લાડકી

બળતરા

ટૂંકી વાર્તા -માવજી મહેશ્ર્વરી

મિસ્ટર જાદવ, આવું નહીં ચાલે. આ ઑફિસ ડિસિપ્લિનની બાબત છે.

બોસે ‘આવું’ ઉપર એટલો ભાર મૂક્યો કે મને લાગ્યું આ શબ્દ ડિક્શનરીમાંથી બહાર ફેંકાઈ જશે. જોકે એમને ‘આવું’ સમજાયું ન હતું. પણ આખરે એ બોસ હતા. મારે સાંભળવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. એમનો વાક્પ્રવાહ વહેતો રહ્યો. હું અટકાવી શકું એમ નહોતો, કારણ કે ‘બોસ ઈઝ ઓલ્વેઝ રાઈટ.’ એ જે કહે તે સત્ય કમસે કમ ડ્યૂટી અવર્સમાં તો એ ખરું જ. મને અહીં બે વરસ જ થયાં હતાં જ્યારે બોસ તો જૂના છે. મારા સિવાય લગભગ સ્ટાફ જૂનો છે. જોકે આમ તો આ મારી ત્રીજી નોકરી છે. પહેલી બે શા માટે છોડી એના કારણમાં પણ આવું જ. બોસ કહે એનો વિરોધ કરવો. વિરોધ મતલબ ખોટી વાતનો. એક તો જીવ આર્ટિસ્ટનો. એટલે બંધન પોસાય નહીં. નીચી મૂંડીએ હાજી હા કરવી ગમે નહીં. તેમાંય કોઈ ભૂલ વગર કહે ત્યારે તો જીવ ઊકળી ઊઠે.પણ સત્તા આગળ શાણપણ જ કામ આવે અને સત્તા કાંઈ મારા જેવા એકલદોકલ માણસ માટે નિયમ બદલે ખરી?

જોકે મારા બોસ આમ તો સીધા માણસ છે. કંપનીને એમના પર વિશ્ર્વાસ છે. એ અહીંના હેડ છે. પાછા મારાથી મોટી ઉંમરના એટલે એ રીતે પણ મારે માનથી વાત કરવી જોઈએ. છતાં ક્યારેક વિચિત્ર વર્તન કરી બેસે છે. કોઈ ભૂલ ન હોય તોય ભૂલો શોધી બતાવે. હું કોઈ દલીલ કરું તો બમણાવેગથી ઊછળે. ક્યારેક તો હસવું દાબીને પણ વાત સાંભળવી પડે. જેમ થોડીવાર પહેલાં સાંભળી આવ્યો.
શી ખબર મારો બબૂચક મિત્ર રાવલ ક્યાં બેઠો હશે? એ રાવલ માટો બેટ્ટો બડો ઉસ્તાદ છે. મને ખબર છે એ કાંઈ કામ કરતો નથી છતાં કોઈ માનવા તૈયાર નથી કે એ કામચોર છે. એના ટેબલ પર પેપર, કંપાસ, પેન્સિલ પથરાયેલા પડ્યાં હોય. પાછો એવી ગંભીરતાથી પોતાના સાધનોને જુએ જાણે ડૉક્ટર દર્દીનું પેટ ચીરીને જોતો હોય! શી ખબર ક્યા જમાનાનો ટ્રેસર છે. હજી તો કહેતો હતો મારે ચિત્ર શિક્ષક થવું હતું. બચી ગયા બિચ્ચારા છોકરા. એ રાવલ જો ચિત્ર શિક્ષક થયો હોત હોત તો કપ, રકાબી, સાણસી અને સ્ટવ સિવાય કાંઈ દોરત જ નહીં. સાલ્લાને દર પોણા કલાકે ચા જોઈએ. બેઠો હશે પેલી ચાની લારી પાસે. પણ મનેય એ રાવર વગર ચાલતું નથી.

