જમન -પ્રકરણ: 6
જમનના હાવભાવ, રંગઢંગ જોઇને હરજીવન શેઠ ડઘાઇ ગયા. ‘તું? અત્યારે? સવારસવારમાં? ઉઘાડે શરીરે..? અને આ શું છે તારા હાથમાં.?’

અનિલ રાવલ
અમાસના ઘોર અંધકારે ગામ પર પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું. જમન ખાટલે પડ્યો પડ્યો આકાશમાં તારામંડળને તાકી રહ્યો હતો. બારેક વાગ્યે એ ઊભો થઇને બહાર નીકળ્યો. સંધ્યાસમયે પંચાયતના માણસે શેરીમાં થોડે થોડે અંતરે ખોડાયેલા થાંભલા પર લટકાવેલા મોટા ફાનસમાં ઘાંસલેટ નાખીને દીવા કરી દીધા હતા. જેના અજવાળે જમને જાણીતી દિશા પકડી લીધી. એ દિશા સ્મશાનની હતી. એ દર અમાસે સ્મશાનમાં જઇને બેસતો. એ એવું માનતો કે સાચી શાંતિ સ્મશાનમાં મળે….જીવતા કે મર્યા પછી. રસ્તામાં કેટલાક કૂતરા એને જોઇને ભસ્યા, પણ એણે લાકડી ઉગામીને ભગાડ્યા. અમાસની ભેંકાર રાતમાં એના ડગમગતા કદમ ઓળખીતી કેડી પરથી સીમમાં અને પછી ગામને છેવાડે આવેલા સ્મશાનમાં લઇ ગયા. ગામડાનું સ્મશાન….એક મોટું છાપરું અને એમાં પથ્થરના બનાવેલા ચાર પાકા ઓટા…આ ઓટલા પર મૃતદેહ ગોઠવીને ડાઘુઓ પોતાની સાથે લાવેલા લાકડાથી અંતિમસંસ્કાર કરતા. જમન સ્મશાનમાં દાખલ થયો. અચાનક એની આંખો ચમકી. એક ઘોરખોદિયું સ્મશાનની બાજુની જમીન ખોદી રહ્યું હતું. ઘોરખોદિયું છે એટલે નક્કી કોઇ મૃતદેહ હશે અને એ દાટેલો છે એનો મતલબ કે એ કોઇ નાના બાળકનો હશે….એણે ઘોરખોદિયાને ભગાડવાના ઇરાદે લાકડી ઉગામી…એ તો ભાગી ગયું, પણ જમનના મનમાં શંકાનો કીડો સળવળ્યો. ઘોરખોદિયાએ લગભગ આખી ઘોર ખોદી નાખી હતી. આસપાસની માટી હટાવીને એણે ઝૂકીને જોવાની કોશિશ કરી. ઘોર અંધારામાં એને એટલું સમજાયું કે એ એક તાજું જન્મેલું બચ્ચું હતું. એણે માટીથી રગદોળાયેલું કપડું હટાવ્યું. બચ્ચાની આંખો ખુલ્લી હતી અને પેટ ફુલાયેલું. જમનનું આખું શરીર ગુસ્સાથી ધ્રૂજવા લાગ્યું..એની લાલચોળ આંખો આમતેમ ઘૂમવા લાગી. એનો આક્રોશ સાતમા આસમાને હતો. કદાચ ત્રીજું નેત્ર ખુલવાની તૈયારી હતી. એણે ઝભ્ભો ઉતારીને બાળકને એમાં વીંટાળી દીધું. પછી ચિતા પર ગોઠવીને બાજુમાં બેસી ગયો. થોડીવારે એક નજર આકાશમાં કરીને બાળકને ઊંચકી લઇને ચાલવા માંડ્યો. એ ગામમાં પહોંચ્યો ત્યારે મોંસૂઝણું થઇ રહ્યું હતું.
****************
શેઠાણી પરોઢિયે ઊઠીને ગાયને દોહવા બેઠાં. બોઘરણાંમાં દૂધની પહેલી સેર પડી ને ડેલીએ ટકોરો પડ્યો. આટલી વહેલી સવારે કોણ હશે. વિચારતા શેઠાણીએ દરવાજો ખોલ્યો જમનને જોઇને હેબતાઇ ગયાં. ‘શેઠ, સાંભળો છો? જલ્દી બહાર આવો.’ શેઠ ઉતાવળે બહાર આવ્યા. જમનના હાવભાવ, રંગઢંગ જોઇને હરજીવન શેઠ ડઘાઇ ગયા. ‘તું? અત્યારે? સવારસવારમાં.? ઉઘાડે શરીરે..? અને આ શું છે તારા હાથમાં.?’ જમને ફળિયામાં બચ્ચાના મૃતદેહને મૂકીને હળવેથી કપડું હટાવ્યું. જોઇને શેઠાણીએ ચીસ પાડી: ‘ઓઇ મા.’
