લાડકી

મારા પિતા સમયથી ઘણું આગળ વિચારતા ને જીવતા હતા

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૧)
નામ: મૃદુલા સારાભાઈ
સ્થળ: ‘રિટ્રીટ’, શાહીબાગ, અમદાવાદ
સમય: ૧૯૭૪
ઉંમર: ૬૨ વર્ષ
આજે, દિલ્હીના મારા ઘરમાં નજરકેદ થઈને લગભગ એકલવાયું કહી શકાય એવું જીવન વિતાવું છું. થાકી નથી, હારી નથી, કંટાળી પણ નથી. સાચું કહું તો આ ઘર અને આ પરિસ્થિતિ મેં જાતે પસંદ કરેલાં છે. આ ઘર અને પરિસ્થિતિ જ શું કામ, જીવનના પ્રત્યેક તબક્કે હું મારી જાતે પસંદ કરેલા રસ્તે ચાલી છું એ વાતનું ગૌરવ છે. હું જે સમયની વાત કરું છું એ સમય કદાચ, સ્ત્રીઓ માટે સૌથી અંધકારમય અને આત્મગૌરવને લગભગ નષ્ટ કરી નાખતો સમય હતો.

૧૯૦૦ની સદીની શરૂઆત, આખા ભારત માટે અંગ્રેજી હકુમત નીચે ગુલામીની ઝંઝીરોમાં જકડાયેલા દેશવાસીઓ અને અભણ કચડાયેલી, શોષિત સ્ત્રીઓનો સમય હતો. હું એ સમયમાં જન્મી, પણ એ સમયની સ્ત્રીઓ જેવું જીવી નહીં. મને શિક્ષણ મળ્યું, સંસ્કાર મળ્યા અને સૌથી મહત્ત્વની વાત, સ્વતંત્રતા મળી.

જે પરિવારમાં મારો જન્મ થયો એ પરિવાર એટલે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ પરિવારોમાંનો એક. શેઠ શ્રી અંબાલાલ સારાભાઈનો પરિવાર. અમદાવાદ શહેરમાં પહેલી મિલ સ્થાપી રણછોડલાલ છોટાલાલે. એમ કહેવાય છે કે, ઈંગ્લેન્ડથી મિલના મશીન લઈને આવતાં એમના જહાજ એકથી વધુ વાર ડૂબી ગયાં, મોટું નુકસાન થયું તેમ છતાં એમણે હાર્યા કે ડર્યા વગર અમદાવાદમાં સુતરાઉ કાપડની મિલ સ્થાપવાનો પોતાનો નિર્ણય બદલ્યો નહીં. અંતે, ૧૮૮૮માં અમદાવાદમાં પહેલી સુતરાઉ કાપડની મિલ શરૂ થઈ. એમના પગલે બીજા અનેક શ્રેષ્ઠીઓ અને વ્યાપારીઓને આ સાહસ કરવાની હિંમત આવી. મારા પ્રપિતામહ પણ એમાંના એક! એમણે ૧૮૮૮માં ‘કેલિકો મિલ’ની સ્થાપના કરી. અમદાવાદ ધીરે ધીરે સુતરાઉ કાપડનું માન્ચેસ્ટર બનવા લાગ્યું. કૂકડાની પહેલાં મિલનું ભૂંગળું વાગે અને કામદારો પોતપોતાની સાઈકલ પર ટિફિન લટકાવીને ઘંટડી વગાડતા મિલો ભણી ભાગે. આ મિલ કામદારો માટે ચાલીઓનું નિર્માણ થયું, નાનાનાના ગામોમાંથી રોજીની અપેક્ષાએ અનેક લોકો અમદાવાદ તરફ આવવા લાગ્યા.

મારા દાદાજી સારાભાઈનું અવસાન નાની ઉંમરે થયું. મારા દાદી ગોદાવરી બા ચુસ્ત જૈન અને ધાર્મિક વિચારો ધરાવતા, પરંતુ મારા પિતાજીએ શાહ સરનેમ છોડીને પોતાના પિતાનું નામ લખવાનું શરૂ કર્યું. અમારા સૌની અટક એ પછી ‘સારાભાઈ’ થઈ ગઈ. અંબાલાલ સારાભાઈને નાની ઉંમરે મિલ અને બીજા વ્યવસાયો સંભાળવા પડ્યા. એ ખૂબ બાહોશ અને હોંશિયાર હતા. સાથે સાથે ક્ધયા શિક્ષણ અને સ્વતંત્રતા વિશે એમના મનમાં જુદા વિચારો હતા.

