જ્યોતિસંઘ: અમદાવાદના ઈતિહાસમાં નારીગૌરવની શરૂઆત
કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૫)
નામ: મૃદુલા સારાભાઈ
સ્થળ: ૩૧ રાજદૂત માર્ગ, ચાણક્યપુરી, ન્યૂ દિલ્હી-૨૧
સમય: ૧૯૭૪
ઉંમર: ૬૨ વર્ષ
હું જે પ્રકારના પરિવારમાં ઉછરી એમાં મને ભારતમાં-ગુજરાતમાં વસતી સ્ત્રીઓની સાચી સ્થિતિ વિશે જાણ ન થઈ શકી. એ માટે મારા માતા-પિતાનો આભાર માનું છું, પરંતુ જ્યારે ગાંધીજી સાથે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે, રાજકીય દ્રષ્ટિએ બહેનો ઉલટથી બહાર આવી હતી, પરંતુ સામાજિક દ્રષ્ટિએ બહેનોની સ્થિતિ દયનીય હતી. શિક્ષણનો વ્યાપ વધવા છતાં સહશિક્ષણ માટે મા-બાપ તૈયાર ન હતાં. ક્ધયા સોળેકની થતાં થતાંમાં તો લગ્ન થઈ જતાં. સંયુક્ત કુટુંબનું રૂઢિચુસ્ત વાતાવરણ, વડીલશાહી, બહુપત્નીત્વ, ફરજિયાત વૈધવ્ય, રૂઢ પ્રણાલિકાઓ, એક જ જ્ઞાતિમાં અને તેમાંય અમુક જ ગોળમાં થતાં લગ્નો, વહુને કાઢી મૂકવાની, મારવાની ઘટનાઓ, આવા આવા કિસ્સા રોજિંદા હતા.
આવી સામાજિક પરિસ્થિતિથી મારું દિલ દુભાઈ રહ્યું હતું, દિમાગમાં અકળામણનો પાર નહોતો. સ્વાતંત્ર્યની લડત માટે બહાર નીકળેલી બહેનો મુક્ત વાતાવરણમાંથી ફરી ઘરની ચાર દીવાલમાં ગોંધાઈ જાય તે પહેલાં કશુંક કરવા તે વિચારી રહ્યાં હતાં. બેલગામની જેલમાં આ વિચારો તેમને સતાવતા હતા. લડતમાં કામ કરતી અમદાવાદની દેશ-સેવિકાઓ લડત થંભ્યા પછી ચંપાબહેન મહેતાને ઘેર અઠવાડિયે એકાદ-બે દિવસ મળતી હતી. મારી પોતાની આ અકળામણ ચંપાબહેનને લખેલા પત્રોમાં ઠાલવી. આમ સહુના દિલમાં ‘કશુંક’ કરવાની તમન્ના જગાડનાર હું.
૧૯૩૩માં લડત બંધ પડી, પણ મંજિલ હજી દૂર હતી. ત્યાં પહોંચવા માટે ફરી જંગ ખેલવા બહેનોની હરોળ તૈયાર રાખવા, લડતને વેગવાન બનાવવા જાગૃતિ ટકાવી રાખવાની જરૂર હતી. ૧૯૩૦ની લડતમાં વિદેશી કાપડ બહિષ્કાર સમિતિ તથા પિકેટિંગ મંડળો અને છાવણીઓમાં ચાલતાં હતાં તે વિખેરી નાખવાનો ગુજરાત પ્રાંતિક સમિતિએ ઠરાવ કર્યો. ખુરશીદબહેન અને મેં તેનો ગાંધીજી પાસે વિરોધ કર્યો. સરદાર ત્યાં જ બેઠા હતા. એમણે કહ્યું, ‘ઠરાવ થઈ ગયા પછી અપીલ કરો છો? હજી ગઈકાલે જ ઝેર પીને એક સ્ત્રી મરી ગયાની હકીકત સાંભળી છે. તો સ્ત્રીઓનું બીજું કોઈ મંડળ કરવું હોય તો કરો.’ એમ તો જ્યોતિસંઘ સ્થપાયા પછી પણ સરદારે મને ટકોર કરી હતી કે, ‘આ જુવાનિયું વાજું ભેગું કર્યું છે તે સંભાળજો.’ મેં પણ કહ્યું હતું, ‘શું થઈ જવાનું છે? બહુ બહુ તો એક-બે યુવાન-યુવતીઓ પરણી જશે એટલું જ ને!’ જોકે, સરદારે પાછળથી જ્યોતિસંઘની કામગીરી માટે મત ફેરવ્યો હતો અને પ્રશંસાય કરી હતી તે મારે સ્વીકારવું જોઈએ.