  • આવો ઈજનેરસાહેબ, ચા પીશોને? સોરી, આજે તો તમે ઊકળતા હશો. કાંઈ ઠંડું મગાવું બોસે બહુ ધમકાવ્યો નથીને?
  • શું યાર, વાતમાં કાંઈ માલ નહોતો ને કારણ વગર તાણીને લાંબું કર્યું. રાવલ, આ બોસ અજીબ આઈટમ છે. હું તો કંટાળી ગયો છું. નોકરી મૂકી દેવાનું મન થઈ આવ્યું આજે. તેમાંય આવી વાત ચૂંથવાની?
  • ક્યાં જઈશ જાદવ? જ્યાં જઈશ ત્યાં કોઈક બોસ હશે જ. ટેક ઈટ ઈઝી. એ ભલે ગરમ થાય આપણે નહીં થવાનું. ઊભા ઊભા જોયા કરવાનું. સાંભળવાની પિન જ કાઢી નાખવાની. શું સમજ્યો?
  • મારાથી એવું થઈ શકતું નથી. અરે! કોઈ વાંક તો હોવો જોઈએ. તું તો સવારે એની પાસે ગયો હતો. તને કાંઈ વાત કરી હતી?
  • હં… ઊભો રહે યાદ કરું. હા, યાદ આવ્યું. એણે કહ્યું કે આવતી કાલથી તારે ને મારે જ સાઈટ પર જવાનું. ત્રીજું કોઈ જ નહીં. ત્રીજું મતલબ સમજી ગયોને?
  • સમજ્યો. એને એવડી પીડા શેની છે? પેલી બિચારી એક સીધી-સાદી છોકરી છે. એના નામને લઈને આવડું કરવાની શી જરૂર હતી. શી ખબર એના મગજમાં શું ભૂત ભરાયું છે. મને કહ્યું ‘હવે મિસિસ જોષી આઉટવર્ડ-ઈનવર્ડમાં બેસશે. એ તમારી ટીમમાં નહીં હોય!
  • એ બોસ છે . એને ઠીક લાગે એમ કરે. આપણાથી શું થાય?
  • તું મારી સાથે છે કે બોસની સાથે?
  • હું તો કોઈની સાથે નથી, છતાં બધા સાથે છું. હું ને મારું કામ. જ્યાં રાવલ ત્યાં કામ, જ્યાં કામ ત્યાં રાવલ.

મને હસવું આવી ગયું. આ રાવલિયો જાણે નાટકમંડળીનો સરદાર હોય એમ બોલતો હતો. મને ખબર છે એ એક નંબરનો આળસુ છે. શી ખબર એની પાસે કઈ એવી કળા છે કે એને કોઈ કાંઈ કહેતું જ નથી. એની કામચોરી દેખાતી જ નથી. મેં ક્યારેક કલાકો નથી ગણ્યા, ઘડિયાળ સામે નથી જોયું, છતાં બોસે નહીં જેવી વાત પર લાંબુલચ્ચ ભાષણ આપી દીધું. ને મેં એવું કર્યુંય શું? આર્ટિસ્ટ છું. ગાયક ગાય, વાદક વગાડે, લેખક લખે એમ હું ચિત્રકાર છું. મેં રેખા જોષીનો સ્કેચ બનાવ્યો એમાં બોસનો એવડો વાંધો શા માટે પડ્યો?

  • શેના વિચારમાં પડી ગયો જાદવ? રેખા જોષીના?
  • સાલ્લા, તું અને બોસ બેય વિકૃત છો. પીંછામાંથી કાગડો બનાવી કાઢો છો. તમને આવા જ વિચાર કેમ આવે છે?
  • જે દેખાય એના વિચાર આવે ભાઈ.
  • શું દેખાયું તમને? રાવલ, બી સિનિયર યાર! ઈટ્સ નોટ આ જોક. હું બહારનો છું. એકલો છું. પેલી કોઈકની પત્ની છે. એના વિશે આવું વિચારવું યોગ્ય નથી. એને કેટલું દુ:ખ થશે એનો વિચાર આવે છે?

રાવલ ખડખડાટ હસી પડ્યો. આ રાવલનો બચ્ચો હસે છે ત્યારે એની આંખો મીંચાઈ જાય છે. ત્યારે એ કાંઈક વિચિત્ર લાગે છે.

  • જાદવ, તું એની કેટલી બધી ચિંતા કરે છે. તમે ખબર છે સ્ટાફમાં એનં કોઈની સાથે બનતું નથી. એ એક નંબરની મતલબી અને તુંડમિજાજી સ્ત્રી છે. નોકરી કરવી હોય તો નરમ થઈને રહેવું પડે.
    રોફ ઘરવાળા પર ચાલે, ઑફિસવાળા ઉપર નહીં. મને અહીં સાત વરસ થયા. એના લગ્ન નહોતા થયા ત્યારથી એને ઓળખું છું. શી ખબર પોતાના જાતને શુંયે સમજે છે, એ મારાથી જુનિયર છે. પાછી ક્લાર્ક ને તોય મને શીખવે!
  • રાવલ, મને ખબર નથી કે તમે રેખા જોષી ઉપર આવડી દાઝ શેની છે. પણ તું કહે છે રેખા એવી નથી. એ ખરેખર સરળ છોકરી છે. હા, એ સ્વમાની છે, કારણ વગર કોઈની મદદ ન લે, નમીને ન આવે. પણ એ તો એનો અધિકાર છે, આપણને પણ એવું હોઈ શકે. મને નવાઈ લાગે છે તમે એક નાનકડી વાતને મોટું સ્વરૂપ શા માટે આપો છો!
    રેખા આપણી જેમ અહીંની કર્મચારી છે. આપણે બધા આ કંપનીના નોકર છીએ. શી ખબર ઑફિસનું વાતાવરણ આટલું શંકાશીલ શા કારણે છે! અરે! એકવીસમી સદી ચાલી રહી છે એ તો ખબર છેને?

