લાડકી

મારું જીવન ખૂબ જ ઘટનાપૂર્ણ ને સાહસપૂર્ણ રહ્યું

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 5)
નામ: કેપ્ટન લક્ષ્મી સહગલ
સમય: 1998
સ્થળ: કાનપુર
ઉંમર: 93 વર્ષ

1943ની જુલાઈ સુધીનો રાણી ઝાંસી રેજિમેન્ટમાં સો જેટલી મહિલાઓ ભરતી થઈ ચૂકી હતી. ધીરે ધીરે વધુને વધુ સ્ત્રીઓ આની સાથે જોડાઈ રહી હતી. મહિલાઓને રાખવા માટે એક મકાનની જરૂર હતી. જેમાં, જાપાનીઓ દ્વારા ભારતીય સ્વાતંત્ર્ય લીગને સોંપેલી એક ઈમારત અમને મળી ગઈ. જોકે, એ એક તદ્દન ખંડેર જેવી ઈમારત હતી. આઝાદ હિંદ ફોજના લોકોએ સાથે મળીને નિર્માણકાર્ય શરૂ કર્યું અને ટૂંક સમયમાં રાણી ઝાંસી રેજિમેન્ટની સાડા ત્રણસો સ્ત્રીઓ માટે રહેવાની જગ્યા ઉપલબ્ધ કરવામાં આવી. રંગુન, બર્મા અને બીજી જગ્યાઓએ આઝાદ હિંદ ફોજ અને રાણી ઝાંસી રેજિમેન્ટની અલગ અલગ ટુકડીઓ ઊભી કરવામાં આવી.

મહિલાઓને પ્રશિક્ષિત કરવાનું કામ વાંસના જંગલોની વચ્ચે કરવામાં આવતું. રાયફલ ચલાવવી, અનેક અઘરી પરિસ્થિતિઓનો સામનો કરવો, ભૂખ્યા રહેવું, જંગલી જાનવર સાથે ડર્યા વગર કઈ રીતે કામ પાર પાડવું એવા અનેક ટ્રેનિંગના તબક્કાઓમાંથી પસાર થયા પછી મહિલાઓ હવે સ્વતંત્રતાના યુદ્ધ માટે તૈયાર હતી. નેતાજીનું માનવું હતું કે, હવે પહેલા જથ્થાને યુદ્ધ માટે રવાના કરી શકાય.

આ એવો સમય હતો જ્યારે આઝાદ હિંદને ફક્ત થોડા દેશો દ્વારા કાયદેસર રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી જે ફક્ત ધરી શક્તિઓ અને તેમના સાથી દેશો સુધી મર્યાદિત હતા. આઝાદ હિંદના નવ દેશો સાથે રાજદ્વારી સંબંધો હતા. નાઝી જર્મની, જાપાનનું સામ્રાજ્ય, ઇટાલિયન સામાજિક પ્રજાસત્તાક, ક્રોએશિયાનું સ્વતંત્ર રાજ્ય અને વાંગ જિંગવેઇ સરકાર, થાઇલેન્ડ, બર્મા રાજ્ય, માન્ચુકુઓ અને બીજું ફિલિપાઇન પ્રજાસત્તાક. જાપાનના કબજા હેઠળના સિંગાપોરમાં તેની રચનાની ઘોષણા તો થઈ, પરંતુ એને ધારી સફળતા ન મળી. આયર્લેન્ડના તાઓઇસેચ, એમોન ડી વાલેરાએ બોઝને અભિનંદનનો પત્ર મોકલ્યો. એક રીતે જોવા જઈએ તો સૌએ આઝાદ હિંદ ફોજને બિરદાવી, પરંતુ કોઈ મદદ કરવા આગળ ન આવ્યું.

ઓક્ટોબર 1943ના અંતમાં, બોઝ જાપાનના ગ્રેટર ઇસ્ટ એશિયા કો-પ્રોસ્પેરિટી સ્ફિયરના નિરીક્ષક તરીકે ગ્રેટર ઇસ્ટ એશિયા કોન્ફરન્સમાં ભાગ લેવા ટોક્યો ગયા. ભારત તક્નીકી રીતે જાપાનની “ગ્રેટર ઇસ્ટ એશિયા”ની વ્યાખ્યાના અધિકારક્ષેત્રની બહાર હોવાથી તે પ્રતિનિધિ તરીકે કાર્ય કરી શક્યું નહીં, પરંતુ બોઝે કોન્ફરન્સમાં પશ્ર્ચિમી સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદના વિરોધમાં ભાષણો આપ્યા. કોન્ફરન્સના અંત સુધીમાં, આઝાદ હિંદને આંદામાન અને નિકોબાર ટાપુઓ પર મર્યાદિત સરકારી અધિકારક્ષેત્ર આપવામાં આવ્યું હતું, જે યુદ્ધની શરૂઆતમાં શાહી જાપાની નૌકાદળ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.

