાબાજી કરીને એમના પિતાનું નામ રોશન કરી રહ્યા છે. ‘ચેતતા નર સદા સુખી.’ એ કહેવત દરેક નરને ખબર છે જ, પણ સામેની બારીએ પૂનમનો ચાંદ દૃશ્યમાન થાય તો ચેતતા નરની નજર ચલિત થયા વિના રહે ખરી?
મહાતપસ્વી ત્રિકાળજ્ઞાની ઋષિઓ પણ જો ચલિત થયા હોય તો આ તો પામર જીવ! હવે તમે જ કહો, બારી હોય અને સામે ચાંદ ખીલ્યો હોય તો શું આંખ બંધ કરી પામર જીવ ‘ૐ નમ: શિવાય’નો જાપ જપ જપ કરે કે પછી ચૌદહવી કા ચાંદ હો યા આફતાબ હો…’ ગાવાની તક ઝડપે?
અમારા પાડોશીએ નવો ફ્લેટ લીધો. એક દિવસ અમને એ ફ્લેટ જોવા લઈ ગયા. પોતાનો ફ્લેટ બતલાવતા રમેશભાઈ કહે: ‘મને આ ફ્લેટમાં દરેક રૂમમાં બબ્બે બારી છે એનો ખૂબ આનંદ છે….’ પછી આંખ મિચકારતા મને આસ્તેથી કહે: “બીજી આનંદની વાત એ છે કે સામેના ફ્લેટમાં બબ્બે સુંદર ચાંદ છે એટલે સવાર-સાંજ બારી ખોલતામાં જ ચાંદનાં દર્શન કરવાનાં…
આટલું કહી રમેશભાઈએ ઉત્સાહભેર ઉમેર્યું : મેં તો સામેનાં ફ્લેટમાં ચાંદને જોયા બાદ ફટ દઈને પાંચ લાખનું બાનું આપી કાયમી પૂનમનો લ્હાવો બુક કરાવી જ દીધેલો…! અમારા પતિદેવે ભારે હૃદયે એમને નવા ઘર માટે અભિનંદન પાઠવેલા. (હું તો નહિ ખાઉં, પણ તનેય શા માટે ખાવા દઉં?)
ઘણા વરસ બાદ રમેશભાઈ અને એમનો સ્માર્ટ દીકરો બજારમાં મળી ગયા. અમે પૂછ્યું, નવા ફ્લેટના ચાંદ દર્શનની મજા માણો છો ને?
મ્હોં મચકોડતા રમેશભાઈ બોલ્યા: કોરોનાને કારણે અજાણ્યા વાયરસ ઘરમાં પ્રવેશી ન જાય એ માટે સામેવાળા ફ્લેટમાં રહેતા ડૉક્ટરે એમના ફ્લેટની બારીઓને અંદરથી તાળા લગાવી દીધા છે…!’
રમેશભાઈની વાતને વચ્ચેથી કાપતા એમનો યુવાન દીકરો બોલ્યો: અમારા બાપા “આખો દિવસ બારીમાંથી ડોકિયા કરીને બાબા આદમના જમાનાની ગઝલો મોટેથી લલકાર્યા કરતા હતા એટલે કંટાળીને ડોક્ટરે બારીઓ બંધ કરાવી દીધી. (વાયરસ હોય તો ડૉક્ટર પાસે ઘણા ઉપાય હોય. પણ આ તો ખતરનાક વાયરસ… પણ એની દવા ડૉક્ટર ક્યાંથી લાવે?)
એટલાથી બાપાની વગોવણી ઓછી થતી લાગી તે દીકરો એનાથીય વધારે પોલ ખોલવા લાગ્યો : “અંકલ, આ મારા બાપાને કારણે મારે તો બાવાની બેવ બગડી.! હું તો નહિ ત્યાંનો ને નહિ અહીંનો રહ્યો.
મેં જરા સળગતું લાકડું સંકોરતા પૂછ્યું, “એટલે શું થયું? મને કાંઈ સમજ નહિ પડી… અંકલ, જૂનું ઘર ખાલી કરેલું ત્યાં સામેના ફલેટમાં મારો ચાંદ હતો. મારી પૂનમ સોળે કળાએ ખીલવાની હતી. એ વેળાએ જ બાપાએ એની પૂનમ ખીલવવામાં નવો ફ્લેટ લીધો. પેલો ફ્લેટ વેંચાઈ ગયો એટલે ત્યાંની પૂનમ તો અમાસ થઈ ગઈ, પણ અહીં મારા બાપા જ વાયરસ પુરવાર થયા. બારીએ ઊભા રહી ગઝલ ગાતા ગાતા ખાંસી ખાય ને છીંકમછીંક કરે.એમાં સામેવાળા ડૉક્ટરે (રમેશભાઈ તરફ હાથ લંબાવી) અમારા આવા આ વાયરસથી બચવા બારી બંધ કરી દીધી અને કોરોના કાળ પતતા જ ફ્લેટ ઓછા ભાવે વેંચીને નવ-દો-ગ્યારહપણ થઈ ગયા. કોઈ હરખો બાપ હોય તો દીકરાનું ઘર વસાવે, જયારે અમારા બાપા જ લગ્ને લગ્ને કુંવારા…’ મેં કહ્યું, “દીકરા, બબ્બે ચાંદ સામેના ફ્લેટમાં હતા તો મળી હમજીને પૂનમ ભરવી જોઈને?
ત્યાં રમેશભાઈ દીકરાને આશ્ર્વાસન આપતા બોલ્યા, “હવે પછી નવો ફ્લેટ લઈશું ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય તો આપણે ટોસ ઉછાળીને
નિર્ણય લેશું.
“તમે તો હવે રહેવા દેજો, બાપા… તમે તો પેલા, ધોબીના કૂતરા જેવી મારી દશા કરી છે….
“આમ સાવ નિરાશ નહિ થવાનું, બેટા.. એ તો પેલું કહ્યું છે ને કે ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે… એટલું કહી રમેશાભાઈએ વાતનો દોર સાધી લીધો:
જો, ગઈકાલે જ મેં સેવન-હેવન એપાર્ટમેન્ટમાં ત્રણ ચાંદવાળો ફ્લેટ જોયો છે. આપણે નિરાશ થયા વિના નવી ગઝલો લઈને જલ્દી ત્યાં શિફ્ટ થવાના છીએ….’
આમ નવા સપનાં, નવો ચાંદ, નવા નવા ફ્લેટ અને ચાંદ ઉપર નવી નવી ગઝલો સાથે રમેશભાઈએ ફરી પાછું ઘર બદલ્યું. ચાંદ હોય ત્યાં પૂનમ તો થવાની જ છે. પૂનમના ચાંદ વિશે વધુ જાણવું હોય તો એક ફ્લેટથી બીજા ફ્લેટ સુધી ભટકતા રહેતા અમારા રમેશભાઈને તમારે મળવું છેને?..!