મલ્ટિ પર્પઝ બ્લાઉઝ
ફેશન વર્લ્ડ – ખુશ્બુ મુલાણી ઠક્કર
મલ્ટિ પર્પઝ બ્લાઉઝ એટલે કે , એક બ્લાઉઝનો ઉપયોગ માત્ર એક જ સાડી સાથે નહિ, પરંતુ અલગ અલગ સાડી સાથે મિક્સ મેચ કરી પહેરી શકાય તેને મલ્ટિ પર્પઝ બ્લાઉઝ કહેવાય. મલ્ટિ પર્પઝ બ્લાઉઝમાં ગોલ્ડન, જામેવાર, ઑફ વાઈટ અથવા બ્લેક બ્લાઉઝનો સમાવેશ કરી શકાય. મલ્ટિ પર્પઝ બ્લાઉઝની પસંદગી સાડીને અનુરૂપ કરવી જોઈએ.
ગોલ્ડન બ્લાઉઝ
ગોલ્ડનમાં ઘણા શેડ આવે છે. તમારા સ્કિન ટોનને અનુરૂપ ગોલ્ડન શેડની પસંદગી કરવી. પ્લેન ગોલ્ડન બ્લાઉઝ પ્યોર સિલ્ક, ટીશ્યુ ક્રશ, કોટન મલ, વીસકોર્સ રેયોન, સિક્વન્સ વગેરે વેરાયટીમાં મળે છે. જો તમે પ્લેન ઓરગેન્ઝા સાડી પહેરવાના હોવ તો તેની સાથે પ્લેન ગોલ્ડન ટિશ્યુનું બ્લાઉઝ સારું લાગશે. ગોલ્ડન કલરનું બ્લાઉઝ હંમેશાં ડાર્ક સાડી સાથે વધારે ઊઠીને આવે છે. પ્લેન મરુન કલરની સાડી સાથે સિક્વન્સવાળું બ્લાઉઝ અથવા ગોલ્ડન પર સેલ્ફ વર્કવાળું બ્લાઉઝ સારું લાગશે. ગોલ્ડન કલરનું બ્લાઉઝ હંમેશાં ડાર્ક સાડી સાથે વધારે ઊઠીને આવે છે. મોટે ભાગે ગોલ્ડન બ્લાઉઝ ફેસ્ટિવ લુક તો આપે જ છે, પરંતુ રાઈટ ચોઈસીની સાડી તેને એક કંપ્લીટ લુક આપી શકે.
જામેવાર બ્લાઉઝ
જામેવાર ફૅબ્રિકમાં ઘણી વેરાઈટી આવે છે. જેમકે, સેલ્ફમાં સેલ્ફ ડિઝાઇન, સોલિડ અથવા લાઈટ કલરમાં કોન્ટ્રાસ્ટ કલર અથવા ગોલ્ડ કલરની પ્રિન્ટવાળું ફેબ્રિક. જામેવાર એટલું રિચ ફૅબ્રિક છે કે જેમાં માત્ર સિમ્પલ બ્લાઉઝ હશે તો પણ સારું લાગશે. એમાં કોઈ હેન્ડવર્ક કે મશીન વર્કની જરૂર નથી પડતી. માત્ર બ્લાઉઝના ફૅબ્રિકને અનુરૂપ કોન્ટ્રાસ્ટ કલર કે ગોલ્ડન કલરની પાઇપિન મૂકીને પણ સારો લુક આપી શકાય. જામેવાર એ પ્રિન્ટેડ ફૅબ્રિક છે, માટે જ જામેવાર બ્લાઉઝ પ્લેન સાડી સાથે પહેરી શકાય. મલ્ટિ કલર જામેવાર બ્લાઉઝ હોવું જ જોઈએ જેથી કરી કોઈ પણ પ્લેન કલરની સાડી સાથે પહેરી ફેસ્ટિવ લુક આપી શકાય. જો તમારી પાસે કોઈપણ કલરનો પ્લેન ઘાઘરો હોય તો તેને મલ્ટિ કલર જામેવાર બ્લાઉઝ સાથે પહેરી શકાય અને તેની સાથે કોન્ટ્રાસ્ટ દુપટ્ટો સારો લાગશે. પ્લેન ઑફવાઈટ ગોલ્ડન બોર્ડરવાળી સાડી સાથે પણ મલ્ટિ કલર જામેવાર અથવા કોઈપણ કલરનું જામેવારનું બ્લાઉઝ એક અલગ લુક આપી શકે.
