લાડકી

ભારતની વીરાંગનાઓ ઃ લોકસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષા મીરા કુમાર

-ટીના દોશી

એની માતા સ્વતંત્રતા સેનાની હતાં તથા પિતા દેશના પૂર્વ નાયબ વડા પ્રધાન હતા, એમ છતાં એ પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ થઈ અને ભારતની લોકસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ બની…

નામ એનું મીરા કુમાર… ભારતીય રાજકારણી અને પૂર્વ રાજદ્વારી. સંસ્કૃત, હિંદી, ભોજપુરી, અંગ્રેજી અને સ્પેનીશ ભાષામાં પારંગત. પાંચ વાર લોકસભામાં સાંસદ. વર્ષ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી, વર્ષ ૨૦૦૯માં ટૂંકા ગાળા માટે જળ સંસાધન મંત્રી અને વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ સુધી પંદરમી લોકસભાની અધ્યક્ષ. ભારતની લોકસભાની પ્રથમ મહિલા અધ્યક્ષ…!

મીરા કુમાર પંદરમી લોકસભાના અધ્યક્ષ બનતાં પહેલાં આઠમી, અગિયારમી, બારમી અને ૧૪મી લોકસભામાં ચૂંટાયેલી. વર્ષ ૨૦૧૭માં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન, યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ – યુપીએ દ્વારા ભારતના રાષ્ટ્રપતિપદ માટે નામાંકિત થનાર દ્વિતીય મહિલા મીરા કુમાર જ હતી.

જોકે એ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન,નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ-એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ સામે ચૂંટણી હારી ગયેલી. પણ એ પરાજયથી મીરા કુમારના રાજકીય યોગદાનનું મૂલ્ય જરાય ઊણું થતું નથી.

આ મીરા કુમારનો જન્મ બિહારના ભોજપુર જિલ્લાના આરામાં ૩૧ માર્ચ ૧૯૪૫ના થયેલો. માતા ઇન્દ્રાણી દેવી સ્વાતંત્ર્ય સેનાની રહ્યાં. પિતા પૂર્વ નાયબ વડા પ્રધાન અને વંચિત વર્ગના નેતા બાબુ જગજીવન રામ. ગળથૂથીમાં જ જાહેર જીવનમાં પ્રવૃત્ત રહેવાના સંસ્કારો મેળવનાર મીરા કુમારના શબ્દોમાં કહીએ તો, એ જયારે વિલ્હેમ ક્ધયા શાળા, દહેરાદૂનમાં ભણતી ત્યારે દર્શકો માટેની ગેલેરીમાંથી ઘણી વાર લોકસભાની કાર્યવાહી જોયેલી.

એ સમયે આઝાદી આંદોલનમાં અગ્રેસર રહેલા નેતાઓ સંસદમાં બેસીને દેશવાસીઓના હિતમાં ફેંસલા લેતા. ખાસ કરીને અનુસૂચિત જાતિના લોકો માટે, વંચિતો માટે અને કમજોર તથા હાંસિયામાં ધકેલાઈ ગયેલો માટે ખૂબ મથામણ કરતા. આ સઘળી કાર્યવાહી જોઈને મીરાના બાળમાનસમાં પણ લોકસેવાનાં બીજ રોપાયાં.

બીજમાંથી અંકુર ફૂટે એ દરમિયાન, શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી મીરાએ મહારાણી ગાયત્રીદેવી ક્ધયા શાળા જયપુરમાં અભ્યાસ કરેલો. થોડા સમય માટે તેણે વનસ્થલી વિદ્યાપીઠમાં પણ અભ્યાસ કરેલો. તેણે આર્ટ્સ વિભાગમાં અનુસ્નાતક કર્યું. કાયદાનું શિક્ષણ ઈન્દ્રપ્રસ્થ મહાવિદ્યાલય અને મિરાન્ડા હાઉસ, દિલ્હી વિશ્ર્વવિદ્યાલય ખાતે પૂર્ણ કરેલું. કોલેજકાળમાં મીરા અચ્છી ખેલાડી હતી.

Also Read – ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ ખોટી પ્રશંસા દોરી જાય ખોટે રસ્તે…

રાઇફલ શૂટિંગ તેની પ્રિય રમત હતી. આ રમતમાં મીરાને અનેક ચંદ્રકો મળેલાં. કવિતામાં પણ એની રુચિ રહી. હિંદી ભાષામાં મીરાએ રચેલી કવિતાઓ પ્રકાશિત પણ થઈ. મીરાના પ્રિય કવિ મહાકવિ કાલિદાસ છે અને કાલિદાસ રચિત ‘અભિજ્ઞાન શાકુંતલમ્’ એનું પ્રિય પુસ્તક છે. વ્યક્તિગત રીતે લીલો રંગ પસંદ કરનાર મીરાંને ભારતીય સંગીત તથા નૃત્ય અને ઘોડેસવારી પણ પસંદ છે. ભારતીય ઈતિહાસમાં વિશેષ રુચિ ધરાવનાર મીરાને કળા અને સાહિત્ય પ્રત્યે પણ ઝુકાવ રહ્યો.

