ભૂલ
ટૂંકી વાર્તા -ડૉ. મનીષા પટેલ
શ્રેયશ અને શ્રેયા પાર્ટીમાંથી મોડાં ઘરે આવ્યાં. ડ્રેસિંગ ટેબલ પાસે બેસી શ્રેયાએ જ્વેલરી તથા મેકઅપ કાઢતાં કહ્યું:
“શ્રુતિ આન્ટી પચાસ વર્ષે પણ બ્યુટિફૂલ લાગતાં હતાંને?
શ્રેયશ કોઈ જવાબ આપ્યા વગર કપડાં બદલતો રહ્યો.
“આ ઉંમરે પણ એમનો એક યુવતીને શરમાવે એવો તરવરાટ, તે જોયું શ્રેયશ બધાનું ધ્યાન આકર્ષિત કરે એવું વ્યક્તિત્વ છે ને એમનું?
કોઈ જ જવાબ ન મળતાં શ્રેયાએ જરા ઊંચા અવાજે પૂછ્યું: “શ્રેયશ, હું તારી સાથે વાત કરું છું.
“હં… હા એમાં તને નવાઈ લાગે છે. મેં તો એમને હંમેશાં આવાજ અપટુડેટ વીથ પ્લેઝન્ટ પર્સનાલીટી જોયાં છે. એટલે એમાં મને કાંઈ નવાઈ જેવું નથી લાગતું.
શ્રેયશ આ બાબતમાં વધુ ચર્ચા કરવા નહોતો ઈચ્છતો એટલે પલંગ પર સૂઈ ગયો પણ ઊંઘ આવી નહીં. શ્રેયા તો પંદર મિનિટમાં જ ઘસઘસાટ સૂઈ ગઈ. અને જાગતો શ્રેયશ ભૂતકાળમાં સરી પડ્યો.
ચાર વર્ષ પહેલાં….
ચાર વર્ષ પહેલાં લગભગ રાત્રે સાડા નવ વાગે એણે શ્રુતિ આન્ટીનો ડોરબેલ વગાડ્યો. મનમાં હતું રાત્રે મોડું થયું હોવાથી એક થાકેલી કંટાળેલી સ્ત્રી બારણું ખોલી અણગમા સાથે આવકાર આપશે પણ એને આશ્ર્ચર્ય થયું જ્યારે લૂઝ ટીશર્ટ અને જીન્સ પહેરેલી સ્ત્રીએ આકર્ષિત સ્મિત સાથે ઉષ્માભર્યું હસ્તધનૂન કરી હલકા અવાજે…
“ઓહ શ્રેયશ, વેલ કમ ટુ મુંબઈ… કહ્યું. એમના પરફયુમની ખુશ્બુ આજે પણ એને યાદ આવી ગઈ.
શ્રુતિઆન્ટી એ શ્રેયસના મમ્મી સ્વાતિની સાથે નાસિકમાં ભણેલી, સ્વાતિ સાથે એના પત્ર વ્યવહાર, ફોન પર કોન્ટેક્ટ હતા. જ્યારે શ્રેયશને મુંબઈના અંધેરી પરામાં સિપ્સમાં નોકરી મળી ત્યારે તે ખુશ હતો પણ રહેવાની સમસ્યા સતાવતી હતી. સ્વાતિએ તરત જ શ્રુતિને ફોન ફરી જણાવ્યું. અને વિનંતી કરી કે નજીકમાં ક્યાંક ભાડાં પર ઘર હોય તો તું તપાસ કરજે…
“અરે, ભાડાં પર શા માટે, મારું પોતાનું તો ઘર છે… બે બેડરૂમ હોલ કિચન, અને હું એકલી… તને ખબર તો છે શૌર્ય તો અમદાવાદ હોસ્ટેલમાં ભણે છે અને સિદ્ધાર્થ તો શીપ પર જાય છે વર્ષમાં એકાદ મહિના માટે જ આવે છે. શ્રેયશની નવી નોકરી છે તું એને અહીં મોકલ એના રહેવા ખાવા પીવાની ચિંતા છોડી દે…
સ્વાતિ શ્રુતિનો મોજીલો અને દિલદાર સ્વભાવ જાણતી હતી એટલે એણે કબૂલ કર્યું પણ શ્રેયશને અણગમો હતો.
