ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર: મિતાલી રાજ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
નામ: મિતાલી રાજ લાડકું નામ: લેડી સચિન તેંડુલકર જન્મ: 3ડિસેમ્બર 1982, જોધપુર-રાજસ્થાન માતા: લીલા રાજ પિતા: દોરાઈ રાજ ગૌરવ: અર્જુન એવોર્ડ-2004, દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત-2015, વિઝડન ઇન્ડિયન ક્રિકેટર ઓફ ધ યર-2015,યૂથ સ્પોર્ટ્સ આઇકોન ઓફ એક્સેલેન્સ એવોર્ડ-2017, વોગ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર-2017,બીબીસીની સો મહિલાઓમાં સૂચિબદ્ધ,મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર-2021 સિદ્ધિ :પ્રથમ એક દિવસીય મેચમાં શતક બનાવનાર પ્રથમ, ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ, ટ્વેન્ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 રન બનાવનાર પહેલી ભારતીય બલ્લેબાજ, એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 6000 રન પાર કરનાર એકમાત્ર મહિલા ક્રિકેટર,લગાતાર સાત અર્ધશતક બનાવનાર પહેલી મહિલા ક્રિકેટર,એકમાત્ર ક્રિકેટર જેણે એકથી વધુ આઈસીસી ઓડીઆઈ વિશ્વ કપ ફાઈનલમાં – 2005 અને 2017માં ભારતનું નેતૃત્વ કર્યું હોય,જેણે 150થી વધુ વન ડે મેચમાં કપ્તાની કરી હોય એવી દુનિયાની એકમાત્ર મહિલા ક્રિકેટર,વર્લ્ડ કપ ફાઈનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ અઠ્ઠાવીસ મેચ રમનારી દુનિયાની પહેલી ખેલાડી ઉપલબ્ધિ : પ્રથમ વન ડે મેચમાં શતક બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર, બેવડી સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર, અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 6000 રન પાર કરનાર એકમાત્ર મહિલા ક્રિકેટર
એના નામ સાથે જોડાયેલાં પ્રથમની યાદી તો જુઓ : આયર્લેન્ડ સામે 1999માં પ્રથમ વન ડે મેચમાં શતક બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર, ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ, જૂન 2018માં ટૂવેન્ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000થી વધુ રન બનાવનાર પહેલી ભારતીય બલ્લેબાજ, એક દિવસીય આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 6000 રન પાર કરનાર એકમાત્ર મહિલા ક્રિકેટર, લગાતાર સાત અર્ધશતક બનાવનાર પ્રથમ ક્રિકેટર, એકમાત્ર ક્રિકેટર જેણે એકથી વધુ આઈસીસી ઓડીઆઈ વિશ્વ કપ ફાઈનલમાં – 2005 અને 2017માં ભારતનું નેતૃત્વ કર્યું હોય, જેણે 150થી વધુ વન ડે મેચમાં કપ્તાની કરનાર દુનિયાની એકમાત્ર મહિલા ક્રિકેટર, વર્લ્ડ કપ ફાઈનલમાં કેપ્ટન તરીકે સૌથી વધુ અઠ્ઠાવીસ મેચ રમનારી દુનિયાની પહેલી ખેલાડી….કહો જોઉં, એ કોણ છે ?
મિતાલી રાજને મળો…. લેડી સચિન તેંડુલકર તરીકે પણ જાણીતી મિતાલી રાજ ભારતીય મહિલા ક્રિકેટનો ઝગમગતો સિતારો રહ્યો. એણે ત્રેવીસ વર્ષની દીર્ઘ ક્રિકેટ કારકિર્દીમાં નોંધાવેલા વિક્રમોને પગલે ભારત સરકારે મિતાલીને 21 સપ્ટેમ્બર 2004ના અર્જુન એવોર્ડથી પુરસ્કૃત કરેલી.2015માં દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી એને સન્માનિત કરેલી અને 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવેલી. ઉપરાંત
2015માં વિઝડન ઇન્ડિયન ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ મળેલો. 2017માં મિતાલીને યૂથ સ્પોર્ટ્સ આઇકોન ઓફ એક્સેલેન્સ એવોર્ડ અને વોગ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકેનો પુરસ્કાર પણ મળેલો.