પોતાના શોખ અને અભ્યાસ વચ્ચે સંતુલન સાધીને મીરાએ દિલ્હી ખાતે કોલેજનું શિક્ષણ મેળવ્યું. અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. કાયદાની પણ સ્નાતક બની. એ પછી વર્ષ ૧૯૬૮માં, બિહારની પહેલી મહિલા કેબિનેટ મંત્રી સુમિત્રા દેવીના પુત્ર અને ભારતના પ્રારંભે વકીલાતની કારકિર્દીમાં જોડાયાં બાદ ૧૯૭૩માં મીરા ભારતીય વિદેશસેવામાં જોડાઈ ગઈ.

વિદેશસેવાના અધિકારી તરીકે તેણે સ્પેન, લંડન, મોરિશિયસ જેવા દેશોમાં દૂતાવાસના જવાબદાર અધિકારી તરીકે ફરજો બજાવેલી. વર્ષ ૧૯૭૭માં યુનાઇટેડ કિંગડમમાં ભારતના ઉચ્ચ આયુક્ત તરીકે મીરાની નિયુક્તિ કરાઈ. વર્ષ ૧૯૭૯માં બે વર્ષ માટે લંડન ખાતે ઇન્ડિયા હાઉસમાં એની નિયુક્તિ કરાયેલી.

એક દાયકા કરતાં પણ વધુ સમય સુધી રાજદૂત તરીકે સેવાઓ આપ્યા બાદ મીરા કુમાર ભારતીય વિદેશ સેવાઓમાંથી ફારેગ થઈ. પોતાના પિતા બાબુ જગજીવન રામ અને તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીના સૂચનથી મીરાએ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો. પિતાને પગલે ચાલીને રાજકીય કારકિર્દી ઘડવાનો મનસૂબો કર્યો. એ પછી ૧૯૮૫માં ભારતીય વિદેશસેવા છોડીને તેઓ કૉંગ્રેસ પક્ષમાં જોડાઈ.

રાજકીય કારકિર્દીના આરંભે મીરા કુમારે ઉત્તર પ્રદેશના બિજનૌર મતવિસ્તારની પેટાચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. આ ચૂંટણીની ત્રિપાંખિયા સ્પર્ધામાં તેણે બે અગ્રણી અનુસૂચિત જાતિના નેતાઓ રામવિલાસ પાસવાન અને માયાવતીને હરાવી વિજય મેળવ્યો હતો.

વર્ષ ૧૯૯૦-૯૨ અને ૧૯૯૬-૯૮નાં વર્ષો દરમિયાન મીરા કૉંગ્રેસ પક્ષની મહામંત્રી બની અને પક્ષીય કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે અગિયારમી અને બારમી લોકસભામાં મતદાર વિસ્તાર બદલ્યો. દિલ્હીના કરોલબાગ મતવિસ્તારની બેઠક પરથી મીરા ચૂંટણીમાં વિજેતા બની. વર્ષ ૧૯૯૯ની તેરમી સામાન્ય ચૂંટણીમાં તેણે પરાજયનો સ્વાદ પણ ચાખ્યો. ફરીને વર્ષ ૨૦૦૪ની ૧૪મી સામાન્ય ચૂંટણી અને વર્ષ ૨૦૦૯ની પંદરમી સામાન્ય ચૂંટણીમાં તેણે મતવિસ્તાર બદલ્યો.

મીરા કુમાર ૭મી, ૧૧મી અને ૧૨મી લોકસભાના સભ્ય તરીકે દિલ્હીની કરોલબાગ લોકસભા બેઠક પરથી ચૂંટાયેલી. વર્ષ ૧૯૯૬માં તેણે આ બેઠક ગુમાવી હતી પણ, ૨૦૦૪ અને ૨૦૦૯માં પિતા બાબુ જગજીવન રામની અગાઉની બેઠક, બિહારની સાસારામ લોકસભા બેઠક પર નોંધપાત્ર બહુમતીથી ફરી ચૂંટાઈ.

મીરા કુમારે બબ્બે વખત વિજયશ્રીની વરમાળા પહેર્યાં બાદ, વર્ષ ૨૦૦૪માં મનમોહનસિંહની સરકારમાં એ લઘુમતીઓ અને વંચિતો માટેના ખાસ વિભાગ સામાજિક ન્યાય અને સશક્તિકરણની મંત્રી બની. વર્ષ ૨૦૦૯ની પંદરમી લોકસભામાં મીરા જળ સંસાધન વિભાગના મંત્રીપદે નિયુક્ત થઈ, પરંતુ બે દિવસ બાદ મીરા કુમાર લોકસભામાં અધ્યક્ષ તરીકે ચૂંટાતાં તેણે મંત્રીપદેથી રાજીનામું આપવાનું પસંદ કર્યું.

‘ઉચ્ચ હોદ્દેદારોની ક્રમવ્યવસ્થા’-વોરંટ ઑવ પ્રિસીડન્સમાં ભારતની લોકસભાના અધ્યક્ષનો હોદ્દો ચોથા ક્રમાંકનો ઉચ્ચ હોદ્દો છે. આ હોદ્દો ધરાવનાર મીરા કુમાર સર્વપ્રથમ ભારતીય મહિલા છે.

મીરા કુમારના મસ્તક પરના મુકુટમાં અનેક પદવીઓ કલગી બનીને શોભી, પણ મુકુટમાં મોરપીંછ બનીને શોભતી યશકલગી તો એક જ હતી: ભારતની લોકસભાનાં પ્રથમ મહિલા અધ્યક્ષ… મીરા કુમાર!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button