શુકન જોઈને સંચરજો રે…
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
પણ અમે હુધરેલા દેહાઈઓ શુકન જોયા વિના જ હાપુતારા જવા નીકળી પડેલાં. અમારાં બા કહેતાં કે તિથિ તારીખ જોઈને પ્રવાસે જવું, પણ અમે નવા જમાનાના.
આમ તો આપણે ઘણું બધું માનતા નથી હોતા, પણ પાસા પોબાર ન પડે ત્યારે ઘણું બધું ન માનવા જેવું પણ માનવા લાગીએ છીએ. જેમ કે, મેં દિવાસ્વપ્ન જોયેલું કે સાપુતારા પ્રવાસમાં ખૂબ મજા કરીશ, સાથે મળી આશ્રમમાં ગરબા કરીશું, એક એક વૃક્ષ ફરતે જૂની ફિલ્મની હિરોઈનની જેમ ગીતો ગાઈશ, વીડિયો શૂટિંગ કરાવીશ, નૌકાવિહાર કરીશ વગેરે વગેરે વગેરે. પણ ધાર્યું ધણીનું થાય (ઘરધણી નહીં, ઉપરવાળાનું ધાર્યું).
અમને એમ કે પ્રવાસે જઈએ છીએ તો બસનાં બધાં પ્રવાસીમાંથી કોઈકે તો ચોઘડિયું, તારીખ, તિથિ જોઈ જ હશેને ! પણ ના, બધા જ હરખપદૂડા એવા જવાની લાહ્ય હતી એટલે બધી ને ઉપરથી બધાં અમે બધાં હાઠ-પાંહઠની ઉપરનાં, એટલે હાપુતારા જેવા હિલસ્ટેશન પર જો દુર્ઘટના થાય અને માનો કે રામ બોલો – જેવું કીં થાય તો હારું… વિચાર કરો કેટલાંને કેટલો કેટલો ફાયદો થાય… એક ભાઈ બોલ્યા, રામ બોલો ભાઈ રામ થાય તો સાપુતારાની હાઇટથી સ્વર્ગ એકદમ નજીક પડે. એટલે કદાચ મૂરત નીં જોયેલું.
એક તો દેહાઈ ઉપરથી વયસ્ક ઉપરથી અડધા માસ્તર, અડધા આચાર્ય (આચરણ ન કરે એવા), બૅન્કર, એલ.આઈ.સી., બિઝનેસમેન, શેરબજારવાળા, ને કેટલાક કલાકાર, કવિ લેખક પણ ખરા. તમે માની જ લ્યો, બધા જ બુદ્ધિશાળી ને ડાહ્યા (બહુ દોઢડાહ્યા બહુ ખરડાય). આમ, સંપીલા પણ આમ ડંખીલાય ખરા, દાઢમાં પણ રાખે ને વખત આવ્યે જીભે પણ કાતરે) પણ અમારા એકવીસમાં એવું કોઈ કરતાં કોઈ નહીં. બધા જ એકદમ સંપીલા. (સમજી જાવ ને, યાર.) ‘સબકા સાથ, સબકા વિકાસ’માં માનનારા, એટલે સંપીને બસમાં જ્યાં જગા મળી ત્યાં બેસી ગયા. (સારી છાપ પાડવા હસતું મુખ રાખીને). શાળા શરૂ થાય ને પ્રાર્થનાનો બેલ પડે તેમ બસ ઊપડી કે તરત શિક્ષકોનું શિક્ષકત્વ પ્રાર્થના, આરતી, ‘દત્તબાવની’ તરફ વળ્યું. (એમ પણ વરસાદી વાતાવરણમાં પહાડ ઉપર બસ જવાની હોઈ થોડી ભગવાનને જાણ કરી દીધેલી સારી કે જોજે, ભાઈ, તારી આરતી કરી છે – ભક્તિ કરી છે-હવે અમારી નૈયા તુમ્હારે હાથ!) કેટલાક શેરબજાર જીવો મોબાઈલ ફંફોસવા લાગ્યા. ને મનમાં બબડવા લાગ્યા: ની પકડાહે તો હારુ કેમ થહે? પોયરાને કઈ તો આવેલો છું, પણ પોયરા તે પોયરા (પોયરાને મોટો થવા દેહું તો હીખહે ને!) જવાબદારી નાખહું તો હીખહે ને? આમાં ૮૦ ટકા સુગર, બીપી ને કોલેસ્ટ્રોલનો સાક્ષાત્કાર કરીને બેઠેલા એવા વિચારે ચઢ્યા, હારુ, કલાક પછી ચા-પાણી, વોશરૂમવાળું ગોઠવે તો હારું…! પ્રેમાબહેને તો પતિદેવ પ્રેમજીભાઈને કોણી મારીને કહ્યું, ‘નીકળતી વેળા મેં કીધેલું કે જરા થોભો, તો હું બાલાજી’નાં નાસ્તાનાં પેકેટ લઈ લઉં, પણ ના, સહુથી પહેલાં પહોંચી મેડલ મેળવવાનો હોય તેમ! જાણે કે ત્યાં જ પ્રેમજીભાઈએ ડોળા કાઢ્યા ને પ્રેમાબહેન ‘દત્તબાવની’ ગાવા લાગ્યાં.
