લાડકી

એને ફરી સ્વીકારું કે… છોડીને ગયેલો પ્રિયજન ફરી કોઈના જીવનમાં પ્રવેશવા પરત આવે ત્યારે કેવી કેવી વેદના-સંવેદનાનાં પૂર ઊમટે?

સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા

તમે કોઈ સાથે રિલેશનશિપમાં છો અને એ વ્યક્તિને એવું લાગે કે તમારા કરતાં વધારે બેટર પર્સન એ ડિઝર્વ કરે છે… બીજા શબ્દોમાં કહીએ તો તમારા કરતાં વધુ સારાં પાત્રને એ લાયક છે એવું વિચારીને એ તમને છોડી દે…
હવે ધારી લો કે એ પાત્ર ફરી તમારી લાઈફમાં આવવા ઈચ્છે તો તમે એનો સ્વીકારશો ખરા..?

ઘણા લોકોને આવો પ્રશ્ર્ન થાય અને એ સ્વાભાવિક પણ છે. ડ્રોપ કરીને જતું રહેલું પ્રિયજન ફરી આપણી લાઈફમાં રી-એન્ટ્રી કરવાની કોશિશ કરે ત્યારે આવા પ્રશ્ર્ન -આવી મૂંઝવણ થવી સહજ છે, કારણ કે અહીં લાગણીઓનું ઈન્વેસ્ટમેન્ટ કર્યું
હોય છે. જો રૂપિયાનું રોકાણ હોત ને એમાં ખોટ જાય તો ફરી કમાઈ લેશું એમ માનીને મન મનાવી લઈએ, પરંતુ આ તો અમૂલ્ય લાગણી કોઈનામાં રોપી હતી, એની બરાબર માવજત પણ થતી હતી, સમયસર ખાતર-પાણી અપાતાં હતાં, છતાંય સંબંધરૂપી છોડ બળીને રાખ થઈ જાય કે અચાનક સાવ સૂકાઈ જાય તો દુ:ખ થાય જ… ભરોસાનું આખેઆખું સામ્રાજ્ય એના હવાલે કરી નાખ્યું અને પછી એકલાં ઝઝૂમવું પડે ત્યારે એ વખતની વેદનાને શબ્દો કે આંસુ પણ સાથ નથી આપતાં. અસંખ્ય સંસ્મરણોથી છલોછલ ભરેલું આપણું મગજ જે હજારો ટેરા બાઈટ મેમરીની કેપેસિટી ધરાવે છે, એય આવે વખતે પોતાનો કંટ્રોલ ખોઈ બેસે છે. વારંવાર અપડેટ કરવા
મથતી આપણી જાત હેંગ થવા માંડે છે. મઘમઘતી અનેક યાદની સોડમ વિસરાતી જાય છે. સાથ ન છોડવાના વાયદાઓની ભરમાર એકપછી એક હૈયે ટકોરા મારવા તૈયાર ઊભી હોય છે.

આ બધું એટલા માટે થાય છે, કારણ કે એના નિર્ણયમાં આપણી સહમતિ ન હોવા છતાંય એકપક્ષી સ્વીકાર કરવો પડ્યો હતો. એ પીડા જ આપણા સુકૂનની વિરોધી બની ગઈ હોય ત્યારે આંગણે ઊભેલાં આગંતુકને ફરી એકવાર આવકાર આપતાં ખચકાટ અનુભવો પડે છે. આપણને અધવચ્ચે ઝૂરતા મૂકીને ચાલ્યું ગયેલું જીવથીય વ્હાલું એ પાત્ર રખડી- ભટકીને ફરીથી આપણા ખોળે ખાલી થવા આવે ત્યારે હૃદયના દરિયામાં સર્જાતાં વમળમાં આપણી નૈયા ગોથે ચડવા લાગે છે.. જેની
આંખોની કીકીમાં એકસમયે આપણી જાતને જોતાં- અનુભવતા હતા ત્યાં પારાવાર અફસોસ અને કશુંક ગુમાવ્યાની વેદના છલકે છે.

જેના સ્પર્શ માત્રથી તમામ અંગમાં માદકતા પ્રસરતી હતી ત્યાં આમ અચાનક ભેટવું સાવ ટાઢુંબોળ લાગે છે. એ ગમતી વ્યક્તિના મોંમાંથી નીકળતા કાલાઘેલા શબ્દો એક સમયે તમામ થાક ઉતારવા સમર્થ હતા, જ્યારે આજના અસ્ખલિત વહેતાં આંસુઓ પણ સૂકા ભઠ્ઠ ભાસે છે.

જીવનભર સાથ નિભાવ્યાના વાયદાઓ કોઈ થ્રિલર મૂવીના ક્લાઈમેક્સની જેમ આંખો સામે આવે છે… મોબાઈલના સ્ક્રીન પર વારંવાર ટપકતા નોટિફિકેશન્સ સામે એની ફિઝિકલ હાજરી વામણી પૂરવાર થાય છે. જે માણસે ઓળઘોળ થયાની શાયરીઓ લખી હતી એ શબ્દો આજે રદ્દી સમાન નજરે ચડે છે….. જાણે સદીઓ વીતી ગઈ હોય એમ એક જ જગ્યાએ રાહ જોઈને ઊભાં રહેવાથી પગના તળિયે પડી ગયેલાં છાલાંની સરખામણીએ હૈયે પડેલાં છાલાં બાજી મારી ગયા હોય છે.