આઝાદ હિંદના INA ના રૂપમાં લશ્કરી દળોએ બ્રિટીશરો સામે કેટલીક સફળતાઓ મેળવી અને પૂર્વી ભારતમાં ઇમ્ફાલ શહેરને ઘેરો ઘાલવા માટે જાપાની સૈન્ય સાથે આગળ વધ્યા. દિલ્હી તરફ કૂચ કરવાની યોજના, રસ્તામાં ટેકો અને નવા ભરતીઓ મેળવવામાં, ચોમાસાની ઋતુની શરૂઆત અને ઇમ્ફાલ કબજે કરવામાં નિષ્ફળતા બંને સાથે અટકી ગઈ. બ્રિટિશ બૉમ્બમારાથી મનોબળમાં ગંભીર ઘટાડો થયો અને જાપાનીઓએ INA દળો સાથે મળીને ભારતમાંથી પાછા ફરવાનું શરૂ કર્યું…

જાપાને વચન આપ્યું હતું કે, ભારતની સ્વતંત્રતાના આ સશસ્ત્ર યુદ્ધમાં પોતાના સૈનિકો સાથે એ નેતાજીની મદદ કરશે, પરંતુ જાપાન ઉપર હુમલા વધતા ગયા અને એમણે પોતાના રાષ્ટ્રની સુરક્ષાને પ્રાથમિકતા આપવા માટે બર્માથી પોતાની આખી સેનાને હટાવી લીધી. ભારતીય સૈનિકો માટે ઈમ્ફાલનું યુદ્ધ એક આકરી પરીક્ષા બની ગયું. અંગ્રેજોએ ઈમ્ફાલના યુદ્ધમાં ભારતીય સૈનિકોનો કરુણ રકાસ કર્યો. વરસતા વરસાદમાં ઝઝૂમતા સિપાહીઓને પીછેહઠનો આદેશ આપવામાં આવ્યો અને 26મી જૂને, સહુ સૈનિકોએ પાછા ફરવાનું નક્કી કર્યું.

આ બહુ જ નામોશીભરી અને પીડાદાયક પરિસ્થિતિ હતી… એ સમય મારે માટે અંગત હારનો સમય હતો કારણ કે, હું સશસ્ત્ર યુદ્ધમાં જોડાઈ એ વિશે મારા પરિવારને વિરોધ હતો. મારી માતા ગાંધીજીની પૂરી સમર્થક હતી. મારી બહેન મૃણાલિનીના લગ્ન અમદાવાદના સારાભાઈ પરિવારમાં થયા હતા. એ લોકો પણ ખાદી પહેરતા અને ગાંધીજીના સમર્થક હતા. ગાંધીજી અમદાવાદમાં અંબાલાલ સારાભાઈના બંગલે રોકાતા, એટલું જ નહીં શેઠ અંબાલાલ સારાભાઈના બહેન મૃદુલા સારાભાઈ ગુજરાતમાં મજૂર મહાજનના સ્થાપક હતા. મૃણાલિની પણ ગાંધીજીના વિચારે રંગાયેલી… એ સહુ અહિંસામાં માને, અને હું સશસ્ત્ર દળની કેપ્ટન! વિચારભેદ તો હોય જ ને?