‘જ્યોતિસંઘ’ની વાત યાદ કરું છું તો મને સૌથી પહેલાં બાપુનું પ્રોત્સાહન યાદ આવે. ૧૯૩૩ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બાપુને મળી ત્યારે એમણે મને કહ્યું, ‘ગુજરાતની સ્ત્રીઓને જગાડવાનું કામ તારું.’ મેં ખૂબ વિચાર્યું, શું થઈ શકે એ વિશે અનેક લોકો સાથે વાત કરી, પછી અમે સ્ત્રીઓ માટેની એક સંસ્થા સ્થાપવાનો નિર્ણય કર્યો. અમદાવાદ ખાડિયામાં એક મહિલા મંડળ ચાલતું હતું એને વિકસાવીને એક કરવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ અમારા ઉદ્દેશ્ય જુદા હતા. હજી સ્ત્રી-પુરુષના ભેદભાવ મિટાવી ગૌરવશીલ, સ્વતંત્ર અને સ્વાવલંબી સ્ત્રીનો વિચાર એ મહિલા મંડળને અનુકૂળ ન પડ્યો, એટલે અમે એક નવી સંસ્થાની સ્થાપના કરી. ખાડિયામાં ડો. કાનૂગાના દવાખાનાના મેડામાં બહેનોને થતાં અન્યાય દૂર કરવા, મજૂરીમાં જુદા દર અને બહેનો પર થતાં અત્યાચારની સામે
અવાજ ઉઠાવવાનું કામ અમારું એવું અમે નક્કી કર્યું. એ વખતે અમે મુખ્ય ત્રણ ઉદ્દેશ્યનો વિચાર કર્યો હતો, (૧) બહેનોમાં અસ્મિતા જગાડવામાં આવે જેથી તેમનું વ્યક્તિત્વ ખીલે, તે નીડર નાગરિક બની, શારીરિક, બૌદ્ધિક, માનસિક, ઔદ્યોગિત ક્ષમતા પ્રાપ્ત કરી સ્વાવલંબી બને, સમાજનાં-રાષ્ટ્રનાં સત્કાર્યોમાં સક્રિય ભાગ લઈ પુરુષો સાથે તે સરખી ભાગીદાર બને. (૨) તેઓ બંધુતા, રાષ્ટ્રીયતા, કોમી એકતા કેળવી, જુનવાણી રૂઢિઓની સામે માથું ઊંચકવાની શક્તિ કેળવે. (૩) રિવાજોનાં બંધન ફગાવી, બહાદુર બની, આર્થિક સ્વાતંત્ર્ય મેળવી કુટુંબને મદદરૂપ થઈ શકે તેવો તેમના વ્યક્તિત્વનો વિકાસ થાય.
૧૯૩૪ના એપ્રિલની ૨૪મીને દિવસે સંસ્થાની શરૂઆત થઈ ત્યારે ગાંધીજી મુજફ્ફરપુર હતા એટલે રીતસરની સ્થાપના અને નામકરણ કરવાનું બાકી રહ્યું.
