લાડકી

આઈક સાથેના લગ્ન: મને આજે પણ અફસોસ છે

કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૩)

નામ: ટીના ટર્નર
સ્થળ: ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડ
સમય: ૨૫ મે, ૨૦૨૩
ઉંમર: ૮૩ વર્ષ

૮૩ વર્ષે એક સફળ સ્ત્રી જ્યારે પોતાના જીવનને પાછળ ફરીને જુએ ત્યારે એની પાસે એની સફળતા અને લોકપ્રિયતા સિવાય એક બીજી યાદી પણ હોય છે, એની ભૂલોની યાદી! એવું લિસ્ટ જે એના અફસોસનું કારણ હોય છે… હું જુદી નથી, આજે જ્યારે હું આ દુનિયામાં નથી ત્યારે, પણ મને મારા જીવનમાં કરેલા કેટલાક નિર્ણયો અને કેટલાક સંબંધો વિશે અફસોસ છે એવું મારે સ્વીકારવું જોઈએ.

આઈક ટર્નર મારાથી આઠ વર્ષ મોટો હતો. એ સફળ હતો. લોકો એના દીવાના હતા એટલે મને લાગ્યું કે, એ જ મારી કારકિર્દી બનાવી શકશે. હું પણ એની ફેન હતી. એણે ૧૯૬૨માં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે હું ૨૩ વર્ષની હતી. મને લાગ્યું કે, આઈક સાથેનું જીવન ખૂબ સુંદર અને સૂરીલું નીવડશે. અમે લગ્ન કર્યાં, પરંતુ સમય જતાં મને સમજાયું કે અમારો સંબંધ હવે ફક્ત ‘બેન્ડમેડ’નો નહોતો… છતાં, એ લગ્નને ટકાવી રાખવાનો મેં પૂરો પ્રયાસ કર્યો. અમે સાથે રેકોર્ડ કરેલાં ગીતો આઈકની કારકિર્દીનાં ઉત્તમ ગીતો છે એવું તો એ પણ સ્વીકારે છે. મારી સાથે એને એ પ્રસિદ્ધિ મળી જે કદાચ એકલો હોત તો ન મળી હોત. મારી ફેશન અને મારા પોષાકની ચર્ચા થવા લાગી. મેગેઝિન્સ મને ‘સેક્સ સિમ્બોલ’ તરીકે ચીતરવા લાગ્યા. ખોટું નહીં કહું, મને આ પ્રસિદ્ધિ ગમતી હતી, પરંતુ આઈક આ પ્રસિદ્ધિ સહી શક્યો નહીં. એ અસુરક્ષિત થઈ ગયો. હું બીજા કોઈ સાથે નહીં ગાઉં, એવું વચન એણે મારી પાસેથી માગ્યું. મારે માટે સંગીત જ-રોક એન્ડ રોલ જ મારું જીવન હતું, એટલે હું એવું વચન આપી શકું એમ નહોતી. કેટલીક જગ્યાએ મને એકલી નિમંત્રિત કરવામાં આવતી ત્યારે આઈક ખૂબ ઉશ્કેરાઈ જતો. હું પાછી ફરું એ પછી એણે શરાબ પીને મારપીટ કરી હોય એવા કિસ્સા પણ ઓછા નથી…