***************
ગામને ચોરે નગરશેઠ હરજીવન અદા, શેઠાણી, સરપંચ, દલપતભાઇ સહિતના પંચાયતના બીજા મોભીઓ, ભાભાઓ અને ઘોડા ડાક્ટર બેઠા હતા. બાજુમાં જમન અને અરજણ ઊભા હતા ને ઓટલા પર કપડામાં વીંટાળેલો નવજાત શીશુનો મૃતદેહ હતો. ધીમે ધીમે ગામવાસીઓ ભેગા થવા લાગ્યા. સરપંચે અરજણ સાથે મોકલેલા કહેણને કારણે ગામવાળાઓ ધીમે ધીમે ભેગા થવા લાગ્યા હતા. કૂવે પાણી ભરવા નીકળેલી બાઇઓ પણ ઊભી રહી ગઇ. ટોળામાં ગણગણાટ શરૂ થઇ ગયો. સરપંચે ગામને શું કામ ભેગું કર્યું હશે એના જાતજાતના તર્કવિતર્ક થવા લાગ્યા. સરપંચે આ રીતે સભા ભરી હોવાનો આ પહેલો દાખલો હતો. થોડીવાર પછી સરપંચે ઊભા થઇ બચ્ચા તરફ આંગળી ચીંધીને બરાડીને સવાલ કર્યો: ‘આ કોનું છે.?’ ટોળામાંથી કોઇ આગળ ન આવ્યું.
‘આ ઓઢણી કોની છે.?’ સરપંચે બીજો સવાલ કર્યો. બાઇઓના ટોળામાં ઘૂમટો તાણીને ઊભેલી એક ી આગળ આવી. બાઇઓના ટોળામાં કોલાહલ વધી ગયો. શેઠાણીએ પાસે જઇને ‘ઘૂમટો ઉઠાવ્યો.’ રંભા તું.? આ છોરી તારી છે.? રંભા ભાંગી પડી. ‘હવે તું જ બધાને માંડીને સાચી વાત કર.’ ‘એ કાળમુખી રાઇતે મારી કૂખે આ છોરી જન્મી.’ મારી સાસુએ મને ગાળો ભાંડતા ભાંડતા બહાર બેઠેલા રઘુને વાત કરી: છોરીને જનમ આયપો તારી બાયડીએ.
રઘુ મને મારવા દોયડો…બેચાર તમાસા ય માયરા. ભૂંડાબોલી ગાળો દીધી. બા, મારે આનું કાંઇક કરવું પડશે….તું હમણાને હમણા ગાયને દોઇ લાવ. એ બોયલો ને મારી સાસુ ગાય દોઇને આવી. રઘુએ તાંબાકુંડીમાં દૂધ રેડીને મારી છોરીને એમાં ડૂબાડી…હું ગામ ભેગું કરવા રાઇડુ પાડવા ગઇ તો મારું મોઢું દાબી દીધું. હું બઉ કરગરી, પગે પડી….રઘુએ છોરીને બાર કાઢીને મારી ઓઢણીમાં વીંટાળી. મારી સાસુએ એના હાથમાં કોસ પકડાવી. જલ્દી દાટી આવ. ‘ઇ રાઇતે હું અને ગાય બેય રોતા રિયા.’
આખી સભા સ્તબ્ધ હતી. માત્ર સંભળાતું તું એક માનું રુદન, એનો આક્રંદ…ટોળામાં ઊભેલો રઘુ નાસી છૂટવા પાછળ ફર્યો….પાછળ જમન આડી લાકડી રાખીને ઊભો રહી ગયો. અરજણે એનું કાંડુ પકડી લીધું. બાઇઓમાં ઊભેલી રઘુની મા મોં છુપાવીને ભાગવા લાગી, પણ બાજુમાં ઊભેલી લખમીએ એને ઝાલી લીધી. ‘હું તો મારો જીવ ન આપી સકી, પણ મારી ગાયે….મારી કમલીએ જીવ આપી દીધો. ગામની એ પેલી ગાય મરી.’ રંભાના આક્રંદથી પાદરનો પવન થંભી ગયો હતો.’
‘અને પછી બીજી મારી ગાય મરી,’ બચુ સુથારે મોટેથી બૂમ પાડી.
‘પછી મારી ગાય મરી,’ ટોળામાંથી અવાજ આવ્યો. ‘પસી મારી ગાય,’ પસી મરી ગાય ટોળામાંથી એકપછીએક ઉઠતા અવાજમાં આક્રોશ હતો. ‘રઘલા, તારા પાપે મૂંગા જીવોનો ભોગ લીધો સે…આ છોરી શાપ આપતી ગૈ શાપ..’ અરજણે જમનનો અવાજ બનીને મોટેથી કહ્યું. ટોળું વિખેરાવા લાગ્યું. જમન સીમ તરફ ચાલવા લાગ્યો. થોડીવાર પછી એની વાંસળીનો મધુર સૂર વાતાવરણમાં ગૂંજી ઉઠ્યો.
(સમાપ્ત)