
સ્પોર્ટ્સવિમેનઃ અજય મોતીવાલા
ડિસેમ્બર, 2025માં સોશ્યલ મીડિયામાં એવી વાતો ઊડી હતી કે ઇંગ્લૅન્ડની પચીસ વર્ષની પેસ બોલર લૉરેન બેલ પર ભારતીય પેસ બોલર હર્ષિત રાણા આફરીન છે અને હર્ષિતનું એવું માનવું છે કે તેની દૃષ્ટિએ ક્રિકેટના ઇતિહાસમાં લૉરેન બેલ મોસ્ટ બ્યુટીફૂલ ગર્લ છે અને તેની સાથે તે લગ્ન કરવા માગે છે. જોકે આ અફવા પછીથી બહુ આગળ નહોતી વધી, પરંતુ લૉરેન બેલની લોકપ્રિયતા ભારતમાં આવ્યા બાદ ખૂબ વધી ગઈ.
વાત એવી છે કે તાજેતરમાં ભારતમાં મહિલાઓની આઇપીએલ તરીકે ઓળખાતી વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની જે સીઝન રમાઈ ગઈ એ સીઝન માટેના પ્લેયર્સ ઑક્શન પહેલાં ઇન્સ્ટાગ્રામ પર લૉરેન બેલના 150-કે એટલે કે 1,50,000 ફૉલોઅર્સ હતા. તમને જાણીને નવાઈ લાગશે કે હૉલિવૂડની ઍક્ટ્રેસ જેવી દેખાતી લૉરેન બેલ રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી) વતી એક મૅચ રમી અને તેના ફૉલોઅર્સની સંખ્યા વધીને એક મિલિયન (10 લાખ) થઈ ગઈ હતી.
માત્ર એક જ મૅચમાં તેના ચાહકોની સંખ્યા દોઢ લાખથી વધીને દસ લાખ થઈ ગઈ. વાત ત્યાં જ નથી અટકી. હવે લૉરેનના બે મિલિયન (20 લાખ)થી પણ વધુ ફૉલોઅર્સ થઈ ગયા છે. આ તો ગજબ કહેવાય.
છ ફૂટ ઊંચી લૉરેન બેલનો સુવર્ણકાળ ત્યારે જાણે ભારતમાં આવીને શરૂ થયો એમ કહીએ તો ખોટું નથી. કારણ એ છે કે ગયા ગુરુવારે (પાંચમી ફેબ્રુઆરીએ) લૉરેન બેલની જાદુઈ બોલિંગની આરસીબીને બીજું ડબ્લ્યૂપીએલ ટાઇટલ અપાવવામાં મોટી ભૂમિકા હતી. એ દિવસે વડોદરામાં આરસીબીની દિલ્હી કૅપિટલ્સ સામે ફાઇનલ હતી. સ્મૃતિ મંધાના આરસીબીની કૅપ્ટન છે અને લૉરેન બેલ પર તેણે મોટો ભરોસો રાખ્યો હતો જેને બેલે યોગ્ય સાબિત કર્યો હતો.
જેમિમા રૉડ્રિગ્સના સુકાનમાં દિલ્હીની ટીમ ચાર વિકેટે 203 રન બનાવી શકી હતી. એ ટોટલ હતું પડકારરૂપ અને લૉરેન બેલ એકેય વિકેટ નહોતી લઈ શકી, પરંતુ (કૅપ્ટન સ્મૃતિ મંધાનાના જ શબ્દોમાં જાણીએ તો) લૉરેન બેલે એમાં જે અસરદાર બોલિંગ (4-0-19-0) કરી એની વિપરીત અસર દિલ્હીની બૅટર્સ પર પડી હતી. લૉરેન બેલ 19 રનમાં એકેય વિકેટ નહોતી મેળવી શકી, પરંતુ તેણે દિલ્હીની બૅટર્સને જે રીતે બાંધીને રાખી હતી એનો સીધો ફાયદો આરસીબીને થયો હતો.
સ્મૃતિ મંધાનાએ લૉરેન બેલના સચોટ વખાણ કર્યા હતા. તેની ટીમની જે ચાર બોલર્સે ચાર-ચાર ઓવર બોલિંગ કરી હતી એમાંથી ત્રણ બોલર (અરુંધતી રેડ્ડી, નૅડિન ડિક્લર્ક, સાયલી સતઘરે)ની ચાર-ચાર ઓવરમાં 40-પ્લસ રન બન્યા હતા, પણ લૉરેન બેલની ચાર ઓવરમાં દિલ્હીની બૅટર્સ માત્ર 19 રન બનાવી શકી હતી.
