ભારતીય બંધારણના ઘડવૈયા નારી રત્નો (૨)
વિશેષ -કવિતા યાજ્ઞિક
પ્રજાસત્તાકની સ્થાપનાના ૭૪ વર્ષ પૂર્ણ થયા અને ૭૫ વર્ષમાં પ્રવેશ કર્યો તે નિમિતે આપણે ભારતના બંધારણમાં યોગદાન આપનારાં નારી રત્નો વિશે જાણી રહ્યા છીએ. પાંચ વિદુષીઓ વિશે ગયા અંકમાં ચર્ચા કરી,આજે ભારતના ભવિષ્ય માટે પાયાનું કામ કરનાર બીજાં મહિલા રત્નોને પણ જાણીએ.
કમલા ચૌધરી
લખનઊના એક પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મેલાં કમલાને પોતાના અભ્યાસ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમણે ક્રાંતિની શરૂઆત પોતાના ઘરેથી કરી અને ૧૯૩૦માં જ, તેઓ ગાંધીજી અને તેમના સવિનય આજ્ઞાભંગ ચળવળમાં જોડાયાં. તેઓ ફિક્શન રાઇટર પણ હતાં અને મહિલા અધિકારો પર તેમનો અવાજ બુલંદ હતો. તેઓ ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના ૫૪માં સત્રમાં ઉપાધ્યક્ષ બન્યાં હતાં અને ૭૦ના છેલ્લા દાયકામાં લોકસભામાં પણ પહોંચ્યાં હતાં. તેઓ ભારતની બંધારણ સભાના ચૂંટાયેલા સભ્ય હતા અને બંધારણ અપનાવવામાં આવ્યા પછી તેમણે ૧૯૫૨ સુધી ભારતની પ્રાંતીય સરકારના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ ઉત્તર પ્રદેશ રાજ્ય સમાજ કલ્યાણ સલાહકાર બોર્ડના સભ્ય પણ હતાં.
લીલા રોય
આજે બહુ ઓછા એ હકીકતથી મહાત્મા ગાંધીની જન્મ તારીખ સાથે મેળ ખાતી જન્મ તારીખ ધરાવનાર લાલબહાદુર શાસ્ત્રી સિવાય પણ એક સ્વતંત્રતા સેનાની હતાં, તે હતાં લીલા રોય. તેમનો પરિવાર મૂળ ઢાકાનો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી અત્યંત તેજસ્વી હતી અને તેઓ એમએના વર્ગમાં ઢાકા યુનિવર્સિટીની પ્રથમ વિદ્યાર્થિની બન્યાં હતાં. યુનિવર્સિટી હજી સહ-શૈક્ષણિક ન હોવાને કારણે, લીલાએ એડમિશન મેળવવા સંઘર્ષનો માર્ગ લેવો પડ્યો હતો. વર્ષ ૧૯૨૩માં, તેમના મિત્રો સાથે, તેમણે દીપાલી સંઘ અને શાળાઓની સ્થાપના કરી જે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની, જેમાં નોંધપાત્ર નેતાઓએ ભાગ લીધો. ૧૯૨૬માં લીલા ઢાકાના સર્વ-પુરુષ ક્રાંતિકારી પક્ષ – ‘શ્રી સંઘ’ ના મુખ્ય જૂથમાં પ્રવેશ કરનાર પ્રથમ મહિલા બની હતી. ૧૯૩૧ માં, લીલા રોયે બંગાળી માસિક સામયિક ‘જયશ્રી’ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું, જેનું સંપૂર્ણ સંચાલન સ્ત્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જે તે સમયે અકલ્પ્ય બાબત હતી. લીલા અને તેમના પતિ અનિલ રોય, બંને સુભાષચંદ્ર બોઝના ‘ફોરવર્ડ બ્લોક’ના સ્થાપક-સભ્યો તરીકે જોડાયા હતા. ૧૯૪૦માં, જ્યારે બોઝની ધરપકડ કરવામાં આવી, ત્યારે લીલા રોયે ’ફોરવર્ડ બ્લોક વીકલી’ ના સંપાદક તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
લીલા રોય ડિસેમ્બર ૧૯૪૬માં ભારતીય બંધારણ સભામાં ચૂંટાયેલી પશ્ર્ચિમ બંગાળમાંથી એકમાત્ર મહિલા બન્યાં હતાં. જો કે, થોડા મહિનાઓ પછી, ભારતનું વિભાજન થયું. તેમના માટે પોતાની માતૃભૂમિના ટુકડા થતા અને પોતાની માતૃભૂમિ અને કર્મભૂમિને પરદેશ બનતી જોવું ભારે દુ:ખદાયક અને અસ્વીકાર્ય હતું. આથી તેના વિરોધમાં તેમણે આ પ્રતિષ્ઠિત હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને શરણાર્થીઓની રાહત, બચાવ અને પુનર્વસન માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી.
માલતી ચૌધરી
પૂર્વ બંગાળના એક પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મેલા માલતીનો જન્મ ૧૯૦૪માં થયો હતો. ૧૬ વર્ષની ઉંમરે માલતી શાંતિ નિકેતન ગઈ હતી. તેમના લગ્ન નબકૃષ્ણ ચૌધરી સાથે થયા હતા જેઓ પાછળથી ઓરિસ્સાના મુખ્યમંત્રી બન્યા હતા. માલતી ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન સહિત અનેક ચળવળો સાથે સંકળાયેલાં હતાં. ૧૯૩૩માં તેમણે ઉત્કલ કૉંગ્રેસ સમાજવાદી કર્મી સંઘની રચના કરી. ૧૯૩૪માં તેઓ ગાંધીજીની પદયાત્રામાં પણ જોડાયા હતા. આઝાદી પછી, માલતી ચૌધરીએ, ભારતની બંધારણ સભાના સભ્ય તરીકે અને ઉત્કલ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે, ગ્રામીણ પુન:નિર્માણમાં શિક્ષણની ભૂમિકા, ખાસ કરીને પુખ્ત શિક્ષણ પર ભાર મૂકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેઓ આચાર્ય વિનોબા ભાવેના ભૂદાન ચળવળમાં પણ જોડાયાં હતાં.