બ્લેક બ્લાઉઝ
કોઈ પણ સ્ત્રીના વોર્ડરોબમાં એક બ્લેક બ્લાઉઝ હોવું જ જોઈએ. તમારા બોડીને અનુરૂપ સ્લિવલેસ બ્લાઉઝ અથવા એલ્બો લેન્થ બ્લાઉઝ હોવું જોઈએ. બ્લેક કલર એ વર્સેટાઈલ કલર છે. મોટા ભાગે બ્લેક કલર બધા જ કલર સાથે સારો લાગે છે. શર્ત માત્ર એટલી કે મિક્સ મેચ કરતા આવડવું જોઈએ. જો તમારી પાસે કલમકારી સાડી હોય તો તેની સાથે બ્લેક બ્લાઉઝ સારું લાગી શકે. બ્લેક કલરનું બ્લાઉઝ બેજ સાડી સાથે એક ટ્રેડિશનલ લુક આપે છે તો બ્લેક કલરનું બ્લાઉઝ વાઈન કલરની સાડી સાથે એક પાર્ટી વેર લુક આપી શકે. મોટા ભાગની સ્ત્રીઓ બ્લેક કલરનું બ્લાઉઝ સારા પ્રસંગોમાં પહેરવાનું ટાળે છે. બ્લેક બ્લાઉઝ એ એક કેઝયુઅલ વેર તરીકે પહેરી શકાય. બ્લેક બ્લાઉઝ ઇવનિંગ વેર અથવા પાર્ટી વેર તરીકે વધારે સારું લાગી શકે. ઘણી સ્ત્રીઓનું માનવું છે કે, જયારે કઈ ખબર ન પડે કે આજે શું પહેરવું છે ત્યારે કોઈ પણ સિમ્પલ સાડી સાથે બ્લેક બ્લાઉઝ પહેરી લેવું. બ્લેક એ ખૂબ જ પ્રોમિનન્ટ કલર છે. બ્લેક બ્લાઉઝ તમારા લુકને તેમ જ તમારી સાડીને એક સ્ટેટમેન્ટ લુક આપે છે.
ઑફ વાઈટ બ્લાઉઝ
ઑફ વાઈટ બ્લાઉઝ પહેરવા માટે ફેશન સેન્સ હોવી ખૂબ જ જરૂરી છે. ઑફ વાઈટ બ્લાઉઝ પહેરવાથી એક અલગ જ લુક આવે છે. જયારે તમને એક રૂટિન લુકમાંથી બહાર આવવું હોય અને જયારે તમને તમારી એક આગવી છાપ ઊભી કરવી હોય ત્યારે તમે ઑફ વાઈટ બ્લાઉઝ પહેરી શકો. તેમજ કોઈ પણ સોલિડ કલર કે મલ્ટિ કલરની સાડીનો લુક બ્રેક કરવા માટે ઑફ વાઈટ બ્લાઉઝ પહેરી શકાય જેમકે, મલ્ટિ કલરની ટાઈ એન્ડ ડાઈ સાડી સાથે કોઈ પણ કલરનું બ્લાઉઝ પહેરવા કરતા ઑફ વાઈટ બ્લાઉઝ પહેરી કલરફુલ સાડીને એક સોબર લુક આપી શકાય. લહેરિયા સાડી સાથે ઑફ વાઈટ અથવા વાઈટ બ્લાઉઝ પહેરી શકાય. અલગ લુક માટે કોટન સિલ્કની બાંધણી સાડી સાથે મિરર વર્કવાળું ઑફ વાઈટ બ્લાઉઝ પહેરી એક આગવી છાપ ઊભી કરી શકાય.મરૂન કલરની બનારસી સાડી સાથે ઑફ વાઈટ બ્લાઉઝ પહેરી શકાય.
નોંધ – ફેશનનું આંધળું અનુકરણ કરવું નહિ. આ માહિતી એક બેઝિક માહિતી છે. તમારા સ્કિન ટોન તેમજ શરીરને અનુરૂપ મલ્ટિ પર્પઝ બ્લાઉઝનું સિલેક્શન કરી શકાય.