આ છાતી કૂટવાની કળા આખર છે શું?

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
દરેક નાની-મોટી, સારી-ખરાબ ઘટનાને ઉત્સવમાં ફેરવવાનો લ્હાવો નાનાં-મોટાં ગામડાઓમાં લોક ખૂબ પ્રેમથી સ્વીકારીને રંગેચંગે ઊજવે છે. ગામડામાં રહેતા લોકોમાં ભગવાને ઠાંસી ઠાંસીને ઉત્સાહ ભરેલો મેં જોયો છે. કોઈ એકના ઘરમાં કોઈ ઘટના બને – એ પછી સારી હોય કે ખરાબ, તો એમાં સહભાગી થવા ગામનાં નાના-મોટા, સ્ત્રી-પુરુષો બધા જ, વગર આમંત્રણે ઘટના પ્રમાણે મોં ઉપર ભાવ લઈને હાજર થઈ જાય છે. સારો પ્રસંગ હોય તો હસતું મોં રાખીને, અને દુ:ખદ હોય તો રડતું મોં લઈને પણ હાજર રહે.
(શહેરમાં પડોશમાંથી ઠાઠડી ઊઠતી હોય તો પણ પડોશીનાં પેટનું પાણી હલતું નથી.)
અમારા ગામમાં તો ‘એકસો બાર વરસની મંછી ડોશી ઊકલી ગઈ!’ એ વાત ગામમાં પ્રસરતામાં તો પુરુષો ખભે પછેડી કે ટુવાલ લઈને અને સ્ત્રીઓ ઘૂમટા તાણીને મંછી ડોશીના ઘર તરફ પોક મૂકતાં મૂકતાં દોડ્યાં. અમે બધા ભાઈ – બહેન નાનાં હતાં એટલે ગભરાઈ ગયાં કે આમ અચાનક હમણાં સુધી હસતાં હસતાં, વાતો કરતાં બા-બાપુ રડવા કેવી રીતે લાગ્યાં? બા – બાપુને રડતાં જોઈને થોડીવાર પછી અમે પણ હીબકાં ભરીને રડવા લાગ્યાં. બા મોટેથી બરાડી: ‘તમે બધા હું કામ પોક મૂકો છો? જરા છાનાં
મરો! તમારી મા તો હજી કડે ધડે છે.’
(જ્યારે પોક મૂકવાની આવહે ત્યારે તો રામ જાણે ગ્લિસરીન હોધવા હો નીકળી નહીં પડે તો હારું.)
બાજુવાળાં રમાકાકીને આવતાં જોઈને બાએ મોઢું ઢાંકીને પોક મૂકી. રમાકાકીએ પણ વળતી પોક મૂકી. સામે રહેતાં કમુકાકીએ પણ છેડો વાળ્યો ને છાતી કૂટવાની શરૂ કરી. એક પછી એક બધા ઘરનાં સ્ત્રી-પુરુષોનો સમૂહ મંછી ડોસીને ઘરે પહોંચ્યો. પુરુષો બહાર ફળિયામાં બેઠા અને સ્ત્રીઓ ઘરમાં ટોળે વળી. મંછી ડોશીના ઘરની સ્ત્રીઓ મળસકેથી છેડા વાળીને અને છાતી કૂટી કૂટીને હાંફી ગઈ હતી. કેટલીકને ચા પીધાં વગર ચક્કર આવતાં હતાં. એટલે મંછી પછી ઉપર જવાના વિઝા ફાટે એવી ગંગાડોહી બોલી : ‘હવે એકહો બાર વરહે હરગમાં ગઈ છે તે એનું રડવાનું ની હોય. એનાં તો ભજન હોય! આટલું બોલતામાં તો ગંગાની ધમણ હાંફી રહી હતી. ‘આ સરસ લાગ છે.’ એમ વિચારીને જેને ચા પીવાની તલપ જાગી હતી, એ રૂખીબાએ ધીમે રહીને કહ્યું, ‘જનાર તો ગીયું. પણ હવે એની પાછળનાએ તો જીવવાનું છે. એકાદ વહુને કોકે બધાને ચા- પાણી કરાવે. મંછીબા તો લીલી વાડી મૂકીને ગઈ છે.’
એટલામાં મંછીબાનાં પિયરિયાં બળદગાડામાં ઓવરલોડેડ થઈને આવી પહોંચ્યાં. એમણે તો ગામને પાદરથી જ મોટેથી છેડો વાળ્યો. જાણે મંછી હારુ લાગણીનો ધોધ વહેતો હોય, તેમ એની ચારે ભાભીઓએ છાતી ફૂટતાં ફૂટતાં ગાવાનું શરૂ કર્યું :
‘ઓ મારી સોનલ બેની, આવી કુમળી વયે તું ક્યાં હાલી નીકળી…?
આ તારી ભાભીયું જોવે તારી વાટ…
મારી બેની! આ આવી ઉતાવળી તું કેમ થઈ રે…?’
મંછી ડોહીની ત્રણેય વહુએ છેડો વાળ્યો ને છાતી કૂટતી ગાવા લાગી.
‘માડી અમારી સોનાના ઝૂલે ઝૂલેલી, ને સોને મઢેલી…!
એને એવી તે શેની ઉતાવળ…
કે લીલી વાડી છોડી ગઈ…! ’
આમ પિયરિયાં, સાસરિયાં ને મોસાળનાં નજીક નજીકનાં સગાંઓએ સામસામે છેડા વાળીને જુગલબંધી કરી. આ ત્રણેય ટીમની સ્ત્રીઓને શીઘ્ર કવિતા લેખનમાં બેસાડી હોય તો ગોલ્ડ મેડલ લીધા વિના પાછી ન આવે એ નક્કી વાત હતી.
