લાડકી

હું હતી ત્યારે મારી નવલકથાઓને સફળતા ન મળી, પરંતુ ૨૦૨૪માં એની ફિલ્મો અત્યંત સફળ થઈ

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૧)
નામ: જેઈન ઑસ્ટિન
સ્થળ: વિન્ચેસ્ટર કેથેડ્રલ
સમય: ૧૯ જુલાઈ, ૧૮૧૭
ઉંમર: ૪૧ વર્ષ
મારું નામ જેઈન ઑસ્ટિન છે.
આજે દુનિયાના કેટલાય લોકો મારી લખેલી નવલકથા પરથી બનેલી ફિલ્મો જોઈ રહ્યા છે. ૧૯મી સદીની શરૂઆતમાં લખાયેલી આ નવલકથાઓ સેન્સ એન્ડ સેન્સિબિલિટી (૧૮૧૧), પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ (૧૮૧૩), મેન્સફિલ્ડ પાર્ક (૧૮૧૪), એમ્મા (૧૮૧૬), નોર્થરેન્જર એબી (૧૮૧૮), પર્સ્યુએશન (૧૮૧૮), લેડી સુઝાન (૧૮૭૧) આ નવલકથાઓ પોતાના સમયથી આગળ હતી.

વિવેચકોની પાસે મારી આ નવલકથાઓ વિશે બે મત હતા-કેટલાકે આ નવલકથાને વખાણી તો કેટલાકે ભયાનક વખોડી. એ સમય એવો હતો જ્યારે એક સ્ત્રી લેખક પાસે પોતાના નામે આવી, નવા વિચાર સાથેની નવલકથા પ્રસારિત કરવાની હિંમત નહોતી. અત્યારે કદાચ આ વાત ન સમજાય, પરંતુ ૧૯મી સદીના એ સમયગાળામાં પહેલાં તો એક સ્ત્રી કશું લખે, ભાવનાત્મક લખાણોને છોડીને પ્રેક્ટિકલ, વ્યંગાત્મક અને સમાજને આઈનો બતાવતી કથાઓ પોતાની કલમથી કાગળ પર ઉતારે એ વાત જ કોઈને પચે એમ નહોતી. ૧૮૧૫માં લખાયેલી મારી નવલકથા ‘એમ્મા’નો રિવ્યૂ જાણીતા નવલકથાકાર સર વોલ્ટર સ્કોટે પોતાના નામ વગર લખેલું, ‘આસપાસના સમાજમાંથી પાત્રો ઉપાડીને એમને કાલ્પનિક રંગ આપવા છતાં સત્યાર્થ સ્વરૂપે નકલ કરવાની કળા ‘એમ્મા’ને એક જુદો જ આયામ આપે છે. લેખિકા સમાજ અને જીવન સાથે ઓતપ્રોત છે તેથી જીવનના સામાન્ય ક્ષેત્રો, અને કાલ્પનિક વિશ્ર્વના ભવ્ય દ્રશ્યોને બદલે, તેની આસપાસ જે દરરોજ બનતું હોય છે તેની સાચી અને આકર્ષક રજૂઆત, અને વાચક સમક્ષ રજૂ કરે છે.’ તો બીજા એક સમીક્ષક રિચર્ડ વોટ્લીએ મારા કામ વિશે લખેલું, પરંતુ નવાઈની વાત એ છે કે, વોટ્લીએ મારી નવલકથાના વખાણ કર્યા એ વાત સ્વીકારવાની એમણે ના પાડી દીધી. એમણે મારી નવલકથાઓના વખાણ કરતા રિવ્યૂમાં લખેલું કે, ‘હોમર અને શેક્સપિયર જેવી નાટ્યાત્મક છતાં જીવન સાથે જોડાયેલા સત્યોની વાસ્તવિક ઓળખ કરાવતી આ નવલકથાઓ પાસે સદીઓ સુધી ટકવાની તાકાત છે.’

