મોટાભાગના લેખકો-જે એમના સમયથી પહેલાં આધુનિક વાર્તાઓ અને પાત્રો લખી નાખે છે એમને એમની હયાતિમાં ઓળખ કે સફળતા મળતી નથી
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૪)
નામ: જેઈન ઑસ્ટિન
સ્થળ: વિન્ચેસ્ટર કેથેડ્રલ
સમય: ૧૯ જુલાઈ, ૧૮૧૭
ઉંમર: ૪૧ વર્ષ
કેવી નવાઈની વાત છે! શરૂઆતનાં વર્ષોમાં મારે મારું લખાણ મારા નામ વગર પ્રકાશિત કરવું પડ્યું અને સમય જતાં ફક્ત મારું નામ જ વેચાવા લાગ્યું. જ્યારે નામ વગર પ્રકાશન થતું હતું ત્યારે કોઈ આર્થિક આવક નહોતી એમ કહું તો ચાલે અને જ્યારે નામ સાથે આર્થિક આવક થવા લાગી ત્યારે મારું કુટુંબ એવી સ્થિતિમાં મુકાયું કે મારી નવલકથાઓની માગ હોવા છતાં હું વાચકોને ઉપલબ્ધ કરાવી શકી નહીં. જિંદગીની કરામત કંઈક આવી જ છે. આપણે જ્યારે જે કરવા ધારીએ એનાથી કંઈક જુદું, કંઈક ઊંધું જ થઈ જાય. મારી જિંદગીમાં પણ આવું થતું જ રહ્યું છે. મારો ભાઈ દેવામાં ડૂબી ગયો એટલે ચાઉટનનું મોટું ઘર ખાલી કરીને અમે ફરીથી બાથ જવાનું નક્કી કર્યું. એ વખતે લંડનના જાણીતા પ્રકાશક જોન મૂરે તરફથી મને આમંત્રણ મળ્યું. એ લોકો મારી પાસેથી કોઈ ઈન્વેસ્ટમેન્ટની અપેક્ષા વગર મારાં પુસ્તકો પ્રકાશિત કરવા તૈયાર હતા. મારે પૈસાની જરૂર હતી. મેં બે નવલકથાઓ લખવાની શરૂ કરી, પરંતુ હવે બેસવું શક્ય નહોતું. શરીર થાકવા લાગતું. દર બે-ત્રણ દિવસે તાવ આવી જતો. અમે બાથથી લંડન આવીને અનેક ડોક્ટર્સને મળ્યા, પરંતુ મારી તબિયતમાં કોઈ સુધારો થયો નહીં.
એ જ સમયે મારા કાકાનું અવસાન થયું ત્યારે એમણે એમની સંપૂર્ણ સંપત્તિ મારા નામે કરી હતી, પરંતુ એની પત્ની અને બીજા સંબંધીઓએ આવીને જે રીતે અમારું જીવન ઊથલપાથલ કરી નાખ્યું એનાથી મેં નક્કી કર્યું કે, મારે એ સંપત્તિ નથી જોઈતી. મેં એમની પત્નીને બધી જ સંપત્તિ આપી દીધી. મને સંપત્તિની લાલચ કદી રહી જ નથી. મારી કાકી અને સંબંધીઓના કાવતરાં, અને એ લોકો મારી સાથે જે વર્તતા હતા એનો પ્રભાવ પણ મારી નવલકથાનાં સ્ત્રીપાત્રો પર પડ્યો જ છે.
