લાડકી

ઓલિમ્પિકમાં પ્રથમ મહિલા ચંદ્રકવિજેતા કર્ણમ મલ્લેશ્ર્વરી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

ઓલિમ્પિકને ખેલોનો મહાકુંભ પણ કહે છે. ઓલિમ્પિક ખેલોનો ઈતિહાસ ઘણો પુરાણો છે. પ્રાચીન કાળમાં યુનાનની રાજધાની એથેન્સમાં ૧૮૯૬માં ઓલિમ્પિક પર્વત પર રમતો રમાવાને કારણે આ ખેલનું નામ ઓલિમ્પિક પડ્યું. ઓલિમ્પિકના ધ્વજમાં પાંચ રંગનાં વર્તુળ બનેલાં છે. નીલો, પીળો, કાળો, લીલો અને લાલ. આ રંગો આફ્રિકા, અમેરિકા, એશિયા, યુરોપ અને ઓશિનિયાનું આપસમાં જોડાયેલા રહેવાનું પ્રતિનિધિત્વ કરે છે. દર ચાર વર્ષે ખેલાતા ઓલિમ્પિક ખેલ વિશ્ર્વની સૌથી મોટી ખેલ પ્રતિયોગિતા છે. દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ ઓલિમ્પિકમાં ભાગ લઈને પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીતીને પોતાના દેશની પ્રતિષ્ઠામાં વધારો કરે છે.

દુનિયાના દેશો ઓલિમ્પિકમાં ભાગ લેતા રહ્યા અને ચંદ્રકો જીતતા રહ્યા. ભારત પણ ઓલિમ્પિકમાં ભાગ લેતું. પુરુષ ખેલાડીઓ ઓલિમ્પિકમાં ચંદ્રક જીતીને દેશનું નામ રોશન કરતા રહ્યા, પણ ઓલિમ્પિકના સો વર્ષ પછી પણ ભારતની મહિલા ખેલાડીઓના નસીબમાં ચંદ્રક લખાયો નહોતો. ભારતનાં મહિલા ખેલાડીઓ નિરાશ કે નાસીપાસ થયા વિના કરોળિયાની જેમ પરિશ્રમ કરતાં રહ્યાં. આખરે સૂતેલું ભાગ્ય આળસ મરડીને બેઠું થયું. વર્ષ ૨૦૦૦માં ભારતની વેઈટ લિફ્ટર કર્ણમ મલ્લેશ્ર્વરીએ ખેલોના મહાકુંભમાં વેઈટ લિફ્ટિંગ-ભારોત્તોલન પ્રતિયોગિતામાં ત્રીજો ક્રમાંક મેળવીને કાંસ્યચંદ્રક મેળવ્યો. દેશ માટે એ અત્યંત મહત્ત્વની ઘડી એટલા માટે હતી કે ભલે ત્રીજો ક્રમાંક આવ્યો, પણ ભારતની મહિલા ખેલાડીને પહેલી વાર ઓલિમ્પિકમાં ચંદ્રક પ્રાપ્ત થયેલો…. કર્ણમ મલ્લેશ્ર્વરીએ ખેલોના મહાકુંભમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા બનીને ભારતની આન, બાન અને શાન વધારી!

કર્ણમ મલ્લેશ્ર્વરીએ દુનિયાના આંગણામાં દેશનો ત્રિરંગો ફરકાવ્યો ત્યારે લોકોએ દેશની દીકરી પર પ્રશંસાનાં પુષ્પો વરસાવ્યાં, પણ એક સમય હતો જ્યારે એ જ લોકોને કર્ણમની ક્ષમતા પર વિશ્ર્વાસ નહોતો. એનું કારણ એ હતું કે એણે ૧૯૯૬માં વિશ્ર્વ ચેમ્પિયનશિપ જીતી નહોતી. ઉપરાંત એનું સ્થાનાંતરણ ૬૯ કિલોગ્રામ ભારવર્ગમાં થયેલું, એક એવી શ્રેણી જેમાં કર્ણમે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પહેલાં ભાગ લીધો નહોતો. પરંતુ કર્ણમ સહુને ખોટા પુરવાર કરવા ઉત્સુક હતી. સિડની ઓલિમ્પિકમાં વર્ષ ૨૦૦૦માં કર્ણમે એ કરી બતાડ્યું. એ ઓલિમ્પિકમાં ૬૯ કિલો ભારવર્ગમાં ભારતની કર્ણમ મલ્લેશ્ર્વરી, હંગેરીની એર્જબેટ માર્કસ અને ચીનની લિન વીનિંગ વચ્ચે ખરાખરીનો ખેલ હતો.