૧૯૩૪ના એપ્રિલમાં આરંભ થયો ન થયો ત્યાં તો અમદાવાદ એકાએક મેનિંજાઈટિસના સપાટામાં આવી ગયું. શહેરની સઘળી પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ. વળી પાછું જૂનમાં શહેર બેઠું થયું. ૧૯૩૪ના જૂનની ૨૯મીના રોજ મિરજાપુરમાં આવેલા અંબાલાલ સારાભાઈના ‘શાંતિસદન’ (જ્યાં મજૂર મહાજન કાર્યાલય ચાલતું હતું, તેમ જ ૧૯૩૦ની લડતમાં જે મકાન લડતના ઘવાયેલા સૈનિકો માટે હોસ્પિટલમાં ફેરવાઈ ગયું હતું તે) બંગલાના વિશાળ કમ્પાઉન્ડમાં બાપુજીના વરદ હસ્તે સાદામાં સાદી રીતે જ્યોતિસંઘનું નામકરણ અને ઉદ્ઘાટન થયું. બાપુએ કહ્યું, ‘જ્યોતિ એટલે પ્રકાશ. દીવે દીવો પ્રગટે એમ વ્યક્તિના પ્રયત્નોથી સમગ્ર સમાજને બહેનોએ અજવાળવાનો છે, ગરીબોના ઘરમાં દીવો બનીને તમારે જવાનું છે.’
આથી જ સંસ્થાનું નામાભિધાન થયું જ્યોતિસંઘ.
ઓફિસ તો હતી પણ વર્ગો માટે વિશાળ જગા જોઈએ. ૧૯૩૪થી ૧૯૩૭ સુધી આવશ્યકતા પ્રમાણે ખાડિયામાં બેરોનેટના દેસાઈની પોળના મકાનમાં, જીવણલાલ બેરિસ્ટરના મકાનમાં, કાળુમિયાંને તકિયે આવેલા ડો. કાનૂગાના ડહેલામાં, લાખિયાની પોળમાં, જેઠાભાઈની પોળમાં તથા નવી ગુજરાતી શાળાના મકાનમાં એમ જુદી જુદી જગ્યાએ વર્ગોની વ્યવસ્થા કરી.
જ્યોતિસંઘ આજની પરિસ્થિતિએ પહોંચતાં ત્રણ તબક્કામાંથી પસાર થયો. ૧૯૩૪થી ૧૯૩૭ સુધીનો આરંભનો કંઈક સામાજિક વિરોધનો તથા ડગુમગુ થતો તબક્કો. ૧૯૩૭થી રાયપુરમાં શેઠ મગનભાઈ કરમચંદની હવેલી વાપરવા મળતાં થયેલી અનુકૂળતાનો અને કંઈક સામાજિક સ્વીકારનો તબક્કો તથા ૧૯૫૯માં સંસ્થા હાલનું રિલીફ રોડ ઉપરનું મકાન બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી વિકસિત થઈ શકી એ આજનું જ્યોતિસંઘ.
જ્યોતિસંઘમાં જે બહેનો આવતી એ માંડ આઠ-નવ ધોરણ કે દસ-બાર ધોરણ સુધી ભણેલી હોય. એમને નિયમિત શિક્ષણ અને શાળા ચલાવીને ભણાવી શકાય નહીં, એટલે જુદા જુદા પ્રકારના વર્ગો શરૂ કર્યા. જેમાં અર્થશાસ્ત્ર, સાહિત્ય, રાજકારણ, નાગરિકશાસ્ત્ર, ઈતિહાસ અને ભાષા સહિતનું જુદું જુદું સરળ જ્ઞાન આપવાનું શરૂ કર્યું. બપોરે બારથી ચાર સુધીનો સમય. બહેનોને આ જ સમય ફાવે. એ સમયના ઉત્તમ શિક્ષણવિદ્ો ડો. સુમંત મહેતા, ભોગીલાલ લાલા, જેઠાલાલ ગાંધી, રતિલાલ ત્રિવેદી અને દક્ષિણામૂર્તિના નાનાભાઈ ભટ્ટ જેવા શિક્ષણનો સમય આપતા. અમદાવાદમાં આવેલા જાણીતા રાજકારણી કે નેતાને કોઈપણ સંજોગોમાં હું જ્યોતિસંઘ લઈ આવતી. એને કારણે બહેનોને ગાંધીજી, સરદાર, નહેરુ, સ્વામિ આનંદ, કૃપિલાનીજી, રામ મનોહર લોહિયા જેવા નેતાઓના વ્યાખ્યાનનો લાભ મળ્યો.