આ મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર 1982ના રાજસ્થાન સ્થિત જોધપુરમાં એક તમિળ પરિવારમાં થયેલો. જોકે પરિવાર આંધ્ર પ્રદેશના હૈદરાબાદમાં વસતો. માતા લીલા રાજ એક અધિકારી તરીકે સરકારી નોકરીમાં હતી. પિતા દોરાઈ રાજ ભારતીય વાયુદળમાં સેવારત હતા. વાયુદળમાંથી નિવૃત્ત થયા પછી બેંકમાં સેવાઓ આપી રહેલા. એ પણ એક જમાનામાં ક્રિકેટ ખેલતા, પણ ક્રિકેટમાં કારકિર્દી ન ઘડી શક્યા. પોતાનું અધૂરું સ્વપ્ન દીકરી પૂરું કરે એવી એમની મહેચ્છા હતી. મિતાલીએ પિતાનું સપનું સાકાર કર્યું પણ ખરું, પણ એને બાળપણમાં નૃત્યનો શોખ હતો. એણે ભરતનાટ્યમ નૃત્યની તાલીમ લીધેલી. નૃત્યના કેટલાક કાર્યક્રમોની પ્રસ્તુતિ પણ કરેલી.
દરમિયાન મિતાલી રાજનો ભાઈ મિથુન ક્રિકેટની તાલીમ લેતો હોય ત્યારે, મોકો મળતાં મિતાલી પણ જમણા હાથે બેટ ઘુમાવીને બેચાર દડાને ફટકારતી. મિતાલી પોતાના ભાઈ સાથે ક્રિકેટ રમતી. હૈદરાબાદ સ્થિત સેન્ટ જહોન્સ સ્કૂલમાં ક્રિકેટનું પ્રશિક્ષણ લેવાનું પણ શરૂ કર્યું. એણે સિકંદરાબાદની કીઝ ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ ક્રિકેટની તાલીમ લીધી. અહીં તે પુરુષો સાથે ક્રિકેટ રમતી. આ ગાળામાં ક્રિકેટર જ્યોતિપ્રસાદની નજર એના પર પડી.એમણે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે,આ છોકરી ક્રિકેટની સારી ખેલાડી બનશે.. મિતાલીને તો આમ પણ ક્રિકેટમાં રસ હતો. જ્યોતિપ્રસાદની ભવિષ્યવાણી પછી એ ક્રિકેટ પર વધુ ધ્યાન આપવા માંડી. જોકે ક્રિકેટને કારણે મિતાલી રાજ ભરતનાટ્યમના નૃત્યવર્ગોમાં ગાપચી મારતી. એથી નૃત્યશિક્ષકે મિતાલી રાજને ક્રિકેટ અથવા ભરતનાટ્યમ, બેમાંથી એકની પસંદગી કરવાની સલાહ આપી.
આઠ વર્ષ સુધી ભરતનાટ્યમની તાલીમ લઈ ચૂકેલી મિતાલી. સિકંદરાબાદ મેરેડપલ્લીમાં કસ્તૂરબા ગાંધી જુનિયર કોલેજ ફોર વિમેન ઇન વેસ્ટમાં બારમા ધોરણ સુધી અભ્યાસ પણ કરેલો. નૃત્યશિક્ષકે ક્રિકેટ અથવા નૃત્યમાંથી એક પસંદ કરવાનું કહ્યું, ત્યારે મિતાલીને સમજાયું કે એનો પહેલો અને અંતિમ પ્રેમ ક્રિકેટ જ છે. નસનસમાં લોહી બનીને વહેતું હતું ક્રિકેટ. રોમરોમને રોમાંચિત કરતુ હતું ક્રિકેટ. એથી મિતાલી રાજે ક્રિકેટ પર પસંદગીનો કળશ ઢોળ્યો. પિતા દોરાઈ રાજે મિતાલીને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહન આપ્યું. મિતાલીના પ્રવાસનો ખર્ચ ઉઠાવવા પોતાના ખર્ચાઓ પર કાપ મૂક્યો. માતા લીલાએ પણ પોતાની દીકરી માટે નોકરીની કુરબાની આપી. મિતાલી ક્રિકેટના પ્રશિક્ષણ પછી થાકીને ઘેર આવે ત્યારે એનું ધ્યાન રાખી શકે એ માટે લીલાએ નોકરી છોડી દીધી. માતાપિતાએ આપેલો ભોગ અને મહેનત એળે ન જાય એ માટે મિતાલી તનમનથી ક્રિકેટને સમર્પિત થઈ ગઈ. માત્ર દસ વર્ષની ઉંમરે મિતાલી રાજે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધેલું. જ્યોતિપ્રસાદ, સંપત કુમાર અને વિનોદ શર્મા જેવા પ્રશિક્ષકના માર્ગદર્શનમાં મિતાલી ક્રિકેટ રમવા તૈયાર થઈ ગઈ.