આજે ૨૦૨૪માં, મારી મૃત્યુની બે સદી પછી પણ નેટફ્લિક્સ ઉપર ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’ અને ‘એમ્મા’ જેવી નવલકથા ઉપર બનેલી ફિલ્મો લોકહૃદય સુધી પહોંચી છે. મારા સમકાલીન સમીક્ષકોએ કદાચ વ્યક્તિ તરીકે મને ન સ્વીકારી, પરંતુ લેખક તરીકે મને ન સ્વીકારવાની હિંમત એમાંના કોઈ કરી શક્યા નહીં. મારી કૃતિઓ ૧૮મી સદીના ઉત્તરાર્ધની ઈમોશનલ, ભાવનાત્મક અને સુખી અંત ધરાવતી નવલકથાની ટીકા કરવા માટે લખાયેલી નવલકથાઓ છે. એ સમયે જેમને અનુસરવામાં આવતા હતા એવા રિચર્ડસન, હેન્રી ફિલ્ડિંગ અને ટોબિયાસ સ્મોલેટ જેવા નવલકથાકારોને ન અનુસરવાની હિંમત કરીને વોલ્ટર સ્કોટ, હોરેસ વોલપોલ, ક્લેરા રીવ, એન રેડક્લિફ અને ઓલિવર ગોલ્ડસ્મિથ જેવા ભાવનાવાદીઓ અને રોમેન્ટિક્સની શાળા, જેમની શૈલીને નકારીને મેં વાસ્તવવાદી નવલકથાઓ લખી. આ બધી નવલકથાઓમાં સ્ત્રીએ કેવી રીતે જીવવું જોઈએ એ વિશેના ઉપદેશ હતા, અથવા એવું મને તો લાગ્યું જ… પરંતુ, મેં મારી નવલકથાની નાયિકાને ઉદ્ધત વક્રોક્તિ ધરાવતી (વ્યંગભર્યું બોલતી), જટિલ (કોમ્પ્લેક્સ) બનાવી. જ્યારે જ્યારે એ નાયિકાઓ પુરુષના સંપર્કમાં આવે ત્યારે એમની રીતભાત, એમનું ઘમંડ, સ્ત્રી હોવાની એની બુદ્ધિ અને સૌંદર્ય વિશેની સભાનતા સાથે મેં મારી નાયિકાઓને પોતાની વાત કહેતાં અચકાવા નથી દીધી. ૧૮મી સદીના અંત અને ૧૯મી સદીની એ શરૂઆતમાં સ્ત્રીઓ કોમિક અથવા કોમેડી લખે, એમની નાયિકા પાસે સેન્સ ઓફ હ્યુમર (હાસ્યવૃત્તિ) હોય એવું કદાચ પહેલીવાર, મારી નવલકથામાં બન્યું. આજે પણ મારી નવલકથાઓ પોતાના અસ્તિત્વને ઉજાગર કરતી ઊભી છે કારણ કે મેં લેખક તરીકે એ સમય, એ વખતના સમાજ અને એ સમયની માનસિકતા આગળ ઝૂકી જવાને બદલે મારી પોતાની ઓળખ ઊભી કરવાનો પ્રયત્ન કરેલો.

જોકે, આ ઓળખ શરૂઆતમાં છુપાવવી પડેલી! તમને જાણીને નવાઈ લાગશે કે મારી મોટાભાગની નવલકથાઓ આજે જે નામે પ્રસિદ્ધ છે એ નામે એનો પહેલો ડ્રાફ્ટ-પહેલી આવૃત્તિ પ્રકાશિત નહોતી થઈ, નહોતી થઈ શકી! જેમ કે, મારી અત્યંત પ્રચલિત નવલકથા, ‘સેન્સ એન્ડ સેન્સેબિલિટી’ મેં લખી ત્યારે હું ૯-૧૦ વર્ષની હોઈશ. મેં એનું નામ ‘એલિનોર એન્ડ મેરિયાના’ આપેલું. મૂળ નવલકથા પત્રોમાં હતી. એકબીજાને પત્રો લખતાં બે લોકોના સંબંધ અને એની કમ્પ્લેક્સિટી (ગૂંચવણ)માંથી આ નવલકથા સર્જાઈ. મારી ઉંમર માટે આ બહુ અઘરું લખાણ હતું. શરૂઆતમાં મારા પરિવારના લોકોને બતાવતાં કે વંચાવતાં પણ મને અચકાટ થતો. એવી જ રીતે મારી બીજી નવલકથા ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ’નું મૂળ નામ ‘ફર્સ્ટ ઈમ્પ્રેશન્સ’ હતું.
મારા જીવનકાળ દરમિયાનમાં મારી નવલકથાઓને એવી કોઈ સફળતા મળી નહીં, પરંતુ મારા મૃત્યુ પછી-૨૦૦ વર્ષ પછી પણ એ નવલકથાઓને લોકો માણી રહ્યા છે એ વાતે મને નવાઈ
લાગે છે.