૧૯૩૦માં જ્યારે દાંડીકૂચ થઈ ત્યારે અહિંસાના બળ પર વિશ્ર્વનો સૌથી મોટું યુદ્ધ ખેલાયું. દુશ્મનનું રક્ત વહાવ્યા વગર મહાત્મા ગાંધીએ પ્રસ્થાપિત કર્યું કે, સત્યાગ્રહ કોઈને પણ ઝુકાવી શકે છે. એ પહેલાં ગાંધીજીએ કોચરબ આશ્રમની સ્થાપના કરી, ૧૯૧૫માં ત્યારે મારા પિતા અંબાલાલ સારાભાઈ અને મારી મા, સરલાદેવી એમના સંપર્કમાં આવ્યા. કોચરબ આશ્રમમાં ગાંધીજીએ અસ્પૃશ્ય કહેવાતા હરિજનને નિવાસસ્થાન આપવાની વાત કરી ત્યારે ગાંધીજી અને એમના વિચારો અસ્પૃશ્યતા નિવારણની બાબતમાં એક ન થઈ
શક્યા અને શેઠ મંગળદાસ ગિરધરદાસ જે
અમદાવાદના નગરશેઠ કહેવાતા એમણે આશ્રમને મળતું ફંડ અટકાવી દીધું.

ફંડ વગર આશ્રમ ચલાવવો અઘરો હતો, મારા પિતાશ્રીએ ત્યારે એવો નિર્ણય કર્યો કે, એ આશ્રમને ફંડ આપશે એટલું જ નહીં, બલ્કે આશ્રમના તમામ ખર્ચ અને નિભાવને પોતાની જવાબદારી તરીકે સ્વીકારશે. એમણે એ સમયે ૧૩ હજાર રૂપિયા જમા કરાવી દીધા જે આશ્રમનો બે વર્ષનો
સંપૂર્ણ ખર્ચ હતો.

અમે સાત ભાઈ-બહેન, વિક્રમભાઈ, હું, ગૌતમભાઈ, ગિરાબેન, ગીતાબેન, ભારતીબેન, અને લીનાબેન અમદાવાદમાં શાહીબાગમાં આવેલા ‘રિટ્રીટ’ બંગલામાં મોટાં થઈ રહ્યા હતા ત્યારે દેશમાં અનેક ઊથલપાથલ ચાલતી હતી. આ સદીના આરંભે થયેલી બંગભંગની ઘટના, લોકમાન્ય ટિળકની ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે’ એ ઘોષણા અને ૧૯૧૫માં દક્ષિણ આફ્રિકાથી ગાંધીજીનું થયેલું સ્વદેશાગમન વગેરેએ સ્વરાજની લડતની ભૂમિકા પૂરી પાડી. ૧૯૨૦નું અમદાવાદમાં ભરાયેલું કૉંગ્રેસ અધિવેશન, નવજીવનનું પ્રકાશન, ૧૯૨૦-૨૧નાં રમખાણો, ગાંધીજી ઉપર ચાલેલો મુકદ્દમો, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના-એવા બનાવોએ ગુજરાતના જનજીવન ઉપર ભારે અસર કરી.