“મમ્મી, એ તારી ફ્રેન્ડ છે મેં તો એમને છેલ્લા કેટલા સમયથી જોયા પણ નથી મને કેવી રીતે ફાવશે?
“જો બેટા, નવી નોકરી છે બે-ત્રણ મહિના એડજસ્ટ કર અને પછી ત્યાં તું કોઈ જગ્યા શોધી લેજે.
તે સમયે તો રહેવાનો પ્રશ્ર્ન હલ થઈ ગયો…
“તું નાહીને ફ્રેશ થઈ જા. હું ડિનર ગરમ કરું છું. સાથે જમી લઈએ.
શ્રેયશ ટ્રેન મોડી હોવાથી ખૂબ થાકી ગયો હતો પણ… શ્રુતિઆન્ટીના આદરભાવથી થાક ઊતરી ગયો.
નાહીને એ ડાઈનિંગ ટેબલ પર આવ્યો તો જાતજાતની વાનગી સુંદર રીતે સજાવી શ્રુતિઆન્ટી રાહ જોઈ રહ્યાં હતાં.
“અરે, આટલું બધું? આન્ટી વેરી સોરી મને મોડું થયું મારા લીધે આપને તકલીફ…
“નેવર, આવું ક્યારેય વિચારવું નહીં. ડીયર, મને એકલીને જમવાનું ગમતું નથી તારી સાથે મને પણ કંપની મળશે…
એમના મોહક સ્મિતને શ્રેયશ જોતો જ રહ્યો.
“ચાલ તારો રૂમ બતાવું… વ્યવસ્થિત સજાવેલો રૂમ જોઈ શ્રેયશ તો ખુશ થઈ ગયો.
“તું આરામ કર. કાલે રવિવાર છે આપણે વાતો કરીશું, કહી શ્રુતિ ચાલી ગઈ.
સવારે ઊઠતાં થોડું મોડું થયું. બહાર આવીને જોયું તો શ્રુતિઆન્ટી નાહીને ફ્રેશ હતાં.
“ગુડ મૉર્નિંગ ડીયર, ઊંઘ આવીને?
“ગુડ મૉર્નિંગ આન્ટી, સવારમાં ઊઠીને તમે તો નાસ્તો પણ બનાવી લીધો… આટલી બધી તકલીફ.
“શ્રેયશ, ક્યારેય મને આ કામથી તકલીફ નથી થતી એવું વિચાર, તને કાંઈ પણ તકલીફ હોય તો મને કહે.
“નહીં આન્ટી, બસ આવતી કાલથી જવું છે…
ત્યાર પછી બન્ને ક્યાંય સુધી વાતો કરતાં રહ્યાં, એની મમ્મીની, નોકરી, ટ્રાવેલિંગ વગેરે…
બન્ને લંચ માટે બહાર ગયાં… જીન્સ, ટી-શર્ટ અને છૂટા રાખેલા વાળ હોશ ઉડાડે એવી પરફ્યૂમની ખુશ્બુ અને સનગ્લાસીસ… શ્રેયશ તો જોતો જ રહી ગયો.
શ્રુતિઆન્ટી મુક્તતાથી વર્તતાં હતાં, જાણે વરસોથી ઓળખતા હોય એમ આત્મીયતાથી વાતો કરતાં હતાં.
સાંજે મોડા ઘરે આવ્યાં, શ્રેયશે આન્ટીને પોતાના દીકરા શૌર્ય સાથે મોબાઈલ પર વાત કરતાં સાંભળ્યાં.
“અરે ના શૌર્ય, બિઝી નથી. મારો મોબાઈલ હું ઘરે જ ભૂલી ગઈ હતી. શ્રેયશ સાથે બહાર લંચ લઈ ફરવા ગયાં હતાં.
“ઓહો તને તો બોયફ્રેન્ડ મળી ગયો.