‘મેન્સફિલ્ડ પાર્ક’ની નવી આવૃત્તિએ કંઈ ખાસ વેચાણ કર્યું નહીં એટલે મારા પ્રકાશક નિરાશ થયા હતા. પ્રિન્સને નવલકથા અર્પણ કરવાની ના પાડી એને કારણે પ્રિન્સ પણ નારાજ હતા. સિનિયર ક્લાર્ક દ્વારા મને અવારનવાર એવા પત્રો મળ્યા જેમાં અસ્પષ્ટરૂપે ધમકી આપવામાં આવી હતી, પરંતુ મેં પ્રિન્સને નવલકથા અર્પણ કરવાનો એમનો આગ્રહ ન માન્યો તે ન જ માન્યો. બે નવલકથાઓ ‘ધ ઈલિયટ્સ’ અને ‘ધ બ્રધર’ શરૂ કરી, પરંતુ એક બાર પ્રકરણે અટકી ગઈ અને બીજીના બે અંતિમ પ્રકરણો મેં વારંવાર ફરીથી લખ્યા, પરંતુ મજા ન આવી. હું જાણતી હતી કે હવે મારી પાસે બહુ દિવસો નથી, એટલે નવલકથાઓ પૂરી કરવાના મોહમાં શરીરને વધુ ખેંચતી. પિત્ત અને સંધિવા જેવા રોગોની સાથે હું લગભગ સોફા ઉપર જ જીવવા લાગી હતી. કેસેન્ડ્રા મારો ખૂબ ખ્યાલ રાખતી, પરંતુ આર્થિક સ્થિતિ એવી હતી કે, અમને મોંઘી દવાઓ પરવડે એમ નહોતી. ૧૮મી માર્ચ, ૧૮૧૭ના દિવસે મેં પેન નીચે મૂકી દીધી અને સ્વીકારી લીધું કે હવે હું લખી નહીં શકું. બે નવલકથાઓ અધૂરી રહી અને સેન્સ એન્ડ સેન્સિબિલિટી (૧૮૧૧), પ્રાઈડ એન્ડ પ્રેજ્યુડિસ (૧૮૧૩), મેન્સફિલ્ડ પાર્ક (૧૮૧૪), એમ્મા (૧૮૧૬) પ્રકાશિત થઈ ચૂકી હતી. ત્રણ નવલકથાઓ તૈયાર થઈને પડી હતી, પરંતુ વેચાતી નહોતી એટલે કોઈ પ્રકાશક હવે નવી નવલકથા પ્રકાશિત કરવા તૈયાર નહોતા. નોર્થરેન્જર એબી (૧૮૧૮), પર્સ્યુએશન (૧૮૧૮), લેડી સુસાન (૧૮૭૧) મારા મૃત્યુ પછી પ્રકાશિત થઈ.
મારી તમામ નવલકથાઓ બે પ્રકારની સ્ત્રીઓનાં પાત્રો ધરાવે છે. એક, એવી સ્ત્રી જે પ્રેમ અથવા લગ્નને સાચો, ભાવુક અને આત્મિક સંબંધ માને છે જ્યારે બીજી એવી સ્ત્રીઓ જે પૈસા માટે, પ્રતિષ્ઠા કે પદ માટે લગ્ન કરવા પુરુષોને ફસાવે છે. મારી નવલકથાના પુરુષ પાત્રો પ્રમાણમાં ભોળા અને સરળ રહ્યા કારણ કે, હું એવું માનું છું કે, પુરુષો સ્ત્રીઓ કરતાં ઓછા કાવાદાવા કરે છે. એ આક્રમક હોઈ શકે, પરંતુ ગણતરીબાજ કે કાવતરાખોર નથી હોતા.
મારા જીવનમાં પણ એમ જ બન્યું. ટોમ લેફ્રોયને હું ન મળું એવો પ્રયાસ શ્રીમતી લેફ્રોયે સતત કર્યો. એમનો દીકરો લંડન જઈને આગળ ભણે, એ માટે મને ન મળે તે જરૂરી હતું કદાચ, એટલે જ એમણે ટોમને મને મળતાં રોક્યો. બીજી તરફ એ જ ટોમની સગાઈ મિસ મેરી પોલ સાથે કરવામાં આવી જેથી એના પિતા ટોમને આયર્લેન્ડમાં આગળ વધવા માટે મદદ કરી શકે. જેની સાથે લગ્ન કરવાની મેં ના પાડી એ વ્યક્તિ એ હેરિસ બિગ-વિધર સાથે પરણવા માટે મને ભાઈઓની કારકિર્દી અને માતા-પિતાના વૃદ્ધાવસ્થાના ટેકાની લાલચ આપવામાં આવી હતી, પરંતુ હું સ્વીકારી શકી નહીં!
હું જેવું લખું છું એવું જ જીવી એ વાતનો મને સંતોષ છે.
