લાડકી

તું મઈકે મત જઈયો….

કૌશિક મહેતા

ડિયર હની,
પરણીને યુવતી માવતરથી સાસરે આવે પછી પાછા પગ કરવાની વિધિ હોય છે. એ બે ત્રણ દિવસનો જ મામલો હોય છે. સાસરિયાઓ વહુને તેડી આવે છે અને પતિ-પત્નીનું સહજીવન ફરી શરૂ થઇ જાય છે, પણ તું તો માવતર ગઈ છો – એક બે દિવસ માટે નહિ , પણ આખો મહિનો રોકાવાની છો. શાળા- કોલેજમાં વેકશન પડે છે એમ જ આપણા સહજીવનનું આ વેકેશન પડ્યું છે. સામાન્ય રીતે વેકેશન પડે તો છોકરા- છોકરીઓ રાજી થતાં હોય છે , પણ હું આ ‘વેકેશન’થી જરા ય રાજી નથી.

હા, તને માવતર જવાનું મળ્યું એટલે તું રાજી હોય એ સ્વાભાવિક છે. પણ મારું શું? હવે તારી આદત પડી ગઈ છે. સવારે ઊઠું ત્યારથી દરેક વાતમાં તું આવી જાય છે… તે રાત્રે સૂવું ત્યાં સુધી. એક સમય હતો હું એકલો હતો. બેચલર હતો. ત્યારે એકલા જીવવાની આદત હતી. હવે તારી સાથે જીવવાની આદત પડી છે. તને મારી યાદ નથી આવતી? હું તો પળપળ તને યાદ કરું છું. તારા વિનાના આ સમયમાં કબાટમાં પડેલા પેલા પત્રો હાથ આવી ગયા. જે મેં લગ્ન પહેલાં તને લખ્યા હતા અને તેં કેટલાકના જવાબ પણ લખ્યા હતા. કેટલીક વાર ફોન પર વાત થઇ જતી હતી અને એ કારણે તું કેટલાક પત્રના જવાબ આપવાનું બાકી રાખી દેતી હતી. તું આગ્રહ રાખતી કે, બપોરના સમયે ફોન કરવો જેથી પુરુષો નોકરીએ ગયા હોય અને બાકીના સભ્યો આરામમાં હોય. કેટકેટલી વાતો થતી હતી, પણ પત્ર લખવાની મજા કૈક ઓર હોય છે. કેટલા પત્રો લખેલા મેં તને અને તેં મને. એ આપણા સંબંધનો એક પ્રકારે દસ્તાવેજ પણ છે. મેં તને રસાળ પત્રો લખવા કેટલાય શાયરોને વાંચી લીધા હતા. હાલ તું નથી તો આ પત્રોમાંથી એક એક પત્ર રોજ વાંચું છું. તારા જવાબ પણ…છતાં મન ધરાતું નથી…યે દિલ હૈ કિ માનતા નહીં… તું નથી ને તને લખાયેલા અને તારા લખાયેલા પત્રો ઓછા પડે છે. કયારેક મનમાં સવાલ થાય છે કે, પત્નીને પિયર મોકલવાની પ્રથા પાડી કોણે? પત્ની પિયર જાય એટલે પતિઓને ટેસડા એવી જોક છે. પત્ની ટ્રેનમાં પિયર જતી હોય , પતિ મૂકવા આવ્યો હોય ત્યારે પત્ર લખવા માટે આગ્રહ થતો હોય ત્યારે બાજુવાળો કહે કે, એ નહિ લખે તો હું લખીશ…. ! આ જોક હસાવી જાય છે, પણ વાસ્તવિકતા એ છે કે, બે- ચાર દિવસ સારું લાગે છે પણ પછી દરેક પતિને પત્ની યાદ આવવા લાગે છે.

રાતે સૂતા હોઈએ અને હાથ બાજુની જગ્યામાં ફેલાય ત્યારે ખાલીપાનો અહેસાસ થાય છે. ઊંઘ ઊડી જાય છે. અને સવારે ઊઠીએ ત્યારે સુસ્તી રહે છે. તૈયાર થઇ જાઉં પછી ઓફિસે પહોચું ત્યારે યાદ આવે છે કે, પેલી ચીજ તો રહી ગઈ….તું હોય છે ત્યારે કોઈ ચીજ ભુલાતી નથી. કારણ કે હું ભૂલું તો તું યાદ કરાવી દે છે. ઘણીવાર તો હું જાણીજોઇને ભૂલી જતો, તું યાદ કરાવ ને એટલે! પછી ‘આટલું ય યાદ તો રહેતું નથી’ એવો તારો એ મીઠો ઠપકો સાંભળવો બહુ ગમે.

તું તારા માવતરમાં માં -બાપ સાથે કે ભાઈ -ભાંડું સાથે મજા કરતી હશે કે પછી જૂની સહેલીઓ સાથે બેસતી હશે, પણ અહીં મને સોરવતું નથી. અને ઘરના સભ્યો ખાસ કરીને તારી નણંદ એટલે કે મારી બહેન મારી બહુ મજાક ઉડાવે છે. મને લાગે છે કે, આપણે ફરી પત્રો લખવાનું શરૂં કરવું જોઈએ. મોબાઈલ ફોનથી વાત તો થાય જ છે. વીડિયો કોલમાં તારી રૂબરૂ પણ થવાય છે, પણ પત્રો લખવાની એક મજા અનેરી છે. આ પત્ર તને મળે પછી એનો જવાબ જરૂર લખજે. આવ, આપણી પાસે લગ્ન પહેલાના પત્રોનો અસબાબ છે એને વધુ સમૃદ્ધ બનાવીએ.

મને તો અમિતાભ બચ્ચને ‘પુકાર’ ફિલ્મમાં ગાયેલું પેલું ગીત યાદ આવી જાય છે. જેમાં આખા વર્ષની વાત છે. અને છેલ્લે કહે છે …

हाय नवम्बर और दिसम्बर
का तू पूछ न हाल
हाय नवम्बर और दिसम्बर
का तू पूछ न हाल
सच तो ये है अरे पगली सच तो ये है
सच तो ये है पगली हम ना बिछड़ें पूरा साल
मइके मत जइयो
मत जइयो मेरी जान
मइके मत जइयो
मत जइयो मेरी जान
तू मइके मत जइयो अहा अहा
तू मइके मत जइयो
मत जइयो मेरी जान
मइके मत जइयो हा

હું કાંઈ અમિતાભ નથી. એના જેવો અવાજ નથી એટલે આ ગીત ગાઈ શકતો નથી, પણ આ તારુંં વેકેશન આટલું લાંબું તો ના જ હોવું જોઈએ. એકાદ અઠવાડિયું ઓકે છે, પણ મહિનો. ના બાબા ના….! આ પત્ર મળે ત્યારે તને ગયાને અઠવાડિયું તો થઇ જ ગયું હશે તો આ પત્ર મળ્યે પાછા આવવાની તૈયારી શરૂ કરી દેજે. મારે પત્રનો જવાબ નથી જોઈતો. પત્રના જવાબ રૂપે તું અહીં થઈ જા !

તારી રાહમાં …
તારો બન્ની

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button