“ના રે ના, બોયફ્રેન્ડ નહીં, એ તો મને શ્રુતિઆન્ટી કહે છે… અને પછી જોરથી હસી પડ્યા. સામે શૌર્ય પણ હસતો જ હશે…
સવારે શ્રેયશ તૈયાર થાય ત્યાં તો ચા નાસ્તો ટિફિન તૈયાર! આભારવશ શ્રેયશે શ્રુતિઆન્ટી તરફ જોયું તો એ જ મોહક સ્મિત સાથે એમણે બાય કહ્યું. બપોરે દોઢ વાગે ફોન કરી, જમ્યો, ભાવ્યું બધું પૂછી સાંજે શું ખાવું છે જાણી લીધું. શ્રેયશ ખુશ હતો. સાંજે ચા નાસ્તા સાથે ફ્રેશ થઈ મોડેથી ગપ્પા મારતાં ડિનર કરવું, ધીમે ધીમે આન્ટી સાથે મજાક મસ્તી કરતાં ખૂબ વાતો થતી જાણે વર્ષોથી એ અહીં જ રહેતો હોય.
તે દિવસે શ્રેયશ ઘરે પહોંચ્યો તો દરવાજો ખૂલ્લો જોયો અને જોતાં જ શ્રુતિઆન્ટી,
“ઓહ, શ્રેયુ જો… આવ આવ, જલ્દી આપણે છબછબિયા કરીએ…
ખિલખિલાટ હસતાં જ શ્રુતિએ શ્રેયશ પર ફરસ પરથી પાણી લઈ ઉછાળ્યું… જો આપણું ઘર સ્વિમિંગ પૂલ બની ગયું.
“અરે, પણ કેવી રીતે?
“સિમ્પલ, હું નળ બંધ કરવાનું ભૂલી ગયેલી અને ઘર પાણીથી ભરાઈ ગયું… કહેતા બેધડક એ પાણીમાં પલાંઠી વાળીને બેસી ગયાં.
“આવ તું પણ થોડું રમી લે, મજા કરી લે… પછી આપણે સાથે લૂછીશું…
બેગ મૂકી બૂટ કાઢી શ્રેયશ આન્ટી પાસે જઈ ઊભો રહ્યો.
“અરે શું શરમાય છે નવી દુલ્હનની જેમ… આ લે… હથેળીમાં પાણી ભરી શ્રેયશ પર ઉડાડ્યું.
હવે શ્રેયશનો ક્ષોભ પણ ઓછો થયો. એણે પણ આન્ટી પર પાણી ઉડાડ્યું… મજા આવી બન્નેને.
બન્નેએ સાથે મળીને લૂંછ્યું. પંખા ચાલુ મૂકી કપડાં બદલવાં ગયા, અને આન્ટી ચા બનાવવા ગયાં.
શ્રેયશ વિચારતો રહ્યો. “કમાલ છે આ સ્ત્રી!!
બીજી કોઈ હોત તો, “અરે બાપરે! મારું કારપેટ ભીનું થયું, લૂંછતા મારા હાથ, કમ્મર દુ:ખી ગયા, આવું બંધુ મારી સાથે જ થાય, મારું નસીબ જ વાંકું, બધી મુસીબતોમાં હું એકલી જ હોઉં, કંટાળી ગઈ છું. આ જિંદગીથી… વગેરે અનેક રોદણાં રડી હોત. ન ગભરાટ, ન ચિંતા, કોઈ પણ પરિસ્થિતિનો હસતાં હસતાં સહજતાથી સામનો કરવો, આ ગુણ કેળવવા જેવો છે. કોઈ પણ પ્રસંગે શાંત અને હસતા રહેવું.
ન ઈચ્છવા છતાં આન્ટી અને એની મમ્મીની સરખામણી થઈ ગઈ… એને ક્યારેય શ્રુતિમાં મમ્મી ન દેખાયા. ઑફિસમાં એની સાથે કામ કરતી છોકરીઓની તુલનામાં પણ શ્રુતિઆન્ટી શ્રેષ્ઠ જણાતાં હતાં.
શ્રેયશને અજીબ ન સમજાય એવું ખેંચાણ થતું હતું આન્ટી માટે… પચ્ચીસ વર્ષનો યુવાન આ સ્પદંન, ખેંચાણ ન સમજે એટલો નાદાન તો નહોતો. છતાં એને ટાળી શકતો નહોતો.
