લાડકી

પાછો આવેલો કરંડિયો

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

ભગવાન પણ કેવા કેવા માણસો બનાવે છે! જેમ ફળ-ફૂલમાં રૂપ, રંગ, સુગંધની વેરાયટી રાખેલી, તેમ માણસોમાં વેરાયટી. સ્વભાવમાં, રૂપમાં, બોલીમાં, ચાલવાની ઢબ, ને એવી બીજી ઘણી બધી વિચક્ષણતા માનવે માનવે જોવા મળે. બસ, ખાલી શરત માત્ર એટલી જ કે તમે અંધ ન હોવા જોઈએ.

આખી દુનિયા જે તરફ જતી હોય, જેમ કરતી હોય, જેમ વિચારતી હોય, એનાથી ઊંધું કરનારા, વિચારનારા માણસો તમે જોયા છે? પ્રમાણ્યા છે ખરા? મેં તો સાવ નજીકથી જોયા છે. એક દિવસ આખી રાત વરસાદ પડ્યો. બધે જળબંબાકાર. એટલે સ્વાભાવિક રીતે ભજિયાં તો બને જ… અને ભલા માણસ, બાલ્કની છે, તો ત્યાં જ બેસીને સજોડે ખવાય ને…! બસ, બાલ્કનીમાં બેસી વાછટ વચ્ચે પણ ભજિયાં ખાવા બેઠાં, તો સામે ફ્લેટ તરફ નજર ગઈ. બચુભાઈના ઘરનાં બધાં જ બારી-બારણાં બંધ. અગર જો એકાદ બારી પણ ખુલ્લી રાખી હોત, તો વરસાદની વાછટે, અથવા તો મને જોઈને કદાચ એમના હૃદયમાં એકાદ ભીનું ભીનું ગીત ચોક્કસ ઊગ્યું હોત. મારાં ભજિયાંની સુગંધ એમના નાકમાં એ શ્ર્વસી શક્યા હોત અને મેં કદાચ ભજિયાંની ઑફર પણ કરી હોત. તો એમનો તો દિવસ સુધરી જ જાત ને! પણ બધા એવા ક્યાં નસીબદાર હોય છે! મને એમના નસીબની સહેજ દયા આવી ગઈ. પણ ત્યાં જ બચુભાઈના દીકરાએ વરસાદ જોવા બારી શું ખોલી, કે બચુભાઈ બરાડ્યા. “વાયડીના, બારી બંધ કર. આજે કામવાળી આવવાની નથી. કચરા-પોતાં મારે ભાગે આવેલાં છે. ને ઘરની દીવાલ અને ટાઇલ્સ ભીની થશે તો ઘરનું બંધારણ હલી જશે. હું હવે કલર પણ નથી કરાવવાનો અને ટાઇલ્સ પણ બદલાવવાનો નથી. તારા બાપે વી.આર.એસ. લીધું, તે ખબર નથી? ઓ માય ગોડ! મેં મારી જિંદગીમાં આવા અરસિક ને કંજૂસ માણસ જોયા નથી. જોકે પડોશીના નાતે હું નછૂટકે એમને ભજિયાં આપવા ગઈ, કારણ કે એમનો દીકરો મને ભજિયાં ખાતી જોઈ ગયો હતો. એટલે જો વાટકી વહેવાર ન સાચવ્યો, તો બચુભાઈ જેનું નામ! ખાંડ લેવાને બહાને પણ, “આજે કંઈ ભજિયાં બજિયાં ખાધાં કે નહીં? ભાભી? એમ કરતાંકને એમણે વી.આર.એસ. જાણે આપણી ચોકી કરવા માટે જ લીધું હોય તેમ એ આવી જ ગયા સમજો.

મેં તો એમનું નામ જ વી.આર.એસ. પાડેલું. હું ‘વી.આર.એસ.’ આટલું જ બોલું, એટલે ઘરમાં બધા જ સાવધાન પરિસ્થિતિમાં આવી જાય. અને જે કંઈ સંતાડવાનું હોય કે સગેવગે કરવાનું હોય તે કરવા લાગી જાય. આજકાલ સૌથી વિકરાળ પ્રાણીમાં નિવૃત્ત થયેલા કે વી.આર.એસ.વાળાના નામ અગ્રેસર છે.