21 સપ્ટેમ્બર, 1944ના દિવસે નેતાજીએ ભારતીય સ્વતંત્રતા લીગની એક બેઠક બોલાવી. જેમાં એમણે જાહેર કર્યું કે જર્મની અને જાપાનની મદદ હવે નહીં મળે. આ પરિસ્થિતિ આઝાદ હિંદ ફોજને વિખેરી નાખવાનું કારણ બનશે. જોકે, એમણે છેલ્લી ક્ષણ સુધી લડવાનું વચન આપ્યું, પરંતુ એ પોતે પણ જાણતા હતા કે, હવે આમાં બીજું કંઈ થઈ શકે એમ નથી.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનની હાર પછી, નેતાજીને નવો રસ્તો શોધવો જરૂરી હતો. તેમણે રૂસ પાસે સહાયતા લેવાનો નિશ્ર્ચય કર્યો હતો. 18 ઓગસ્ટ, 1945ના રોજ નેતાજી હવાઈ જહાજથી મંચુરિયા તરફ જઇ રહ્યા હતા. આ સફર દરમિયાન તેઓ લાપતા થઇ ગયા. ત્યાર બાદ તેઓ કોઇને ક્યારેય નજર ન આવ્યા. 23 ઓગસ્ટ, 1945ના રોજ જાપાનની દોમેઈ ખબર સંસ્થાએ દુનિયાને ખબર આપી, કે 18 ઓગસ્ટ 1945ના રોજ, નેતાજીનું હવાઈ જહાજ તાઇવાનની ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થતા નેતાજીને હૉસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો. દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજમાં નેતાજીની સાથે એમના સાથી કર્નલ હબિબૂર રહમાન હતા. એમણે નેતાજીને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ સફળ ન રહ્યા…

હવે રંગુન રહેવાનો કોઈ અર્થ નહોતો એટલે બ્રિટિશ સરકારની પરવાનગીથી મેં ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો. સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અરવિંદ બોઝે પત્રવ્યવહાર કરીને મને ભારત પાછા લાવવાની વિધિ પૂરી કરી. એમણે જ એક ફોન પર મારી મા સાથે વાત કરાવી અને હું ભારત પાછી ફરી. મને લેવા માટે મારી મા અને કેપ્ટન પ્રેમ સહેગલ આવ્યા હતા.

એ દરમિયાન ભારત આઝાદ થયું. આઝાદીનું જે સ્વપ્ન નેતાજીએ જોયું હતું એમાંનું કશુંય આ નવા ભારતમાં મને દેખાયું નહીં. દેશના ટુકડા થયા અને ભારત સ્વતંત્ર તો થયું, પરંતુ લોહીની નદીઓ વહી, પાશવી અને દર્દનાક કથાઓ સાથે ભારત અને પાકિસ્તાન અલગ થઈ ગયા. હવે આઝાદ હિંદ ફોજનું કોઈ અસ્તિત્વ નહોતું… સહુ જાણે નેતાજીને અને આઝાદ હિંદ ફોજને ભૂલી ગયા હતા! કેપ્ટન પ્રેમ સહેગલે ભારતીય સેનામાં નોકરી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ એમને અપમાનિત કરવામાં આવ્યા. એ દિવસો દરમિયાન અમે એકબીજાને મળતાં હતાં.

માર્ચ, 1947માં ડો. લક્ષ્મી સ્વામીનાથન અને કેપ્ટન પ્રેમ સહેગલ એક થયાં. અમે લગ્ન કર્યાં અને હું લક્ષ્મી સ્વામીનાથન બની…

કેપ્ટન પ્રેમ સહેગલ સાથે મળીને મેં આઝાદ હિંદ ફોજમાં જોડાયેલા લોકોને નાનું, પરંતુ જીવનનિર્વાહનું સાધન મળે એવો પ્રયાસ કર્યો. આઝાદ ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ આઝાદ હિંદ ફોજના લડવૈયાઓને માસિક રૂ. 100ની આર્થિક સહાયતા આપવાનો ઈનકાર કર્યો. કેપ્ટન પ્રેમ સહેગલ સાથે મળીને મેં એક ટ્રસ્ટની સ્થાપના કરી, જેમાં સૈનિકોને એમના ઘરે પાછા ફરી શકે અને જીવે ત્યાં સુધી એમને માસિક 70 રૂપિયા મળી રહે એવા એક કોર્પસ ફંડની વ્યવસ્થા કરી. એમને રોજગાર મળે એ માટે પણ મેં પ્રયાસ કર્યા.

એક રીતે જોવા જઈએ તો મારું જીવન ખૂબ જ ઘટનાપૂર્ણ અને સાહસપૂર્ણ રહ્યું, પરંતુ પાછળ વળીને જોઉ છું તો સમજાય છે કે, સુભાષબાબુ સૌને સ્વીકારી શકતા હતા. એમણે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ આપ્યું, પરંતુ બાપુનો વિરોધ કરવાની એમની નૈતિક હિંમતને કદાચ એ સમયના કૉંગ્રેસી નેતાઓ સ્વીકારી શક્યા નહીં! (સમાપ્ત)

આપણ વાંચો:  સમર કૂલ, વાઈટ એન્ડ વાઈટ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button