ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિકા કુલદીપ કૌર
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
ગોરે ગોરે ઓ બાંકે છોરે કભી મેરી ગલી આયા કરો
ગોરી ગોરી ઓ બાંકી છોરી ચાહે રોજ બુલાયા કરો…
લતા મંગેશકર અને અમીરબાઈ કર્ણાટકીને કંઠે ગવાયેલું, રાજેન્દ્ર કૃષ્ણલિખિત આ ગીત ૧૯૫૦માં પ્રદર્શિત થયેલી સમાધિ ફિલ્મમાં નલિની જયવંત તથા કુલદીપ કૌર પર ફિલ્માવાયેલું. નલિની જયવંત રૂપેરી સૃષ્ટિની મનમોહક અભિનેત્રી હતી, પણ કુલદીપ કૌર ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિકા હતી! સિનેસૃષ્ટિની ખલનાયિકા તો એ હતી જ, પણ, વાસ્તવિક જીવનના પરદા પર પણ કુલદીપ પર ખલનાયિકા હોવાનો આરોપ લાગ્યો હતો. કારણ કે પાકિસ્તાની જાસૂસ હોવાનું આળ કુલદીપ કૌર પર લાગ્યું હતું. જોકે આરોપ ક્યારેય સિદ્ધ થયા નહોતા!
અંદાજે સો ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથરનાર કુલદીપ કૌરનો જન્મ પંજાબના અટારીમાં એક શીખ પરિવારમાં વર્ષ ૧૯૨૭માં થયેલો. કુલદીપ માત્ર બે વર્ષની હતી ત્યારે એના જમીનદાર પિતાનું મૃત્યુ થઇ ગયેલું. એ સમયની પરંપરા અનુસાર નાની ઉંમરે જ કુલદીપનાં વિવાહ નક્કી થયાં. માત્ર ચૌદ વર્ષની ઉંમરે મહારાજા રણજીતસિંહની સેનામાં કમાન્ડર રહેલા શામસિંહ અટારીવાલાના પૌત્ર અને શ્રીમંત પંજાબી જમીનદાર મોહિન્દર સિંહ સંધૂ સાથે કુલદીપનાં લગ્ન થયાં. સોળ વર્ષની ઉંમરે, ૧૯૪૩માં કુલદીપ એક દીકરાની માતા બની ગઈ. મોહિન્દર સિંહ બન્યા પિતા.
મોહિન્દર સિંહ પિતા બન્યા, પણ શ્રીમંત જમીનદાર હોવાને કારણે એમની રહેણીકરણીમાં કોઈ પરિવર્તન ન આવ્યું. એ અત્યંત ખર્ચાળ અને વિલાસી હતા.. મોહિન્દરની શાહી હવેલીમાં શેવરોલેટ, કેડીલેક, બુઈક, સ્ટ્રડબેકર, રેનો, બેબી મોરિસ અને ઓસ્ટીન જેવી એ જમાનાની સૌથી કીમતી અને લકઝરિયસ ગાડીઓનો કાફલો ખડો રહેતો. મોહિન્દર સિંહનો વધુ સમય લાહોર અને અમૃતસરની વૈભવી ક્લબોમાં પસાર થતો.
રંગીલા મોહિન્દર સિંહ ક્લબોમાં એકલા ન જતા. પત્ની કુલદીપને સાથે લઈ જતા. મોહિન્દર સિંહે કુલદીપને આધુનિક તથા ગ્લેમરસ બનવાનો અને અંગ્રેજ રીતભાત શીખવાનો આગ્રહ કર્યો. કુલદીપે પતિની ઈચ્છા મુજબ પોતાની જાતને ઢાળી. હાઈફાઈ સોસાયટીની આલીશાન પાર્ટીઓમાં મોહિન્દર સિંહ અને કુલદીપની ઓળખાણ ફિલ્મી હસ્તીઓ સાથે થઈ. એણે સિનેસૃષ્ટિના સિતારાઓ સાથે સંબંધ અને સંપર્ક વધારવાનું શરૂ કર્યું.
રૂપેરી સૃષ્ટિના ચમકતા સિતારાઓનાં ડિઝાઈનર વસ્ત્રો અને રંગઢંગથી કુલદીપ અતિશય પ્રભાવિત થઈ. આમ પણ એને અભિનય કરવાનો બેહદ શોખ હતો. શાળામાં એ નાટકોમાં ભાગ લેતી. પણ લગ્ન થઇ જતાં એણે અભિનયના અરમાન પર ઠંડું પાણી રેડી દીધેલું. પરંતુ સિનેમાના સિતારાઓ સાથે સંબંધ જોડાયા પછી કુલદીપના અભિનયનાં અરમાનો ફરી સળવળી ઊઠ્યા. એ અભિનેત્રી બનવાના ખ્વાબમાં રાચવા લાગી.