રાવલ મને એકધારું જોઈ રહ્યો. હું બોલ્યો એ એને ગમ્યું નહોતું.

  • જો જાદવ, હું બધાને ઓળખું છું. બોસનેય ઓળખું અને તું તો મારો મિત્ર છો. ધુમાડો ક્યારે દેખાય? ક્યાંક આગ હોય ત્યારે જને? તારે એનો સ્કેચ બનાવવાની શી જરૂર હતી? તેં એનો જ સ્કેચ શા માટે બનાવ્યો? અમે છીએ. અરે!

ઑફિસમાં બીજી સ્ત્રીઓ પણ છે. તને રૂપાળી છોકરીનો જ સ્કેચ બનાવવો હતો તો પેલું દેખાય શામળાજી. કેટલીય આદિવાસી છોકરી મળી જાત સ્કેચ બનાવવા! દોસ્ત, માઠું ન લગાડતો પણ હું ઉંમરમાં તારાથી ત્રણ વરસ મોટો છું અને તારી જેમ કુંવારો નથી. આ સોફ્ટકોર્નર છેને તે બહુ જ બારીક ચીજ છે. એનું સ્વરૂપ જલદી ઓળખી ન શકાય.

  • સોફટકોર્નરનો એક જ અર્થ આવડે છે તને?

રાવલે મોઢામાં ભરી રાખેલા માવાની પિચકારી મારી. મને ચીતરી ચડી થયું કે ઊઠી જાઉં. આ રાવલ મારો મિત્ર ન હોત તો કદાચ એને ગાળ આપી દેત. પણ હું અહીં આવ્યો છું ત્યારથી એણે મારી સંભાળ રાખી છે. એની પત્નીએ ભાઈની જેમ સાચવ્યો છે મને. રાવલ મારી બધી વાતો સ્વીકારી લે છે પણ રેખા જોષીની બાબતમાં એ કેમ આડો ફાટે છે તે સમજાતું નથી. ગઈકાલે બપોરે માઈન્સની નવી સાઈટ પર ગયેલા. મજૂરો અને ટેક્નિશિયનો પણ સાથે હતા. રેખા પણ આવેલી.

રાવલ તો હોય જ. બપોરે નમ્યા હતા. રેખાને આમ કોઈ કામ ન હતું. મારો આસિસ્ટન્ટ અને મજૂરો માર્કેશન કરતા હતા, રેખા એક ખડક પર બેઠી હતી. મોટા ગોગલ્સ અને માથા પર બાંધેલા સ્કાર્ફથી તે સુંદર લાગતી હતી. મને એની બેસવાની અદા ગમી ગઈ. મને મારી કલા અજમાવવાનું મન થયું. મેં એને અમુક રીતે બેસવાનું કહ્યું. રેખાને પણ ગમ્યું. હું એનો સ્કેચ બનાવતો રહ્યો. રાવલ અને બીજા બે-ચાર જણ ક્યારે આવીને ઊભા રહ્યા મને ખબર નહોતી. સ્કેચ ખરેખર સુંદર બન્યો હતો. રેખાએ ખુશ થતાં કહેલું: ‘આના ઉપર તમારા હસ્તાક્ષર કરી રાખજો. હું ઘેર લઈ લઈશ. એમને ખૂબ ગમશે.’ વળતી વખતે મોડું થઈ ગયેલું. હું બધું ઑફિસમાં મૂકીને ક્વોર્ટર પર ચાલ્યો ગયો હતો.

આજે મોડું ઉઠાયું. ઑફિસે પણ
મોડો આવ્યો. પણ આવતાની સાથે મેં
જોયું કે હું કોઈ નવતર પ્રાણી હોઉં તેમ
કેટલાક મને જોઈ રહ્યા હતા. થોડીવાર પછી બોસનું કહેણ આવ્યું અને બોસે શુંનું શું કરી નાખ્યું.

  • જાદવ, પાછો શેના વિચારે ચડી ગયો ભાઈ? જો એક મિત્રના નાતે સલાહ આપું છું. રેખા વિશે કોઈ સપના જોતો હોય તો ભૂલી જજે. એ સાલ્લી બહુ પાક્કી છે.
  • રાવલ, માઈન્ડ યોર લેન્ગ્વેઝ પ્લીઝ!
  • ઓ. કે. સર! પણ મિત્ર છું એટલે એટલું તો જરૂર કહીશ કે બોસને નારાજ કરવા સારું નહીં. પગાર બોસ આપે છે રેખા જોષી નહીં. હું રાવલને જોઈ રહ્યો. એ સાવ ત્રાહિતની જેમ મને જોઈ રહ્યો હતો. મને અચાનક વિચાર આવ્યો – પેલો સ્કેચ બોસના ટેબલ પર કેવી રીતે પહોંચ્યો?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button