હવે હું શાંત સૂતી છું. જમીનથી ૧૦-૧૫ ફૂટ નીચે. નિરાંત અને કોઈપણ પ્રકારના ઉદ્વેગ વગર! મારી કબરના પત્થર પર મારા ભાઈએ લખ્યું છે, ‘શી રેસ્ટ્સ હીયર! વિથ ઓલ હર કેરેક્ટર્સ એન્ડ હર માઈન્ડ ફૂલ ઓફ થોટ્સ વ્હીચ શી કૂડ નોટ ટ્રાન્સલેટ ઓન પેપર.’

વાત સાચી છે. મારી ઓળખ આમ તો ફક્ત આટલી જ હોઈ શકે. એક એવી લેખક જેણે
૧૯મી સદીની શરૂઆતમાં અંગ્રેજી સાહિત્યને એવી નવલકથાઓ આપી જેનાથી અંગ્રેજી સાહિત્યના લખાણમાં આખો સૂર પલટાઈ ગયો. એ એવો સમય હતો જ્યારે રોમેન્ટિક, ભાવનાત્મક અને સંવેદનશીલ નવલકથાઓ અને લખાણો ખૂબ પ્રસિદ્ધ હતા. ફ્રાન્સની ક્રાંતિના દિવસો પૂરા થયા હતા. લોકો ફ્રાન્સમાં હજી પોતે ગુમાવેલા સ્વજનોને યાદ કરીને આક્રંદ કરી રહ્યા હતા. લોહિયાળ ક્રાંતિમાંથી જન્મેલા નવા શાસનના સમયની શરૂઆત હતી આ-રેનેસાં, અંગ્રેજ અને ફ્રેન્ચ પ્રજાના સામસામે ઊભા થયેલા વૈમનસ્યની વચ્ચે મેં જે પ્રકારનું લખાણ શરૂ કર્યું એ કદાચ મારા સમયની પહેલાંનું અથવા જુદું લખાણ હતું.

એ સમયે મારી માતા કેસેન્ડ્રા લેઈ સ્ટિવન્ટન (હેમ્પશાયર)માં રહેતી હતી. ૧૭૭૫ એ ભયાનક શિયાળો મારા પિતા જ્યારે પણ વર્ણવતા ત્યારે કહેતા કે મારા જન્મ પછી મને એટલી બધી ઢબુરી રાખી હતી કે દિવસો સુધી મારા પિતા મારો ચહેરો જોઈ શક્યા નહોતા. મારા જન્મની તારીખ કરતાં એક મહિના વહેલી મારી માને હેમ્પશાયર લાવવી પડેલી કારણ કે એ લોકો જે ગામમાં રહેતા હતા ત્યાં તબીબી સેવાઓ નહીંવત્ હતી. મારી મા એટલી પાતળી હતી કે, પોતાના પેટમાં રહેલા બાળકનો ભાર એ ઉપાડી શકે એમ નહોતી એવું એમના ગામની ડાઈએ એમને જણાવેલું માટે ગર્ભાવસ્થાનો છેલ્લો મહિનો મારી માએ લગભગ પથારીમાં સૂઈને જ કાઢવો પડેલો જેથી એ ઊભી ન થાય અને બાળકના વજનને કારણે ગર્ભપાતમાં થઈ જાય. મારા પિતા એન્ગલીકન પેરિસ ચર્ચની અંદર સ્ટિવન્ટનમાં રેક્ટર તરીકે કામ કરતાં હતા. એમનું નામ જ્યોર્જ ઑસ્ટિન હતું. મૂળ મારા વડવાઓ ઊનનો ધંધો કરતાં. ઘેંટા પાળતા અને જમીનો રાખતા, પરંતુ જેમ પરિવાર મોટો થતો ગયો તેમ તેમ જમીનો વહેંચાતી ગઈ અને ધીરે ધીરે જ્યોર્જ, એટલે કે મારા પિતાના ભાગમાં સાવ નાનકડો ટુકડો બચ્યો.

