મજૂરીથી ‘પદ્મશ્રી’ સુધીની સફર… ભૂરીબાઈ બારિયા

એક આદિવાસી ચિત્રકાર ીની અદભુત પ્રેરકકથા
કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક
એક આદિવાસી ભીલ વ્યક્તિને કદાચ એના દેશના લોકો પણ પુરી રીતે ઓળખતા નથી હોતા. એમની જીવનશૈલી શહેરના લોકોને તો જાણે કોઈ પરદેશની દુનિયા જેવી લાગે.
આવા એક વિસ્તારની સાવ સાધારણ લાગતી ીએ દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. એટલું જ નહીં, એમની કલાની કદર કરીને ભારત સરકારે એમને પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ એવોર્ડથી નવાજ્યાં છે.
વાસ્તવમાં, દેશનું ‘દિલ’ કહેવાતા રાજ્ય એટલે કે મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના પિટોલ ગામનાં રહેવાસી એવાં આ ભૂરીબાઈ બારિયાની આપણે પુરુષાર્થ કથા આપણે જાણવી જોઈએ…
જાણીને નવાઈ લાગશે કે એ પોતાના સમુદાયની પહેલી મહિલા છે, જે ઘરોની દીવાલો પર પણ પિથોરા પેઇન્ટિંગ કરે છે. પોતાની આ આવડતથી એ પોતાની પરંપરાઓને આગળ વધારવાનું કામ પણ સારી રીતે કરી રહી છે,પરંતુ પછાત પ્રદેશોના લોકોની જેમ ભૂરીબાઈ બારિયાને પોતાની આ ઓળખ ઊભી કરતાં પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ભૂરીબાઈને બાળપણથી જ ચિત્રકામનો શોખ હતો,પણ પોતાના આ શોખને આગળ વધારવા માટે એમણે જીવનની ઘણી કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડયું હતું. એ પહેલાથી જ જાણતા હતા કે પોતાના શોખને દિશા આપવા માટે ઘણા લોકોના વિરોધના દરિયામાં સામે પ્રવાહે તરીને આગળ વધવું પડશે. છતાં, એમણે મક્કમતા પૂર્વક આગળ વધવાનું ચાલુ રાખીને પોતાની આગવી છાપ ઊભી કરી. એની સાથે પોતાના જેવા અનેક માટે ઉદાહરણરૂપ પણ બન્યાં. જો કે આ મુશ્કેલ હતું, કારણ કે ભૂરીબાઈ એવા સમુદાયનાં છે ,જ્યાં છોકરી માસિક સ્રાવની શરૂઆત સાથે જ ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. આમાં એક સમસ્યા એ છે કે આ છોકરીઓને પીરિયડ્સ પછી પેઇન્ટિંગ કરવાની મંજૂરી નથી. ચિત્રકામમાં પણ શું કરી શકાય અને શું નહીં, તેના નિયમો પુરુષ અને ી માટે અહીં અલગ છે. આવા નિયમો હોવા છતાં, પણ ભૂરીબાઈએ સમાજ સામે લડીને પોતાનો ચિત્રકામનો શોખ ચાલુ રાખ્યો.
અહીં ઉમેરવાની જરૂર નથી કે એમનું બાળપણ ગરીબીમાં દહાડિયા મજૂરી કરતાં કરતાં વીત્યું. પિતા સાથે એ અને એમની બહેન મજૂરી માટે રોજ નીકળી પડતાં. જ્યાં, જે મજૂરી કામ મળે તે કરવું પડતું. ન કરે તો દિવસને અંતે શું ખાવું? એ પહાડ જેવો પ્રશ્ર્ન સામે ઊભો રહે તેવી વિકટ પરિસ્થિતિ હતી. મજૂરી કામ પત્યા પછી જંગલમાં લાકડાં વીણવા જતાં અને ટ્રેનમાં બેસીને લાક્ડા વેંચતા.