રોજે રોજ એને શ્રુતિઆન્ટીના નવા નવા ગુણ દેખાતા જેનાથી શ્રેયશ સતત આકર્ષાયા કરતો હતો. આજે શ્રેયશની બર્થડે હતી. સવારે તૈયાર થઈને બ્રેકફાસ્ટ કરતા શ્રુતિ આન્ટીને કાંઈ કહેવાનું મન થયું પણ ચૂપ રહ્યો. મનમાં એને વડીલ સમજી પગે લાગી આશીર્વાદ માંગવાની ઈચ્છા નહોતી થતી. ઓફિસમાં પણ શ્રેયશ ખોવાયેલો જ રહ્યો એને એના ઘરની મમ્મીની યાદ આવતી હતી.
સાંજે ઘરે આવ્યો શ્રુતિઆન્ટી બ્લૂ કલરની કાશ્મીરી એમ્બ્રોયડરીવાળી સુંદર સાડીમાં સજ્જ હતાં.
“ઓહ… શ્રેયુ… જા જલ્દી ફ્રેશ થઈને તૈયાર થઈ જા, આપણે ક્યાંક જવાનું છે… અને હા, પ્લીઝ, તારા માટે મેં કપડાં લાવી રાખ્યા છે જો ત્યાં તારા બેડ પર, એ જ પહેરજે…
શ્રેયશે જોયું તો એના રૂમમાં લાઈટ બ્લૂ શર્ટ એ ડાર્ક બ્લૂ પેન્ટ…
વાઉ શું પસંદ છે આ સ્ત્રીની!! એની સાડી સાથે મેચિંગ… શર્ટ હાથમાં લેતાં એણે આન્ટીના જેવા જ પરફ્યુમની ખુશ્બૂ અનુભવી… એ રોમાંચિત થઈ ગયો… આ સ્ત્રી ખરેખર રોમાન્ટિક છે…
તૈયાર થઈને આવેલા શ્રેયસને ઉમળકાથી ભેટી ગાલ પર એક હળવું ચુંબન કરી કહ્યું:
“મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે…
“ઓહ! તમને યાદ છે…
“યસ, મને ખબર છે તું એકલો છે અને એકલા એકલા બર્થડે મનાવતા કેવું દુ:ખ થાય છે મને ખબર છે… ચાલ આપણે બહાર જઈએ… આ ટ્રીટ ફ્રોમ મી… અને આ લે તારી ગિફટ.
“અરે, પણ શું કરવા?
“તને ગમશે, જો…
“પરફ્યૂમ!! વાઉ!! સરસ છે.
મોટી સ્ટાર હોટેલમાં અગાઉથી રિઝર્વ કરાવેલું ટેબલ અને સુંદર કેક… શ્રેયશ આનંદિત થઈ ગયો.
જમતાં જમતાં ડીશની આપલે કરતાં શ્રુતિના મેનીક્યોર કરી કલાત્મક રીતે પેઈન્ટ કરેલી નખવાળી આંગળીઓના સ્પર્શથી શ્રેયશ રોમાંચિત થઈ ઊઠતો. હળવેથી શ્રુતિનો હાથ પકડી શ્રેયશે આંગળી ને ચૂમી, જે શ્રુતિએ સ્મિતથી સ્વીકારી. ઘરે આવી થોડી વાર બેસી બન્ને પોત પોતાના રૂમમાં ગયાં. શ્રેયશ પોતાના રૂમમાંથી ધીમેથી શ્રુતિના બેડરૂમ તરફ ગયો. ધક્કો મારતાં જ અર્ધખૂલ્લુ બારણું ખૂલી ગયું. શ્રુતિની પીઠ દરવાજા તરફ હતી આથી એણે શ્રેયશને જોયો નહીં. કપડાં બદલવા સાડી ઉતારી ત્યાં તો એની ખૂલી કમર પર શ્રેયશનો હાથ વિંટળાઈ ગયો, શ્રુતિ ચોંકી પણ કોઈ જ પ્રતિકાર ન કર્યો.
