લાફ્ટર આફ્ટર : જ્યારથી જે જાગ્યા એની એ સવાર…
-પ્રજ્ઞા વશી
‘રીમા, કેમ છે? આ વખતે હેપ્પી ક્રિસમસની કેક લઈને તું નહીં આવી, એટલે હું આવી છું. લે, આ કેક.’ ‘રજની, આ વરસથી અમે ક્રિસમસ ટ્રીની જગ્યાએ તુલસીપૂજન શરૂ કર્યું છે.’ ‘કેમ કોઈ ખાસ કારણ?’
‘હા, ગયે વરસે એક એવી ઘટના બની કે અમારા આખા પરિવારે કરેલી ભૂલના પશ્ચાતાપ અમે સહુએ સાથે બેસીને તુલસી પૂજન અને ભજન કરીને કર્યો. તારે જાણવું છે ને કે એવું તે શું થયેલું? તો સાંભળ…’
‘મને તો 31 ડિસેમ્બરે રાતના જે નાચગાન થાય છે, એ જરાય ગમતું નથી.’ રીમા નાકનું ટેરવું ચડાવીને બોલી. સોહમ એનાથી વધુ મોટું નાકનું ટેરવું ચડાવીને બોલ્યો, ‘એટલે જ તો મેં કંપનીને કામે એક અંદરના ગામડામાં જવાનું આવ્યું છે, એ કામ હાથ પર લઈ લીધું છે. સાથે મૅનેજર સાહેબ છે એટલે 31 અને પહેલી જાન્યુઆરી એમ બે દિવસ બહાર રહીશ. દેખવું નહીં ને દાઝવું નહીં. ગામડામાં તો લોકોને 31 ડિસેમ્બરે નાચગાન થાય ને લોકો ક્લબમાં જાય એવી ખબર પણ ના હોય.’
‘બસ, બોલી રહ્યા? તો હવે સાંભળો. ગામડે જવાના બહાને બે દિવસ કોઈ ક્લબમાં જશો તો એમ નહીં માનતા કે મને-અમને ખબર નહીં પડે. હમારે આદમી ચારો ઓર ફૈલે હુએ હૈ… સમજે?’ ‘તું એક કામ કર. એક સી.આઈ.ડી. જ હાયર કરી લે. જોઈએ તો એનો ખર્ચો હું આપી દઉં.’
‘એક કામ કરો. વીસ હજાર આપી રાખો. નાતાલ છે એટલે છોકરાઓ તો મિત્રો માટે ગિફ્ટ લેવા પૈસા માગશે અને મારે પણ બાળકોને તેમ જ સગાંવહાલાંને કંઈ ને કંઈ ગિફ્ટ આપવી પડશે. આ વખતે તો પેલી રમલીને જલાવવા માટે એક મોંઘામાં મોંઘું ક્રિસમસ ટ્રી પણ વેચાતું લાવવું છે. એને શણગારવા માટે પ્રોફેશનલ આર્ટિસ્ટને લાવવા છે. ઘરને પણ ઉપરથી નીચે સુધી શણગારવું છે. મારે પણ સરસ હેવી સિલ્કનો ગાઉન લેવો છે.’
‘એક બાજુ કહે છે કે નાચગાન પસંદ નથી અને બીજી બાજુ વીસ હજાર જાણે રસ્તામાં પડ્યા હોય એમ ઉડાડવા છે! તારું મગજ કામ કરે છે ખરું? કે પછી મગજની બધી નસ સુકાઈ ગઈ છે? ને સાંભળ. છોકરાંઓને જરા પણ ચગાવીશ નહીં. પૈસાદાર લોકોના ચાળે ચાલવાની જરૂર નથી. આમે કૉલેજમાં ગયા પછી બંને થોડા છાકટા તો થઈ જ ગયાં છે. એને પવન આપીને ઊડતાં ના કરી દેતી.’ ‘એમાં એવું છે કે બંનેમાં તમારા જ ગુણ આવેલા છે એટલે મને નથી લાગતું કે ક્રિસમસ પર છોકરા આપણા હાથમાં રહેશે. સોહમ, એક કામ કરીએ. આ ક્રિસમસ પર આપણે આપણા આખા ફૅમિલીને આપણે ત્યાં બોલાવીને ગુજરાતી થાળીનો બહાર ઑર્ડર આપીને ઘરે કેક કાપીએ તો છોકરાંઓ પણ એન્જોય કરશે અને આપણી નજર સામે રહેશે.’
