જ્યારે તમે પહેલીવાર થ્રેડિંગ થેરપી કરાવો તો આ બાબતોનું રાખો ધ્યાન

રૂપનિખાર -પ્રતિમા અરોરા
હકીકતમાં થ્રેડિંગ થેરપી એટલે કોટનના દોરાનો ઉપયોગ કરીને ભમરના વાળ દૂર કરવાની પ્રક્રિયા. આના દ્વારા બિનજરૂરી વાળ દૂર કરીને ચહેરાને સુંદર અને સુડોળ બનાવી શકાય છે. તેનાથી ચહેરાને સુંદર આકાર પણ મળે છે, જેનાથી તમારી સુંદરતા વધી જાય છે. તેમજ પરંપરાગત સુતરાઉ થ્રેડ વડે કરવામાં આવતી આ થ્રેડિંગ થેરપીથી ચહેરા અને ગરદનની આસપાસની લચીલી ત્વચા કોઈપણ જોખમ વિના દૂર થઈ જાય છે. ઉપરાંત, ચહેરાની ત્વચા નિસ્તેજ દેખાવાને બદલે આકર્ષક દેખાવા લાગે છે. પરંતુ જો તમે આઈબ્રો થેરપી અથવા થ્રેડિંગ થેરપી દ્વારા આ પરિણામો મેળવવા માગતા હો, તો હંમેશા એક વાતનું ધ્યાન રાખો કે જ્યાં પણ તમે આ થેરાપી કરાવો ત્યાં પહેલા ખાતરી કરો કે તેના માટે જે દોરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે શુદ્ધ સુતરાઉ દોરો જ છે. હા, આજકાલ કેટલાક લોકો આ હેતુ માટે મજબૂત પ્લાસ્ટિકના દોરાનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તે પાતળા શુદ્ધ કોટનના દોરાથી કરાતી થ્રેડિંગ સમાન ફાયદા આપતા નથી. સિન્થેટિક અથવા પ્લાસ્ટિક થ્રેડથી ચેપ લાગવાનું જોખમ પણ છે.
મેકઅપ વગર થ્રેડિંગ
થ્રેડિંગ પહેલાં ચહેરા પર કોઈ પ્રકારનો મેક-અપ ન હોવો જોઈએ. જો મેકઅપ હોય તો તેને દૂર કરવો પડશે, કારણ કે કેટલીકવાર થ્રેડિંગ દરમિયાન આંખમાંથી આંસુ આવે છે અને ઘણા લોકોને છીંક પણ આવે છે. આનાથી મેકઅપ બગડી શકે છે. તેથી મેકઅપ કર્યા પછી ક્યારેય પણ થ્રેડિંગ ન કરાવવું જોઈએ. જ્યારે પણ થ્રેડિંગ કરવાનું હોય, ચહેરા પર મેકઅપ લગાવવાનું ટાળો, જેથી થ્રેડિંગ કર્યા પછી મોંના આકાર – પ્રકારનો ખ્યાલ આવે સાથે થ્રેડિંગથી ચહેરો કેવો લાગી રહ્યો છે એ પણ માલૂમ પડે.
કોઈ ખાસ પ્રસંગ પહેલા થ્રેડિંગ કરાવશો નહીં
જો તમે પહેલીવાર થ્રેડિંગ થેરપી કરાવી રહ્યા છો, તો એ પણ ધ્યાનમાં રાખો કે કોઈ મોટા પ્રસંગ પહેલા તેને કરાવવાનું જોખમ ન લો. કારણ કે ઘણી વખત થ્રેડિંગ કર્યા પછી ત્વચા થોડા સમય માટે લાલ થઈ જાય છે અને કેટલાકને તો ત્વચા ઉપસી જાય છે. તેથી, ઘણી વાર મીટિંગ પહેલાં અથવા ફંક્શનના થોડા કલાકો પહેલાં કરવામાં આવતી થ્રેડિંગ થેરપી તમને દરેકની વચ્ચે બેડોળ બનાવી શકે છે, કારણ કે જો ચહેરા પર ઘણી જગ્યાઓ લાલ ફોલ્લીઓ જેવી દેખાશે અથવા ત્વચા થોડી ફૂલેલી દેખાશે છે, તો તે વિચિત્ર દેખાશે. જો તમે પહેલીવાર થ્રેડિંગ થેરપી કરાવી રહ્યા છો, તો એ પણ ધ્યાનમાં રાખો કે તમને દુખાવો થઈ શકે છે. તેથી, તમારી સાથે પેઇનકિલર્સ દવાઓ પણ રાખો. જો તમને એવું લાગે કે વાળ કાઢવાથી તમારો જીવ જાય છે, તો પછી પેઇનકિલર્સ ખાઇ લો અથવા જો થ્રેડિંગ પછી જબરદસ્ત પીડાથી ઘેરાયેલા હોવ તો પણ તેનો ઉપયોગ કરો. એનાથી થ્રેડિંગ આરામદાયક લાગશે.