“કેવાં સરસ છે તમારા લાંબા છુટ્ટા વાળ, સરસ લાગે છે! સાચું કહું, મને તો તારું બધું જ સરસ લાગે છે. મદહોસીમાં બોલાયેલા આ શબ્દો શ્રુતિને પણ ગમ્યા.
શ્રેયસના ઉષ્ણ શ્ર્વાસોચ્છવાસ શ્રુતિની લીસી ત્વચાને સ્પર્શી રહ્યા… ફ્લેટનું નિરવ એકાંત, શ્રુતિના વ્યક્તિત્વથી આકર્ષાયેલો, યુવાનીના ઊંબરે ઊભેલો શ્રેયસ… ખોવાઈ ગયા બન્ને એકબીજાની એકલતામાં…
સવારે ડાઈનિંગ ટેબલ પર રોજની જેમ ફ્રેશ થઈ સ્મિત સાથે ગુડમૉર્નિંગ કહી શ્રેયસને આવકાર્યો. શ્રેયસે મોં ફેરવી લીધું.
“શ્રેયુ… નજર કેમ ફેરવે છે? ગમે છે ને તને? કે ગીલ્ટ, ગુનાહિત લાગણી અનુભવે છે?
“મને એ નથી સમજાતું તું આટલી શાંત કેમ છે? તારા દીકરા કરતાં માંડ પાંચ વર્ષ મોટો… તારી ખાસ બહેનપણીનો દીકરો, તું કાલે અસ્વસ્થ થવી જોઈતી હતી, મને રોકવો જોઈતો હતો પણ… શું જવાબ આપીશ તું કાલે શૌર્યને કે સિદ્ધાર્થ અંકલને? ડર નથી લાગતો તને? ગુનાહિત લાગણી તને નથી થતી?
“રિલેક્સ શ્રેયસ… તું ખૂબ વિચાર કરે છે… એટલે જ અપસેટ થઈ જાય છે. રહેવા દે હમણાં આ ચર્ચા બંધ કર શાંતિથી ઑફિસમાં જા…સાંજે વાત.
સાંજે શ્રેયસે જોયું તો શ્રુતિ એવી જ સ્વસ્થ જ્યારે પોતે વિચારી વિચારીને થાકેલો…શ્રુતિએ જોયું શ્રેયસ બોલતો નહોતો છતાં એની નજરમાં ઘણાં પ્રશ્ર્નો હતાં. પોતાના માટે ગેરસમજ ન કેળવે માટે જ એણે નક્કી કર્યું શ્રૈયસને જણાવવાનું.
કોફીનો એક મગ શ્રેયસને આપી સ્વસ્થતાથી પોતે કપ લઈ શ્રેયસ સામે બેસી.
“શ્રેયુ, તેં પૂછેલા અને ઘણાં નહીં પૂછેલા પ્રશ્ર્નોના ઉત્તર આપવાનો હું પ્રયત્ન કરીશ. હંમેશની જેમ સ્વસ્થ અવાજે શ્રુતિએ બોલવાની શરૂઆત કરી.
“આ વાત મેં આજ સુધી કોઈને જ કરી નથી…માત્ર તારી સામે કરું છું… કદાચ આ વતામાં તારા પ્રશ્ર્નોના જવાબ મળશે…
લગ્ન કરીને હું સિદ્ધાર્થ સાથે નાશિકથી અહીં મુંબઈ આવી. શરૂઆતના બે-ત્રણ વર્ષ અમારા વચ્ચેનું આકર્ષણ, સિદ્ધાર્થનું મારા પ્રત્યેનું ખેંચાણ…આવેગ…યુ નો, અમે સુખી કપલ હતાં…ત્યાર પછીનું આ અંતર, વર્ષના આઠ દસ મહિનાની દૂરી…એકલતા મને કોરી ખાવા લાગી… એમાં સાંભળેલી વાતો કે દરેક બંદર પર દરેક પુરુષોની પોતાની એક એક સ્ત્રીઓ હોય જ…એનાથી મનમાં થતાં પ્રશ્ર્નો. શું સિદ્ધાર્થ પણ જતો હશે આ રીતે બીજી સ્ત્રીઓ પાસે? દરેક બંદર પર એની પણ સ્ત્રીઓ હશે? વગેરે સતત આવતા વિચારો…એકલી એકલી નાના શોર્યની દેખભાળ કરતી, સામે આવતી નાની મોટી સમસ્યાઓ સામે ઝઝૂમતી… ઊંડો શ્ર્વાસ લઈ શ્રુતિ બોલી.