દરમિયાન, એક દિવસ લાહોરની એક ક્લબમાં કુલદીપની નજર અભિનેતા પ્રાણ પર પડી. પ્રાણ ૧૯૪૦ની પંજાબી ફિલ્મ યમલા જટમાં નાયકની મુખ્ય ભૂમિકા ભજવીને લોકપ્રિય થઈ ગયેલા. મોકો મળતાં કુલદીપ પ્રાણ પાસે પહોંચી ગઈ. પ્રાણની ફિલ્મોની પ્રશંસા કરવા માંડી. કુલદીપ એટલી ખૂબસૂરત અને બિન્દાસ હતી કે થોડીક મિનિટોની ચર્ચા ક્યારે કલાકોની વાતચીતમાં પલટાઈ ગઈ એનો એમને ખ્યાલ સુધ્ધાં ન રહ્યો. કુલદીપ અને પ્રાણનો પ્રેમસંબંધ આરંભ થઈ ગયો.
આ ગાળામાં, ૧૯૪૩માં કર્નલ ચાંદે પોતાના પ્રોવિડંડ ફંડનાં નાણાંથી ગર્દિશ નામની ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. ક્લબમાં ચંચળ પતંગિયાની જેમ ઊડાઊડ કરતી કુલદીપ સમક્ષ અભિનેત્રી બનવાનો પ્રસ્તાવ મૂક્યો. કુલદીપે તરત જ પ્રસ્તાવ સ્વીકારી લીધો. અભિનેત્રી તરીકે કામ કરવાના મહેનતાણા પેટે કુલદીપને પંચોતેર રૂપિયા મળ્યા, જે એ જમાનામાં મોટી રકમ ગણાતી. જોકે ફિલ્મનિર્માણનું કાર્ય થયું જ હતું કે કર્નલ ચાંદના પૈસા પૂરા થઇ ગયા. દરમિયાન, પંજાબ મ્યુચ્યુઅલ ફંડ કંપનીના માલિક નિરંજન દાસ કપૂરે ફિલ્મ પૂરી કરવાનું બીડું ઉઠાવ્યું. એમણે મુંબઈથી પોતાના પિતરાઈ મુલ્કરાજ કપૂરને લાહોર તેડાવ્યા. મુલ્કરાજ ગીતકાર હોવાની સાથે પટકથા લેખક પણ હતા. નિરંજન દાસ અને મુલ્કરાજે મળીને ફરી એક વાર ફિલ્મ નિર્માણનું કામ આગળ વધાર્યું. પણ મુલ્કરાજનું ઓચિંતું મૃત્યુ થયું. વળી નિરંજન દાસ દેવાના બોજ હેઠળ દબાઈ ગયેલા. એથી ફિલ્મ બનાવવાનું પડતું મૂક્યું. આ રીતે કુલદીપને પ્રથમ ફિલ્મ મળી તો ખરી, પણ એ ક્યારેય પૂરી ન થઇ શકી.
દરમિયાન, ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. દેશના ભાગલા થયા. એ વખતે પ્રાણ લાહોર છોડીને મુંબઈ આવી ગયા. પણ ઉતાવળમાં એમની ગાડી લાહોરમાં રહી ગઈ. એ વખતે મુંબઈમાં ફિલ્મ લેખનમાં સક્રિય રહેલા મશહૂર ઉર્દૂ લેખક સઆદત હસન મંટોએ લખ્યા મુજબ, ‘પ્રાણમાં લાહોર પાછા જઈને પોતાની ગાડી લઇ આવવાની હિંમત નહોતી. ત્યારે પતિ અને પરિવારના વિરોધ વચ્ચે કુલદીપે ઘર છોડ્યું.
રમખાણોની પરવા કર્યા વિના કુલદીપ પ્રાણની ગાડી ચલાવીને લાહોરથી મુંબઈ લઈ આવી.’ કુલદીપ કૌરે ગાડીની ચાવી પ્રાણના હાથમાં મૂકી ત્યારે એ આ દબંગ પંજાબી મહિલાના સાહસને જોતા રહી ગયેલા.