મારા બે પુત્રો જન્મ્યા. એક પુત્ર કિંગ્સ ઓફ રિધમના સેક્સોફોનિસ્ટ રેમન્ડ હીલ સાથેના મારા સંબંધોમાંથી જન્મેલો દીકરો, જેનું નામ રેમન્ડ ક્રેગ છે. મેં કોઈ દિવસ રેમન્ડ સાથેના મારા સંબંધો છુપાવ્યા નથી. આઈક જાણતો હતો કે, મારા પહેલાં સંબંધો રેમન્ડ સાથે હતા, તેમ છતાં અમે જ્યારે બેન્ડમાં સાથે કામ કરતાં ત્યારે તે રેમન્ડ વિશે શંકા કરતો. અપશબ્દો ઉચ્ચારતો. આઈક સાથે લગ્ન કર્યા પછી મારા બીજા પુત્રનો જન્મ થયો, રેનેલ ટર્નર. નવાઈની વાત તો એ છે કે, આઈક ટર્નરનાં બે બાળકોને મેં દત્તક લીધા અને એને ઉછેરવા માટેની સંપૂર્ણ જવાબદારી મેં સ્વીકારી. લગ્ન પછી આઈક ટર્નરે રેમન્ડ ક્રેગને કાયદેસર દત્તક લીધો અને એનું નામ રેમન્ડ ટર્નર રાખ્યું, પરંતુ અમારા સંબંધોમાં અટવાયેલા મારા સંતાનને એટલો આઘાત લાગ્યો કે, એ ડિપ્રેશનમાં સરી પડ્યો. અમારે એને ટ્રીટમેન્ટ આપવી પડી અને એ દિવસો દરમિયાન જ મારી અને આઈક વચ્ચે ભયાનક ઝઘડા શરૂ થયા કારણ કે, હું મારા દીકરાને સમય આપતી હતી એ એને ગમતું નહીં. આઈકને કોકેઈનની લત લાગી ગઈ. સ્નોર્ટ કર્યા વગર એ પરફોર્મ કરી શકતો નહીં. પહેલી જુલાઈએ લોસ એન્જેલસથી ડલાસ જતા સ્ટેટલર હિલ્ટનના અમારા પરફોર્મન્સ પછી એણે મને રસ્તા ઉપર મારી. અનેક લોકોની વચ્ચે એણે જે રીતે મને શારીરિક ઈજા પહોંચાડી એ પછી હું માત્ર મારું ક્રેડિટ કાર્ડ અને થોડાક રૂપિયા લઈને અમારી હોટેલની રૂમમાંથી ભાગી. મેં પોલીસ ફરિયાદ કરી અને આઈકને જેલ થઈ. એ પછીના સાતેક જાહેર કરાયેલા કાર્યક્રમોમાં હું ગેરહાજર રહી. અખબારોએ અને રોક એન્ડ રોલ જગતના સૌએ એની નોંધ લીધી. મેં છૂટાછેડા માટે અરજી કરી અને અંતે, ૧૯૭૮માં અમે છુટાં પડ્યાં. સૌથી નવાઈની વાત એ છે કે, આઈક ટર્નરે જાહેરમાં એવું સ્ટેટમેન્ટ કર્યું કે, અમે ક્યારેય લિગલી-કાયદાકીય રીતે લગ્ન કર્યા નહોતા. આઈક ટર્નરે એવું સાબિત કરી દીધું કે, મારું નામ માર્થા નેલ બુલોક હતું, અન્ના નેલ બુલોક નહોતું… એણે મારા કાનૂની નામ માર્થા નેલ ટર્નર તરીકે કરેલા હસ્તાક્ષર રજૂ કરીને કાયદાને એવો ગૂંચવ્યો કે મારે બધું જ ગુમાવવાનો વારો આવ્યો.

કેટલાંય વર્ષો પછી આઈક ટર્નરે પોતાની આત્મકથા ‘ટોકિંગ બેક માય નેમ’માં સ્વીકાર્યું, ‘મેં ટીનાને થપ્પડ મારી છે. અમારી વચ્ચે ઝઘડા થયા છે. ક્યારેક મેં વિચાર્યા વગર એના ઉપર હાથ ઉપાડ્યો છે, પરંતુ એ જે પ્રકારના આક્ષેપ કરે છે એવી રીતે મેં એને ક્યારેય મારી નથી.’ એણે લખેલો એક પત્ર, જેમાં એણે લખ્યું હતું કે, એ હજી પણ મને પ્રેમ કરે છે અને બાળકોને જે સ્થિતિમાં મૂક્યા એ બદલ એને અફસોસ છે… એ પત્ર એણે મને ક્યારેય મોકલ્યો નહોતો, પરંતુ પોતાની આત્મકથામાં પ્રસિદ્ધ કર્યો. મારી સાચી પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા પણ એ પછી જ શરૂ થઈ એમ કહું તો ખોટું નથી. ૧૯૭૪માં અમે બહાર પાડેલું આલ્બમ ‘ધ ગોસ્પેલ એડોર્ડ ટુ આઈક એન્ડ ટીના’ ગ્રેમી માટે નોમિનેટ થયું હતું. આઈકને એના સિંગલ ગીત માટે સોલો નોમિનેશન પણ મળ્યું, પરંતુ અમે છુટા પડ્યા એ પછી એને એકવાર પણ ગ્રેમી નોમિનેશન મળ્યું નહીં.

