પુરુષલાડકી

મેલ મેટર્સ : શું તમારી જોબ એ જ તમારી ઓળખ છે?

-અંકિત દેસાઈ

અનેક વર્ષોથી આપણે જોઈએ છીએ કે લોકો એમની નોકરી કે જોબને અથવા એમના પદને પોતાની ઓળખ સાથે જોડી દે છે. કોઈ પૂછે, ‘તમે કોણ છો?’ તો જવાબમાં ઘણીવાર આવે છે, ‘હું એક ડોક્ટર છું,’ હું એન્જિનિયર છું,’ કે ‘હું મેનેજર છું.’

પરંતુ શું ખરેખર નોકરી કે જોબ જ આપણી ઓળખ છે? શું આપણું મૂલ્ય ફક્ત આપણા વ્યવસાય પર આધારિત હોવું જોઈએ? તો પછી વ્યવસાય ઉપરાંત આપણે જે અન્ય કાર્ય કરીએ છીએ, જે જીવન જીવીએ છીએ એનું કોઈ મહત્ત્વ નહીં ? સી, આપણે એ ધ્યાન રાખવું પડશે કે આપણી જોબ એ જીવનનો એક ભાગ છે, પણ તે આપણું સંપૂર્ણ અસ્તિત્વ નથી. આપણે આપણી ખુશી, આત્મસન્માન અને સફળતાને નોકરીની સીમાઓથી આગળ વધારવાની જરૂર છે.

ઘણીવાર એ પણ જોવા મળ્યું છે કે લોકો જોબને પોતાના અસ્તિત્વનો કે પોતાના સુખ-દુ:ખનો પણ એકમાત્ર આધાર બનાવી દે છે. પ્રમોશન મળે, બોનસ મળે કે સાથીદારો પ્રશંસા કરે ત્યારે એ પોતાને શ્રેષ્ઠ માને છે, પરંતુ જો નોકરીમાં મુશ્કેલી આવે, નોકરી જાય કે કામમાં નિષ્ફળતા મળે તો એ પોતાને નકામા ગણવા માંડે અને નિરાશ થઈ જાય.. પરંતુ આવી સ્થિતિ ભાવનાત્મક રીતે તેમજ ટકી રહેવાની આપણી સદીઓ જૂની જિજીવિષાને લઈને ખૂબ જોખમી બની શકે છે. નોકરીમાંથી આવતી સફળતા કે નિષ્ફળતા આપણી ભાવનાઓને રોલરકોસ્ટરની જેમ ઉપર-નીચે લઈ જાય છે. આથી જ આપણે આપણા આત્મસન્માનને નોકરીથી અલગ રાખવું જોઈએ, નહીંતર પછી આપણી પાસે જીવવાનું કારણ શું રહેશે ?

આપણે સમજવું જોઈએ કે જોબ -નોકરી એ આપણા જીવનનો એક ભાગ છે, પણ આખું જીવન નથી- પૂરું અસ્તિત્વ નથી. જીવનમાં ઘણી બીજી બાબત છે જે આપણને ખુશી અને સંતોષ આપી શકે છે. પરિવાર સાથે સમય વિતાવવો, મિત્રો સાથે હસવું, શોખ પૂરા કરવા, નાની-નાની ખુશીઓ માણવી આ બધું આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે. જો આપણે નોકરીને જ આપણી ઓળખ બનાવીશું આપણા જીવનને એમાં જ મર્યાદિત કરી દેશું તો આપણે આવી નાની ખુશીઓ ગુમાવી દઈશું.

એક ઉદાહરણ લઈએ, એક વ્યક્તિ જે દરરોજ ઓફિસમાં ઘણા કલાકો કામ કરે છે, જો એ પોતાનાં બાળકો સાથે રમવા કે પોતાના શોખ માટે થોડો સમય કાઢે તો એનું જીવન વધુ સંતુલિત અને આનંદદાયક બની રહેશે.

આ બધા વચ્ચે, સફળતાની વ્યાખ્યા પણ બદલવાની જરૂર છે. આજે ઘણા લોકો સફળતાને ઊંચી નોકરી, મોટી ડિગ્રી કે ઊંચા પગાર સાથે જોડે છે, પરંતુ સફળતા એટલે શું? ફક્ત નોકરીમાં આગળ વધવું છે એ? કે પછી જીવનના દરેક પાસામાં સંતુલન જાળવવું એ? સાચી સફળતા એ છે કે તમે તમારી જાતને કેટલી ઓળખો છો, તમે તમારી ખુશીને કેટલું મહત્ત્વ આપો છો અને તમે અન્યો સાથે કેટલા સારા સંબંધો બનાવો છો… અલબત્ત, તમારી જોબ આ બધામાં મદદ કરી શકે, પણ તે એકમાત્ર માપદંડ ન હોવો જોઈએ.

લીડર્સ અને મેનેજર્સે પણ આ વાત પર ધ્યાન આપવું જોઈએ. પોતાની ટીમના સભ્યોને એવું વાતાવરણ આપવું જોઈએ કે જ્યાં નોકરી ઉપરાંત પણ એ પોતાની આગવી ઓળખ બનાવી શકે. જો કોઈ સ્ટાફને લાગે કે એનું મૂલ્ય ફક્ત એના કામના આધારે જ નક્કી થાય છે તો એ હંમેશાં તણાવમાં રહેશે. કંપની મેનજરે કે વડાએ સ્ટાફરને એની રોજિંદી જોબ ઉપરાંત અન્ય વાતોમાં પણ રસ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. આનાથી કામની જગ્યાએ સંતુલન અને સકારાત્મક વાતાવરણ ઊભું થશે. ઈનશોર્ટ, આપણે આપણા આત્મસન્માનને કે આપણા હોવાપણાનેનોકરીની સફળતા કે નિષ્ફળતા સાથે ન જોડવું જોઈએ. જીવનમાં નાની નાની ખુશી, સંબંધ અને અંગત વિકાસ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. ધારી લો કે આવતી કાલે નિવૃત્ત થશું – વૃદ્ધ થશું જ્યારે આપણે કામ કરવા સક્ષમ નહીં. હોઈએ ને આપણી પાસે નોકરી પણ નહીં હોય તો શું ત્યારે આપણું અસ્તિત્વ પણ નહીં હોય… શું ત્યારે આપણી કોઈ ઓળખ પણ ન હોય?
વિચારો….

આપણ વાંચો : મેલ મેટર્સ : બિઝી રહેવું ને સ્ટ્રેસ્ડ રહેવું એ બંનેમાં ફરક છે.. જરા સમજોને, યાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button