પ્રાણ સાથે કુલદીપે નવા જીવનનો આરંભ કર્યો. એક દિવસ પ્રાણ કુલદીપને બોમ્બે ટોકીઝ સ્ટુડિયો લઇ ગયા. સ્ટુડીયોમાં કુલદીપનો પરિચય બોમ્બે ટોકીઝના પ્રોપ્રાયટર સવક વછ સાથે કરાવવામાં આવ્યો. સવક જાણી ગયા કે કુલદીપ અભિનેત્રી બનવા થનગને છે. એથી સવક વછે પોતાના જર્મન સિનેમેટોગ્રાફર જોસેફ વિશિંગને કુલદીપનો સ્ક્રીન ટેસ્ટ લેવા કહ્યું. કુલદીપને સ્ટુડિયોના મેકઅપ રૂમમાં લઇ જવામાં આવી. જરૂરી લાઈટ્સ અને કેમેરા લગાવી દેવાયા. થોડીક વારમાં કુલદીપ શણગાર સજીને બહાર આવી. જોસેફે કેમેરો ચલાવીને આવશ્યક રેકોર્ડિંગ કરી લીધું. એ વખતે જોસેફ પાસે ઊભેલા
સઆદત હસન મંટોએ ધીમે અવાજે કહ્યું કે, કુલદીપના ચહેરા કરતાં વધુ ધ્યાન તો એનું તીક્ષ્ણ નાક ખેંચે છે… મંટો કુલદીપના દેખાવથી ખુશ નહોતા. છતાં સવકે કુલદીપને ૧૯૪૮ની ફિલ્મ ચમનમાં ભૂમિકા ભજવવાનો મોકો આપ્યો. પરંતુ, નાયિકા તરીકે નહીં, ખલનાયિકા તરીકે !
ચમન ફિલ્મ દ્વારા સિનેસૃષ્ટિમાં પગરણ કર્યા પછી કુલદીપ એક એક ડગલું માંડતી ગઈ. ૧૯૫૦માં ગૃહસ્થી ફિલ્મમાં પતિ સામે વિદ્રોહ કરનાર આધુનિક મહિલાની ભૂમિકા ભજવીને કુલદીપે સૌનું ધ્યાન ખેંચ્યું. અફસાનામાં બેવફા પત્ની અને બૈજૂ બાવરામાં ડાકુનું પાત્ર ભજવીને સિનેસિતારાઓમાં ઝળહળી ઊઠી.. જિદ્દી, સમાધિ, બૈજૂ બાવરા, અનારકલી અને આધી રાત સહિત લગભગ સો જેટલી ફિલ્મોમાં કુલદીપે અભિનય કર્યો. એ જમાનામાં મીના શૌરી, મધુબાલા, નૂરજહાં અને બીના રોય જેવી સિનેતારિકાઓ રૂપેરી સૃષ્ટિ પર રાજ કરતી. કુલદીપ એમની ફિલ્મોની સૌથી મશહૂર ખલનાયિકા હતી.
દરમિયાન, એક ફિલ્મના શૂટિંગ માટે કુલદીપને શિરડી જવાનું થયું. શૂટિંગમાં નવરાશનો સમય મળ્યો ત્યારે કુલદીપ શિરડીના સાંઈબાબાના મંદિરે દર્શન કરવા પહોંચી. મંદિરમાં ઉઘાડે પગે ચાલતાં એના પગમાં બોરડીનો કાંટો પેસી ગયો. કુલદીપે કાંટો પગમાંથી કાઢી નાખ્યો અને પછી ફરી શૂટિંગમાં વ્યસ્ત થઈ ગઈ. કાંટાવાળી વાત જ એ ભૂલી ગઈ. પણ આ ઉપેક્ષા એને ભારે પડી. કેટલાક દિવસો પછી કાંટો વાગ્યો હતો એ જગ્યાએ જખમ પાકવા લાગ્યો. છતાં કુલદીપ બેદરકાર રહી. એણે ઈલાજ ન કરાવ્યો. પરિણામે એના શરીરમાં ઝેર ફેલાવા લાગ્યું. જયારે તબિયત એકદમ કથળી ત્યારે એણે ઈલાજ કરાવ્યો, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયેલું. માત્ર તેત્રીસ વર્ષની ઉંમરે ૩ ફેબ્રુઆરી ૧૯૬૦ના ટીટનેસથી એનું મૃત્યુ થઈ ગયું. એ સાથે ભારતીય સિનેમાની પ્રથમ ખલનાયિકા કુલદીપ થોડો સમય ઝગમગી, પણ પછી એના જીવનનો દીપક બુઝાઈ ગયો!