‘પેલી ચા મૂકવા ગયેલી વહુ ક્યાં મરી ગઈ? મંછી ડોહીની પાછળ એ હો ઊકલી ગઈ કે હું? આ ક્યારની ચાની તલપ લાગેલી… અત્યારે મારાં ઘરે હો, તો બે વારની ચા અને નાસ્તા પાણી કરી લીધાં હોત! ’
‘સુધા, તારી વહુ કામ કરવામાં આટલી બધી ટાઢી છે? એક ચા બનાવવામાં આટલી વાર! ચાની સાથે બપોરનું જમવાનું હો કરવા બેહી ગઈ કે હું? ’
ત્યાં તો ગામના પાદરેથી રડવાનો અવાજ આવ્યો. બહારથી જમનાકાકીના બે ખબરપત્રી ખબર લાવ્યા કે, ‘બાજુના ગામનાં મંછીબાના કુટુંબીઓનાં ગાડા આવી ગયાં છે. એટલે બધા બોલ બોલ ઓછું કરીને છેડા વાળીને બેહી જાવ.’ મંછીબાનાં દૂરનાં સગાંવહાલાં તો છેડો વાળવામાં એટલા નિષ્ણાત કે ફળિયામાં આવીને ધરતી ધ્રૂજે એમ છાતી કૂટવી શરૂ કરી.
ફળિયામાંથી જ્યાં સુધી પેલી સ્ત્રીઓ અંદર ન આવે, ત્યાં સુધી ચાની કીટલી પણ ખૂલે એમ નહોતી. એટલે ઘરની અંદરની નિષ્ણાત, છેડા વાળવાવાળી સ્ત્રીઓને ફળિયારૂપી સમરાંગણમાં સશસ્ત્ર મોકલવામાં આવી. બંને પક્ષે સામસામે પોતાની કલા પ્રદર્શનનું મોકળું મેદાન હતું. સામસામે મરસિયાં ગવાતાં રહ્યાં. બેમાંથી એકે પક્ષ હાર માને એવો નહોતો. ખુદ મંછીમાના આત્માને પણ થતું હશે કે, ‘મને આ લોકો આટલો બધો પ્રેમ કરે છે, તો મારે પાછાં પૃથ્વી લોકમાં જવું જોઈએ. મારાં કેવાં કેવાં વખાણ કર્યાં! મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, એ પણ છાતી ફૂટી કૂટીને ગાયું. આજીવન જે મારી ખણખોદ કરતી હતી, તે પિતરાઈ ભાભીએ હો કેવું સરસ પ્રેમભર્યું મરસિયું ગાયું!’
આ તરફ ઘરમાં આખી રાત ઉજાગરો કરીને અધમૂઆ થઈ ગયેલા ટોળામાંથી એક માજી ઊભાં થઈને બહાર ગયાં અને બરાડો પાડીને બોલ્યાં, ‘મંછીને ભજને કાઢવાની છે. માટે છાતી કૂટવાની બંધ કરો.’ (આટલું સરસ ગાવામાં તો ડોસી પાછી આવહે! હવે એની વહુઓનું તો વિચારો.) અને એણે ભજન ઉપાડ્યું : ‘ઊંચી મેડી તે મારા સંતની રે…’ ને એ સાથે જ પેલાં ચાની તલપવાળાં બેને જાતે જ કીટલી ઉઘાડીને ચા લઈને પીવા માંડી, કે તરત બીજી બધી સ્ત્રીઓ ‘ફરી છાતી કૂટવાની આવે તો શક્તિ જોઈશે.’ એ વિચારે ચા માટે પડાપડી કરવા લાગી.
ચા પીધાં પછી કેટલીક સિનિયર ડોસીમાઓનાં, ઠંડીમાં કકડતાં ચોકઠાં પણ શાંતિથી પોતાની જગ્યાએ ગોઠવાયાં. ‘હજી તો ચાર-પાંચ ગામનાં ગાડા આવવાનાં બાકી છે. એટલે બધીઓ વારાફરતી છાતી ફૂટવા તૈયાર રહેજો.
બધીઓ હામટી છેડો વાળવા બેહી ની જાતી. હમજી? ’
એમાંની એકને વળી શું સૂઝ્યું, તે ગંગાકાકીને કહેવા લાગી. ‘ગંગાબા, તમે કેવાં સરસ મરસિયાં ગાવ છો! તે અમને શીખવશો? ’ આખાબોલી ગંગાકાકી તાડૂકી. કેમ? મારી પાહે હીખીને મારા જ મરવાની રાહ જોતી છે, કે પછી તારી હાહુની ઉપર જવાની રાહ જોતી છે?’ (પૂછનારી બિચારીને જીવતાં જ મરવા જેવું લાગ્યું.)
ત્યાં જ ગામનો હજામ કહેવા આવ્યો : ‘એક ગાડું પાદરે આવીને ઊભું છે.’ અને એ સાથે જ ગંગાબાએ અડધાને છેડો વાળવાનો ઇશારો કર્યો ને બાકીનાને બીજા ગાડા માટે તૈયાર રહેવા કહી મરસિયું ઉપાડ્યું (પોતે મરસિયાં ગાવામાં નિષ્ણાત છે, એ પુરવાર જો કરવાનું હતું!)
બોલો, આ છાતી કૂટવામાં નિષ્ણાતોને કદી હાર્ટઍટેક આવતો જોયો છે તમે?!