લાડકી

લખીમી બરુ આ અર્ધ-શિક્ષિત છોકરીથી મહિલા બેન્કર અને પદ્મશ્રી સુધીની પ્રેરણાદાયી સફર

કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક

આપણે હંમેશાં કહીએ છીએ કે, દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ એ હાથને પોતાની સફળતાની ઇમારત ઘડવાની ફુરસદ ભાગ્યેજ મળતી હોય છે. પણ આજે આપણે એક એવી મહિલાની વાત કરવાના છીએ જેણે પરિવારના વિકટ સંજોગોને કારણે શિક્ષણ પડતું મૂકવું પડ્યું, પણ જીવનમાં આવેલા એક પુરુષના પ્રોત્સાહનને કારણે પદ્મશ્રી સુધીની સફર પૂર્ણ કરી શક્યાં.
લખીમી બરુઆ એક સામાજિક કાર્યકર છે જેમણે ગરીબ મહિલાઓ માટે આસામની પ્રથમ મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા સંચાલિત સહકારી બેંક કનકલતા મહિલા સહકારી બેંક શરૂ કરી છે. આ બેંક છેલ્લાં ૨૦ વર્ષથી કામ કરી રહી છે. એક નાનકડા સમૂહ સાથે શરૂ થયેલી આ બેંક આજે વિરાટ વટવૃક્ષનું સ્વરૂપ લઇ ચુકી છે અને આજે તેમાં હજારો મહિલાઓ અને સેંકડો મહિલા સ્વયંસેવક જૂથો જોડાયાં છે અને તેનો લાભ લઇ રહ્યા છે. સરકારે વર્ષ ૨૦૨૧ માં લખીમી બરુઆને પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતાં.

ભરતી ઓટ જેવા તેમના જીવનની કહાણી એ મહિલાઓ માટે પ્રેરણાદાયી છે જેમણે સંજોગોનો સામનો કરતી વખતે પોતાના પર અશ્રદ્ધાનો સામનો કરવો પડ્યો હોય. ચાલો જાણીએ લખીમીની જીવન કહાણી.

પદ્મશ્રી પુરસ્કાર વિજેતા લખીમી બરુઆનો જન્મ ૧૯૪૯ માં જોરહાટ, આસામમાં થયો હતો. તેનો જન્મ થતાં જ તેની માતાએ આ દુનિયાને અલવિદા કહી દીધી. મા વિનાની બાળકી લખીમીને તે પછી તેના પિતાએ ઉછેર કરીને મોટી કરી અને તેને માતા-પિતા બંનેનો પ્રેમ આપ્યો. લખીમીને તેના પિતા તેમજ તેના પરિવાર તરફથી ઘણો પ્રેમ મળ્યો. લખીમી બરુઆના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી, પરિણામ સ્વરૂપ તેમનો ઉછેર તો યોગ્ય રીતે થયો હતો, પણ તેના કારણે તેમણે પોતાના સંજોગો સાથે સમાધાન કરવાનું પણ શીખી લીધું હતું. તે શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ જ સારી હતી અને તેથી તેના પિતાએ પણ તેને અભ્યાસ ચાલુ રાખવામાં ઘણી મદદ કરી, પરંતુ જાણે ઈશ્ર્વર તેની પરીક્ષા લઇ રહ્યો હોય તેમ આ દરમિયાન તેના પિતાનું પણ અવસાન થયું.

તેના પિતાના અવસાન પછી, લખીમીની જવાબદારી તેમના પરિવારના અન્ય સભ્યો પર આવી ગઈ અને તેમને લખીમી બરુઆના લગ્ન અને ઉછેરની સમસ્યાનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ લખીમી બરુઆએ પણ વર્ષ ૧૯૬૯ માં કોલેજનો અભ્યાસ છોડી દીધો હતો. પરિવારના બાકીના લોકોની આર્થિક સ્થિતિ પણ સારી નહોતી. તેમ છતાં સદ્ભાગ્યે તેઓએ લખીમીનો સાથ છોડ્યો નહીં. લખીમી બરુઆએ આ સમય દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો અને નાણાકીય સુરક્ષાનું જીવનમાં કેટલું મહત્ત્વ છે તે પોતાના અનુભવથી તેને સમજાયું. આ દરમિયાન વર્ષ ૧૯૭૩ માં લખીમીના લગ્ન પ્રભાત બરુઆ સાથે થયા અને આ લગ્ન બાદ તેમના જીવનમાં પણ બદલાવ આવવા લાગ્યો. તેના પતિ અને તેમનો પરિવાર ઘણા સમજુ હતા. ઉપરાંત તેઓ જુનવાણી માન્યતાઓનો શિકાર નહોતા અને સ્ત્રીને સામાજિક અને આર્થિક સ્વતંત્રતા આપવા બાબત તેમના વિચારો પ્રગિતિશીલ કહી શકાય તેવા હતા. આને લખીમીનું નસીબ જ કહી શકાય કે જ્યાં એક બાજુ તેને આર્થિક મુશ્કેલીઓનો નાનપણથી સામનો કરવો પડ્યો હતો ત્યાં બીજી બાજુ પિતૃગૃહે અને સુર ગૃહે સમજુ અને સાથ આપનાર પરિવાર તેની પડખે ઊભો હતો. પતિના પ્રોત્સાહનથી લખીમીએ અધૂરું રહી ગયેલું ભણતર ફરી શરૂ કર્યું. લખીમીએ વર્ષ ૧૯૮૦માં વાહના કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. જે બાદ તેના પતિએ પ્રભાતે તેને નોકરી કરવાની સલાહ આપી અને તેને માટે સહકાર પણ આપ્યો.
પતિના સાથ સહકારને કારણે લખીમી એ નોકરી કરવાનો નિર્ણય કર્યો. જે પછી લખીમી બરુઆએ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં એકાઉન્ટ મેનેજર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. એક બાબત જે તેમને સૌથી વધુ પરેશાન કરતી
હતી તે એ હતી કે અહીંની ગરીબ અને અશિક્ષિત મહિલાઓને લોન માટે કલાકો સુધી કતારોમાં ઊભા રહેવું પડતું હતું અને જ્યારે નંબર આવતો ત્યારે જરૂરી દસ્તાવેજોના અભાવે તેમને ખાલી હાથે પાછા ફરવું પડતું હતું. આ જોઈને લખીમી બરુઆને ખૂબ દુ:ખ થતું અને ઈચ્છા હોવા છતાં પણ તે મહિલાઓને મદદ કરી શકતાં નહીં.