મેં એકવાર બચુભાઈ બે દિવસ માટે પર પ્રાંતમાં ગયા, ત્યારે એમના પત્ની સુમતિબેન સાથે એમના વિશે પૂછપરછ આદરેલી. જેમ શંકા પડે ત્યાં ખોદવાથી ન ધારેલ એવા અસ્થિ, કંકાલ મળી આવે, એમ બચુભાઈની ગેરહાજરીમાં બચુભાઈને ખોદતાં… સોરી, એમનું જીવન ખોદતાં અનેક વિચક્ષણ કરતૂતો વિશે જ્ઞાન પ્રદાન થયું. જેમ કે સુમતિબેને જણાવ્યું, “શું કરું બેન… પડ્યું પાનું નિભાવું છું. બાકી તો એમ થાય છે કે… “કે… કે…? એમ કહી મેં એમને વાક્ય પૂરું કરવાની ઘણી પ્રેરણા આપી, પણ એમણે એમના સુમતિ નામનો અર્થ સફળ કરવા વાક્ય પૂરું ન જ કર્યું, તે ન જ કર્યું. “પણ બચુભાઈથી તમે કંટાળ્યા કેમ છો?

હું તો આમ પણ ઘણીવાર ટાઇમ પાસ કરવા પડોશમાં જઈને બહેનોને પતિ અંગે અવનવા પ્રશ્ર્નો કરી એમના જવાબ સાંભળ્યા કરું છું. સાચું કહું તો જે જ્ઞાન તમને ભગવદ્ ગીતાના કર્મયોગ કે ધર્મયોગમાંથી પણ ન મળે, એવું વાસ્તવિક જ્ઞાન વિચક્ષણ પતિઓ અંગે તમને એમની પત્નીઓ પાસેથી જાણવા મળે છે અને આવો પરમ આનંદ હું જ્યારે જ્યારે ઘરમાં બોર થાઉં છું, ત્યારે ત્યારે આજુબાજુ પડોશમાં જઈને મેળવી લઉં છું અને મફત ચા-નાસ્તો તો પાક્કો જ પાક્કો. કેમકે પડોશી બહેનોની વ્યથાની કથા આજે સાંભળનાર છે જ કોણ? (બચુભાઈની વિશિષ્ટતા સુમતિબેનના મુખે… ખોદકામ કરતાં મળેલ જ્ઞાન)
“શું કરું બેન… અમારા એ ચોમાસાના ચાર મહિના પહેલાંના કહેતા હતા કે ભયંકર વરસાદ આવવાનો છે. છત્રી-રેઇનકોટ તૈયાર કરો… તાડપત્રી-પ્લાસ્ટિક તૈયાર કરો… પ્લાસ્ટિકના બૂટ- ચંપલ લઈ આવો… અને હવે જ્યારે વરસાદ આવ્યો છે ત્યારે કંજૂસના કાકા કહે છે, ‘આ તાડપત્રી બહુ મોંઘી છે. આવતે વર્ષે ચાલશે. એમ કરો, બાલ્કનીના કાચ ઉઘાડવાના જ નહીં. એટલે છજાની જરૂર જ ના પડે.’ હવે તમે જ કહો, ફ્લેટની બાલ્કની જ ભર વરસાદમાં ન ખૂલે, તો વરસાદની મજા કેવી રીતે આવે? આ તમે કેવા મજાનાં ભજિયાં બાલ્કનીમાં ખાઓ છો.

“પેલા પ્લાસ્ટિકના બૂટ-ચંપલ ને છત્રી લાવ્યા છે. પણ જ્યાં સુધી વરસાદ અટકે નહીં, ત્યાં સુધી કોઈએ બહાર જવાનું નહીં. કેમ કે નવા બૂટ-ચંપલ બગડી જાય અને છત્રી કાગડો થઈ જાય તો? હવે આવા કાગડા સાથે… સોરી, માણસ સાથે તો એમ થાય છે કે… મેં ફરી કે… કે… કરી જોયું. પણ સુમતિએ એનું નામ સાર્થક જો કરવાનું!

“વી.આર.એસ. લઈને ઘરમાં બેઠા, તો બેન મને એમ કે કંઈ ઉપયોગમાં આવશે. પણ શું કરું? કાળો કેર વર્તાવ્યો છે. એક દિવસમાં એ હજાર તો પ્રશ્ર્નો પૂછે છે. આ પેન્સિલ અહીં કેમ મૂકી છે, ને સાણસી વાંકી કેમ મૂકી છે… શાકભાજીનું બિલ ક્યાં છે? હવે શાકભાજીવાળો ૧૦ રૂપિયાના શાકનું કંઈ બિલ આપવાનો છે? પસ્તીના પેપર વાંકા કેમ છે… શું ભાવે આપ્યાં? કામવાળીએ રજા પાડી, તે પૈસા કાપ્યા કે નહીં…? એમના ઘરમાં બેઠા પછી કામવાળી પણ દસ બદલાઈ ગઈ છે. અને હવે તો કામવાળાના સમાજમાં અમારી ઇમેજ એટલી ખરાબ થઈ ગઈ છે કે યુનિયનવાળાએ અમારા ઘર પર બાન મૂક્યો છે. ચાર મહિના પહેલાં રતાળુનો કંદ વરસાદમાં ભજિયાં ખાવા લીધેલો. એને કુંડામાં રોજ દાટે, રોજ બહાર કાઢે અને જોવે કે કંઈ પીલો ફૂટ્યો, એકનો બે થયો! ગઈકાલે વરસાદ પડ્યો. મેં કહ્યું કે રતાળુ કાઢો. ભજિયાં કરીએ. તો કહે કે હજી એકનો બે નથી થયો. રહેવા દે. ચોમાસામાં નહીં તો ઉનાળામાં ભજિયાં ખાઈશું. શું ફેર પડવાનો છે? ને બાજુમાંથી તો એકાદ વાર ભજિયાં આવશે જ ને. બેન, એ રતાળુ વિયાહે કેદારે ને ભજિયાં ખાહું કેદારે… વિયાવાની વાત તો છોડો, અંદરને અંદર કોય જાહે. (કોહવાય જાહે) ત્યારે પછી અરે! આવા માણહ હારે એમ થાય કે…કે… “મેં કે… કે… કરીને ઉશ્કેર્યાં. પણ સુમતિની મતિ ન બદલાઈ તે ન જ બદલાઈ.