આ બધાની વચ્ચે એમણે પોતાની કલાને જીવતી રાખી. ઘરમાં જે પણ ગાર-માટીનાં, કાચાં-પાકાં મકાનો પર મોકો મળે ત્યાં ચિત્રકારી કરતાં રહે. એમની ચિત્રકારીની સફાઈ જોઈને પડોશના લોકો પણ એમનાં ઘરને સજાવવા ભૂરીબાઈને બોલાવતા હતા. એ દિવસો યાદ કરતાં ભૂરીબાઈ કહે છે કે ‘એ સમયે પેઇન્ટ બ્રશ વિશે ત્યાં કોઈ કંઈ જાણતું નહોતું. હું ઘરગથ્થુ વસ્તુઓમાંથી રંગો બનાવતી હતી, જેમ કે ઓચર, ચાક, હળદર, કાળો રંગ મેળવવા માટે કાળી માટીના તવાને તોડી નાખતા અને પાંદડામાંથી લીલો રંગ બનાવતા.પછી વિવિધ પ્રકારની ડિઝાઈન બનાવતી – ક્યારેક મોર, હાથી, પક્ષી તો ક્યારેક બીજું કંઈક.’ એક બાજુ એમનાં માટે બે વખતના રોટલાના વાંધા હતા, ત્યાં એક દિવસ કોઈએ એમનાં ઝુંપડાને આગ ચાંપી દીધી. આખો પરિવાર રસ્તા પર આવી ગયો. આ દુર્ઘટનામાંથી એમનો પરિવાર માંડમાંડ જીવતો બચ્યો હતો. જંગલમાંથી લાકડા અને ઘાસ વીણીને ફરી નાનકડું ઝૂંપડું ઊભું તો કર્યું,પણ બે ટંકના ભોજનની એ જ લડાઈ તો ચાલુ જ રહી… દરરોજ રોજગાર મેળવવા માટે કામની શોધમાં એ બહાર નીકળી જતા. ઉનાળો- શિયાળો કે વરસાદ, કંઈ પણ હોય.. કામ માટે બહાર તો નીકળવું જ પડે.. એક વાર મજૂરી કામ મળતાં પરિવાર ઠેઠ ગુજરાતના દાહોદ જિલ્લામાં આવ્યા ને અહીં જ ૧૬-૧૭ વર્ષની ઉંમરે એમનાં લગ્ન થઇ ગયાં. પતિના પરિવાર સાથે એ ભોપાલ આવ્યાં. પતિ અને અમનો પરિવાર પણ મજૂરી કામ કરતો હતો. તે વખતે ભોપાલમાં ‘ભારત ભવન’નું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. ત્યાં ભૂરીબાઈને મજૂરી કામ મળ્યું.
એ વખતે એક વ્યક્તિએ આવીને એમને કશી પૂછપરછ કરી, પણ ભુરીબાઈને તો હિન્દી પણ આવડતું નહોતું, શું જવાબ આપે? ત્યારે બીજા કોઈએ સમજાવ્યું
ું કે એમનો પરિવાર ક્યાંથી આવ્યો છે એ વિશે જાણવા માગે છે. ભૂરીબાઈએ પેલાને જેમતેમ કરીને સમજાવ્યું કે અમે આદિવાસી ભીલ સમાજના છે. અહીં પિથોરા બાબાની પૂજા કરવામાં આવે છે અને પિથોરા બાબા માટે વિવિધ પ્રકારનાંચિત્રો બનાવવામાં આવે છે.
એ ઘટના યાદ કરતાં ભૂરીબાઈ કહે છે : પેઈન્ટિંગ વિશે સાંભળતાની સાથે જ એ માણસે મને કંઈક દોરવાનું કહ્યું. મેં તો આ અગાઉ ક્યારેય આવા કાગળ, બ્રશ અને રંગો વડે ચિત્રો બનાવ્યાં નહોતાં. જ્યારે મેં એને આ કહ્યું ત્યારે એ કહે : ના, તમને ગમે તે તમે બનાવો પછી એ ભલે ગમે તેવું બને.’ પેલી વ્યક્તિ બીજું કોઈ નહીં ,પણ પ્રખ્યાત ચિત્રકાર જગદીશ સ્વામીનાથન હતા. સ્વામીનાથને ભૂરીબાઈના સમુદાય અને ત્યાંની કળા વિશે
સાંભળ્યા પછી, એમને પેઇન્ટિંગ કરવાનું કહ્યું, પણ ભૂરીબાઈ અચકાતા હતા, કારણ કે જો એ ચિત્રો બનાવશે તો એની જગ્યાએ કામ કોણ કરે? ખાવાના સાંસા હોય ને એ સમયે એમને મજૂરીના રોજના ૬ રૂપિયા મળતા હતા. જો કે,સ્વામીનાથને એમને ખાતરી આપી કે જો ભૂરીબાઈ એમના માટે ચિત્રકામ કરશે તોએ રોજના ૧૦ રૂપિયા ચૂકવશે… સાંભળીનેભૂરીબાઈ ખુશ થઈ ગયાં. એ કહે : મને તો માત્ર ૬ રૂપિયા જોઈએ છે, વધુ નહીં… !બોલો, ગરીબ હોવા છતાં એમણે જરાય લાલચ દેખાડી નહીં….