ખેલના અંતિમ તબક્કામાં ત્રણેય સ્પર્ધકોએ સ્નેચ શ્રેણીમાં ૧૧૦ કિલો વજન ઉઠાવ્યું. સ્નેચ એટલે વેઈટ લિફ્ટિંગની એ શ્રેણી જેમાં વેઈટ લિફ્ટર બારબેલને ઉઠાવે છે અને પોતાના માથાની ઉપર એક ચોક્કસ ગતિમાં ઉઠાવે છે. ક્લીન એન્ડ જર્ક શ્રેણીમાં વીનિંગે ૧૩૨.૫ કિલો વજન ઉઠાવીને ૧૨૫ કિલો વજન ઉઠાવનાર કર્ણમ અને માર્કસને હંફાવ્યા. ક્લીન એન્ડ જર્ક એવી શ્રેણી છે જેમાં વેઈટ લીફ્ટરે સૌ પ્રથમ બારબેલ ઉઠાવીને પોતાની છાતી સુધી લાવવાનો હોય છે. પછી સીધી કોણી સાથે પોતાના મસ્તકની ઉપર ઉઠાવવા માટે બન્ને બાહુ અને પગને વિસ્તારિત કરવાના હોય છે. અને ઘંટડી વાગે ત્યાં સુધી એને એ જ રીતે રાખવાના હોય છે.

વીનિંગનો સ્કોર અગાઉથી આગળ ન વધી શક્યો, પણ માર્કસે બીજાં પ્રયત્નમાં ૧૩૨.૫ કિલો વજન ઉઠાવવામાં સફળતા મેળવી. કર્ણમ મલ્લેશ્ર્વરીએ બીજા પ્રયાસમાં ૧૩૦ કિલો વજન ઉઠાવ્યું. પ્રતિયોગિતા ક્લીન એન્ડ જર્કના નિર્ણાયક તબક્કામાં પ્રવેશી. પોતાના બન્ને પ્રતિસ્પર્ધીઓ સાથે ૨૪૨.૫ કિલોગ્રામ કુલ વજન ઉઠાવ્યા પછી કર્ણમ અઢી કિલોગ્રામથી પાછળ ચાલી રહેલી. કર્ણમ સામે સુવર્ણચંદ્રક માટે ૧૩૫ કિલો અને રજતચંદ્રક માટે ૧૩૨.૫ કિલો વજન ઉઠાવવાનો પડકાર હતો.

કર્ણમ મલ્લેશ્ર્વરીએ પોતાના કોચની સલાહથી ૧૩૭.૫ કિલો વજન ઉઠાવીને શાનદાર જીત મેળવવાનું નક્કી કર્યું. અંતિમ વેઈટ લિફ્ટથી સાડા સાત કિલો વધારે. પણ કર્ણમને વેઈટ લિફ્ટની તાલીમમાં એટલું વજન ઉઠાવવાનો અભ્યાસ હતો. એથી એને એટલું વજન ઊંચકવા સંદર્ભે કોઈ સંદેહ નહોતો. જોકે નિર્ણાયક ક્ષણમાં કર્ણમ લથડી. એણે બારબેલ થોડો વહેલો ઉઠાવી લીધો. એથી એના ઘૂંટણ પર ઈજા થઈ. એ ગબડી પડી. પરિણામે એના હાથમાંથી સુવર્ણચંદ્રક અને રજતચંદ્રક સરી ગયા. પણ કાંસ્ય એણે પકડી લીધો. ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટિંગમાં ત્રીજા ક્રમાંકે વિજેતા થઈને એણે કાંસ્ય ચંદ્રક જીત્યો, પણ ઈતિહાસમાં ભારતનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી દીધું.

દુનિયામાં દેશનું ગૌરવ વધારનાર કર્ણમ મલ્લેશ્ર્વરીને ભારત સરકારે પણ વિવિધ પુરસ્કારો દ્વારા બિરદાવી. ૧૯૯૪માં અર્જુન પુરસ્કાર, ૧૯૯૯માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર અને દેશના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રીથી પુરસ્કૃત કરી….