થોડે આગળ જતાં બસમાંથી ખડખડ અવાજ આવવા લાગ્યો ને એક બહેને તરત જ કહ્યું, ચલો, ચલો… ‘હનુમાન ચાલીસા’ ગાવ. સંકટ સમયે હનુમાન જ કામ આવશે…! ને એ સાથે દરેક જણ પોતાના પામર જીવને બચાવવા ‘હનુમાન ચાલીસા’ ગાવા લાગ્યા. મારા જેવાને પહેલી લીટી આવડતી હતી, પણ મોબાઇલનું યુ ટ્યૂબ કે દા’ડે કામ આવે…! એણે મારા વતી યુ ટ્યૂબમાં આખી હનુમાન ચાલીસા ગાઈ નાખી! પહેલી વાર મને મોબાઇલ અને મારા પ્રત્યે માનની લાગણી ઉત્પન્ન થઈ.
ત્યાં એક ભાઈ બોલ્યા, ‘બસ ઊભી રાખવી પડશે…!’ ‘આમ અધવચે?’ ‘હા, હવે સમજી જાવને…!’ બીજો ટેકો કરતો હોય એમ બોલ્યો. ભાઈ, પછી તો બસ ઊભી રહી પેટ્રોલપંપ ઉપર. બસે પેટમાં પેટ્રોલ ભર્યું અને કેટલાકે ત્યાંના વોશરૂમમાં પેટ ઠલવ્યું… હાશ, ભલું થજો પેટ્રોલપંપનું!
પેટ ખાલી શું થયું, હવે ફરી પેટને પેટ્રોલ તો જોઈએ જ ને વળી… એક ભાઈ ટહુક્યા, હવે કશે બસ ઊભી રાખો, બ્રેકફાસ્ટ ચા વાળું થવા દ્યો! ને બસ અટકી. બુહારીના ફેમસ ખમણ-સેવ પર બધા ત્રાટક્યા. કદાચ એ ભાઈને તો એમ હશે કે વયસ્કો શું ખાવાના! પણ અમે એની તુચ્છ વિચારસરણીને ધરમૂળથી ખોટી પાડી. આજે પહેલી વાર હુરટી ખમણ ખાઈને મોટ્ટા થયેલા એવા અમને બુહારીનાં ખમણ એટલા ભાયવાં, એટલાં ભાયવાં કે અમે પાછા અહીંયાં બુહારી હુધી લોંગ ડ્રાઇવ કરવા આવહુ ને ખમણ હોં ખાતાં જહું, એવો ખાઉધરો વાયદો કરીને આગળ વધ્યાં… ખાવા હારુ દુનિયાના કોઈ પણ છેડે જાય એ જ હાચા હુરતી એ અમે વયસ્કોએ પુરવાર કર્યું. આ રીતે એક ખમણે હુરત અને બુહારી વચ્ચે પ્રેમભાવ વધાર્યો. દરેક પ્રવાસમાં આવા પરદુ:ખભંજનો ભગવાનની કૃપાથી મળી રહે છે. પેલા શેરબજારવાળા ભાઈઓએ પોતપોતાનાં પોયરાંને મેસેજ છોડી દીધા-વાઇફાઇ ટાવર પકડાતાં નહોતાં પણ ક્યાં ક્યાં નાણાંનું રોકાણ કરવું ને કેટલા શેર વેચવા કાઢવા ને ક્યાં ક્યાં કેટલી થાપણ છે-બેલેન્સ છે-પાસબુક ક્યાં છે, લોકરની ચાવી ક્યાં છે વગેરે વગેરે લખીને મેસેજ મૂકતા રહ્યા, કારણ કે બસનું તેમજ પામર જીવનું શું ઠેકાણું…? જેટલી બસ જૂની છે એટલા અંદર બેઠેલા જીવોય! ફરી પ્રેમાબહેન તાડૂક્યાં. આખો દા’ડો ‘લઈ લે… લઈ લે’ ને આપી દે આપી દે કર્યા કરે. એના