માત્ર 14 વર્ષની ઉંમરે,1997માં મિતાલી રાજનો સમાવેશ મહિલા વિશ્વ કપ ક્રિકેટ ટીમમાં કરવામાં આવેલો. પણ અંતિમ ટુકડીમાં એને સામેલ કરાઈ નહોતી. એ પછી 26 જૂન 1999ના સત્તર વર્ષની ઉંમરે ક્રિકેટર તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો. મિલ્ટન કિનેસ, આયર્લેન્ડમાં પોતાની પહેલી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં મિતાલી રાજે નોટ આઉટ રહીને 114 રન બનાવ્યા. આ રીતે પ્રથમ મેચમાં જ સોથી વધુ રન બનાવીને મિતાલીએ વિક્રમ સર્જ્યો. એ પછી 17 જાન્યુઆરી 2002ના લખનઊમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ રમીને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું. 2001 ’02માં મિતાલી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી. 17 ઓગસ્ટ 2002ના મિતાલીએ કાઉન્ટી મેદાનમાં પોતાની ત્રીજી ટેસ્ટ મેચમાં 214 રન બનાવીને કૈરન રોલ્ટનનો દુનિયાનો સૌથી વધુ ટેસ્ટ સ્કોર 209નો રેકોર્ડ તોડ્યો. ત્યાર બાદ 2005માં મિતાલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન બની. 2005માં મિતાલી રાજે દક્ષિણ આફ્રિકામાં પોતાના પહેલા વિશ્વ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને ફાઈનલ સુધી પહોંચાડી.ઓગસ્ટ 2006માં મિતાલી રાજની કપ્તાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સીરિઝ જીતી.
મિતાલી રાજની ક્રિકેટ કારકિર્દી સડસડાટ આગળ વધી રહેલી. ક્રિકેટ કેપ્ટન તરીકે 2010, 2011 અને 2012માં આઈસીઆઈસી વર્લ્ડ રેંકિંગમાં મિતાલી રાજે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું. મિતાલી એક દિવસીય મેચમાં અને ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ભારત માટે સૌથી વધુ મેચોમાં કપ્તાની કરનારી પહેલી ખેલાડી છે. ફેબ્રુઆરી 2017માં મિતાલી રાજ મહિલા વન ડે ક્રિકેટમાં 5500 રન બનાવનારી બીજી ખેલાડી બની. જુલાઈ 2017માં એક દિવસીય મહિલા ક્રિકેટમાં 6000 રન બનાવનારી એ પહેલી ખેલાડી બની. મિતાલી રાજે 2017માં મહિલા ક્રિકેટ વિશ્વ કપ ફાઈનલમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું, જ્યાં ઇંગ્લેન્ડની ટીમથી માત્ર નવ રનથી પરાજિત થઈ. ડિસેમ્બર 2017માં મિતાલી રાજને આઈસીસી મહિલા વન ડે ઇન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર માટે નામાંકન મળેલું.
ઓક્ટોબર 2018માં મિતાલીને 2018 આઈસીસી મહિલા વિશ્વ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટ માટે ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં નમિત કરાયેલી. જોકે આ જ વર્ષમાં મિતાલીનો બીસીસીઆઈ સાથે પક્ષપાતી વલણ મુદ્દે વિવાદ અને વિખવાદ પણ થયેલો. 9 માર્ચ 2019ના ઇંગ્લેન્ડ સામેની ટીટ્વેન્ટી મેચ રમ્યા પછી સપ્ટેમ્બર 2019માં મિતાલી રાજે ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો. નવેમ્બર 2020માં મિતાલી રાજને દાયકાની આઈસીસી મહિલા ક્રિકેટર માટે રાચેલ હીહો-ફ્લીન્ટ એવોર્ડ અને દાયકાની વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટરના એવોર્ડ માટે નામાંકન મળેલું. 27 માર્ચ 2022ના ક્રાઈસ્ટચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામે મિતાલી અંતિમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી. 30 સપ્ટેમ્બર 2021થી 3 ઓક્ટોબર 2021 દરમિયાન કૈરારામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ અંતિમ ટેસ્ટ ક્રિકેટ રમી. જાન્યુઆરી 2022માં ન્યૂઝીલેન્ડમાં 2022 મહિલા વિશ્વ કપ ક્રિકેટ માટે ભારતીય મહિલા ટીમની કપ્તાન બનાવવામાં આવેલી.