કર્ણમ મલ્લેશ્ર્વરી સાચા અર્થમાં લોખંડી મહિલા જ હતી. વેઈટ લિફ્ટિંગમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક ચંદ્રકો એ જીતી ચૂકેલી. ૧૯૯૦-’૯૧માં રાષ્ટ્રીય ચેમ્પિયન, ૧૯૯૨થી ૧૯૯૮ સુધી બોડીવેઈટ ૫૪ કિલોમાં રાષ્ટ્રીય ચેમ્પિયન,૧૯૯૪માં કોરિયામાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણચંદ્રક-૧૯૯૪, એ જ વર્ષમાં ઈસ્તુંબલમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે સુવર્ણચંદ્રક અને એક રજતચંદ્રક, ૧૯૯૫માં કોરિયામાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણચંદ્રક, ચીનમાં એ જ વર્ષે યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક, જાપાનમાં ૧૯૯૬માં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક, ૧૯૯૭ની એશિયન ગેમ્સમાં રજતચંદ્રક, ૧૯૯૮ની એશિયન ગેમ્સમાં રજતચંદ્રક અને કોમનવેલ્થ વિમેન રેકોર્ડમાં ત્રણ વિક્રમ…

કર્ણમ મલ્લેશ્ર્વરીની સફળતા પાછળ એની માતા શ્યામલાની બહુ મોટી ભૂમિકા હતી. ૧ જૂન ૧૯૭૫ના આંધ્ર પ્રદેશના હૈદરાબાદ સ્થિત શ્રીકાકુલમમાં જન્મેલી કર્ણમની માતા શ્યામલા ગૃહિણી હતી. પિતા રામદાસ રેલવે સુરક્ષાદળમાં કોન્સ્ટેબલ હતા. કોલેજમાં ફૂટબોલ ખેલાડી રહી ચૂકેલા. પિતાનો વારસો કર્ણમ મલ્લેશ્ર્વરીમાં ઊતર્યો. કર્ણમને બાળપણથી જ ખેલકૂદમાં રુચિ હતી, પણ પરિવાર પુરાણા ખયાલોનો હતો. ક્ધયાઓને ઝાઝું બહાર નીકળવા પર પણ પ્રતિબંધ હતો. આવા પરિવેશમાં ઉછરતી કર્ણમ માતા શ્યામલાની ગોઠણ હતી. શ્યામલાએ કર્ણમની રુચિ જાણી અને એને આગળ વધવા પ્રોત્સાહિત કરી. શ્યામલા જ કર્ણમને ગામની વ્યાયામશાળામાં લઈ ગઈ. બાર વર્ષની કર્ણમને કોચ નીલમશેટ્ટી અપ્પન્ના ભારોત્તોલન શીખવતા, પણ પછી પ્રશિક્ષણ આપવાનું બંધ કર્યું. એમ કહીને કે, કર્ણમ પાતળી અને નબળી છે!

સ્વાભાવિક જ કર્ણમ મલ્લેશ્ર્વરી નિરાશ થઈ ગઈ. પણ શ્યામલાએ પુત્રીમાં આત્મવિશ્ર્વાસનો સંચાર કર્યો. કહ્યું, ‘જો લોકોને તારી ક્ષમતા પર શંકા હોય તો એમને ખોટા સાબિત કર..’ આ એક જ વાક્યે કર્ણમનું જીવન બદલી નાખ્યું. એણે કઠોર પરિશ્રમ આદર્યો. ભારતીય ખેલ પ્રાધિકરણની એક ખેલ પરિયોજના અંતર્ગત કર્ણમને પ્રશિક્ષિત કરવામાં આવી. તેર વર્ષની ઉંમરે કર્ણમે પહેલી વાર રાજ્યસ્તરે રમવાનું શરૂ કર્યું. કોચ લિયોનિદ તારાનેંકોના માર્ગદર્શન હેઠળ કર્ણમ વેઈટ લિફ્ટિંગમાં આગળ વધતી રહી. ૧૯૯૦માં કર્ણમ અનેક નેશનલ કેમ્પનો હિસ્સો બની. ૧૯૯૨માં થાઈલેન્ડ ના ચિંગમેમાં આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લઈને રજત ચંદ્રક મેળવ્યો. ૧૯૯૩માં પોતાની પહેલી ભારોત્તોલન વિશ્ર્વ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો. એક વર્ષ પછી ૧૯૯૪માં વિશ્ર્વ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક મળ્યો. એ પછી તો ચંદ્રકો મળતા ગયા. સુવર્ણ, રજત અને કાંસ્ય… ૧૯૯૭માં રાજેશ ત્યાગી સાથે લગ્ન કર્યા બાદ કર્ણમે ઓલિમ્પિકમાં ઝંડો લહેરાવ્યો. કર્ણમ મલ્લેશ્ર્વરીએ અગિયાર સુવર્ણચંદ્રક સહિત કુલ ઓગણત્રીસ ચંદ્રકો જીતીને દુનિયામાં દેશનું નામ રોશન કર્યું. વેઈટ લિફ્ટિંગમાં વિક્રમ સર્જનાર કર્ણમને લોકોએ ચંદ્રકરૂપે નવા નામનું બિરુદ આપ્યું : ધ આયરન લેડી…લોખંડી મહિલા!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News