“હવે પછી જે વાત કરું છું, એ કોઈને કેતા ની હોં. આવી વાત નો થાય, પણ અવે તો તમે ઘરના જેવા જ છો ને… તંઈ લાગલું કઈ જ દઉં. મેં કાન એમની નજીક કરી લગભગ એમના મોંમાં મૂકી દીધા. “એ નિવૃત્ત થયા ને મેં કંટાળી ગઈ. તે દીકરાને કીધું’તું તારા બાપાને અમેરિકા ફરવા બોલાવ ને. દીકરાએ તો મને હોં કીધું કે માં, તું હો ફરી જા. પણ મારી મતિ કાંઈ ફરી નહોતી ગઈ. એટલે મેં કીધું, હમણાં તું તારા બાપાને જ બોલાવ. બીજીવાર અમે હારે આવહું. તે ત્રણ મહિના હારું ગીયા. મને એમ કે હાશ! હવે નિરાંતે બાલ્કની ખોલીને ભજિયાં ખાહું. તે ત્યાં દીકરાને હોં એટલા પ્રશ્ર્નો પૂછે…
ને પેલી વહુને હોં. તે દીકરાએ બાપાને સિનિયર સિટીઝન ગ્રૂપમાં મૂકી દીધા. તે ત્યાં બધા પોયરા, ડોહા-ડોહી, જુવાનિયાં… એટલે કે બધા જ હારે સ્વિમિંગ કરે ને નવા આવેલા હીખે હોં ખરાં. દીકરો ક્યે હુરતમાં રેલ બો આવે, તો બાપા સ્વિમિંગ હીખી જાવ ને.

ને તમારા બચુભાઈએ તો પેલી બધી ગોરી ગોરી હારે તરવા મલહે, એમ વિચારીને હા પાડી દીધી. હીખવામાં એવું થીયું કે હીખવાવાળાએ ઓછા પાણીમાં હીખવાનું. લાઇફ જેકેટ કે પેલા ડબ્બા બાંધીને છોડી દીધા. તે તમારા ભૈની નજરમાં ખોટ ઓહે કે રામ જાણે હું થીયું… ઓછા પાણીની જગ્યાએ ઊંડા પાણીમાં ગોરીઓ તરે તે બાજુ હરક્યા. હરકતાં હરકતાં ક્યારે તણાયા ને ગોરી હારે અથડાયા કે પેલી તો અંગરેજીમાં બરાડી. “એ યુ…બ્લડી… કરતીકને એણે ગામ આખું ભેગું કર્યું. લાખ કરગરીયા કે મારો વાંક નથી. એ તો ડબ્બો જ ઢીલો હતો. પણ હવે ભગવાન જ જાણે કે ડબ્બો ઢીલો કે પછી…! તે બુન, આવા માણહ હારે તો એમ થાય કે… કે… “મેં કે… કે… કર્યા જ કર્યું. પણ હુમતિ તો હુમતિ પુરવાર કરીને જ રેઈ. પણ આખરે બોલી કે, “તન મહિના હારું રવાના કરેલ કરંડિયો મહિનામાં જ પાછો આયવો. બોલો, હવે આ કરંડિયાને ક્યાં પારસલ કરું? હવે જો કાંઈ લાંબા-ટૂંકા વાંધા વચકા કરે કે પછી આડા તેડા પ્રશ્ર્નો કરે, તો તુરત જ હું પૂછું છું કે તે તમે તન મહિના અમેરિકા ગયેલા હેં, તે મહિનામાં જ કેમ પાછા આવી ગયેલા? બસ, હવે પ્રશ્ર્ન હું કરું છું, ને મૌન એ પાળે છે. જોયું? પડોશમાં બેહવા જવાથી કેટલું જ્ઞાન વધે છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button