અને બે નવલકથા પર થઈ શકે એટલું કામ કર્યું. અંતે, ૧૮૧૭ના માર્ચની મધ્યમાં હું સંપૂર્ણપણે પથારીવશ થઈ ગઈ. મે મહિનામાં કેસેન્ડ્રા અને હેન્રી મને વિન્ચસ્ટર લઈ આવ્યા. ખૂબ વેદનાભર્યા છેલ્લા મહિના વિતાવીને ૪૧ વર્ષની ઉંમરે મેં મૃત્યુનું સ્વાગત કર્યું.
જુલાઈ મહિનાની શરૂઆતમાં જ્યારે હું સમજી ગઈ હતી કે, હવે મારું મૃત્યુ થશે ત્યારે મેં મારા ત્રણેય ભાઈઓને બોલાવીને કહેલું, ‘આજે તમને મારા લખાણ કે નવલકથાનું મૂલ્ય નહીં સમજાય, પરંતુ આવનારાં વર્ષોમાં આ નવલકથાઓ તમને અને પરિવારોને કરોડો કમાઈ આપશે.’ મારો આત્મવિશ્ર્વાસ સાચો ઠર્યો. ૧૯૪૦માં અને ૨૦૦૫માં ‘પ્રાઈડ એન્ડ પ્રેજ્યુરિસ’ નામની ફિલ્મ બની. એક જ નવલકથા ઉપરથી બે ફિલ્મો બની. પહેલીવાર ગ્રેર ગાર્સન અને સર લોરેન્સ ઓલિવિર હતા અને બીજીવાર ૨૦૦૫માં જ્યારે એ ફિલ્મ બની ત્યારે એમાં મેથ્યૂ મેકફાડિન અને બ્રેન્ડા બ્લેથિને અભિનય કર્યો હતો. ૧૯૯૫માં ‘સેન્સ એન્ડ સેન્સિબિલિટી’ ઉપર ફિલ્મ બની, જેમાં કેન્ટ વિસલેન, એમ્મા થોમ્પસન અને જેમ્સ ફ્લિટ હતા. એ સિવાય ‘એમ્મા’ પરથી પણ ફિલ્મ બની, ૨૦૨૦માં. ‘લેડી સુઝાન’ પર આધારિત ફિલ્મ ૨૦૧૬માં બની અને ‘નોર્થરેન્જર એબી’ ઉપર ટીવી ફિલ્મ બની. એ સિવાય પણ મારી નવલકથાઓ પૂરજોશમાં વેચાતી રહી છે.
અફસોસ હોય તો બસ એક જ વાતનો છે, જે કથાઓ મારા મૃત્યુના ૨૦૦ વર્ષ પછી સ્વીકારવામાં આવી અને એ કથાઓ પર આધારિત ફિલ્મો સુપરહીટ પુરવાર થઈ… એ જ વાર્તાઓ, કથાઓ, પાત્રો જો હું જીવંત હતી ત્યારે લોકોને સમજાયાં હોત તો એક લેખક તરીકે મારી કલમને ન્યાય મળી શક્યો હોત. મારે તમામ લેખકોને એક જ વાત કહેવી છે, તમારા વિચારોમાં-એ વિચારો સાથે જોડાયેલી માન્યતાઓમાં અને એ માન્યતાઓ સાથે જોડાયેલા તમારા લખાણમાં તમે સહુથી પહેલાં વિશ્ર્વાસ રાખજો. મોટાભાગના લેખકો-જે એમના સમયથી પહેલાં આધુનિક વાર્તાઓ અને પાત્રો લખી નાખે છે એમને એમની હયાતિમાં ઓળખ કે સફળતા મળતી નથી, પરંતુ તેથી નિરાશ થવાને બદલે આવનારી પેઢી માટે તમારા લખાણનો વારસો મૂકી જવો એ પ્રત્યેક ચિંતક અને આધુનિક વિચારો ધરાવતા લેખકની ફરજ છે એમ માનીને લખતા રહેજો!
વિન્ચેસ્ટરના ચર્ચમાં મારી અંતિમ વિધિ કરવામાં આવી અને હવે હું ત્યાં જ શાંત સૂતી છું.
બાથમાં, જ્યાં મેં જીવનનાં કેટલાંક વર્ષો વીતાવ્યા-ત્યાં મારા પુરાણા ઘરમાં મારું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે. જેની મુલાકાતે બાથ શહેર જોવા આવનારા અનેક લોકો જાય છે. (સમાપ્ત)