કી હૉલ?
સિમ્પલ આઉટફિટને કી હૉલ દ્વારા હટકે લૂક આપવામાં આવે છે. જે તમારા પરિધાનને નવો ઓપ તો આપે જ છે, પરંતુ સાથે જ એ ટ્રેન્ડી અને સ્ટાઇલિશ પણ દેખાય છે. બ્લાઉઝ હોય કે પછી કુરતી હોય કી હૉલથી કપડાં દેખાશે આકર્ષક.

ફેશન -ખુશ્બુ મુલાણી ઠક્કર
ગાર્મેન્ટમાં કી હોલ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. કી હોલ ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતું નથી. કી હોલથી એક ડેલિકેટ અને સ્ટાઇલાઇઝડ લુક આવે છે. કી હોલ એટલે ગાર્મેન્ટમાં કોઈ શેપ આપીને એને કટ કરવો અને જેમાંથી તમારી સ્કિન દેખાય. કી હોલ મોટા ભાગે ડ્યું ડ્રોપ કે રાઉન્ડ શેપમાં હોય છે. ગાર્મેન્ટમાં કી હોલનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે જેમ કે, ઇન્ડિયન વેર, બ્લાઉઝમાં અને વેસ્ટર્ન આઉટફિટમાં. ચાલો જાણીયે કી હોલ ગારમેન્ટ કઈ રીતે પેહરી શકાય.
ઇન્ડિયન વેર – ઇન્ડિયન વેરમાં ખાસ કરીને કુર્તીમાં કી હોલ ઘણું પ્રચલિત છે. મોટે ભાગે કુરતીમાં કી હોલ નેક લાઈનમાં હોય છે, જેમકે ફ્રન્ટ નેક લાઈન અને બેક નેક લાઈન. સિમ્પલ કુરતીમાં કી હોલ એક એલિમેન્ટ એડ કરે છે. જયારે કુરતીનું ફેબ્રિક પ્રિન્ટેડ હોય અને એમ થાય કે આ ફેબ્રિકમાં કઈ પેટર્ન કરવી ત્યારે કી હોલ કરી શકાય અને કુરતીનું ફેબ્રિક પ્લેન હોય કે પ્રિન્ટેડ હોય કી હોલ સારું જ લાગે. જો તમને તમારી કુરતીમાં કી હોલ કરવું હોય તો ઑરિજિનલ નેક લાઈન થોડી હાઈ રાખવી અને પછી તમને ગમતા શેપ મુજબ કી હોલ આપી શકાય. કી હોલમાંથી સ્કિન દેખાવાની છે તેથી જો તમારી ઑરિજિનલ નેક લાઈન લો હશે અને પછી કી હોલ હશે તો ખરાબ લાગશે. ફોર્મલ ડ્રેસમાં કી હોલ એક મહત્ત્વનો ભાગ ભજવે છે.
જેમકે કી હોલ આપી તેની આજુ બાજુ 1 ઈંચ કે 2 ઈંચ જેટલું વર્ક કરાવવું. વર્ક એટલે મશીન એમ્બ્રોઈડરી અથવા હેન્ડ એમ્બ્રોઇડરી. જેથી એક પેટર્ન જેવું લાગે અને નેકલાઇન જ્યારે વર્કવાળી હોય ત્યારે હેવી લુક આવે છે અને વધારે કોઈ પેટર્નની જરૂર પડતી નથી. તમારે વધારે ફૅન્સી લુક જોઈતો હોય તો કી હોલ સાઈડમાં આપી શકાય, અને તેને વર્કથી ડેકોરેટ કરી શકાય. જો તમારે વર્ક ન કરાવવું હોય તો તમે લેસનો પણ ઉપયોગ કરી શકો. કી હોલમાં 2 જાતના ઓપનિંગ હોય છે. પહેલું કે જેમાં ફેબ્રિકનું બટન હોય અથવા તો કોઈ ડેકોરેટિવ કે મેટલનું બટન હોય અને બીજું એ કે કી હોલ બંધ કરવા માટે દોરીનો ઉપયોગ થાય. દોરી કુરતીના ફેબ્રિકની હોઈ શકે અથવા તો કોઈ કોન્ટ્રેસ્ટ કલરની પાઇપિન નાખી હોય તે કોન્ટ્રેસ્ટ કલરના ફેબ્રિકની પણ હોઈ શકે. તમે તમારી ચોઈસ મુજબ બટનનો ઉપયોગ કરવો કે દોરીનો ઉપયોગ કરવો તે ડિસાઈડ કરી શકો. નેક્લાઈનને મૅચિંગ કી હોલનો ઉપયોગ સ્લીવ્ઝમાં પણ કરી શકો. સ્લીવ્ઝમાં કી હોલની સાઈઝ તમે તમારી ચોઈસ મુજબ કરાવી શકો. જો શોર્ટ સ્લીવ્ઝ હોય તો નાની સાઈઝનું કી હોલ સારું લાગશે અને જો થ્રી ફોર્થ કે ફૂલ સ્લીવ્ઝ હોય તો 4 ઈંચથી લઈને 6 ઈંચ સુધીનું કી હોલ સારું લાગી શકે.