“એક દિવસ મેં સિદ્ધાર્થને પૂછી જ લીધું. શરૂઆતમાં તો સિદ્ધાર્થે વાત ગોળ ગોળ ફેરવી, ભુલાવવા પ્રયત્ન કર્યો. પણ હું મારા પ્રશ્ર્ન પર અડગ રહી, ત્યારે એણે સ્પષ્ટ કહ્યું.
“લુક શ્રુતિ, ડોન્ટ ગો ઈન ટુ ડિટેઈલ્સ, આપણે જ્યારે સાથે નથી હોતા તો દરેક દિવસનો હિસાબ નહીં માંગ. માણસ એકલો હોય અને કસમયે એને ભૂખ લાગે ત્યારે એ ક્યાંક કાંઈક ખાઈ જ લે છે. તે જ પ્રમાણેની આ એક નૈસર્ગિક ભૂખ છે…પણ એક વાત ચોક્કસ બહાર ગમે તેટલું તમતમાટવાળું સ્વાદિષ્ટ જમ્યા હોય પણ ઘરના સાત્ત્વિક આહાર સામે એની તુલના કરી શકાય કે? હું ઘરે હોઉં છું ત્યારે ફક્ત તારો જ હોઉં છું એ મહત્ત્વનું છે એ ધ્યાનમાં રાખ… વધુ ખોતરવાથી તને જ તકલીફ થશે… અહીં તું પણ એકલીજ હોય છે. યુવાન છે, સુંદર છે. મેં પૂછ્યયા છે તને ક્યારેય કોઈ પ્રશ્ર્ન.
આવા પ્રશ્ર્નોથી સામેવાળી વ્યક્તિએ આપેલા ઉત્તર સાચા જ હશે એવું ક્યા આધારે કહી શકાય? આવી શંકા કુશંકાથી જીવન વેરણછેરણ થવા સિવાય કાંઈ જ મળતું નથી. માટે રહેવા દે… યુ આર વાઈસ ઈનફ, તું તારી એકલતા મજેથી જીવ અને મને જીવવા દે…
“સિદ્ધાર્થના આ ઉત્તરે મને વિચારતી કરી મૂકી આડકતરી રીતે એ બહાર સુખ મેળવે છે એ કબૂલાત તો નહોતી…આ એક સબળ વ્યવહાર છે એવો અલિપ્ત ભાવ…એટલે કે શારીરિક સુખ મેળવવું પણ ક્યાંય એવી જવાબદારી નહીં.
“આજે આખો દિવસ હું આજ વિચાર કરતી હતી શ્રેયુ…સિદ્ધાર્થનું એ સ્વચ્છંદી રીતે બોલતું મને ખૂબ તકલીફ આપતું હતું. શારીરિક ભૂખને પેટની ભૂખ સાથે જોડવું યોગ્ય છે કે? નૈસર્ગિક ભૂખ કહી પુરુષ પોતાની અપરાધ ભાવને ઢાંકવાનો પ્રયત્ન કરે છે, પણ સાચું કહું શ્રેયુ, આ વાત પછી જ્યારે પણ સિદ્ધાર્થ મારી પાસે આવે છે ત્યારે મને કોઈ જ જાતનું આકર્ષણ નથી થતું. ખબર નહીં ક્યાં ક્યાં કેવી કેવી સ્ત્રીઓ પાસે…હું એનાથી સતત દૂર રહેતી.