આ તે કેવી મન:સ્થિતિ…! જ્યાં મન મૂકીને પ્રેમ વરસતો ત્યાં માથું નીચું કરીને મૌન વરસી રહ્યું છે. જ્યાં નીચે નમીને ઘૂંટણિયે પડીને પ્રેમની કબૂલાત થઈ હોય ત્યાં હવે અફસોસ સાથે માફી માંગીને ફરીથી પ્રેમના સ્વીકાર માટેની આજીજી થઈ રહી છે… એ પ્રિયજન રખડી ભટકીને પાછું આપણી પાસે આવે ત્યારે મનનો દાવાનળ જાણે આભે આંબી જાય એવો હોય છે. અકળામણ અને ગૂંગળામણનો અતિરેક એટલો હોય છે કે જાણે હૃદય ફાટી પડશે. એના સ્વીકારની વાત તો બાજુ પર રહી, પરંતુ એના ગયા પછી આપણી જાત પર આદરેલો અત્યાચાર વડચકા ભરવા લાગે છે… આપણને છોડીને ગયા પછી એના પાછા ફરવા સુધીના સમયગાળાનું વર્ણન કદાચ ન થઈ શકે. જાણે શબ્દો પોતાના મોં પર આંગળી રાખી દે છે, પણ અંદર તો સંઘરેલા શબ્દોનો સમૂહ જાણે ચીસો પાડી રહ્યો હોય છે. આંસુઓ પોતાના બંને ઘરોને તાળાં લગાવી દે છે, પણ અંદરનો માંહ્યલો તો ગગનભેદી આક્રંદ કરી રહ્યો હોય છે.

નીચું માથું કરીને ખડકીએ ઊભેલાં પ્રિયજનને બથમાં લઈને વ્હાલ કરવાનું મન તો થાય, પણ કશુંક યાદ આવતા આગળ વધતા હાથને જાણે કરંટ લાગે છે.

એક યુગલ ત્રણ વર્ષના રિલેશનશિપ બાદ અલગ થાય છે. યુવક ખોખલા બહાનાં હેઠળ ત્રણ વર્ષના સાથી- પ્રિયજનને છોડી દે છે. યુવતી બધું જ ભૂલીને પોતાની લાઈફને નવેસરથી સેટ કરવા-ગોઠવાવા મથી રહી છે ત્યાં અચાનક કેટલાંક સમય પછી ફરી એ યુવક એની પૂર્વ પ્રેમિકાને મળે છે અને પોતાના વર્તન બદલ અફસોસ કરે છે. ‘તારા જેવું માણસ મને આ જન્મમાં તો નહીં જ મળે કદાચ…’ આવું બોલીને નતમસ્તક થાય છે. પોતાનાથી શું ભૂલ થઈ ગઈ એ ક્ધફસ કરીને ફરી પોતાનો સ્વીકાર કરવા કહે છે… આ સ્થિતિમાં યુવતીની હાલત કફોડી બને છે. દિલ અને દિમાગ બંને જૂદી જૂદી દિશામાં રસ્સાખેંચ કરી રહ્યા હોય છે…

પોતે શું કરવું જોઈએ? જે છોડીને ગયા છે એને કાયમ માટે ભૂલીને આગળ વધવું કે ભૂલ સમજાતાં એ માણસનો સ્વીકાર કરવો?

મોટાભાગના લોકો એમ કહેશે કે, ‘જે જાય છે એ આપણા હોતા નથી અને જે આપણા હોય છે એ ક્યારેય જતાં નથી…’

        વાત  સાચી, પણ આપણું મન જો કહેતું હોય કે એક તક આપવી જોઈએ. કદાચ આપણને છોડ્યા પછીના સમયગાળામાં એને આપણી મહત્તા સમજાઈ હોય એવુંય બને... અને ખાસ મહત્ત્વનું એ કે કોઈનો વિશ્ર્વાસઘાત કર્યા પછી એ વ્યક્તિ ફરીથી વિશ્ર્વાસ સંપાદિત કરવા પોતાનો જીવ રેડી દેતી હોય છે. એની ભૂલ   પછીય આપણે સહર્ષ સ્વીકાર કર્યો એ વાત એ વ્યક્તિ ક્યારેય નહીં ભૂલે અને ફરી ભૂલ થવાનો અવકાશ પણ નહીં... 

હા, એનો જો અસ્વીકાર જ કરવો હોય તો પૂરા માન- સન્માન સાથે કરવો જોઈએ. જેથી એ વ્યક્તિ ફરી બેઠી થવાની કોશિશ છોડી ન દે, કારણ કે કેટલીક ઘટનાનાં પરિણામ કોઈનાં હાથમાં નથી હોતાં, પણ એ ઘટનાને કઈ દિશામાં લઈ જવી એ ચોક્કસ આપણા હાથમાં હોય છે…

ક્લાઈમેક્સ:
તારી આંખો પરની પાંપણનો ભાર અસહ્ય લાગે ને ત્યારે સમજી જજે કે મારું મૌન તને હવે સવાલ કરી
રહ્યું છે…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…