ખાદ્ય-યોગ કરતા જાણે એ ૧૦૦ ટકા સુરતી!

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
માણસ ધારે તો ગમે તેવા કરુણ કે પછી નહીં ગમતા અવસરમાંય મજા કરી લેતો
હોય છે. જો કે કેટલાક માણસો શાપિત હોય છે. એ કોઈ પણ અવસર હોય (સારો કે ખરાબ), કુંજરાતાં, કચવાતાં, ગુસ્સામાં કે પછી સોગિયાં મોં લઈને જ ફરતા હોય છે. એમનાં મોં પર હંમેશાં બાર જ વાગેલા હોય છે. એવા સોગિયાં કમ કુંજરા માણસોને તમે પ્રશ્ર્ન પૂછો કે અભિપ્રાય, એ હંમેશાં કચવાતા મને, મોં વાંકું કરીને જ જવાબ આપે છે. આનંદ તેમજ મોજમજાથી એને બારો કોશ છેટું હોય છે.
અમારા એક મિત્ર સાથે સંગીત પ્રોગ્રામમાં જવાનું થયું. પ્રોગ્રામ શરૂ થવામાં થોડી વાર થઈ કે અમારી સાથે આવેલ મિત્ર બોલ્યા : ‘આમાં એક પણ સિંગર સારો નથી.’ મેં કહ્યું : ‘દરેક સિંગર સૂરીલું ગાય છે. તને ક્યાં વાંધો પડ્યો એ બોલને?’ પેલા ભાઈ બોલ્યા : ‘મને એમની ગાયકી સામે વાંધો નથી, મને તો એમનાં ડ્રેસિંગ સામે વાંધો છે.’ મારે લાંબી જીભાજોડી કરીને
ચાલી રહેલા સુંદર સંગીતને માણવાનું ગુમાવવું નહોતું. એટલે મોં બંધ કરી,
ગીતો સાંભળી મેં મારું સંગીત સુખ પ્રાપ્ત કરી લીધું.
ફેશન શો જોવા આવ્યાં હોય, એમ સંગીતના પ્રોગ્રામમાં પણ સૂરીલાં ગીતોનું સુખ મેળવવાની જગ્યાએ ગાયકોનાં કપડાં ઉપર વિવેચન કરનારને, પછી ક્યારેય કોઈ સરસ કાર્યક્રમમાં લઈ જવાય ખરો? ચંદની પડવાના દિવસે ડુમસના દરિયાકિનારે ધવલ ચાંદનીમાં ઘારી, ભૂસું ને વિવિધ ભજિયાં ખાવાની મજા માણવાને બદલે ‘અમેરિકામાં શું સરસ પિઝા અને પાસ્તા મળે!’ એવી વાત કરી પોતે અન્યની મજા બગાડી રહ્યો છે એ ભૂલી જાય છે. (કદાચ એને એમ હશે કે બીજા મિત્રો એની વાતને અનુમોદન આપી, એના દુ:ખમાં ભાગીદારી કરશે. પણ આ તો સુરતી! ઘારી અને ભૂસાં-ભજિયાં સામે પિઝા પાસ્તા વળી શું છે?)
સુરતીલાલા તો ખાતી વખતે બસ, ખાવાનું સુખ જ માણે! ખાતી વખતે એ કોઈપણ પ્રકારની ખલેલ ચલાવી લેતો નથી. સુરતી ખાતો હોય ત્યારે જાણે કોઈ ખાદ્યયોગ કરતો હોય એવી આભા એનાં મુખ પર પ્રસરી જતી હોય છે.
સુરતના પીપલોદથી શરૂ કરી, ડુમસ રોડ ઉપર વચ્ચોવચ બેસી ભર ટ્રાફિકના કોલાહલ વચ્ચે પણ એ લારી ઉપરનાં ચીઝ-પનીરથી લથબથ, ભરેલાં ભરેલાં, મોટી મોટી સાઇઝનાં પરોઠાં ફટાફટ આરોગી જાય છે અને એની ઉપર બાવન જાતના મુખવાસ પણ ખોરાકનાં પ્રમાણમાં જ આરોગીને
ઉદર, તન-મન અને રસ-રુચિને તૃપ્ત કરે છે. એક સાધુ જે રીતના યોગ સાધનામાં તલ્લીન થઈને તન-મનને શાંત કરે છે, બસ એમ જ!
સુરતી ખાવામાં તલ્લીનતા પ્રાપ્ત કરીને પ્રથમ ઉદરને, પછી તન-મન-હૃદયને સ્વર્ગ સમું સુખ આપે છે.