લૉરેન બેલ અને સાથી બોલર્સે દિલ્હીને 4/203ના સ્કોર સુધી જ આગળ વધવા દીધી અને ત્યાર પછી 204 રનનો પડકારરૂપ લક્ષ્યાંક મેળવવાનું કામ ખુદ સ્મૃતિ મંધાના (87 રન, 41 બૉલ, ત્રણ છગ્ગા, બાર ચોગ્ગા) અને જ્યોર્જિયા વૉલ (79 રન, 54 બૉલ, 14 ચોગ્ગા) તેમ જ રાધા યાદવે (12 અણનમ, પાંચ બૉલ, બે ચોગ્ગા)એ પૂરું કરી નાખ્યું હતું. બેલ અને આરસીબી ની બીજી બોલર્સે અને પછી બૅટર્સે દિલ્હીની ટીમનું બૅન્ડ બજાવી દીધું અને મુંબઈ ઇન્ડિયન્સની જેમ બીજું ડબ્લ્યૂપીએલ ટાઇટલ મેળવી લીધું.
આરસીબીની આ સીઝનની બેસ્ટ બોલર નૅડિન ડિક્લર્ક (16 વિકેટ) બાદ બીજું નામ લૉરેન બેલ (12 વિકેટ)નું છે. 16 વર્ષની ઉંમર સુધી ફૂટબૉલ રમતી લૉરેન બેલે 2015ની સાલમાં ક્રિકેટમાં ઝંપલાવ્યું હતું અને પછી તો ઇંગ્લૅન્ડની મુખ્ય મહિલા ટીમની મુખ્ય પેસ બોલર બની ગઈ હતી. 2026ની ડબ્લ્યૂપીએલમાં તે પહેલી જ વખત રમી અને સુપરસ્ટાર બની ગઈ.
2026ની ડબ્લ્યૂપીએલની ચૅમ્પિયન ટીમનો હિસ્સો બનવાની સાથે તેણે લાખો રૂપિયાની કમાણી તો કરી, લાખો ફૉલોઅર્સ પણ મેળવી લીધાં. હજી મહિના પહેલાં જેને સોશ્યલ મીડિયામાં ભાગ્યે જ કોઈ ઓળખતું હતું એ બ્રિટિશ બોલરને આરસીબીએ ઑક્શનમાં 94 લાખ રૂપિયામાં મેળવી હતી અને હવે તે જોત જોતામાં લાખોની માનીતી થઈ ગઈ છે. ખુદ લૉરેને જ તાજેતરમાં કહ્યું કે ‘ભારતમાં મેં છેલ્લા થોડા અઠવાડિયા જે રીતે અનુભવ્યા એ હું ક્યારેય નહીં ભૂલું. મારી ખુશીનો કોઈ પાર નથી.’
ફ્લૂની ઐસી તૈસી: સ્મૃતિ બીમાર હોવા છતાં રમી
સ્મૃતિ મંધાનાએ ત્રણ મહિના પહેલાં નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારતને પ્રથમ મહિલા વર્લ્ડ કપ ટ્રોફી અપાવવામાં મોટું યોગદાન આપ્યું અને ત્યાર પછી ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ પલાશ મુચ્છલ સાથેના વિવાદના વમળમાંથી બહાર આવી અને પ્રૅક્ટિસ શરૂ કર્યા બાદ તેણે ડબ્લ્યૂપીએલમાં આરસીબીને બે વર્ષમાં બીજું ટાઇટલ અપાવી દીધું.
ગુરુવાર, પાંચમી ફેબ્રુઆરીની દિલ્હી કૅપિટલ્સ સામેની ફાઇનલ પહેલાં આરસીબીની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને તાવ હતો. ફ્લૂને લીધે તે આ ફાઇનલમાં ન રમે એવી સંભાવના હતી, પરંતુ ફ્લૂને અવગણીને તે ફાઇનલમાં પૂરી ક્ષમતાથી રમવાના સંકલ્પ સાથે વડોદરાના કોટંબી સ્ટેડિયમના મેદાન પર ઊતરી હતી અને 41 બૉલમાં 87 રન કરીને આરસીબીને તેણે યાદગાર વિજય અપાવ્યો હતો.
સ્મૃતિની બીમારી ખરેખર ગંભીર હતી. આરસીબીના કોચ એમ. રંગરાજને ફાઇનલ પછી કહેલું કે ‘સ્મૃતિને ફાઇનલ પહેલાં ખૂબ તાવ હતો. જોકે મીડિયાને કે જાહેર જનતાની વાત જવા દો, તેણે ટીમમાં પણ કોઈને ખબર નહોતી પડવા દીધી. આ જ તો સ્મૃતિની ખાસિયત છે.
મેં તેને આરામ કરવા કહ્યું, પણ તેણે મને ફટ દઈને કહી દીધું કે હું તો ફાઇનલ રમવાની જ છું. તેણે બીમાર હોવા છતાં ફાઇનલ જેવી સર્વોત્તમ મૅચમાં ટીમનું સુકાન સંભાળ્યું અને મૅચ-વિનિંગ પર્ફોર્મ કર્યું. ક્રિકેટનું તેનામાં જે પૅશન છે અને ટીમને જિતાડવાની તેનામાં જે દૃઢતા છે એનું હું શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી.’