પછી તો ભૂરીબાઈએ બનાવેલાં પેઈન્ટિંગ્સ સ્વામિનાથન પોતાની સાથે દિલ્હી લઇ ગયા. એક વર્ષ પછી સ્વામીનાથન સીધા એમના ઘરે પહોંચી ગયા અને ફરીથી એમને ચિત્રો બનાવવા વિનંતી કરી. ત્યારે ભુરીબાઈએ બીજા દસ ચિત્રો બનાવ્યાં, જેના એમને રોકડા ૧૫૦૦ રૂપિયા મળ્યા. ભુરીબાઈ વિમાસણમાં પડી ગયાં કે આવાં સાધારણ ચિત્રોના કોઈ આટલાં બધાં રૂપિયા શું કામ આપે?!
પછી તો ભુરીબાઈએ પાછું વાળીને જોવું નથી પડ્યું. સ્વામિનાથને એમના પતિને ભારત ભવન’માં ચોકીદારની નોકરી અપાવી દીધી. એમના પતિને પણ સમજાયું કે પત્ની જે કરી રહી છે એ ઘણું સન્માનનું કામ છે. પછી તો એ પણ ચિત્રકલા શીખ્યા અને બંને સાથે મળીને ચિત્રો બનાવવા લાગ્યા. જે ભારત ભવન’ના નિર્માં માટે ભૂરીબાઈએ મજૂરી કરી, એ જ ‘ભારત ભવન’ને એમનાં ચિત્રોનો શણગાર થયો! ભૂરીબાઈની કળાથી પ્રભાવિત થઈને મધ્યપ્રદેશ સરકારે એમને શિખર સન્માન’ આપ્યું. કોઈએ ભુરીબાઈને આવીને કહ્યું કે તારું નામ તો છાપામાં આવ્યું છે… ભુરીબાઈ તો બિચારા એ જ નહોતા જાણતા કે છાપામાં નામ કેવી રીતે આવે! શા માટે નામ આવ્યું ને આ વળી શેનું સન્માન?!
એ પછી તોભૂરીબાઈની કળા વિદેશોમાં પણ પ્રખ્યાત થઇ ને સન્માનોનો સરવાળો થતો ગયો, પણ ભુરીબાઈ એવાં ને એવાં ધરતી સાથે જોડાયેલા રહ્યાં.
પિથોરા કલા એ ભીલ આદિવાસી સમુદાયની કલા શૈલી છે. જ્યારે પણ અહીં ગામના વડાનું મૃત્યુ થાય છે ત્યારે એમને યાદ કરવા માટે-સ્મૃતિ માટે હંમેશા ગામથી થોડા પગલા દૂર એક પથ્થર મૂકવામાં આવે છે. આ પથ્થર પર એક ખાસ પ્રકારનો ઘોડો દોરવામાં આવે છે. આ ખાસ પ્રકારનો ઘોડો પિથોરા પેઇન્ટિંગની એક ખાસ ઓળખ છે. જોકે, ભીલોમાં ફક્ત પુરુષોને જ આ વિશિષ્ટ પ્રકારનો ઘોડો બનાવવાની મંજૂરી છે, પરંતુ અન્ય પ્ર્કારની પ્રતિભા માટે કોઈ પરવાનગીની જરૂર નથી.
ભૂરીબાઈએ આ કલા શૈલીમાં એમની રચનાઓ બનાવી છે. એમનાં ચિત્રોમાં માત્ર વિવિધ પ્રકારના ઘોડાઓ જ નહીં, પરંતુ લોકોની જીવનશૈલી પણ દર્શાવવામાં આવી છે. એમનાં ચિત્રો આપણા દેશથી લઈને અમેરિકા સુધી ખૂબ વખણાય છે. એમનાં ચિત્રો માત્ર મધ્ય પ્રદેશના મ્યુઝિયમમાં જ નહીં, અમેરિકામાં પણ પ્રદર્શિત થાય છે. ભૂરીબાઈ બારિયાને મધ્ય પ્રદેશ સરકાર તરફથી મળેલા સર્વોચ્ચ ‘શિખર સન્માન’ ઉપરાંત દેવી અહિલ્યાબાઈ સન્માન, રાણી દુર્ગાવતી સન્માન અને અન્ય અનેક ઇનામો-અકરામો મળ્યા છે.
ભારત સરકારે વર્ષ ૨૦૨૧માં એમને ‘પદ્મશ્રી’ થી સન્માનિત કરીને ન માત્ર ભુરીબાઈ બારિયાનું સન્માન કર્યું છે, પણ સમગ્ર આદિવાસી પ્રજા કે જેની અનોખી કળાથી દુનિયા વંચિત નહોતી એની પણ કદર કરી છે. ભુરીબાઈ બારિયા આજે અનેક આદિવાસી મહિલાનાં પ્રેરણામૂર્તિ બની ગયાં છે.