કરતાં બિઝનેસ ક્લાસમાં બેસીને ટૂર પર ટૂર કરાવતે, ડાયમંડના દાગીના પે’રાવતે તો કંઈ લેખે હો લાગતે… ! કંઈ થહે તો હવે પોયરાં વાહ મજા કરહે…! આપણે કટ (કસર) કરી કરીને મરી ગીયા! ને પ્રેમજીભાઈએ ડોળા કાઢ્યા ને પ્રેમાબહેને ભજન ગાવું શરૂ કર્યું: રામ રાખે તેમ રહીએ ઓધવજી રામ રાખે તેમ રહીએ… આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ…! ને ત્યાં જ ઉપરવાળા રામે બસ ઉપાડી. હાશ, ઠેઠ આશ્રમ પહોંચ્યા ત્યાં સુધી રામે લાજ રાખી… આશ્રમમાં પહોંચી બસે આગળ વધવાની ઘસીને ના પાડી દીધી.
સુધાબહેને ચલાવ્યું, એ તો હારું થયું કે સાપુતારા જોવાઈ ગયું પછી બસ ઊપડી. વચમાં ગિરાધોધ હો જોવાઈ ગયો… ફોટા હો પડી ગયા. હુરત ગેયને ગિરાધોધના ફોટા તો કમસે કમ બતાવહુ ને બાજુવાળા જમનીને હો જલાવા હે. અમે તો ‘હનુમાન ચાલીસા’ બરાબર ક્યાં બોલેલા! એટલે અમારો ગિરાધોધની લીસી લપસણી ભૂમિ પર પગ મોચવાયો. એમાં અમારા ઊંચી એડીના મૂઆ સેન્ડલ ને આ અધમણની કાયા હો વાલા મૂઈ… પણ આ તો કેવું… ધાર્યું ધણીનું થાય.. અહીં ઉપરવાળો ધણી નહીં, પણ અમારા ‘એ’નો જ વાંક છે. હું તો બાકી ગિરાધોધ જોવા ઊતરવાની જ નહોતી. (કાયાને શા માટે ખોટો ત્રાસ આપવો!) દૂરથી ધોધ દેખાતો હતો પછી નજીક જઈને શું નવું દેખાવાનું હતું! પણ ના, અમારા ‘એ’ કહે, ચાલને, હવે, હું પણ જાઉં છું. અમને એમ કે રામ પાછળ સીતા જંગલમાં ગઈ હતી, તો મારે તો ખાલી ધોધ સુધી જઈને ફોટા જ પડાવવાના છે, એટલે અમે તો પગ ઉપાડ્યો-રામ આગળ ને સીતા પાછળ પાછળ… અમને એમ કે વરસાદમાં લપસણી ધરતી છે પણ મારા રામ છે… રક્ષણ કરશે જને… રામે સીતા માટે દરિયા પર સેતુ બાંધેલો…
તેમ મારા રામે સાત ફેરા ફરતી વેળા હંમેશાં સાથે રહીને સાથ નિભાવવાનો (છગનભાઈ મહારાજ) સામે વાયદો કરેલો, પણ જ્યારે હું લપસી… મેં આર્તનાદ કર્યો… ‘હેલ્પ હેલ્પ…’ ત્યારે રામ તો લક્ષ્મણ જોડે ફિઝિક્સ વિષયની છણાવટ કરીને લક્ષ્મણને પોતાનું વિજ્ઞાન-વિષયક જ્ઞાન પ્રદાન કરી રહ્યા હતા. અને એક વાર રામ એના ચોક્કસ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હોય ત્યારે એઓ સીતાને પણ ભાવ આપતા નથી, એ તો આપણે ‘રામાયણ’માં જોયું જ હતું ને. રામે ધોબીના