અમે ભાઈ-બહેનો પણ ગાંધીજીના વિચારના રંગે રંગાયા. ગાંધીજી ૧૯૧૫માં કોચરબ આશ્રમ સ્થાપીને રહ્યા ત્યારે ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈ અને તેમનાં પત્ની સરલાદેવી તેમના સંપર્કમાં આવ્યાં. આ અગાઉ આ દંપતીએ પોતાનાં બાળકોની કેળવણી માટે ઈંગ્લેન્ડ રહેવાનો નિર્ધાર કર્યો હતો. ઘરનું વાતાવરણ પણ પાશ્ર્વાત્ય ઢબનું હતું. સરલાદેવીને લંડનની શાળામાં થતો રંગભેદ ખૂંચ્યો. મેડમ મોન્ટેસોરીનું સાહિત્ય તેમની નજરે ચડ્યું. પોતાનાં બાળકો સ્વમાનભેર કેળવણી પ્રાપ્ત કરી શકે છતાં ચીલાચાલુ કેળવણીનાં દૂષણો દૂર કરી શકાય એવી વિશિષ્ટ કેળવણી આપવાના નિર્ણયથી તેઓ અમદાવાદમાં જ સ્થિર થયાં. એમણે નિર્ણય કર્યો કે, અમને સૌ ભાઈ-બહેનોને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવશે. દેશ-વિદેશના શિક્ષણવિદ્ો, કલાકારો અને યુરોપથી અંગ્રેજી શિક્ષણ માટે શિક્ષકોને ‘રિટ્રીટ’માં વસાવવામાં આવ્યા. આ એવું સ્થળ બની ગયું જ્યાં રવીન્દ્રનાથ ટાગોર, પન્નાલાલ ઘોષ, બિસ્મિલ્લા ખાન, સરોજિની નાયડુ સહિત અનેક કલાકારો, રાજકીય હસ્તી અને શિક્ષણવિદ્ો અવારનવાર મુલાકાત લેવા લાગ્યા. અમારું શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતું નહોતું. અમને સુથારીકામ, પ્લમ્બિંગ, ચિત્રકામ, સંગીત-નૃત્ય સહિત કુંભારના ચાકડા પર કામ કરવાની પણ તક મળતી. નિયમિત ક્લાસીસ કે દસથી પાંચના વર્ગો નહોતા અહીં. દરેક શિક્ષક પોતાની રીતે પોતાનો સમય નક્કી કરે અને બાળકની ઉંમર અને એની રુચિ પ્રમાણે એણે એ રીતે પોતાનું શિક્ષણ પસંદ કરવાનું, આ મારા પિતાના વિચારો હતા.

મારા પિતા અંબાલાલ સારાભાઈ અવારનવાર વિદેશ પ્રવાસ કરતા. એકવાર એ મારા સૌથી મોટા ભાઈ વિક્રમભાઈ માટે એક ઈલેક્ટ્રિક ટ્રેન લઈ આવ્યા. લોખંડના પાટા પર ગોઠવાયેલી આ ટ્રેન બેટરીથી ચાલતી હતી. અમે બધાં ભાઈ-બહેન એ ટ્રેન જોઈને ખૂબ ખુશ થયાં. વિક્રમભાઈએ એ ટ્રેન ખોલી નાખી… દરેક ભાગ છૂટા પાડી નાખ્યા. પાછા ભેગા કરવા ગયા ત્યારે એ ફરીથી ટ્રેન સરખી જોડી શક્યા નહીં. અમે સૌ ગભરાઈ ગયા હતા, પરંતુ મારા પિતાએ ગુસ્સે થયા વગર વિક્રમભાઈને એટલું જ કહ્યું, ‘તું આમાંથી શું શીખ્યો?’
‘આ ટ્રેન કંઈ રીતે બની છે એ સમજવાનો મેં પ્રયત્ન કર્યો.’ વિક્રમભાઈએ જવાબ આપ્યો.
‘તું સમજી શક્યો?’

‘હા.’ વિક્રમભાઈએ કહ્યું.
‘તો હવે પૂરો પ્રયાસ કરીને આ ટ્રેનને ફરી એવી જ રીતે તૈયાર કર જેવી એ હતી.’ મારા પિતાએ એમને કહ્યું, ‘તો તું શીખ્યો એમ માની શકાય.’

વિક્રમભાઈએ ઘણા મહિનાઓની મહેનત પછી ટ્રેન ફરીથી રિપેર કરી અને ચાલતી કરી ત્યારે મારા પિતાએ એને ઈનામ આપેલું.

