જામેવાર બ્લાઉઝ… એક આગવી ઓળખ
![A woman wearing a traditional Jamewar blouse with intricate embroidery.](/wp-content/uploads/2025/02/jamewar-blouse-traditional-design.webp)
ફેશન – ખુશ્બુ મુલાણી ઠક્કર
ગમે તેટલી મોંઘી સાડી પેહરી હોય અને બ્લાઉઝ બરાબર ન હોય તો ઓવર ઓલ લુક આવતો જ નથી. બ્લાઉઝથી જ સાડીનો ઉઠાવ આવે છે. મોટા ભાગની મહિલાઓ સાડીમાં જે બ્લાઉઝ પીસ આવે છે તેનું જ બ્લાઉઝ કરાવે છે, પરંતુ જો તમારે કોઈ અલગ લુક જોઈતો હોય તો તમે જામેવારનું બ્લાઉઝ પેહરી એક આગવી ઓળખ ઊભી કરી શકો. જામેવાર એ એક વૈભવી કાપડ છે. જામેવારની શાલ અને વસ્ત્રો ખૂબ જ લોકપ્રિય છે. જામેવાર ફેબ્રિક ઉન અને રેશમના સૂક્ષ્મ તંતુઓ વડે બને છે. જામેવાર ફેબ્રિકમાં ખાસ કરીને પેઝલી અને ફ્લોરલ ડિઝાઈન જોવા મળે છે. જામેવાર ફેબ્રિકમાંથી બનાવેલાં કપડાં મોટા ભાગે લગ્નપ્રસંગ કે તેના અન્ય ફંક્શનમાં પહેરવામાં આવે છે. જામેવાર ફેબ્રિકમાંથી બનાવેલા કપડાનો લુક રોયલ આવે છે. ચાલો જાણીએ જામેવાર બ્લાઉઝ કઈ કઈ રીતે પહેરી શકાય.
કલોઝ નેક બ્લાઉઝ – જામેવારમાં કલોઝ નેક બ્લાઉઝ એક અલગ જ લુક આપે છે. કલોઝ નેક એટલે જે બ્લાઉઝની નેક લાઈન ગળું શરૂ થાય ત્યાં જ હોય તેને કલોઝ નેક કહેવાય. કલોઝ નેક સાથે એલ્બો સ્લીવ્ઝ ખૂબ જ સુંદર લાગે છે. ક્લોઝ નેક બ્લાઉઝની પેટર્ન સાથે પ્લેન સાડી ખૂબ જ શોભે છે જેમ કે, મરૂન કલરના જામેવારનું બ્લાઉઝ અને તેની સાથે ગોલ્ડન કલરની ટીસ્યુ અથવા ગોલ્ડન કલરની ઓર્ગેન્ઝાની સાડી એક આગવી ઓળખ ઊભી કરી શકે. જામેવારનું બ્લાઉઝ હોય ત્યારે પ્લેન સાડી પહેરી શકાય જેથી કરી બ્લાઉઝનો ઉઠાવ વધારે સારી રીતે આવી શકે અથવા તો જામેવારના બ્લાઉઝ સાથે સેલ્ફ ટુ સેલ્ફ ડિઝાઇનવાળી સાડી પહેરી શકાય. જો તમારું શરીર ભરેલું હોય તો જામેવાર ફેબ્રિકની જીણી ડિઝાઇન પસંદ કરવી. જેટલી જીણી ડિઝાઇન હશે તેટલો જ ડેલિકેટ લુક આવશે. ક્લોઝ નેક સાથે સાડીનો છેડો છુટ્ટો રાખી શકાય. ડીપેન્ડિંગ કે તમે કયા ફંક્શન માટે સાડી પહેરી છે.
સ્લીવલેસ/હોલ્ટર/ફૅન્સી – જામેવારનું સ્લીવલેસ કે હોલ્ટર બ્લાઉઝ સુડોળ યુવતી પર ખૂબ જ સુંદર લાગશે. જામેવારના સ્લીવ લેસ બ્લાઉઝની લેન્થ તમારી બોડી પ્રમાણે રાખી શકાય. જો તમારું શરીર સુડોળ હોય તો બસ્ટ લાઈન સુધી જ બ્લાઉઝની લેન્થ રાખવી. જો શરીર થોડું ભરેલું હોય તો કમર સુધી બ્લાઉઝની લેન્થ રાખવી અને સાઈડ પર 1 ઈંચની સ્લીટ આપવી. આ સ્લીવલેસ બ્લાઉઝ સાડી અથવા કોઈ સોલિડ કલરના ઘાગરા સાથે પહેરી શકો. આ સ્ટાઈલના બ્લાઉઝ પ્લાઝો સાથે પણ પહેરી શકાય. જામેવારના સ્લીવલેસ બ્લાઉઝ મલ્ટી પરપઝ હોય છે. તમારી પસંદગી મુજબ તમે સ્ટાઇલિંગ કરી શકો. ઘણી યુવતીઓ જામેવારના સ્લીવલેસ બ્લાઉઝને ફૅન્સી લુક આપે છે જેમ કે, બ્લાઉઝ આખું જામેવારનું હોય, પરંતુ તેમાં સ્લીવ્સ કોઈ ફ્લોઈ ફેબ્રિકની હોય અને સ્લીવ્ઝ રેગ્યુલર સ્લીવ્ઝ ન હોય, પણ લેયરવાળી અથવા લોન્ગ ફ્રીલી સ્લીવ્સ હોય.જામેવારના શોર્ટ બ્લાઉઝ સાથે ફલોઈ ફેબ્રિકની સાડી ખૂબ સુંદર લાગશે. તમે આ લુક સાથે કમર પર પાતળો બેલ્ટ પણ પહેરી શકો. વાળમાં સેમી સોફ્ટ કલર્સ અને નો જ્વેલરી લુક સારો લાગશે અને જો જ્વેલરી પહેરવી હોય તો કાનમાં હેવી ઈયર રિગ પહેરી શકાય.
ડબલ લેયર બ્લાઉઝ – ડબલ લેયર બ્લાઉઝ એટલે જે બ્લાઉસ 2 પીસમાં બન્યું હોય. એટલે કે પહેલું બ્લાઉઝ કલોઝ નેક અથવા ઓપન નેકનું હોય. જેમાં સ્લીવ્ઝની લેન્થ તમારા બોડી ટાઈપ પ્રમાણે સિલેક્ટ કરી શકો અને પહેલાં બ્લાઉઝ પર બીજું બ્લાઉઝ પહેરવામાં આવે કે જે ઈન કટવાળું હોય અને જેકેટ સ્ટાઈલનું હોય. જો પહેલા બ્લાઉઝની લેન્થ 17 ઈંચ હોય તો બીજા બ્લાઉઝની લેન્થ 15 ઈંચ હોય અથવા તો પહેલું બ્લાઉઝ શોર્ટ હોય એટલે કે, 15 ઈંચ અને તેની ઉપર બીજું બ્લાઉઝ કે જેની લેન્થ 18 ઈંચ હોય. સામેથી જોવામાં લાગે કે આ 2 બ્લાઉઝનું કૉમ્બિનેશન છે. જ્યારે ડબલ લેયર બ્લાઉઝ પહેરવામાં આવે ત્યારે વધારે હેવી લુક આવે છે. આ પેટર્ન પ્લેન સાડી સાથે સારી લાગી શકે અથવા કોઈ હેવી સાડી સાથે પણ પહેરી શકાય શરત માત્ર એટલી જ કે તમને ફેબ્રિકનું મિક્સ એન્ડ મેચ કરતાં આવડવું જોઈએ.