પૂર્ણિમા બેનર્જી
પૂર્ણિમા બેનર્જી અલ્હાબાદ (ઉત્તર પ્રદેશ)માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સમિતિના સચિવ હતાં. ૧૯૩૦ ના દાયકાના અંતમાં સ્વતંત્રતા ચળવળમાં મોખરે રહેલી ઉત્તર પ્રદેશની મહિલાઓના એક કટ્ટરપંથી નેટવર્કમાં તેઓ સામેલ હતાં. સત્યાગ્રહ અને ભારત છોડો ચળવળમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. શહેર સમિતિના સચિવ તરીકે તેઓ ટ્રેડ યુનિયનો, ખેડૂત સભાઓ અને વધુ ગ્રામીણ જોડાણ માટે આયોજન કરવા અને કામ કરવા માટે પણ જવાબદાર હતા.
બેનર્જીને સંયુક્ત પ્રાંતમાંથી બંધારણ સભામાં નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. એસેમ્બલીમાં, તેમણે પ્રસ્તાવના, નિવારક અટકાયત અને રાજ્યસભાના સભ્યોની લાયકાતની આસપાસની ચર્ચાઓમાં પોતાનું યોગદાન આપીને બંધારણમાં તેના સમાવેશમાં મદદ કરી.
રાજકુમારી અમૃત કૌર
આ નામ કદાચ થોડું જાણીતું લાગે. નવી દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલ મૂળ રાજકુમારી અમૃત કૌરના નામે છે અને અતિ પ્રખ્યાત હોસ્પિટલ છે. અમૃત કૌરનો જન્મ ૨ ફેબ્રુઆરી ૧૮૮૯ના રોજ લખનઊ (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. તેઓ કપૂરથલાના પૂર્વ મહારાજાના પુત્ર હરનામ સિંહની પુત્રી હતાં. તેમણે ઇંગ્લેન્ડના ડોર્સેટમાં શેરબોર્ન સ્કૂલ ફોર ગર્લ્સમાં શિક્ષણ મેળવ્યું હતું. તે મહિલાઓના શિક્ષણ અને રમતગમતમાં સહભાગિતા અને તેમની આરોગ્ય સંભાળમાં દૃઢ વિશ્ર્વાસ ધરાવતા હતાં. બધું પાછળ છોડીને, તેઓ ૧૬ વરસ સુધી મહાત્મા ગાંધીના સચિવ રહ્યાં. અમૃત એઈમ્સના સ્થાપક હતા. મહિલાઓના શિક્ષણ, રમતગમત અને આરોગ્ય પર પણ તેમને સમાન અધિકારોના આગ્રહી હતા. તેમણે દેશમાં
ટ્યુબરક્યુલોસિસ એસોસિએશન, સેન્ટ્રલ લેપ્રસી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની પણ રચના કરી હતી. તેમણે બંધારણના નિર્માણ દરમિયાન આરોગ્ય ક્ષેત્રને લગતા મહત્ત્વપૂર્ણ સૂચનો વિશે વાત કરી. કૌર બંધારણ સભાની કાર્યવાહી દરમિયાન વધુ બોલ્યા ન હોવા છતાં, તે એસેમ્બલીની મહત્ત્વપૂર્ણ પેટા સમિતિઓના સભ્ય હતાં અને ઘણી બંધારણીય જોગવાઈઓને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
તેઓ એસેમ્બલીની મૂળભૂત અધિકારો સબ-કમિટી અને લઘુમતી પેટા-સમિતિના અગ્રણી સભ્ય હતા. પેટા સમિતિની અંદર, તેમણે ધર્મ પાળવાની સ્વતંત્રતાના સમાવેશ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો કારણ કે આ વિવિધ ભેદભાવપૂર્ણ પ્રથાઓ જેમ કે પરદા, સતી, દેવદાસી પ્રથા વગેરેને બંધારણીય રક્ષણ આપી શકે તેમ હતું. તેમનો વિરોધ અસરકારક હતો કારણ કે એ શરત કે ધર્મ પાળવાની સ્વતંત્રતા રાજ્યને સામાજિક સુધારણા માટે કાયદાઓ બનાવવાથી પ્રતિબંધિત કરશે નહીં, તેનો આખરે બંધારણમાં સમાવેશ થયો. સૌથી નોંધનીય એ, કે કૌરે સરકાર દ્વારા ‘સમાન નાગરિક સંહિતા’ ઘડવાની તરફેણમાં મતદાન કર્યું. જોકે, આ જોગવાઈને રદ કરવામાં આવી હોવા છતાં, તે રાજ્યની નીતિના બિન-ન્યાયી નિર્દેશાત્મક સિદ્ધાંતોમાં સામેલ થઇ હતી. આ જોગવાઈને આધારે વર્તમાન સરકાર સમાન નાગરિક સંહિતાની દિશામાં આગળ વધી રહી છે.
આપણે આગળ ઉપર અન્ય વિદુષીઓના બંધારણમાં ફાળા વિશે વધુ જાણકારી મેળવીશું.