કહેવાથી… એમ અમારા રામ પણ પોતાના આત્માના અવાજના કહેવાથી… લક્ષ્મણને જ્ઞાન આપતા ખૂબ આગળ નીકળી ગયા હતા… એ તો સારું થયું કે અમારામાંના જ બે પરોપકારી ભાઈઓએ મારી આ ભારેખમ મૂલ્યવાન કાયાને મન મજબૂત કરી, હૈયામાં હામ એકઠી કરી ઊભી કરી. મેં મન મનાવ્યું કે, એવું થોડું છે કે સીતાને કોઈ બચાવનાર નથી… સૂડીનો ઘા સોયથી ગયો. એમ કેટલાક હકારાત્મકવાદીઓએ મને આશ્ર્વાસન આપ્યું. કેટલાકે મને તાત્કાલિક વીસ કિલો વજન ઓછું કરવાની સલાહ આપી અને સવાર-સાંજ કંઈ કંઈ ફાકીઓ લેવી, એનું લિસ્ટ આપ્યું.
કેટલાકે મને ગત જન્મે કરેલાં કુકર્મોનું ફળ હશે એમ કહ્યું. કેટલાકે સેન્ડલ ફેંકી સ્લીપર પહેરવા કહ્યું. કેટલાકે આવીને કાનમાં કહ્યું કે, તમારા રામે સાથ નહીં નિભાવ્યોને. હુ જો તમારી જગ્યાએ હોઉં ને તો મારા હસબન્ડનાં રેવડી દાણા વિખેરી ને ત્યાં જ એમના પતિ આવતાં એ બહેને વાક્ય અધૂરું મૂકીને વાક્ય બદલીને કહ્યું, મારા હસબન્ડ તો પ્રવાસમાં હંમેશાં મારો હાથ પકડીને જ ચાલે એટલે હું કદી ક્યાંય પડી નથી (મને એ ભાઈની દયા આવી… પ્રવાસમાં હો પત્ની હાથ છોડતી નથી. ભાઈ, તમારી કમનસીબી… બીજું શું…)
બગડેલી બસ એક તરફ ઊભી ઊભી ક્યારે સાજી થવું એ વિચારતી હતી. ડ્રાઇવર એની પાછળ લાગ્યો હતો. અમે મહેમાનની જેમ નહીં પણ અમારો જ આશ્રમ હોય એમ એક તરફ બહેનોનું સંગઠન બેઠું હતું અને એક તરફ ભાઈઓનું સંગઠન.
એક તરફ અમારા પગનો સોજો વધવા માંડ્યો હતો. દેડકા જેવો પગ જોઈને અમને લીલોતરી પણ કાળી કાળી દેખાવા લાગી હતી, પણ અમારી મહિલા સંગઠનની બહેનોએ મને કામે લગાડી અને મેં લતા મંગેશકરને યાદ કરી હરિગીતો ગાવાનાં શરૂ કર્યાં કે જેથી હરિની કૃપા વરસે. પરિસરમાં રસોડે જમવા જતી વેળા એક બહેને મારો હાથ પકડી લીધો… અમારી કાયાનું વજન હસતા મુખે ઝીલતાં હતાં. બીજી બાજુ બીજાં બહેને હાથ ઝાલ્યો હતો. કદાચ એ બંને મનમાં ગાતાં હશે: સાથી હાથ બઢાના, એક અકેલા થક જાયેગા, મિલકર બોઝ ઉઠાના…
પછી તો જ્યારે જ્યારે ચાલવાનું આવ્યું કે મનમાં ઘંટડી વાગે કે શુકન જોઈને સંચરજો… નીચે જોઈને સંચરજો રે… પથરા જોઈને સંચરજો રે…