મારા પિતા પોતાના સમયથી ઘણા આગળ હતા. અંબાલાલભાઈનાં બહેન, મારાં ફોઈ અનસૂયા પોતાને નહીં ગમતા પતિ સાથે ન રહેવા માટે ભારત છોડી વધુ અભ્યાસાર્થે લંડન ગયાં હતાં. મારા પિતા એટલા મુક્ત વિચારોના હતા કે, ૧૯૧૦-૧૧ના સમયમાં એમણે પોતાની બેનને અણગમતા પતિ સાથે પરાણે રહેવાની ફરજ પાડવાને બદલે એને પોતાનું જીવન જાતે પસંદ કરવાનો અધિકાર આપ્યો. કૌટુંબિક કારણસર તે ભારત પાછાં ફર્યાં. અનસૂયા ફોઈ સ્વભાવે કડક અને સિદ્ધાંત પ્રિય હતાં. એમનું વાંચન વિશાળ અને જીવન પ્રત્યેની સમજ ઊંડી હતી. અમારું કુટુંબ ૧૯૧૫ પછી ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયું, જેમાં મારા ફોઈ પણ હતાં.

૧૯૨૦માં અમદાવાદના મિલમાલિકો અને મજૂરો વચ્ચે સંઘર્ષ થયો. અનસૂયાબેને ઈંગ્લેન્ડમાં મજૂર-પ્રશ્ર્નોનો અભ્યાસ કર્યો હતો. તેમણે મજૂરોનો પક્ષ લીધો. મિલમાલિકને નાતે અંબાલાલભાઈ સામે પક્ષે હતા. ગાંધીજીએ આ સંઘર્ષનું સમાધાન કરાવ્યું. ત્યારથી ‘મજૂર મહાજન’ની સ્થાપના થઈ. અનસૂયાબેન આજીવન તેનાં અગ્રણી રહ્યાં.

ગાંધીજીએ સાબરમતી સત્યાગ્રહ આશ્રમ સ્વાશ્રયથી બાંધ્યો ત્યારે ગર્ભશ્રીમંત અનસૂયાબેને માથે રેતીનાં તગારાં લઈ શ્રમયજ્ઞમાં ભાગીદારી કરી. તેમના કાકાનાં દીકરી ઈન્દુમતી ચીમનલાલે મેટ્રિકમાં ઊંચી કક્ષાએ ઉત્તીર્ણ થઈ સરકારી કોલેજમાં જવાને બદલે તાજી સ્થપાયેલી રાષ્ટ્રીય સંસ્થા ગુજરાત વિદ્યાપીઠમાં જવાનું પસંદ કર્યું.

કોચરબ આશ્રમમાં અંબાલાલભાઈ અને સરલાદેવી ગાંધીજી પાસે અવારનવાર જતાં. ત્યાં એમને સહાયક થતાં. ગાંધીજી નિ:સંકોચ સરલાદેવીને ચિઠ્ઠી લખી પોતાની જરૂરિયાત જણાવતાં. સાબરમતીના સત્યાગ્રહ આશ્રમમાં પણ ઘણી વાર સરલાદેવી જતાં. ગાંધીજી ઉપર ચાલેલા મુકદ્દમા વખતે પણ કુટુંબની ઘણી વ્યક્તિઓ હાજર રહી હતી. ગાંધીજી પણ શાહીબાગના અમારા નિવાસસ્થાન ‘રિટ્રીટ’માં જતા. બાળકોના સંપર્કમાં આવતા. ધીમે ધીમે ગાંધી વિચારસરણીના પ્રભાવથી સરલાદેવીએ ખાદી અપનાવી. અમારા ઉપર કોઈ દબાણ નહોતું, પરંતુ અમે સૌ પણ અમારી રીતે જીવવા અમારા રસ્તા પસંદ કરવા સ્વતંત્ર હતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં મને મારા જીવનનો રસ્તો દેખાતો હતો. સાવ નાની ઉંમરે મેં આ અસર અત્યંત તીવ્રતાથી અનુભવી.

કોચરબ આશ્રમની સ્થાપના થઈ ત્યારે હું ચાર વર્ષની હતી. ૧૯૨૦માં અમદાવાદમાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશન અને ૧૯૨૦-૨૧ના રમખાણો વખતે હું ૯ વર્ષની હતી. ગાંધીજી પર જ્યારે મુકદ્દમો ચાલ્યો ત્યારે એકવાર મને મારા પિતા એમની સાથે કોર્ટમાં લઈ ગયેલા. મહાત્માની નિખાલસતા, સરળતા અને સહજતાથી હું ખૂબ પ્રભાવિત થઈ, મેં એ જ વખતે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવવાનો નિર્ણય કરી લીધો હતો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…