મારી લોકપ્રિયતા વિશે વાત કરીએ તો હું નાઈટ ક્લબ્સમાં હોટ સિંગર હતી, પરંતુ ૧૯૮૩માં પહેલીવાર મેં કેપિટલ રેકોર્ડ્સ સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. એ પછી લોકોને મારી ઓળખ થઈ. ‘પ્રાઈવેટ ડાન્સર’ આલ્બમનું રેકોર્ડિંગ કરવા માટે મારી પાસે બે જ અઠવાડિયા હતાં, પણ મેં ખૂબ મહેનત કરી અને ૧૯૮૪માં એ આલ્બમ રિલીઝ થયું. ફાઈવ એક્સ પ્લેટિનમનું સર્ટિફિકેટ અને ૧૦ મિલિયન કોપી વેચીને કેપિટલ સ્ટુડિયોઝે એક રેકોર્ડ કાયમ કર્યો. આમ જોવા જઈએ તો મને એવી ખાતરી નહોતી કે, હું આટલી સફળ થઈશ, એવી ઈચ્છા જરૂર હતી! મારું બીજું સિંગલ ગીત ‘વ્હોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ’ માટે મને ગ્રેમી એવોર્ડ મળ્યો. એ વખતે મેં વર્લ્ડ ટૂરની જાહેરાત કરી. ડેવિડ બોવી, લાયોનલ રિચી જેવા કલાકારો મારી સાથે ગાવા તૈયાર થયા અને સૌથી મહત્ત્વની વાત એ બની કે, યુએસએમાં આફ્રિકાના લાભાર્થે ગવાયેલા ગીત ‘વી આર ધ વર્લ્ડ, વી આર ધ ચિલ્ડ્રન’માં મારો સમાવેશ કરવામાં આવ્યો. ‘મેડ મેક્સ બિયોન્ડ થંડર ડોમ’માં અભિનય કરવા માટે મને આમંત્રણ મળ્યું અને મેલ ગિબ્સન જેવા અભિનેતા સામે મેં રોલ કર્યો. ૩૬ મિલિયનથી વધારે કમાણી કરીને આ ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ. જુલાઈ, ૧૯૮૫માં મિક જેગર સાથે એક લાઈવ શો કર્યો જેમાં મિક જેગરે મારો સ્કર્ટ ફાડી નાખ્યો. બ્રાયન એડમ્સ સાથેના યુગલ ગીત માટે મને ફરી ગ્રેમીનું નોમિનેશન મળ્યું. માત્ર બે વર્ષમાં ૧૯૮૬માં મેં છઠ્ઠું સોલો આલ્બમ બહાર પાડ્યું, ‘બ્રેક એવરી રુડ!’ એ વર્ષની, એટલે કે ૮૭ની વર્લ્ડ ટૂર વિશ્ર્વની પહેલી મહિલા કલાકાર દ્વારા સૌથી વધુ કમાણી કરનારી ટૂર પુરવાર થઈ. બ્રાઝિલના મરાકાના સ્ટેડિયમમાં ૧ લાખ ૮૦ હજાર લોકોની હાજરીમાં મેં કોન્સર્ટ કરી અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

૧૯૯૩માં મેં લખેલી એક ફિલ્મ, જેમાં મારી આત્મકથાનો એક હિસ્સો હતો ‘વ્હોટ્સ લવ ગોટ ટુ ડુ વીથ’ રિલીઝ થઈ. જેમાં એન્જેલા બેસેચે મારો રોલ કર્યો અને લોરેન્સ ફિસબન્સે આઈક ટર્નરનો અભિનય કર્યો. એમને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા. ત્યાં સુધીમાં મારી ઉંમર ૫૦ વટાવી ચૂકી હતી. ૧૯૯૫માં ટર્નર સ્ટુડિયોમાં પાછો ફર્યો અને જેમ્સ બોન્ડની ફિલ્મ ‘ગોલ્ડન આઈ’ માટે એણે એક ગીત રેકોર્ડ કરવામાં મારી મદદ કરી, પણ હવે એક વાત નક્કી હતી, અમે ‘બેન્ડમેડ’ હતા, સહકલાકારો હતા એ સિવાય અમારી વચ્ચે કોઈ સંબંધ નહોતો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?