બ્લાઉઝ – એમ કહી શકાય કે બ્લાઉઝની પેટર્ન કી હોલ વગર અધૂરી છે. બ્લાઉઝમાં કી હોલ ફ્રન્ટ અને બેક એમ બન્ને સાઈડ પર આવી શકે. ફ્રન્ટમાં જે કી હોલ હોય છે તે નાની સાઈઝનું હોય છે અને ફ્રન્ટમાં જ્યારે કી હોલ આપવામાં આવે ત્યારે સાડી ટ્રાન્સપેરન્ટ પહેરવી જેથી કરી બ્લાઉઝની પેટર્ન દેખાય. ટ્રાન્સપેરન્ટ ફેબ્રિકમાંથી બનાવેલા બ્લાઉઝમાં કી હોલ પેટર્ન ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે. બ્લાઉઝમાં બસ્ટ એરિયા પર લાઇનિંગ એડ કરવું અને બસ્ટ એરિયાનું લાઇનિંગ જ્યાંથી ચાલુ થાય ત્યાંથી નેક લાઈન સુધી કી હોલ આપવું. બેક સાઈડમાં જે કી હોલ આવે છે તે ખૂબ જ અટ્રેક્ટિવ લાગે છે. જો તમારું શરીર સુડોળ હોય અને બેકમાં કોઈ ચરબીના થર ન દેખાતા હોય તો તમે કી હોલની સાઈઝ બ્રોડ રાખી શકો કે જેમાં માત્ર બ્લાઉઝમાં નીચે 2 ઇંચની પટ્ટી હોય અને આખી બેક દેખાતી હોય અને ઉપર માત્ર કી હોલને બંધ કરવા માટે એક બટન હોય કે દોરી હોય. આ પેટર્ન ખૂબ જ જૂની છે છતાં ક્યારેય પણ આઉટ ઑફ ફૅશન થતી નથી. ઘણી વખત બ્લાઉઝની બેકમાં 2 કી હોલની પેટર્ન કરવામાં આવે છે.
જો તમારું શરીર ભરેલું હોય અને બેકમાં ચરબીના થર દેખાતાં હોય છતાં તમને કી હોલ વાળું બ્લાઉઝ પહેરવું હોય તો, તમે આંખ શેપનું કી હોલ કરી શકો. કે જેમાં તમારી સ્કિન બહુ ઓછી દેખાશે. બ્લાઉઝમાં કી હોલ ઘણા અલગ અલગ શેપના આવે છે. બ્લાઉઝમાં તમે કી હોલ માટે ઘણાં વેરિએશન કરી શકો. કી હોલ પ્લેન અથવા પ્રિન્ટેડ એમ બન્ને ફેબ્રિક પર સારું લાગે છે. પ્લેન બ્લાઉઝ સાથે બેકમાં આપેલું કી હોલ એક આગવી છાપ ઊભી કરે છે.