જે સુરતીને ખાવાનો શોખ નથી હોતો એને અમે સુરતી કહેતાં નથી. સુરતને કર્મભૂમિ બનાવીને જે લોકો ઇમિગ્રન્ટ થઈને આવ્યા છે, એમણે પણ બે-ત્રણ વર્ષમાં સુરતી ખાદ્યરસને પચાવતાં શીખી જઈને રોડ
ઉપર બેસી, પીપલોદના પરોઠાં તેમજ
ડુમસની મોટી મોટી મરીવાળી રતાળુ
પૂરી, ટામેટાનાં ભજિયાં, લોચો, ખમણ, ઘારી, ભૂસું, ભજિયાં, ગોટા જેવા તેલ-
ઘી-ચીઝ-પનીરથી લથપથ ખાદ્ય પદાર્થો ખાઈને સુરતીપણાની પરીક્ષામાં પાસ થવું પડે છે અને તો જ એ કર્મભૂમિ સુરતના સાચા સપૂત બની શકે છે. (સુરતી
વિઝા એમને એમ થોડા કંઈ મળવાના?) ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ જેવી ઉક્તિ કંઈ એમને એમ થોડી પથ્થરની લકીર બની છે?
તમે જોજો, એક સમય એવો પણ આવશે કે વિશ્ર્વનાં તમામ પ્લેનો ભરાઈ ભરાઈને માત્ર ‘સુરતી જમણવાર ઓન રોડ સાઇટ’ માટે જ આવશે અને સુરતી ભોજન ખાધા પછી ઉપરોક્ત ઉક્તિ અવશ્ય બોલશે : ‘વાહ! ખરેખર! સુરતનું જમણ અને કાશીનું મરણ!’
માતા અન્નપૂર્ણાના સુરત ઉપર ચાર હાથ નહીં, પણ હજારો હાથ છે. અહીં આવેલ એક પણ માણસ ભૂખ્યો
સૂતો નથી. પાબંદી હોવા છતાં ખાવા
તેમજ પીવાનું એમ બંને પ્રકારનું સુખ
દરેકને પોતપોતાનાં ખિસ્સાં પ્રમાણે મળી
રહે છે.
આ શહેરમાં કુદરતે જેને કામ કરવું
જ છે, એવા લોકો માટે રોજીરોટીનો, કામધંધાનો પૂરો પ્રબંધ કરી રાખ્યો છે. (સિવાય કે કોઈ જન્મજાત આળસુનો
પીર હોય!)
હસતાં હસતાં આવકારો આપનારા સુરતી લાલાઓ પોતાની હેસિયત પ્રમાણે મહેમાનોની આવભગત કરે છે. (ભલે આવનારો મહેમાન એક પણ પડીકુંય ન લાવ્યો હોય અને ભલે એ આવ્યા પછી જવાની તારીખ પણ ન કહેતો હોય!) ‘આ તરફ આવો, તો આવજો ક્યારેક’ એવું અમદાવાદી વાક્ય પાકો સુરતી બોલતો નથી. (હાઇબ્રીડ સુરતીની ખબર નહીં.) એ તો હંમેશાં પ્રેમથી, પૂરા હોશો હવાસમાં, હસ્તધૂનન કરીને કહે છે : ‘સુરતનો પ્રોગ્રામ તો કરવો જ પડશે. નહીં તો અમારાં લોચા, ખમણ, ઘારી, ભૂસાં, ભજિયાંને ખોટું લાગે! અને તમારાં ભાભીના હાથની રસોઈ જમશો, તો પાછા જવાનું નામ નહીં લો.’ (આટલું સાંભળ્યા બાદ મૂરખ હોય એ જ સુરતનો પ્રોગ્રામ ન બનાવે. બાકી મારા જેવો ડાહ્યો હોય એ તો કહે, ‘ચાલને. આજે જ તારી કારમાં તારી સાથે સુરત ભેગો આવી જાઉં’ મફતમાં સુરતનું સ્વર્ગ જેવું સુખ ક્યાં મળવાનું? ખરું ને?
-તો પછી રાહ શું જોવાની? આવો, સુરત આવો. પણ હા, શરત એક જ છે. અહીં માત્ર હસવાનું ફરજિયાત છે. બાકી કચવાતાં, કર્કશ તેમજ સોગિયાં મોંને સુરતના વિઝા જલદી મળતા નથી! અને મળે તો એ અહીં પરમેનેન્ટ સિટીઝન બની શકતા નથી. તો બસ, આવો અમારે શહેર… પણ હા, પણ પડીકાં લીધા વિના આવતા નહીં. (જો જતી વેળા ડબલ પડીકાં જોઈતાં હોય તો!)