“ઓહ, તો તું આમ સિદ્ધાર્થ અંકલ સાથે સુખી નહોતી માટે તે મને…બી…
“મને બોલવા દે શ્રેયુ, ગઈ કાલે જે થયું તે તારા અને મારા બન્ને વચ્ચે થયું છે, તે ક્ષણે તારા કે મારામાં કોઈ જ અંતર નહોતું. હું સિદ્ધાર્થ સાથે સુખી નહોતી એવું મેં ક્યારેય કહ્યું નથી, સિદ્ધાર્થ એક ભારતીય પુરુષ તરીકે ઉત્તમ છે…એનો સ્વભાવ પણ ખૂબ જ સમતોલ છે. ક્યારેક કોઈ જાતનું બંધન નહીં, સાસુ સસરા સાથે રહેવાની જીદ પણ નથી. મારો શૌર્ય પણ એના જ જેવો અને મારા સંજોગોને સમજે એવો.
હવે તને થશે આટલું સુખી હોવા છતાં આ સ્ત્રીએ તે દિવસે આવું કેમ કર્યું?…મેં પણ વિચાર કર્યો અનેક પ્રશ્ર્નો થયા, પણ ઉત્તર મળ્યા નહીં. હું એમ શારીરિક ભૂખ માટે નીચી ઊતરું એવી નથી. આ અગાઉ એવા ઘણા મોકા મળ્યા હતા પણ હું ચલિત થઈ નહોતી. તારા માટે પણ એવું આકર્ષણ નહોતું.
ચાળીસી ઓળંગી ગયેલી સ્ત્રી પાસે તારા જેવા યુવકનું આ રીતે નજીક આવવું અને…મને મારો જ તિરસ્કાર થવા લાગ્યો, ધીમે ધીમે મેં મારું મન શાંત કર્યું…જે પ્રશ્ર્નોનો ઉત્તર મળતો નથી તેની પાછળ વિચાર કરવો એના કરતાં થઈ ગયું તે થઈ ગયું હવે આગળ શું? એ વિચારી સકારાત્મક પગલાં લેવાં, તારી સાથે વાત કરી મન મોકળું કરવાથી મને સારું લાગ્યું.
અધિરાઈથી શ્રેયસ. “પણ મારું શું?…મારી તો આખી જિંદગી છે…મારા લગ્ન…
“મેં એ પણ વિચાર્યું છે. એ જ શાંત અને સ્વસ્થ અવાજ.
“મને ખબર છે તારા આવતા મહિને શ્રેયા સાથે લગ્ન છે. તારી પાસે બે રસ્તા છે. તું એને બધું જ સાચું કહી દે, જો એ તને ખરેખર પ્રેમ કરતી હશે તો એ તને સમજી શકશે, અથવા ચૂપ રહે, વધુ વિચાર નહીં કર એ બાબતે મારા તરફથી નચિંત રહેજે.
શ્રેયુ તે દિવસે જે થયું તે અપરાધ નથી અકસ્માત છે, છત્રી ઘરે ભૂલી ગયા અને ધોધમાર વરસાદ વરસ્યો, આપણે ભીંજાઈ ગયા. અકસ્માત નસીબમાં હોય તો તે ટાળી શકતા નથી, ભૂલ જીવનમાં દરેક વ્યક્તિથી થાય છે…પણ તે ભૂલ ફરી થવી ન જોઈએ.
“પેન્સિલથી લખેલું એક વખત ભૂંસી શકાય છે. પણ પેનની સહી ભૂંસવી એટલે કાગળ ખરાબ થશે જ, આપણી ભૂતકાળની ભૂલો યાદ કરી કરીને વર્તમાન રૂપી કાગળ ખરાબ ન કરવું, તું સમજું છે વધુ સમજાવવાની જરૂર નથી.
અને ત્યાર પછી પણ શ્રુતિની શ્રેયસના લગ્ન માટેની તૈયારી કરવા દોડાદોડ…હોલ, ડેકોરેશન, ખરીદી…બધે જ શ્રુતિ હાજર. અને આજે પણ એ જ ઉમળકો. ક્યાય આંખોમાં કે વર્તનમાં ગુનેગાર ભાવ, ગંદકી કે અદેખાઈ નહીં.
ખરેખર શ્રુતિ યુ આર ગ્રેટ… છેક સવારે શ્રેયસ મીઠી નીંદરમાં પોઢી ગયો.