‘નો મીન્સ નો મમ્મા…’ એમ કહેતો રાજ ઘરમાં દાખલ થયો. ‘મમ્મી, હું અને તારી લાડલી નીકી બંને તમારી સાથે ઘરમાં બેસીને દાળ-ભાત અને શાક (તારી ગુજરાતી થાળી) ખાવાનાં નથી. ને તમારી સાથે તો… નો વે મમ્મા. ને પાછું આખું ફૅમિલી પણ… એટલે આમ ના કરો, તેમ ના કરો. આ નહીં ખાવ, ને તે નહીં ખાવ. પપ્પાનું ભાષણ તો ખરું જ ખરું.’ ‘રાજ, આપણે દિવાળી, હોળી વગેરે તહેવારોની જેમ જ નાતાલની મજા કરીશું. બેટા, ટ્રસ્ટ મી.’ ‘પપ્પા, તમે તમારે એકત્રીસ ને પહેલી તારીખે ગામડે જવાના છો તો ત્યાં જાવ ને મમ્મી એની ફ્રેન્ડ સાથે ઘરે જ ક્રિસમસ ટ્રીની ફરતે ડાન્સ પાર્ટી કરશે. હું અને નીકી અમારાં કૉલેજ ફ્રેન્ડ જોડે ડિસ્કો ડાન્સ માટે કોઈ એકાદ સારી હોટલ બુક કરીશું. હજી હોટલ નક્કી નથી, પણ નજીકની જ કોઈ હોટલમાં.’ ‘જોયું સોહમ, તારો લાડલો હવે તારા હાથમાં નથી રહ્યો.’ રાજના ગયા પછી રીમા બબડવા લાગી. ‘અને રીમા, તારા હાથમાં પણ ક્યાં રહ્યો છે?’ ‘ડાર્લિંગ, આ વરસે આપણે બધાં એકબીજા ઉપર પૂરો ટ્રસ્ટ મૂકીને, ફ્રીલી જેણે જે કરવું હોય અને જેમ એન્જોય કરવું હોય એમ કરીએ, પણ કંટ્રોલમાં અને નો ડ્રિંક.’ ‘સોહમ, અમે તો કંટ્રોલમાં જ રહીશું. તું જ બોલેલું પાળજે એટલે પત્યું.’
Also read:ભારતની વીરાંગનાઓ : ઑલિમ્પિક કુસ્તીમાં ચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા સાક્ષી મલિક…
‘ધાર્યું તો ધણીનું જ થાય છે. આપણે તો બસ, પ્યાદું જ છીએ.’ એમ આપણે વારંવાર કહીએ છીએ. એ વાત પણ ઘણીવાર અનાયાસે સાચી પડી જાય છે. મૅનેજર સાથે ગામડે જનારા સોહમે મિત્રો સાથે બે દિવસ માટે હોટલ બુક કરાવેલી. એકત્રીસની રાતે બાર વાગ્યે અંધારું થયું અને એ પછીના અજવાળામાં ડિસ્કો હોલમાં ચિયર્સના ગ્લાસ એકબીજા સાથે અથડાયા અને હેપ્પી ન્યુ યર પણ કહેવાયું, પણ સામે રાજ, નીકી અને રીમાને પણ એનાં ફ્રેન્ડ સાથે ગ્લાસ અથડાવતાં જોઈને સોહમના પગ નીચેથી જમીન સરકી ગઈ.
પુત્રનાં- પુત્રીનાં અને પત્નીનાં લખ્ખણ એક સાથે ડિસ્કો બારમાં એવાં ઉઘાડાં પડ્યાં કે ચારેય ચૂપચાપ વારાફરતી પાછલા બારણેથી સરકી ગયાં… જાણે કે કોઈએ કોઈને જોયાં જ નહોતાં! ઘરે આવીને રીમા બોલી, ‘મારી ભૂલ થઈ ગઈ. હું આવી હતી, પણ મારા હાથમાં તો કોકનો ગ્લાસ હતો.’ અને પેલા ત્રણેય નંગો એકસાથે બોલ્યાં, ‘અમારા હાથમાં પણ કોક જ હતી…’
‘દેર સે આયે દુરસ્ત આયે.’ ‘હવે મમ્મી, આવતા વરસથી ઘરમાં જ દાળ-ભાતની થાળી જમીશું ને કેક કાપીને નવું વર્ષ ઊજવીશું.’ ‘મિસ્ટર સોહમ, હેપ્પી ક્રિસમસ એન્ડ હેપ્પી ન્યુ યર!
‘તો રજની, હવે સમજાયું ને કે અમે કેવી મોટી ભૂલ કરેલી?’ ‘હા, તારી વાત સાચી છે. હવેથી હું પણ તુલસી પૂજન જ કરીશ. આપણી સંસ્કૃતિનું ગૌરવ આપણે નહીં કરીશું, તો કોણ કરશે?! હમ્મ, જ્યારથી જે જાગ્યા એની એ સવાર…!’