લાડકી

શું વિદ્યાર્થી તૈયાર છે?

કેટલાકનાં ઘરોમાં આવું દૃશ્ય સર્જાતું હોય છે. “પરીક્ષાનું ટાઇમટેબલ આવી ગયું, પણ ભાઈના પેટનું પાણી હલતું નથી. ચાલો, હવે મોબાઇલને પણ થોડો જંપવા દો. તારા પપ્પાને તો ચિંતા જેવું થતું જ નથી. બસ, દર વર્ષે નવો ફોન અને લેપટોપ અપાવીને એમ માને છે, જાણે કે એની ફરજ પતી ગઈ!

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

માર્ચ મહિનો આવે કે વાલી, વિદ્યાર્થી, સ્કૂલો તેમ જ ટ્યૂશનમાં ગરમાવો આવી જાય છે. આમ પણ માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ વધે છે. એટલે લોકો ત્રાહિમામ પોકારે છે અને ઉપરથી પરીક્ષાઓનું ટેન્શન! આખું વરસ જે વિદ્યાર્થીઓએ ચરી જ ખાધું છે, એવા વિદ્યાર્થીઓના વાલીઓ આળસ ત્યજીને પોતાના ખોટા સિક્કાઓને કેમ ચલાવવા એની ફિકરમાં દોડાદોડ કરવાનું તેમ જ એમની પૂછતાછ કરવાનું કામ શરૂ કરી દે છે.

જ્યાં જ્યાં ખોટા સિક્કાઓ છે, એવાં ઘરોમાં વાલીઓનાં મુખેથી નીચે પ્રમાણેના અમૃત વચનો મળસકું થતાં પહેલાં જ બોલાવા માંડે છે. “આખું વરસ બહુ ઊંઘ્યાં. હવે તો ઊભાં થાવ. (કુંભકર્ણની ઓલાદ પણ કહેવું હોય. પણ જો પતિ જાગતો હોય, તો જિહ્વા ઉપર થોડો કાબૂ રાખવો પડે છે.) અમે તો નાના હતાં, ત્યારે જાતે જ મળસકે ઊઠીને વાંચવા બેસી જતાં. (એટલે જ SSC નાપાસની ડિગ્રી લઈને ફરે છે! પતિ જાગતો હોય તો આમ જ વિચારે.) બાળકો અળવીતરાં હોય તો કહે, “એટલે જ મમ્મી, તું SSC માં નાપાસ થયેલી!

અનેક બૂમો બાદ પણ એમના સિક્કાઓ નહીં જ ઊઠે, તો પત્ની ઉવાચ: “બિલકુલ તમારા ઉપર ગયાં છે. હું તો હવે કંટાળી છું. સવાર સવારમાં મારે હજાર કામ છે. તમે તમારા આ નમૂનાઓને ઉઠાડો અને વાંચવા બેસાડો. નહીંતર આ વર્ષે પણ ટ્યૂશન અને સ્કૂલ ફીના ખર્ચા માથે પડશે.

મનમાં ને મનમાં કેટલા રૂપિયા આ વર્ષે વેડફાવાના છે, એની ગણતરી માંડી ઉગ્ર બનેલા પતિ કહેશે, “આખું વરસ હું નોકરી કરું, ત્યારે બે પૈસા દેખાય છે. તું આખું વરસ ઘરમાં બેસી કરે છે શું? એક આ છોકરાઓને વાંચવા લખવા પણ બેસાડાતું નથી. જો તેં એક પણ સારી ટેવ પાડી હોય તો લેખે લાગે. બાજુવાળાં રમીલાબેનને જો. એણે બાળકોને કેવાં ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવ્યાં છે! રાત દિવસ બાળકોને લઈને બેસે છે. ભણાવવાનું કામ હંમેશાં મા જ કરે છે. સમજી?

“રમીલાબેનને સારી ચીતરવાની હિંમત કરી જ કેમ? (મનમાં તો થયું કે રમલીનાં અપલક્ષણોની મોટી યાદી જ ફટકારું.) રમીલાબેનની એકલીની મહેનત નથી. સમજ્યા? અરુણભાઈ પણ ગમે એટલા થાકેલા હોય તો પણ રોજ સાંજે બાળકોને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી જેવા અઘરા વિષયો ભણાવે, લેશન કરાવે અને પ્રશ્નપત્રો કાઢીને વીકલી ટેસ્ટ પણ લે. સવારે સારામાં સારા ટ્યૂશન ટીચરોને ઘેર બોલાવીને ટ્યૂશન પણ અપાવે. અને તમે તો જાણે એકલા જ નોકરી કરતા હોય, એમ આવો ત્યારના પગ લાંબા કરીને આરામખુરશીમાં ઝૂલતાં ઝૂલતાં, થિયેટરમાં બેઠા હોય તેમ ટીવી ચાલુ કરી જાતજાતની વાનગીઓના ઑર્ડર આપતા જાવ અને ખાતા જાવ. સાથે તમારા ખોટા સિક્કાઓને પણ ’હા જી હા’ કરવા બેસાડીને બગાડવાનું કામ કરો છો. કોઈ દિવસ ઘરે આવીને એમનું હોમવર્ક કે ક્લાસવર્ક તપાસ્યું છે? નહીં ને? (આટલું બધું બોલી ગયાં પછી પત્નીએ નજર કરી, તો પતિરાજ ઊભા થઈને બાજુવાળાં રમીલાબેનના બગીચામાં ચા પીતા હતા!)
પરીક્ષા આપવાવાળા ખોટા સિક્કાઓ તો પડખું ફરીને ઊંઘતાં હતાં અને આ તરફ મમ્મી-પપ્પા વચ્ચે સામસામે યુદ્ધનાં મંડાણ થઈ ગયાં હતાં.