લાંબું વિચારતા સમજાયું કે, માત્ર શિક્ષણથી નહીં ચાલે. બહેનોને પોતાના પગ પર ઊભી કરવી હોય તો આર્થિક સ્વતંત્રતા આપવી પડે. આ આર્થિક સ્વતંત્રતા માટે અમે સીવણથી શરૂઆત કરી. આજે જ્યોતિસંઘમાં સીવણ સહિત રસોઈ, બ્યૂટી પાર્લર, લેધરકામ, હસ્તકલા, ભરતકામ સહિત શ્રમજીવી બહેનોને કામ મળી રહે એ ઈરાદાથી અનેક પ્રકારનાં ઉત્પાદનોની શરૂઆત કરી છે. પહેલાં કાંતણ અને વણાટકામ પણ કરવામાં આવતું, પરંતુ હવે સાબુ બનાવવાનું, માથાનું તેલ બનાવવાનું, પાપડ, મસાલા, અથાણા, ખાખરા બનાવડાવી વેચવાનું શરૂ કર્યું. બહેનોને સહકારી સોસાયટી બનાવી એમાં ભાગીદાર બનાવી. ધીરે ધીરે પરિસ્થિતિ એવી આવી કે, ઘેર બેસતી, કંઈ ન કરતી અને નિરાધાર નિરાશ્રિત વિધવા કે ત્યક્તા બહેનો પોતાના પગ પર ઊભી રહેતી થઈ અને છોકરાંઓને પોતાના ખર્ચે ભણાવતી થઈ.
હવે આનો એક બીજો પણ પ્રશ્ર્ન ઊભો થયો. ‘જ્યોતિસંઘ છોકરીઓને ફટવે છે અને પરણેલી સ્ત્રીઓના ઘર ભંગાવે છે.’ એવી એક વાત સમાજમાં ફરતી થઈ. સંઘમાં આભડછેટ પળાતી નથી. એ વાતે પણ સમાજમાં પ્રશ્ર્નો ઊભા થયા. દીકરા-દીકરીની સમાનતાના પાઠ અમે ભણાવીએ એટલે છોકરી ઘેર જઈને મમ્મીને કહે, ‘ભાઈ વાસણ મંજાવવા લાગે તો જ હું માંજુ.’ જુનવાણી ઘરોમાં સંઘે હાહાકાર મચાવી દીધો, પરંતુ ધીરે ધીરે સૌને સમજાવવા લાગ્યું કે, જ્યોતિસંઘ સ્ત્રીઓને બગાડવાનું કે ફટવવાનું નહીં, આત્મનિર્ભર બનાવવાનું કામ કરે છે. બેન્કનું કામ સ્ત્રીઓ જાતે કરી શકતી થઈ, પોતાનો આર્થિક વ્યવહાર જાતે સંભાળતી થઈ એને કારણે એક જુદા જ પ્રકારની સ્વતંત્રતાનો અનુભવ થયો.
આ સ્વતંત્રતાની સાથે પુરુષોના એકાધિકાર પર પણ પ્રશ્ર્નાર્થ ચિહ્ન ઊભું થયું. જુનવાણી અને રૂઢિચુસ્ત ઘરોમાં જ્યોતિસંઘમાં જતી તાલીમ પામેલી, આત્મનિર્ભર બહેનો માટે બહુ મોટી સમસ્યા ઊભી થઈ. કેટલીક સ્ત્રીઓને રીતસર કાઢી મૂકવામાં આવી. સ્ત્રીઓ પર હાથ ઉપાડવાના અને અત્યાચારના કિસ્સા વધ્યા, જેનાથી મને ચિંતા થવા લાગી. જ્યોતિસંઘનો ઈરાદો ક્યારેય ઘર ભંગાવવાનો કે તકલીફ આપવાનો નહોતો, પરંતુ સ્વતંત્ર બનેલી સ્ત્રી હવે મુંગે મોઢે અત્યાચાર સહી શકે એમ પણ નહોતી…
આવી સ્ત્રીઓને કાઢી મૂકવામાં આવે કે એમની સાથે અત્યાચાર થાય ત્યારે એમને રાખવી ક્યાં? આ સવાલ જ્યોતિસંઘની સામે નાગની જેમ ફેણ માંડીને ઊભો રહ્યો.
(ક્રમશ:)