લખીમી પોતાના અંગત અનુભવથી એટલું તો સમજતા જ હતાં કે આર્થિક મદદની મહિલાઓને કેટલી જરૂર છે અને મહિલાઓ પગભર થાય તો તેનો પરિવાર પણ પગભર થઇ શકે છે. એટલે આ વિશે ઘણું વિચાર્યા પછી, લખીમી બરુઆએ વર્ષ ૧૯૮૩માં જોરહાટમાં મહિલા સમિતિની રચના કરી. જે બાદ તેમને મહિલાઓને પડતી વિવિધ સમસ્યાઓ વિશે પણ જાણ થઈ અને અંતે તેમણે મહિલાઓની મદદ માટે વર્ષ ૧૯૯૦ માં કનકલતા મહિલા સહકારી બેંક (કેએમયુસીબી)ની શરૂઆત કરી. જોકે, સમાજમાં અને એ પણ જે વિસ્તારમાંથી તેઓ આવતા હતા ત્યાં મહિલાઓને સ્વતંત્ર કારભાર કરવામાં રૂઢિવાદી માનસિકતાનો સામનો તો કરવો જ પડતો હતો. લખીમીને પણ આ બેંકના રજિસ્ટ્રેશન માટે તેમને ૮ વર્ષ સુધી રાહ જોવી પડી હતી!

તે સમયે, ગૃહિણીઓએ પણ તેમને ઓથોરિટી માટે ૧ હજાર સભ્યો અને ૮ લાખ રૂપિયાની મૂડી એકત્ર કરવા માટે ટેકો આપ્યો હતો, જેની મદદથી મે ૧૯૯૮ માં કનકલતા મહિલા સહકારી બેંકની નોંધણી પૂર્ણ થઈ હતી. પછીના વર્ષે એટલે કે ૧૯૯૯ માં જ, બેંકના ૧૪૨૦ સભ્યો હતા અને તેની મૂડી રૂ. ૮,૪૫,૦૦૦ હતી. ત્યારપછીના વર્ષમાં ભારતીય રિઝર્વ બેંકે લખીમીને કોમર્શિયલ બેંકિંગ લાઇસન્સ પણ આપ્યું હતું.

અહીં એ જાણવું પણ રસપ્રદ છે કે શા માટે બેન્કનું નામ કનકલતા રાખ્યું? હકીકતમાં લખીમીએ આસામના સ્વાતંત્ર્ય સેનાની કનકલતા બરુઆ જેમણે ૧૭ વર્ષની નાની ઉંમરે દેશ માટે પોતાનો જીવ આપ્યો હતો તેમને શ્રદ્ધાંજલિ આપવા બેંકનું નામ કનકલતા મહિલા અર્બન કોઓપરેટિવ બેંક રાખ્યું છે. જોરહાટમાં આવેલી બેંકે જોરહાટ અને તેના પડોશી જિલ્લાઓમાં સેંકડો મહિલાઓના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડ્યો છે. આજે આ બેંકમાં ૪૫ હજારથી વધુ લોકોના ખાતાં છે અને તેમાંથી મોટા ભાગના મહિલાઓના ખાતાં છે. બેંકનું વાર્ષિક ટર્નઓવર ૧૬ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે જ્યારે બેંકનો નફો ૩૦ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. બેંક એવી મહિલાઓને લોન આપે છે જેમને પૈસાની જરૂર હોય છે. લખીમી બરુઆ દ્વારા મહિલાઓના કલ્યાણ માટે કરેલાં કાર્યોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે વર્ષ ૨૦૨૧ માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. તેમનું નામ લખીમી એ લક્ષ્મી શબ્દનો જ અપભ્રંશ છે. હજારો મહિલાઓના જીવનમાં આર્થિક સદ્ધરતા લાવીને લખીમીએ પોતાનું નામ સાર્થક કર્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…