કેટલાકનાં ઘરોમાં આવું દૃશ્ય સર્જાતું હોય છે. “પરીક્ષાનું ટાઇમટેબલ આવી ગયું, પણ ભાઈના પેટનું પાણી હલતું નથી. ચાલો, હવે મોબાઇલને પણ થોડો જંપવા દો. તારા પપ્પાને તો ચિંતા જેવું થતું જ નથી. બસ, દર વર્ષે નવો ફોન અને લેપટોપ અપાવીને એમ માને છે, જાણે કે એની ફરજ પતી ગઈ!

“મમ્મી, તું ચિંતા કરવાની છોડ. હવે તો બધું મોબાઇલ અને લેપટોપમાં જ ભણવાનું હોય છે. કંઈ ના આવડે તો ગૂગલ સર્ચ કરવાનું, એટલે બેડો પાર! સમજી?

પપ્પા ઉવાચ: “તારી મમ્મીને એ નહીં સમજાય બેટા! તારી મમ્મી ક્યાં અપડેટ થઈ છે? એટલે એ જુનવાણી વાતો જ કરશે. (મમ્મી મનમાં… ‘હમણાં બંનેના મોબાઇલ અને લેપટોપ ખોલીશ ને, તો અપડેટ થવાનું ભૂલી જશો.’)
“હું તો એટલું જાણું છું કે લેપટોપ કે મોબાઇલ વાપરે છે, તો પણ તમારો નબીરો નાપાસ કેમ થાય છે? (તમારી જેમ!) બાજુવાળા મનીષ પાસે લેપટોપ નથી, તો પણ ગોલ્ડ મેડલ લાવે છે. એની મમ્મી પણ અપડેટ નથી થતી મારી જેમ. હવે કહો, તમારો નબીરો ગોલ્ડ મેડલ ક્યારે લઈને આવશે? (ગૂગલમાં બંને સર્ચ કરીને સવાલ કરજો કે ગોલ્ડ મેડલ કઈ રીતે લેવો?)

માર્ચ મહિનામાં એક ત્રીજા ઘરનું દૃશ્ય પણ જોઈ જ લ્યો. “આજથી તૈયારી કરશો તો પાસ થવાશે. નહીંતર નવમામાં ત્રીજું વર્ષ પાક્કું અને તું મોનિટર પણ પાક્કો.

“મમ્મી, મેં પટાવાળાને એક કડકડતી નોટ પકડાવીને જાણી લીધું છે કે સતત ત્રીજા વર્ષે પણ નાપાસ થતાં હોય એવા વિદ્યાર્થીઓને તો ફરજિયાત શિક્ષકોએ પોતે ડાબે હાથે લખીને પણ અને આચાર્યે કૃપાગુણ આપીને પણ ઉપર ચડાવવા પડે છે.” (ગ્રાન્ટ લેવી હોય તો રિઝલ્ટ સુધારવું જ પડે ને!)

“મમ્મી હવે જીવદયાને ધ્યાનમાં રાખીને સરકારે બાળકોનાં હિતમાં કાયદા બનાવ્યા છે. અને એનો લાભ હું નહીં લઉં તો કોણ લેશે? અને એમ પણ નવમાનો પાયો પાક્કો હશે, તો દશમો માળ પણ બરાબર પાક્કો થશે. યુ ડોન્ટ વરી મોમ. તું તારે મારી ચિંતા છોડ. આ વર્ષે મેં મારો બંદોબસ્ત બરાબર કરી દીધો છે. (બાપની જેમ નેતા જ બનવાના પાક્કાં લખ્ખણો છે. મારે હો હું કામ નકામા ઉધામા કરવા! એ તો બાપ તેવા દીકરા આપરે હું…)

પરીક્ષાના પહેલા દિવસે દૃશ્ય કેવું હોય? જરા જોઈ લઈએ. દાદી જોરમાં ઘંટડી વગાડી પૌત્રને સારા ટકા ભગવાન આપશે, તો પોતે અયોધ્યાની જાત્રા કરી આવશે અને એકસો એક ચડાવશે એવી પ્રાર્થના કરી રહ્યાં છે. મમ્મી એના લલ્લાની પેન્સિલ છોલે છે. પપ્પા ત્રણ ચાર સારી બોલપેન, કલર બોક્સ તૈયાર કરે છે. મોટાભાઈ કારમાં પેટ્રોલ પુરાવીને તૈયાર છે. ભાભી પૂજાની થાળીમાં દહીં ખાંડ લઈને સજ્જ છે. મમ્મીનું પ્રેશર હાઇથી પણ હાઇ છે. એ ત્રણ-ચાર વાર વોશરૂમમાં જઈ આવી છે. કોણ કોણ સ્કૂલની બહાર ત્રણ કલાક ફિલ્ડિંગ ભરશે એનું આઠ દિવસનું ટાઇમટેબલ નક્કી થઈ ગયું છે. શું શું લઈ જવાનું એ પણ લિસ્ટ મુજબ તૈયાર છે. આ ટાઇમટેબલ દરેકના રૂમમાં ચોંટાડી દીધું છે. છેલ્લે વાંચવાના વાક્યો, ફકરાઓ, મોસ્ટ આઇએમપીની ઝેરોક્ષ તૈયાર છે. પણ વિદ્યાર્થી તૈયાર છે ખરો?

એ પ્રશ્ર્ન હજી ઊભો જ છે!!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button