8 જૂન 2022ના મિતાલી રાજે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો. ક્રિકેટની લાંબી કારકિર્દીમાં મિતાલીના મસ્તક પરના મુકુટમાં કલગીઓ ઉમેરાતી ગઈ. એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં સર્વાધિક 10,273 રન, વન ડે મેચ રમવાની સૂચિમાં સર્વાધિક 232 મેચ સાથે સૌથી મોખરે, વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ 214 રનનો સ્કોર,મિતાલી રાજની કપ્તાનીમાં ખેલાયેલી 155 મેચમાંથી 89 મેચમાં વિજય પ્રાપ્ત કર્યો, આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વ કપમાં સૌથી અધિક અઠ્ઠાવીસ મેચમાં કપ્તાની કરવાનો વિક્રમ, વિશ્વ કપમાં એક હજારથી વધુ રન બનાવનારી પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર, મહિલા વન ડેમાં 232 મેચોમાં સર્વાધિક 7805 રનનો રેકોર્ડ,જુલાઈ 2107માં ઇંગ્લેન્ડની 5992 રન બનાવનાર ક્રિકેટર શાર્લેટ એડવર્ડ્સનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 6000 રન પાર કરનારી પહેલી ખેલાડી બની. જુલાઈ2021માં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારી ખેલાડી બની.ઇંગ્લેન્ડની10,273 રન ફટકારનાર શાર્લેટ એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો. મહિલા ક્રિકેટમાં શાર્લેટ એડવર્ડ્સ પછી મિતાલી એકમાત્ર એવી ક્રિકેટર છે જેણે દસ હજાર રનનો આંકડો પાર કર્યો છે…. આટઆટલા વિક્રમ સર્જવાને પગલે જ કદાચ મિતાલી રાજનું લાડકું નામ લેડી સચિન તેંડુલકર પડ્યું છે !
પ્રથમ મહિલા ક્રિકેટ કોમેન્ટેટર ચંદ્રા નાયડુ અને પ્રથમ મહિલા અમ્પાયર જી.એસ. લક્ષ્મી
ભારતના પહેલા ટેસ્ટ કપ્તાન સી.કે. નાયડુની દીકરી ચંદ્ર નાયડુ દેશની પહેલી મહિલા ક્રિકેટ કોમેન્ટેટર હતી. અઠ્યાસી વર્ષની ઉંમરે મૃત્યુ પામેલી ચંદ્રા નાયડુએ નેશનલ ચેમ્પિયન્સ, બોમ્બે અને એમસીસીની ટીમ વચ્ચે 1977માં રમાયેલી ક્રિકેટ મેચમાં પહેલી વાર કોમેન્ટરી આપેલી. જોકે ચંદ્રા લાંબો સમય ક્રિકેટ કોમેન્ટેટર તરીકે કાર્યરત નહોતી. એ ઇન્દોરના સરકારી ક્ધયા મહાવિદ્યાલયમાં અંગ્રેજીની પ્રાધ્યાપક તરીકે સેવાનિવૃત્ત થયેલી.
પુરુષ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અમ્પાયર તરીકે ભૂમિકા ભજવનાર પહેલી મહિલા જી.એસ. લક્ષ્મી હતી. મેચ રેફરીની આંતરરાષ્ટ્રીય પેનલમાં સ્થાન મેળવનાર પહેલી મહિલા પણ એ જ. ડિસેમ્બર 2020માં યુએઈમાં વિશ્વ કપ લીગ દરમિયાન ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં જી.એસ. લક્ષ્મીએ અમ્પાયર તરીકે ભૂમિકા ભજવેલી. 23 મે 1968ના આંધ્ર પ્રદેશનાં રાજમુંદરીમાં જન્મેલી લક્ષ્મી ખુદ પણ એક ક્રિકેટર રહી ચૂકી છે. દક્ષિણ મધ્ય રેલવે ક્રિકેટ તરફથી રમેલી લક્ષ્મીનું ચયન 1999ના ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ભારતીય ટીમમાં કરાયેલું, પણ એને રમવાનો મોકો મળ્યો નહોતો. લક્ષ્મીએ 2004માં ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધેલો. એ પછી અમ્પાયર તરીકે ક્રિકેટના મેદાનમાં ઊતરવાની તક એને મળી.