અમે પણ છ ભાઈ-બહેન હતા. કેસેન્ડ્રા, જેમ્સ, હેન્રી, એડવર્ડ, ફ્રાન્સિસ, ચાર્લ્સ. મારા પિતા પાસે એવી કોઈ મોટી આવક નહોતી. મારા પિતા ખેતી અને એક નાનકડા ફાર્મમાંથી લગભગ ૨૦૦-૩૦૦ પાઉન્ડની આવક કરતા. જે અમારા આઠ જણના પરિવાર માટે બહુ જ ઓછી હતી. મારો એક ભાઈ જેમ્સ બહેરો-મૂંગો હતો. મારી બહેન કેસેન્ડ્રા રૂઢિચુસ્ત વિચારોની હતી. મારા ભાઈ હેન્રી, ફ્રાન્સિસ અને એડવર્ડ એમની દુનિયામાં વ્યસ્ત હતા. ફેશનેબલ ઈંગ્લેન્ડના કોઈ લોર્ડ કે વ્યાપારીની પૈસાવાળી દીકરીને પરણીને એ ત્રણેય જણાં આ જૂના પુરાણા મકાન અને ગામડાના જગતમાંથી બહાર નીકળી જવા તરફડિયાં મારતા હતા.

એ સમયે, ઈંગ્લેન્ડ જેવા દેશમાં પણ દીકરા અને દીકરીમાંથી જો શિક્ષણ બાબતે પસંદગી કરવાની હોય તો પુત્ર સંતાનની પસંદગી કરવામાં આવતી. મારા ભાઈઓને ભણવા માટે મારી પૈસાવાળી કાકી લે પેરોટને ત્યાં મોકલવામાં આવી. મારા સૌથી મોટાભાઈએ વિધવા લે પેરોટના દીકરા બની જવાનું પસંદ કર્યું. એને મારી કાકીએ દત્તક લીધો અને એની અટક પણ બદલી નાખી.

મને અને મારી બેનને મિસીસ એન. કાવલી નામની એક દયાળુ સ્ત્રીએ ભણવા માટે ઓક્સફર્ડ લઈ જવાની તૈયારી બતાવી. અમે બંને એમની સાથે ગયા, પરંતુ એ જ પાનખરમાં અમને બેઉને ટાઈફોઈડ થયો અને મિસીસ કાવલી અમને ઘરે પાછા મૂકી ગયાં. એ પછી શાળામાં જવાનો પ્રશ્ર્ન ફરીથી ઊભો થયો. મારા પિતાએ રીડિંગમાં આવેલી એબી ગર્લ્સ સ્કૂલમાં મારી અને મારી બેનના એડમિશન માટે પ્રયત્ન કર્યો, પરંતુ ફી ઘણી વધારે હતી, એટલે અમને ઘરે લઈ આવવામાં આવ્યા. અમારું શિક્ષણ ઘેર જ થયું. ફ્રેન્ચ, અંગ્રેજી, ચિત્રકલા, ભરતગૂંથણ અને ઘરકામ સિવાય અમને ખાસ કંઈ શીખવવામાં આવ્યું નહીં, પરંતુ મારા ઘરની નજીક આવેલી લાયબ્રેરીમાંથી પુસ્તકો લાવીને વાંચવાનું મેં શરૂ કર્યું અને ૧૧ વર્ષની ઉંમરે વાર્તાઓ, કવિતાઓ અને નવલકથાઓ લખવાનો શોખ મારા જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button