જ્યારે થ્રેડિંગની સાથે ફેશિયલ પણ કરાવવું હોય
થ્રેડિંગ થેરપીનો સંપૂર્ણ લાભ મેળવવા માટે, કેટલીક અન્ય બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઉદાહરણ તરીકે, જો તમે એક જ દિવસે થ્રેડિંગ અને ફેશિયલ કરાવવા માંગતા હો, તો પહેલા થ્રેડીંગ કરાવો અને પછી ફેશિયલ કરાવો. તેનાથી તમારી ત્વચાના રોમછિદ્રો ખૂલી જશે અને પછી મસાજ કરવાથી તેને પોષણ મળશે, જેના કારણે થ્રેડિંગ પછી લાલ પિમ્પલ્સનો ખતરો ઓછો થઈ જશે. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જો તમે તમારા જીવનમાં પહેલીવાર આઈબ્રો થ્રેડિંગ કરાવી રહ્યા છો તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખો. સૌ પ્રથમ, તમારે જાણવું જોઈએ કે તમે થ્રેડિંગ થેરપીથી શું હાંસલ કરવા માગો છો? ઈન્ટરનેટ દ્વારા જાણો તમારા ફેસ કટ પ્રમાણે આઈબ્રો થ્રેડિંગની કઈ સ્ટાઈલની આઈબ્રો તમારા ચહેરા પર આકર્ષક લાગશે?
એલોવેરા જેલ બર્નિંગ સેન્સેશનથી બચાવે છે
એલોવેરા ખરેખર મેકઅપ ફ્રેંડલી છે. તેથી, જો તમારી ત્વચામાં થોડી બળતરા થતી હોય, તો તેને ઝડપથી ઘટાડવાનો એકમાત્ર રસ્તો એલોવેરા જેલનો ઉપયોગ છે. પણ હા, તમારી ત્વચાને જે એલોવેરા જેલ સૂટ થતું હોય તેનો જ ઉપયોગ કરો. ઘણી વાર અચાનક નવી બ્રાન્ડની પ્રોડક્ટ આપણી ત્વચાને સૂટ નથી કરતી અને તે આરામને બદલે અગવડતા પેદા
કરે છે.
જ્યારે એકવાર તમે શરૂ કરો…
એકવાર આઈબ્રો થ્રેડિંગની પ્રક્રિયા શરૂ થઈ જાય, પછી જ્યારે પણ આઈબ્રોમાં એક્સ્ટ્રા વાળ દેખાવા લાગે, ત્યારે ફરીથી થ્રેડિંગ કરવું જોઈએ. કારણ કે જો તમે તેને અવગણશો તો આઈબ્રો આડેધડ અને નવો આકાર લઈ શકે છે. જો તમે એક વારમાં નક્કી કરી શકતા નથી કે તમારા ચહેરાને કઇ થ્રેડિંગની શૈલી અનુકૂળ છે, તો પછી તેની શૈલીને બે વાર બદલવાનો પ્રયાસ કરો. ટૂંક સમયમાં જ તમને ખબર પડશે કે તમારા માટે કઈ શૈલી યોગ્ય છે.